ઉત્સવ

એસ્ટ્રોનોમર સ્પેસ સાયન્ટિસ્ટ કૃષ્ણસ્વામી કસ્તુરીરંગન

બ્રહ્માંડ દર્શન – ડૉ. જે. જે. રાવલ

કૃષ્ણસ્વામી કસ્તુરીરંગન ઈસરોના, યુ.આર.રાવ પછીના ચેરમેન હતા. તેમનો જન્મ ૨૪ ઑક્ટોબર ૧૯૪૦ના દિને થયો હતો. તેઓ ૧૯૯૪થી ૨૦૦૩, નવ વર્ષ સુધી ઈસરોના ચેરમેન હતા. તેઓ હાલમાં રાજસ્થાનની સેન્ટ્રલ યુનિવર્સિટીના ચાન્સેલર છે, નહીં કે વાઈસ-ચાન્સેલર. તેઓ NIIT યુનિવર્સિટીના પણ ચાન્સેલર છે. તેઓ નવી એજ્યુકેશન પૉલિસી (New education Policy-Nep)ની કમિટીના અધ્યક્ષ હતા, જે કમિટી એજ્યુકેશનમાં રિફોર્મ કરવાની નેશનલ કમિટી હતી. તેઓ જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના પણ ચાન્સેલર હતા. તેઓ કર્ણાટકના નોલેઝ કમિશનના પણ ચેરમેન છે. તેઓ (૨૦૦૩-૨૦૦૯) છ વર્ષ રાજ્યસભાના સભ્ય હતા. પહેલા ભારતમાં પ્લાનિંગ કમિશન હતું. કસ્તુરીરંગન સાહેબ તેના એક સભ્ય હતા. આ કમિશનના અધ્યક્ષ હંમેશાં વડા પ્રધાન જ રહેતા. મોદી સરકારે પ્લાનિંગ કમિશનને વિદાય આપી દીધી છે. (૨૦૦૪-૨૦૦૯) તેઓ બેંગલૂરુની નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ એડવાન્સ્ડ સ્ટડીના ડિરેક્ટર પણ રહી ચૂક્યા છે. તેઓને ભારત સરકારે પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મવિભૂષણથી વિભૂષિત કર્યા છે. કસ્તુરીરંગન સાહેબને ઈન્ડિયન પ્લેનેટરી સોસાયટીએ તેનો ત્રીજો બળવંતભાઈ પારેખ ગોલ્ડ મૅડલ અર્પણ કર્યો છે. તેઓ ત્યારે બોરીવલીમાં એવૉર્ડ માટે પધાર્યા હતા અને અમારા બધાની સાથે વાતચીત કરી હતી. તેઓ ઘણા વિદ્વાન પણ તદ્દન સાદા, સરળ અને અહંકાર વિનાના ભારતના સ્પેસ સાયન્ટિસ્ટ છે, તે આપણા દેશના ભાગ્ય છે. તેઓ દેશનું ગૌરવ છે અને વિવિધ રીતે દેશની સેવા કરી રહ્યા છે.

કસ્તુરીરંગન સાહેબનો જન્મ તત્કાલીન કોચીન રાજ્યમાં અર્નાકુલુમમાં થયો હતો. તેમના પિતાજીનું નામ સી.એમ. કૃષ્ણસ્વામી આયર હતું અને માતાનું સુંદર નામ વિશાલાકશી હતું. આ માતા-પિતાને ધન્ય છે જેમને આવા મહાન પુત્રને જન્મ આપ્યો. કસ્તુરીરંગન સાહેબ તાતાની એરલાઈન્સમાં સિનિયર અકાઉન્ટન્ટ ઓફિસર તરીકે કામ કરતા હતા. કસ્તુરીરંગન સાહેબે ૧૯૬૯માં Ph.D.ની ડિગ્રી મેળવી હતી. તેમની પત્નીનું નામ લક્ષ્મી હતું. તેમને બે પુત્રો છે જેમના નામો રાજેશ અને સંજય છે. તેમના પત્ની લક્ષ્મી ૧૯૯૧માં સ્વર્ગવાસ પામ્યા છે. કસ્તુરીરંગન સાહેબે તેનું ગ્રેજ્યુએશન મુંબઈની માટુંગા-દાદરની રામનારાયણ રૂઈયા કૉલેજમાં પૂર્ણ કર્યું હતું. તેઓએ M.Sc.ની ડિગ્રી યુનિવર્સિટી ઓફ બોમ્બેમાંથી લીધી હતી. તેઓએ એક્ષ્પેરીમેન્ટલ હાઈ એનર્જી એસ્ટ્રોનોમી વિષયમાં ૧૯૭૧માં Ph.D. ડિગ્રી મેળવી છે. આ સંશોધન તેમણે અમદાવાદની ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીમાં કર્યું હતું. તેમણે એસ્ટ્રોનોમી, સ્પેસ સાયન્સ અને તેની એપ્લિકેશન પર રિસર્ચ પેપર્સ પ્રકાશિત કર્યા હતાં.
કે. કસ્તુરીરંગન સાહેબ પ્રારંભે ઈસરોના સેટેલાઈટ સેન્ટરના ડિરેક્ટર હતા. તેમના માર્ગદર્શન નીચે ઈન્ડિયન નેશનલ સેટેલાઈટ-INSAT-2, ઈન્ડિયન રિમોટ સેન્સિંગ સેટેલાઈટ IRS-IA and IB અને સાયન્ટિફિક સેટેલાઈટ તૈયાર થયા હતાં. કસ્તુરીરંગન સાહેબ ભારતના પ્રથમ બે એક્સપેરિમેન્ટલ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ પ્રોજેક્ટના ડિરેક્ટર હતા.
કસ્તુરીરંગન સાહેબના નેતૃત્વમાં ઈસરોએ ઘણા મોટા માઈલસ્ટોન સર કર્યાં છે તેમાં ભારતના પોલર સેટેલાઈટ લોંચ વ્હિકલ (PSLV) અને જીયો-સીંક્રોનસ લોંચ વ્હિકલ (GSLV), એડવાન્સ્ડ વ્હિકલ GSLV, GSLV Mk iii વગેરેનો પૂર્ણ અભ્યાસ કરી તૈયાર કરવામાં આવ્યાં છે. તેમને રિમોટ સેન્સિંગ સેટેલાઈટ IRS-IC અને IRS-IDના વિકાસ માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે Insat કોમ્યુનિકેશન સેટેલાઈટની નવી પેઢીના અવતરણ માટે પણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને તેને અસ્તિત્વમાં આણી હતી. ઓસન ઓબ્ઝર્વેશન સેટેલાઈટIRS-P3 અને P4 તેમના માર્ગદર્શન નીચે પ્રગટ થયા હતાં. તેમના જ નેતૃત્વમાં ભારતે પ્લેનેટરી એકસ્પ્લોરેશન ક્ષેત્રે પ્રવેશ કર્યો હતો, કારણ કે તેઓ ખગોળવિજ્ઞાની-સ્પેસ સાયન્ટિસ્ટ છે. તેઓ ખગોળને અડ્યા વગર કેમ રહે? ચંદ્રાયન-Iનો પ્રોજેક્ટ તેમના વડપણ નીચે જ અસ્તિત્વમાં આવ્યો હતો. કસ્તુરીરંગન સાહેબે ભારતને સ્પેસ સાયન્સના બીજા દેશોની હરોળમાં મૂક્યું હતું. તે તેમની મહાન સિદ્ધિઓ હતી. જેમ પ્રોફેસર યશપાલ સાહેબ ભારતરત્નના ટાઈટલ માટે લાયક હતા પણ તેમને તે સન્માનથી નવાજવામાં આવ્યા નહોતા, પણ કસ્તુરીરંગન સાહેબ હાલમાં ભારતરત્નનું ટાઈટલ મેળવે તેવું અમે બધા વિજ્ઞાનીઓ ઈચ્છીએ છીએ. હાલ સુધીમાં વિજ્ઞાનીઓનાં આકાશમાં ડૉ. સી.વી. રામન,
એન્જિનિયર વિશ્ર્વેશ્ર્વરૈયા, C.N.R.Rao, ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામને જ ભારતરત્નના ઈલકાબથી નવાજવામાં આવ્યા છે. આપણે ઈચ્છીએ કે ભારત સરકાર કસ્તુરીરંગન સાહેબને ભારતરત્ન અર્પવાનો અવસર ચૂકે નહીં.

કસ્તુરીરંગન સાહેબને હાઈ એનર્જી X-ray એસ્ટ્રોનોમી ઓપ્ટિકલ એસ્ટ્રોનોમી અને હાઈ એનર્જી ગામા-રે એસ્ટ્રોનોમીમાં ખૂબ જ રસ છે. તેમના રિસર્ચનો વિષય જ આ ટોપીકસ હતો અને છે. તેમને ભારતની મહત્ત્વાકાંક્ષી હાઈ એનર્જી સ્પેસ ઓબ્ઝર્વેટરીના પ્રોજેક્ટને અસ્તિત્વમાં માણ્યો છે તે પણ તેમની એક વધારે મહાન સિદ્ધિ છે. તેમણે કોસ્મીક X-ray અને ગામા-રે સ્રોતના વિષયે અર્થપૂર્ણ
વિસ્તૃત યોગદાન આપ્યું છે. પૃથ્વીના નીચેના વાયુમંડળમાં કોસ્મીક X-rayની અસરો શું થાય છે તે જાણવા પ્રોજેક્ટને અસ્તિત્વમાં માણ્યો છે.

આપણા દેશના બાળકો અને યુવાનોએ કસ્તુરીરંગન સાહેબનું જીવન અને ક્વન વાંચી આત્મસાત્ કરી ભારતની સેવા માટે દૃઢ નિશ્ર્ચય કરવો જોઈએ અને તેમના રસ્તે ચાલવું જોઈએ. કસ્તુરીરંગન સાહેબ રામન રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ટ્રસ્ટ બોર્ડના સભ્ય છે, જેમ ડૉ. એચ.એન. શેઠના અમારી ઈન્ડિયન પ્લેનેટરી સોસાયટીના ટ્રસ્ટ બોર્ડના સભ્ય હતા.
કસ્તુરીરંગન સાહેબ ૨૭ યુનિવર્સિટીના માનવ ડૉક્ટોરેટ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button