ઉત્સવ

કેનવાસ: જરા ઓળખી લો, આપણા આ ખૂનખાર પાડોશી વિલનને…

-અભિમન્યુ મોદી

ભારત-પાકિસ્તાન વચ્ચેના વર્તમાન તણાવનું મુખ્ય કારણ છે જનરલ અસીમ મુનીર… પાકિસ્તાનના આ ખટપટિયા છતાં શક્તિશાળી સેનાપ્રમુખ ત્યાંની ખતરનાક જાસૂસી સંસ્થા ઈંજઈંના વડા પણ રહી ચૂકયા છે, જે ભારત માટે વધુ ચિંતાની વાત છે…

પાકિસ્તાનમાં લોકશાહી એક મોટી મજાક છે. હંમેશાં પાકિસ્તાની સેના જ એનું ધાર્યું કરતી આવી છે. ઇતિહાસ સાક્ષી છે કે જે દેશ લશ્કરી હકૂમતથી ચાલે તે દેશનું વહેલા મોડું પતન નિશ્ર્ચિત છે.

આપણા આક્રમક ‘ઑપરેશન સિંદૂર’ પછી ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ તો ક્યારનોય જાહેર થઈ ગયો છે, છતાં પણ પાકિસ્તાની સેના છાશવારે તેના તકલાદી ડ્રોન મોકલીને છમકલાં કરતી રહે છે.

આ પણ વાંચો: કેનવાસ : ટોળામાંથી ધણ થવામાં બહુ વાર લાગતી નથી! સંઘભાવનાનો જાદુ અનેરો છે

આ તણાવયુક્ત માહોલમાં અત્યારે બધાની નજર એક જ વ્યક્તિ પર છે એ છે પાકિસ્તાનના સેનાપ્રમુખ જનરલ સૈયદ અસીમ મુનીર, એ વર્તમાન પાકિસ્તાનના સૌથી શક્તિશાળી વ્યક્તિ ગણાય છે. આ જનરલ સૈયદ અસીમ મુનીર માત્ર ત્યાંના લશ્કરી વડા નથી. એ ત્યાંની ખતરનાક જાસૂસી એજન્સી ISIના કર્તાહર્તા પણ રહી ચૂકયા છે. આ વાત ભારત માટે વધુ જોખમી છે, કારણ કે એ એજન્સી જ આતંકવાદીઓની ખરી આકા છે.

જનરલ મુનીરને એમની ધાર્મિક કટ્ટરતા, લશ્કરી ચાતુર્ય અને રાજકીય દખલગીરી અને દગાખોરીએ એક વિવાદાસ્પદ પરંતુ પાકિસ્તાનના ટકી જવા માટે અનિવાર્ય એવા આદમી બન્યા છે.

જનરલ અસીમ મુનીરનો જન્મ 1968માં રાવલપિંડીના એક મધ્યમવર્ગીય પંજાબી પરિવારમાં થયો. પિતા સૈયદ સરવર મુનીર રાવલપિંડીની એફજી ટેક્નિકલ હાઈસ્કૂલના આચાર્ય હતા અને મસ્જિદ-અલ-કુરૈશના ઇમામ તરીકે પણ સેવા આપતા હતા. આ ધાર્મિક વાતાવરણને કારણે મુનીરને બાળપણથી કટ્ટર ધાર્મિકતાના ‘સંસ્કાર’ મળ્યા. એમણે પોતાનું પ્રારંભિક શિક્ષણ રાવલપિંડીની મર્કઝી મદરેસા દાર-ઉલ-તજવીદમાં લીધું, જ્યાં એમની ધાર્મિક શિક્ષા પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું. સાઉદી અરેબિયામાં લશ્કરી અટેચી તરીકે સેવા આપતી વખતે, 38 વર્ષની ઉંમરે એમણે સમગ્ર કુરાન કંઠસ્થ કરી હોવાથી તેમને ‘હાફિઝ-એ-કુરાન’નું બિરુદ મળ્યું.

આ પણ વાંચો: કેનવાસ : સ્કાઈપનું શટડાઉન ડિજિટલ યુગના એક મોટા પ્રકરણનો અંત!

અસીમ મુનીરની લશ્કરી કારકિર્દીની શરૂઆત 1986માં થઈ, જ્યારે એમણે મંગલાની ઑફિસર્સ ટ્રેનિંગ સ્કૂલ (OTS)માંથી તાલીમ લીધી અને શ્રેષ્ઠ પ્રદર્શન બદલ ‘સ્વોર્ડ ઑફ ઑનર’ મેળવ્યું. એમની લશ્કરી કરિયરની શરૂઆત પાકિસ્તાની સેનામાં 23મી ફ્રન્ટિયર ફોર્સ રેજિમેન્ટમાં થઈ અને બાદમાં એમણે સિયાચેન ગ્લેસિયર અને ઉત્તરીય વિસ્તારોમાં સેવા આપી, જેમાં પી-ઓ-કે ( પાકિસ્તાને જ્યાં કબજો જમાવ્યો છે એ કાશમીર)નો પણ સમાવેશ થાય છે.

આ જનરલ બડા અભ્યાસુ છે. લશ્કરી સેવા સાથે એમણે જાપાનની ફુજી સ્કૂલ, ક્વેટાની કમાન્ડ એન્ડ સ્ટાફ કોલેજ, મલેશિયાની આર્મ્ડ ફોર્સિસ કોલેજ અને ઇસ્લામાબાદની નેશનલ ડિફેન્સ યુનિવર્સિટીમાંથી શિક્ષણ મેળવ્યું છે. અહીં એમણે પબ્લિક પોલિસી અને સ્ટ્રેટેજિક સિક્યુરિટી મેનેજમેન્ટમાં એમફિલની ડિગ્રી હાંસલ કરી.

આ બધાને કારણે અસીમ મુનીરની કારકિર્દી અસાધારણ ઝડપે આગળ વધી. 2016માં એ ‘ડિરેક્ટર જનરલ ઑફ મિલિટરી ઇન્ટેલિજન્સ’ બન્યા અને 2018માં ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ (ISI)ના ડિરેક્ટર જનરલ તરીકે નિમણૂક પામ્યા. જો કે એમનો ISIપ્રમુખ તરીકેનો કાર્યકાળ ફક્ત આઠ મહિનાનો રહ્યો, જે પાકિસ્તાનના ઇતિહાસમાં સૌથી ટૂંકો ગણાય છે. આમ છતાં અસીમ મુનીર ISIને જેટલી નજીકથી ઓળખે છે એટલા આ અગાઉના કોઈ પણ પાકિસ્તાન લશ્કરી વડા નહોતા ઓળખતા એટલે આંતરિક ખટપટમાં એ એક્કા છે.આ જ કારણસર 2019માં તત્કાલીન વડાપ્રધાન ઇમરાન ખાને એમને હટાવી દીધા, કારણ કે ઇમરાન ખાનની પત્ની બુશરા બીબી પર મુનીરે ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા હતા. આવી બીજી બે-ત્રણ ઘટનાએ મુનીર અને ઇમરાન ખાન વચ્ચે કાયમી દુશ્મની ઊભી કરી, જે આગળ જતા ઈમરાનને પદભ્રષ્ટ કરવા માટે કારણભૂત બની.

આ પણ વાંચો: કેનવાસ : આતંકવાદ પડછાયો છે કે પ્રતિબિંબ?

2022માં જ્યારે જનરલ કમર જાવેદ બાજવા નિવૃત્ત થયા પછી અસીમ મુનીરની નિમણૂક સેનાપ્રમુખ તરીકે થઈ. આ નિર્ણય શેહબાઝ શરીફ અને નવાઝ શરીફે લીધો હતો. આ નિમણૂક ઇમરાન ખાનની ઇચ્છા વિરુદ્ધ હતી. એમની પાર્ટી, પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI)એ આ નિર્ણયનો વિરોધ કર્યો હતો. નવેમ્બર 2024માં, મુનીરનો કાર્યકાળ ત્રણથી વધારીને પાંચ વર્ષ કરવામાં આવ્યો. એનો અર્થ એ કે તેનું રાજકીય કદ વધવા લાગ્યું હતું .

પાકિસ્તાનમાં અસીમ મુનીરનું વર્ચસ્વ વધ્યા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ તીવ્ર થતો ગયો છે. 26/11ના મુંબઇ હુમલાને હજુ સુધી આપણે ભૂલી શક્યા નથી ત્યાં કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો. છવ્વીસ નિર્દોષોને આતંકીઓએ મોતને ઘાટ ઉતારી દીધા. આ હુમલો ‘લશ્કર-એ-તૈયબા’ ની આડમાં ચાલતું આતંકી ગ્રૂપ ‘ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ’ દ્વારા કરવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે.

પહલગામના હુમલાના થોડા દિવસો પહેલાં, 16 એપ્રિલે, મુનીરે ઇસ્લામાબાદમાં એક કાર્યક્રમમાં કાશ્મીરને પાકિસ્તાનની ધોરી નસ ગણાવી અને ટુ-નેશન થિયરીને પુનર્જન્મ આપતાં હિન્દુ અને મુસ્લિમો વચ્ચેના તફાવતો પર ભાર
મૂક્યો હતો.

આ પણ વાંચો: ફોકસ પ્લસ: માઉન્ટ આબુ ગ્રીષ્મ ઉત્સવ: આદિવાસી રીત-રિવાજો ને લોકરંગી પરંપરાનું ફ્યુઝન

ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરીએ જનરલ મુનીરનાં નિવેદનોને સાંપ્રદાયિક અને આતંકવાદને ઉશ્કેરનારા ગણાવ્યા. ભારતીય ગુપ્તચર એજન્સીઓ માને છે કે મુનીર 2019ના પુલવામા હુમલા (જેમાં 40 CRPF જવાનો માર્યા ગયા) અને પહલગામ હુમલા પાછળના મુખ્ય સૂત્રધાર હતા.

અસીમ મુનીરની આપખુદશાહી ફક્ત બહારના દુશ્મનો સામે જ નહીં, પરંતુ પાકિસ્તાનની સેનાની અંદર પણ વિવાદો ઉભા કરી રહી છે. પહલગામ હુમલા બાદ, સોશિયલ મીડિયા પરResignAsimMunir અને MunirOut જેવા હેશટેગ્સ ટ્રેન્ડ થયા, જેમાં પાકિસ્તાની નાગરિકો અને ઇમરાન ખાનના સમર્થકોએ મુનીરના રાજીનામાની માગણી કરી.

આ દરમિયાન CNN-News18ના એક અહેવાલ અનુસાર સેનાના કેટલાક કર્નલ, મેજર, કેપ્ટન અને સૈનિકોએ મુનીરને રાજીનામું આપવા અથવા બળવાનો સામનો કરવાની ચેતવણી આપી છે. આ જૂથે મુનીર પર રાજકીય વિરોધને દબાવવા, પત્રકારોને ચૂપ કરવા અને લોકશાહી પ્રક્રિયાઓને નબળી પાડવા માટે લશ્કરી શક્તિનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે.

આ પણ વાંચો: ફોક્સ : ક્યાં ગઇ કેનેડીની હત્યાની સાક્ષી રહસ્યમય ‘બાબુશ્કા’ લેડી..?

જોકે, 9 મે, 2025ના રોજ, કેટલાક મીડિયા અહેવાલોએ દાવો કર્યો કે અસીમ મુનીરને ‘જોઈન્ટ ચીફ્સ ઑફ સ્ટાફ કમિટી’ના અધ્યક્ષ જનરલ સાહિર શમશાદ મિર્ઝાએ અટકાયતમાં લીધા છે, અને એમનું સ્થાન પોતે લેશે….. જોકે, આ અહેવાલોની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી અને તેને અફવા જ ગણવામાં આવે છે.

આ બધા વચ્ચે, અસીમ મુનીરનો ધાર્મિક ઉત્સાહ અને ટુ-નેશન થિયરી પ્રત્યે એમની પ્રતિબદ્ધતાને લીધે લશ્કરના લોકો એમને મૌલાના જનરલ તરીકે ઓળખાવે છે. ભૂતપૂર્વ RAW અધિકારી રમનાથન કુમારે તો મુનીરને પાકિસ્તાનના પ્રથમ મુલ્લા જનરલ ગણાવ્યા છે, જે જનરલ ઝિયા-ઉલ-હકના સમયમાં સેનામાં શરૂ થયેલા ઇસ્લામીકરણની પરાકાષ્ઠા તરફ લઈ જઈ રહ્યા છે. અંગ્રેજી, ઉર્દૂ અને શાસ્ત્રીય અરબીમાં નિપુણતા ધરાવતા મુનીર પોતાનાં ભાષણોમાં કુરાનની આયતો અને ઇસ્લામી થિયોલોજીનો ઉપયોગ કરે છે. એ એક એવા લશ્કરી વડા છે જે પોતાની ધાર્મિક માન્યતા , લશ્કરી શક્તિ અને રાજકીય ચાતુર્યનું અનોખું સંયોજન કરીને ભારત-પાકિસ્તાન સંબંધોમાં નવો અધ્યાય લખવાનો પ્રયાસ કરી રહ્યા છે. …હા, એમની આક્રમક નીતિએ પાકિસ્તાનની અંદર અને બહાર નવા વિવાદ સર્જ્યા છે. એમની રાજીનામાની અફવાઓ અને આંતરિક અસંતોષ સૂચવે છે કે એમનો માર્ગ સરળ નથી, પરંતુ એમના ગુપ્તચર અને લશ્કરી અનુભવને ઓછો આંકવો ભારત માટે ભૂલભરેલો હશે.

આ પણ વાંચો: કેન્વાસ: 113 વર્ષ પહેલાં ડૂબેલી ‘ટાઇટેનિક’ શિપની વધુ ટ્રેજેડી આજે ‘તરી’ને બહાર આવી રહી છે !

પહલગામ પર આતંકી હુમલો અને આપણા ‘ઑપરેશન સિંદૂર’ ના પ્રહાર પછી બંને દેશ વચ્ચે જ્યાં સુધી તણાવભર્યો માહોલ રહેશે ત્યાં સુધી અસીમ મુનીરની દરેક ચાલ, એમના દરેક નિવેદન અને એમના દરેક નિર્ણય પર વિશ્વની નજર રહેશે. હવે જોવાનું એ રહે છે કે જનરલ સૈયદ અસીમ મુનીર પાકિસ્તાનને એકસૂત્રતામાં બાંધી શકશે કે પછી એમની ખટપટભરી નીતિ-રીતિ એમના દેશને વધુ અરાજકતા તરફ ધકેલશે?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button