ઉત્સવ

રાજકીય સમીકરણો બદલાતા હવે આર્થિક સમીકરણો બદલાઈ શકે

નવી સરકાર સામે પડકારો નવા સ્વરૂપે આવશે. અનેક ક્ષેત્રે સાહસિક સુધારા કઠિન બની શકે. આર્થિક વિકાસની ગતિ ધીમી પડી શકે… શું હશે હવે આગામી સિનારિયો એ જાણવો જરૂરી છે

ઈકો સ્પેશિયલ -જયેશ ચિતલિયા

મોદી સરકાર સામે ‘નવા પડકાર’ શબ્દો અજાણ્યા નથી. દસ વર્ષ પહેલાં મોદી સરકારે શાસન સંભાળ્યું ત્યારથી એ અનેકવિધ પડકારોનો સામનો કરી રહી છે. આ દરમિયાન, સતત સક્રિય રહી દેશને એક નવી ગરિમા-વિકાસની નવી ઊંચાઈ અપાવી એ હકીકત છે.

આમ છતાં, મોદી સરકારને પોતે ટેકા વિનાની સરકાર બનાવી શકે એવી બહુમતી નથી મળી એ વરવી વાસ્તવિકતા પણ છે. આ સંજોગોમાં
અહીં રાજકીય વિશ્ર્લેષણ કરવાની સાથે તેનું આર્થિક વિશ્ર્લેષણ પણ કરવું જરૂરી છે.

વિવિધ સ્તરે પડકાર વધશે…
હવે ભલે મોદીના જ નેતૃત્વ હેઠળ નવી સરકાર રચાઈ તેની સામે પડકારો વધશે, પરંતુ એ પડકારોને પહોંચી વળવા નવી સરકાર માટે અગાઉ જેટલું સરળ નહીં રહે. સુધારાની ક્રિયા-પ્રક્રિયામાં ઘણાં અવરોધ ઊભા થશે તેમ જ તેની અસર રૂપે મહત્ત્વના આર્થિક નિર્ણયો લેવામાં અથવા અમલમાં મૂકવામાં વિલંબ થઈ શકે છે.

દસ વરસની દોટ હવે પછી ધીમી પડશે તો મોદી સરકાર કરતાં વધુ નુકસાન દેશને થશે. ભારતને ત્રીજા ક્રમનું અર્થતંત્ર બનાવવામાં, ૨૦૪૭ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવાનું લક્ષ્ય લંબાઈ જઈ શકે. દેશના જ લોકોનું હિત હોવા છતાં આ કાર્ય વિલંબમાં પડી શકે છે.

આ ચિંતા પણ વ્યાજબી છે…
વિદેશી ખાતાના પ્રધાન જયશંકરે તાજેતરમાં એક મહત્ત્વનું નિવેદન કર્યું હતું, જેમાં એમણે કહ્યું કે આપણા દેશમાં વિકાસના વિવિધ તબક્કા છે. અગાઉ રોટી-કપડાં-મકાનની વાતો હતી, જે હવે વીજળી-પર્યાવરણ-એનર્જી અને અઈં વગેરેના મુદ્દા સામે આવી ગયા છે.

આ બધાંના ઉપાય કરવા માટે સરકાર સામે આગામી પાંચ વરસ કપરાં રહેશે. એશિયા તેમ જ ગ્લોબલ સ્તરે ટેન્શન, આતંકવાદ, કલાઈમેટ, યુદ્ધ, વગેરે સમસ્યા સતત ઊભી જ છે ત્યારે આપણા દેશની વાત કરીએ તો આ વરસોમાં ભારતને આગળ લઈ જવા તેનું મજબૂત હાથોમાં હોવું

અનિવાર્ય છે. આમાં સમર્થ શાસક પક્ષ જોઈએ- કોણે અત્યારસુધીમાં ડિલિવર શું કર્યું છે એ જોવું જોઈએ. ખરેખર દેશ કોના પર ભરોસા કરી શકે એમ છે? આ મોટો સવાલ છે. હવે સત્તા સામે પડકારો વધશે તેમ જ નવા ઉમેરાશે.

કયા કામ પાર પાડવાના છે?
જો કે મોદી સરકારે પોતાનો આ પાંચ વરસનો એજન્ડા આગળ વધારવા જે કામ કરવાના છે તેની ઝલક જોઈએ તો આર્થિક ક્ષેત્રે હજુ ઘણું કામ થવાનું છે. ઉત્પાદન ક્ષેત્રને વેગ આપવા પીએલઆઈ (પ્રોડકશન લિન્કડ ઈન્સેન્ટિવ્સ) નો વિસ્તાર વધારવો જોઈશે.

ભારતને મેન્યુફેકચરિંગ હબ બનાવવું એ બહુ મોટો પડકાર છે. મોદી સરકારે મૂડીખર્ચ પર જોર આપી ઈન્ફ્રાસ્ટ્રકચરને વેગ આપવાની પણ જરૂર રહેશે, જીએસટીના સુધારા અને જમીનના સોદાઓનું ડિજિટાઈઝેશન, ઈલેક્ટ્રિક વાહનો પર ફોકસ, ટૂરિઝમને પ્રોત્સાહન, કામદાર કાયદાના
સુધારા, એમએસએમઈને પ્રોત્સાહન પણ સરકારની અગ્રતાની યાદીમાં
હશે.

આ પાંચ વરસમાં જે ખાસ એક કાર્ય પાર પાડવાનું લક્ષ્ય છે તે છે વિવિધ દેશ સાથે ભારતીય રૂપિયામાં વેપાર વ્યવહાર કરવાનું ગોઠવણ રિઝર્વ બેંક આ વિશે સક્રિય છે. ગિફટ સિટી પર વધુ ફોકસ અને રોજગાર સર્જન-સ્ટાર્ટઅપ્સના પ્રોત્સાહનને પણ વેગ આપવાનો છે. ભારતને રૂફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઈકોનોમી’ તરીકે ચાલુ રાખવા સરકારે આ દિશામાં પગલાં ભરવાના જ રહેશે.

તાજેતરનાં જીડીપીના ઊંચા દરના આંકડા આના સમર્થનમાં હાજર

છે. ફિસ્કલ સુધારા બાબતે મોદી સરકાર સમય-સંજોગ મુજબ શિસ્ત જાળવવાનો પ્રયાસ કરે છે. હજી ગયા મહિને જ રિઝર્વ બેંકે રૂ. બે
લાખ કરોડની ડિવિડંડ ભેટ આપીને તેને આ મામલે રાહત સાથે મોટો ટેકો આપ્યો છે.

સિંગલ પાર્ટી સરકારનો યુગ પૂર્ણ ?
આ બધા વચ્ચે એક મહત્ત્વનું નિરીક્ષણ એ છે કે એક દાયકા બાદ ભારતીય રાજકારણમાં સિંગલ પાર્ટી સરકારનો યુગ પૂરો થયો હોવાનું જણાય છે, હવે પછી કોલિશન (જોડાણવાળી) સરકારનો સમય શરૂ થશે. વર્તમાન એનડીએ સરકારમાં પણ તેની અસર દેખાશે. તેને બોલ્ડ રિફોર્મ્સ કરવા માટે સાથી પક્ષોની સહમતી લેવી પડશે, તેમને આ પક્ષોને ચોક્કસ મહત્ત્વના પોર્ટફોલિયો પણ આપવાના થશે.

આ ઉપરાંત, ઈન્ફ્રાસ્ટ્રકચર અને વિકાસ પાછળ વધુ નાણાં ખર્ચવા કરતાં સામાજિક યોજના પર વધુ નાણાં ખર્ચ કરવાની નોબત આવી શકે,
જાહેર ક્ષેત્રની કંપનીઓના ડિસઈન્વેસ્ટમેન્ટ લંબાઈ શકે, પરિણામે
સરકારને ઈન્ફ્રાસ્ટ્રકચર માટે ફંડની શોર્ટેજ રહી શકે. જે જોર અને ભારપૂર્વક અગાઉની બે ટર્મમાં મોદી સરકાર દૃઢ નિર્ણયો લઈ શકતી હતી તે હવે સરળ નહીં રહે. નવી સરકારે સાથે સંકળાયેલી બંને મોટા પક્ષની સંમતિ મેળવવી પડશે. મોટા ભંડોળના કમિટમેન્ટ કરતા પૂર્વે પણ આવી સંમતિ જરૂરી
બની શકે.

ટૂંકમાં, ચંદ્રાબાબુ નાયડુ અને નીતીશકુમાર કેવો સાથ-સપોર્ટ આપે છે તેના પર પણ સરકારના આગામી મોટા અને હિંમતભર્યા નિર્ણયોનો આધાર રહેશે.

અલબત્ત, રાજકીય સમીકરણો બદલાતા હવે પછી આર્થિક સમીકરણો પણ કંઈક અંશે બદલાઈ શકે. આમ ભાજપે હવે પછી સતત સાવચેત રહેવું પડશે.. તેણે પોતાનાં લક્ષ્યોમાં ફેરફાર યા સમાધાન કરવાની તૈયારી પણ રાખવી પડશે…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button