ઉત્સવ

માણસ પાસે સમૃદ્ધિ જેમ વધેતેમ તેનામાં કરુણા ઘટે

મોર્નિંગ મ્યૂસિંગ -રાજ ગોસ્વામી

૧૧,૦૦૦ કરોડનું માર્કેટ કેપિટલાઈઝેશન ધરાવતી ટેક્સટાઇલ કંપની રેમન્ડના પરિવારમાં નવો ઝઘડો બહાર આવ્યો છે. કંપનીના ૫૮ વર્ષીય વર્તમાન ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ગૌતમ સિંઘાણીયા અને તેમની ૫૩ વર્ષીય પત્ની નવાજ મોદી વચ્ચે અણબનાવ અને હવે સંપત્તિને લઈને તકરાર ઉભી થઇ છે (નવાજે સંપત્તિમાં ૭૫ પ્રતિશત ભાગ માગ્યો છે). પત્નીએ સિંઘાણીયા પર મારપીટનો અને ઘરમાંથી કાઢી મૂક્યાનો આરોપ મૂક્યો છે.

સંપત્તિ અને કંપનીની માલિકીના મામલે અગાઉ ગૌતમ સિંઘાણીયાની જોરજબરદસ્તીનો ભોગ બની ચુકેલા પિતા અને રેમન્ડ જૂથના સ્થાપક વિજયપત સિંઘાણીયા પણ પુત્રવધૂના સમર્થનમાં બહાર આવ્યા છે. તેમણે એક ઇન્ટરવ્યૂમાં, તેમની વિરાસત પુત્રને આપવાના નિર્ણય બદલ પસ્તાવો વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે કંપનીનું સુકાન ગૌતમને સોંપ્યું એ તેમની સૌથી મોટી ભૂલ હતી. સિનિયર સિંઘાણીયાનો આરોપ છે કે તે પછી દીકરાએ તેમને કંપની અને ઘર બંનેમાંથી કાઢી મૂક્યા છે અને હવે પત્ની સાથે પણ એવું જ કર્યું છે.

અમીર પરિવારોના ઝઘડા પણ ‘અમીર’ હોય છે અને એમાં કોણ સાચું અને કોણ ખોટું તેના તારણ પર આવવું અઘરું હોય છે, પણ એક આમ ધારણા બહુ પ્રચલિત છે કે સામાન્ય લોકો પારિવારિક વિવાદો જેટલી સરળતાથી ઉકેલી શકે છે, અમીર લોકોની મડાગાંઠો વધુ જટિલ હોય છે. એનું કારણ પૈસો હશે? આપણે ત્યાં લોકો કહેતાં હોય છે કે માણસ અમીરીમાં છકી જાય છે. આ સાચું છે? તર્કથી સમજીએ.

તમને એવું પૂછવામાં આવે કે સૌથી વધુ જૂઠું કોણ બોલે, છેતરપિંડી કોણ કરે, ચોરી કોણ કરે-ગરીબ વ્યક્તિ કે સમૃદ્ધ વ્યક્તિ? તો તમારો સહજ જવાબ એવો હશે કે સમૃદ્ધ વ્યક્તિ ન્યાયી વર્તન કરે તેવી સંભવાના વધુ છે, કારણ કે જેની પાસે બધું જ હોય તે બીજાનો વિચાર કરે, પોતાનો નહીં. ઊંધું છે: વ્યક્તિ જેમ જેમ સમૃદ્ધિની સીડી ચઢતો જાય, તેમ તેમ તેની અંદર બીજા માટેની કરુણા ઘટતી જાય.

અમેરિકાની નેશનલ એકેડમી ઓફ સાયન્સીઝના સમીક્ષા જર્નલમાં પ્રગટ એક અભ્યાસમાં એવું તારણ આપવામાં આવ્યું હતું કે જેની પાસે સમૃદ્ધિ, પ્રતિષ્ઠા અને શિક્ષણ જેવા સામાજિક પ્રભાવ હોય, તેઓ બીજા લોકોની ભાવનાઓની દરકાર ઓછી કરે છે. મનોવૈજ્ઞાનિકો આવી બાબતોનો અભ્યાસ કરવા માટે રોજીંદા જીવનની ઘટનાઓનું નિરીક્ષણ કરતા હોય છે.

તમને ટ્રાફિકમાં બે નોંધપાત્ર બાબતો જોવા મળશે. લક્ઝરી કારના માલિકને આગળ નીકળી જવાની સૌથી વધુ ઉતાવળ હશે અને એમાં તે સાધારણ વાહનચાલકોની સંપૂર્ણ અવગણના કરશે. એવી જ રીતે, સિગ્નલ કે ટોલ પ્લાઝા પર ભિક્ષુક લોકો સાથેના વ્યવહારને નોંધશો. ભિક્ષુક જો કોઈ સાધારણ વાહન માલિક પાસે જઈને હાથ લાંબો કરશે, તો એવી શક્યતા સૌથી વધુ છે કે તેને પાંચ-દસ રૂપિયા મળી જાય. એ જ ભિક્ષુક કોઈ લક્ઝરી કાર પાસે જઈને ટકોરા મારે, તો એવી શક્યતા સૌથી વધુ છે કે વાહન માલિક, પૈસા આપવાની તો દુરની વાત છે, તેને હડધૂત કરીને ભગાડી મૂકે.

આવું તમને અન્ય પ્રસંગોએ પણ જોવા મળશે. એકટર શાહરુખ ખાને એકવાર કહ્યું હતું કે, જે માણસ વેઈટર સાથે સભ્યતાથી ન વર્તે તે માણસ સભ્ય નથી. હોટેલ કે રેસ્ટોરન્ટમાં એક વેઈટર સાથે અમીર માણસનો વ્યવહાર એક સાધારણ માણસની સરખામણીએ રુક્ષ હોય છે. એવું જ ચોકીદાર સાથે થાય છે. વ્યક્તિ તેની સામાજિક હેસિયતથી સમાન હોય, ઉપર હોય કે નીચે હોય તેની સાથે કેવી રીતે વ્યવહાર કરે છે તે નોંધજો. તમને ખ્યાલ આવશે કે જે લોકો પ્રતિષ્ઠા કે પૈસામાં ઉપર હશે તેમનામાં ઉદારતા ઓછી હશે.

માત્ર સામાજિક સમાનતા કે અસમાનતાની વાત નથી. વાત સમૃદ્ધિ વ્યક્તિને કેવી રીતે પ્રભાવિત કરે છે તેની છે. પૈસો માણસને બદલી નાખતો નથી. પૈસો માણસના અસલી ચારિત્ર્યને બહાર લાવે છે. જે માણસમાં સહાનુભૂતિ હશે, તે માણસ અમીર બનીને વધુ સહાનુભૂતિ વાળો બની જશે અને જે માણસ સ્વાર્થી હશે, તે વધુ સ્વાર્થી બની જશે.

આપણે ત્યાં કહેવાય છે કે ‘પૈસો હાથનો મેલ છે.’ આ કહેવત ખોટી છે. દુષ્ટતા પૈસામાં નથી, પૈસો જેના હાથમાં છે તેની છે. વાસ્તવમાં, પૈસો નીતિહીન છે- એ ન તો અનૈતિક છે કે ન તો નૈતિક. તે નીતિહીન છે એટલે તેનો અર્થ એ થયો કે તે વ્યક્તિમાં જે પણ ગુણ હોય, તેને ધારણ કરે છે. અર્થાત, એક સદાચારીના હાથમાં પૈસો ઇષ્ટ બનશે અને એક ભ્રષ્ટાચારીના હાથમાં પૈસો અનિષ્ટ બનશે. એવી જ રીતે, નૈતિક માણસ નૈતિક રીતે પૈસો બનાવશે અને અનૈતિક લોકો અનૈતિક રીતે.

ઋષિકેશ મુખર્જીની ફિલ્મ ‘અનાડી’માં આ જ વાત નૈતિકતા અને અનૈતિકતા બંનેના ઉદાહરણથી સમજાવવામાં આવી હતી. ફિલ્મનો હીરો રાજકુમાર (રાજ કપૂર) એક પ્રમાણિક યુવાન છે. તે શહેરમાં રોજી-રોટી માટે સંઘર્ષ કરી રહ્યો છે. એક દિવસ તેને રસ્તામાંથી પૈસા ભરેલું એક પાકીટ મળે છે. એ પાકીટ શહેરના અમીર શેઠ રામનાથનું છે.

રાજ એ પાકીટ શેઠને પહોંચાડે છે. રામનાથ તેની પ્રમાણિકતાથી ખુશ થઇ જાય છે, અને રાત્રે તેને પાર્ટીમાં સાથે લઇ જાય છે. પાર્ટીમાં ભેગા થયેલા શહેરના ધનવાન લોકોને પહેલી વાર જોઇને અચંબિત થઇ ગયેલો રાજ શેઠ રામનાથને પૂછે છે, “યે લોગ કૌન હૈ? ત્યારે રામનાથ માર્મિક રીતે જવાબ આપે છે, ” યે વો લોગ હૈ, જીન્હોને બટવે વાપીસ નહીં કીયે થે.

સવાલ એ છે કે પૈસા આવી જવાથી માણસનો આચાર-વિચાર કેમ બદલાઈ જાય છે? આમ જોવા જઈએ તો જેની પાસે સંસાધનો ઓછાં હોય, તે સ્વાર્થી હોવા જોઈએ અને જેની પાસે બહુ સંસાધનો છે તે ઉદાર હોવા જોઈએ. ફિલ્મનું જ ઉદાહરણ લઇ તો, હીરો રાજકુમાર એટલો ગરીબ છે કે તે પૈસા ભરેલું પાકીટ પોતાની પાસે રાખી લે તો કોઈને આશ્ચર્ય થવું ન જોઈએ. પરંતુ, શેઠ રામનાથ ગવાહી આપે છે તે પ્રમાણે, જેને પૈસાની જરૂર નથી તેમણે બીજાઓના પૈસા મારી લીધા છે.

કદાચ તેમાં પૈસા હોવા કે ન હોવાનો મામલો નથી. મનોવિજ્ઞાનિકો કહે છે કે સમૃદ્ધિ માણસને સાચા-ખોટા, નીતિ-અનીતિ કે યોગ્ય-અયોગ્યની દુવિધામાંથી આઝાદ કરે છે. સમૃદ્ધિ માણસને બીજી વ્યક્તિ પરની નિર્ભરતામાંથી પણ મુક્ત કરે છે. સમૃદ્ધિ વ્યક્તિને સ્વતંત્રતાનો અહેસાસ કરાવે છે- હું કંઈ પણ કરી શકું છું અને મને કોઈની જરૂર નથી. એટલા માટે “પૈસો હાથનો મેલ છે, તે ગરીબોની કહેવત છે, પણ પૈસો જ પરમેશ્વર છે તે અમીરોની કહેવત છે.

બીજી રીતે સમજીએ.

એક ગુંડો જ્યાં સુધી પહેલું ખૂન ન કરે, ત્યાં સુધી તેનામાં ખચકાટ હોય છે, પણ બીજા ખૂનથી એ ખચકાટ દૂર થવાની પ્રક્રિયા શરુ થાય છે અને પાંચ-પંદર ખૂન સુધીમાં તો તે તે સંપૂર્ણપણે નિર્મમ થઇ ચુક્યો હોય છે. અમિતાભ બચ્ચનની ફિલ્મ અગ્નિપથમાં રોહિણી હતંગડીનો એક સંવાદ છે;

“ઇન્સાન ભી પહેલે જાનવર થા, સદિયાં લગી ઉસે જાનવર સે ઇન્સાન બનને મેં…લેકિન તુજે ઇન્સાન સે જાનવર બનને મેં જરા ભી વક્ત ન લગા.

સમૃદ્ધિની સ્વતંત્રતાનું પણ એવું છે. એકવાર માણસ એની સારા-ખોટાની દુવિધામાંથી અને મને બીજા લોકોની જરૂર પડશે તે ભાવનામાંથી મુક્ત થઇ જાય, પછી તેને નિર્મમ બનતાં વાર લાગતી નથી.

સહાનુભૂતિ અથવા સંવેદના એટલે દુનિયાને બીજા લોકોની દૃષ્ટિએ જોવાની ક્ષમતા. તે ક્ષમતા બીજાનાં દુ:ખ-દર્દ માટે કરુણા પેદા કરે છે. તેના કારણે આપણે આજુબાજુના લોકો સાથે લગાવ અનુભવીએ છીએ. આ આપણા મગજની એક ન્યુરલ પ્રક્રિયા છે. અમુક અભ્યાસ કહે છે કે વ્યક્તિમાં એકવાર આર્થિક કે સામાજિક શક્તિ આવી જાય, ત્યારે તેની આ ન્યુરલ પ્રક્રિયામાં પરિવર્તન થાય છે અને તેનામાં સંવેદના ઘટે છે. બીજા પર આપણી નિર્ભરતા હોય, ત્યાં સુધી આપણામાં તેના માટે કરુણા હોય. એ નિર્ભરતા ખતમ થાય, તો કરુણા પણ ખતમ થાય.

એ રીતે, વિજયપત સિંઘાણીયા સાચા છે. દીકરાને બધું આપી ના દીધું હોત, તો થોડી કરુણા બચી હોત.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા