ઉત્સવ

આર્યાવર્ત એટલે કે ભારતને ત્રેતાયુગ બાદ કળયુગમાં નવોનકોર પડીકાપેક રાવણ મળી ગયો!

વ્યંગ -ભરત વૈષ્ણવ

“મળી ગયો, મળી ગયો, મળી ગયો રાજુ હર્ષોદ્ગાર અને હર્ષોલ્લાસ સાથે મારા ઘરમાં ક્રિકેટ વર્લ્ડ કપ ચેન્પિયનની જેમ ઉન્મત અને ગર્વિષ્ટ ચાલે કૂચ કરતો કરતો આવ્યો.બે આંગળીથી વી ફોર વિકટરીની મુદ્રા કરે.હવામાં હાથ વીંઝે! આર્કીમિડિઝે બાથરૂમમાં સ્નાન કરતા કરતા અનાયાસ અને અનાયામ તરતા પદાર્થનો નિયમની શોધ કરેલ. રાજાને શોધની જાણ કરવા યુરેકા , યુરેકા, યુરેકા બોલતા બોલતા આદિમ અવસ્થામાં મહેલમાં ઘુસેલ. રાજાએ આર્કીમિડિઝને સમ ખાવા જેટલાં વસ્ત્રો પહેરીને આવવા કહ્યું હતું. જો કે, રાજુ રદ્દીએ કોઇ હોટ મોડેલ કે હિરોઇનની જેમ સમ ખાવા પૂરતા કપડા (જે તથાકથિત વસ્ત્રો આમ ભાષામાં લીરા કહેવાય!)નહીં પણ પૂરા કપડાં ધારણ કરેલ હતા! (સંત આશારામ તરીકે ઓળખાતા અને જોધપુરની જેલમાં ગરમાગરમ હવા ખાતા અને વારંવાર અરજી કરવા છતાં જામીન ન મળવાના લીધે નિરાશારામ બની ગયા છે! સિદ્ધપુરમાં સરસ્વતી નદીમાં નર્મદા નહેરના ભાડૂતી પાણી નાખીને વધામણા કરવા યોજાયેલ કાર્યક્રમમાં સાહેબને ભેટીને મને મારો શિવા મળી ગયો તેવા સમર્થ સ્વામી જેવો આનંદોદ્ગાર આશારામે કરેલો. અલબત, શિવાએ પીઠ ફેરવી નિરાશારામનું દિલ તોડી નાખેલ એ વાત અલગ છે. પરિણામે નિરાશારામ ગીતકાર મસરૂર અન્વયરે લખેલ અને ગુલામ અલીએ ગાયેલ ગઝલ ‘હમ કો કિસ કે ગમ ને મારા યહ કહાની ફિર સહી, કિસને તોડા દિલ હમારા, યહ કહાની ફિર સહી’ ગાતા ફરે છે એ વાત અલગ છે!)
“રાજુ કોણ મળી ગયો? આપણને સસરો મળી ગયો? મેં રાજુને પૂછ્યું
“ગિરધરભાઇ. બધામાં આપણે? દૂધપાકના મારા તપેલામાં શેનો કડછો મારો છો? રાધારાણીભાભી જાણશે તો વગર સાબુ-પાવડરે ધોઇ નાખશે! કોઇએ ખરું કહ્યું છે કે વાંદરો ઘરડો થાય પણ ગુલાંટ ન ભૂલે! રાજુએ મને પાણીથી પાતળો કરી નાંખ્યો.

“રાજુ તને કોણ મળી ગયું તે આટલો ખુશ છે? બખડજંતર ચેનલના બોસ બાબુલાલ બબુચક બે આંકડાનું દિવાળી બોનસ આપવાના છે? મેં રાજુને સવાલ કર્યો.

“ગિરધરભાઇ. જે માણસ ચાના કપમાં માખી પડે તો ચા ઢોળવાના બદલે કપમાં પડેલ માખીને ચૂસી લઇ ચા ગટગટાવી જતો તે માણસ બે આંકડા તો શું એક આંકડાનું ભીખનુમા બોનસ પણ ન આપે! રાજુએ ભારોભાર નારાજગી વ્યક્ત કરી!

“રાજુ. હવે તું જ પેપર ફોડ. હું અનુમાન કરીને થાકયો. મેં સરકારની માફક સંધિનું શ્ર્વેતપત્ર બહાર પાડ્યું.

“ગિરધરભાઇ દેશને નવો રાવણ (ખબરદાર જો કોઇએ મનમાં સાહેબનું નામ સુધ્ધાં લીધું છે કે સાહેબ તરફ આશાભરી નજરે જોયું છે તો! સાહેબ વિનમ્ર, વિવેકી, વિનીત છે. વિપક્ષના ગઠબંધન ઇન્ડિયા જેપાન ઘમંડીયા નથી! અહંકાર એ ઘમંડ ન કહેવાય. તેને સ્વૈગ કહેવાય!) મળી ગયો. આપણે જૂના રાવણથી કંટાળેલા હતા. નવા રાવણથી દેશ ઉત્સાહી, સ્ફૂર્તિમય અને ચારસો ચાલીસ વોલ્ટના ઝટકા જેવો ઊર્જાનય બનશે! રાજુએ નવા રાવણનો તારાંકિત પ્રશ્ર્નની જેમ જવાબ આપ્યો.

“રાજુ અસલી રાવણ તો આપણે જોયો નથી. માત્ર ધર્મગ્રંથોમાં વર્ણન અને રાજા રવિ વર્મા કે અન્ય ચિત્રકારોએ આલેખેલ ચિત્રો જોયાં છે. રામનું મહાત્મ્ય રાવણને લીધે છે! રાવણને દસ આનન હતા કે તે આનુવંશ શાસ્ત્રનો વિષય છે. રાવણને દશાનન કહે છે. અલબત, રાવણને વીસ હાથ કે વીસ પગ કેમ ન હતા તે પણ સંશોધનનો વિષય છે! રાવણ મહાવિદ્વાન હતો. શિવતાંડવ સ્તોત્રની રચના કરી હતી. પ્રચંડ પુરૂષાર્થથી જગતાધિપતિ બનેલો. તમને મને અને સૌને રંજાડતા શનિ, રાહુ, ગુરૂ, કેતુ, મંગળ જેવા ગ્રહો રાવણના ઘરે પાણી ભરતા હતા!! રાવણની ભ્રકુટિવિલાસને ધ્યાનથી નિહાળતા હતા. રાવણના દાસ એવા ગ્રહો વિનિતભાવે મૂંડી નીચે રાખીને સભામાં ખડેપગે રહેતા હતા!!રાવણે દેહ ત્યાગ પછી પણ આપણી સ્મૃતિનાં અમર છે. કોઇના અભિમાન માટે રાવણ સાથે તુલના કરવામાં આવે છે!!અભિમાન રાવણનું ટક્યું નથી તો તમારું કયાંથી ટકશે તેવો ઉપાલંભ પણ આપવામાં આવે છે!! રાવણને દુષ્ટતાનું પ્રતીક માની દર વરસે દશેરાના દિવસે પૂતળાનો અગ્નિસંસ્કાર કરવામાં આવે છે! મેં રાવણાયણનું પઠન કર્યું!

“ગિરધરભાઇ. રામાનંદ સાગરની બ્લોક બસ્ટર રામાયણ અરવિંદ ત્રિવેદીએ લંકેશ ઉર્ફે રાવણની દમદાર, જાનદાર, અસરદાર ભૂમિકા ભજવીને રાવણને સ્વયંને જીવતો કરેલ. તેમાં પણ ચોક્કસ ટોનમાં શ્રી મત કહો સંવાદ આજે પણ કાનમાં ગુંજે છે! રાજુએ કહ્યું.

“રાજુ અરવિંદ ત્રિવેદી સિવાય અનેક દિગ્ગજોએ રાવણને પરદે મૂર્તિમંત કરેલ છે. ચંદ્રાબાબુ નાયડુના સસરા અને અખંડ આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એનટી રામારાવે ૧૯૫૦માં આવેલ ભૂખેલસ (ઇવજ્ઞજ્ઞસફહફત) ફિલ્મમાં રાવણનો રોલ કરેલ! ૧૯૫૮માં રજૂ થયેલ સંપૂર્ણ રામાયણમાં રામ ભગવાનનો રોલ કરેલ. આમ, માણસમાં રામ અને રાવણ એકસાથે વસે છે એમ સાબિત કરેલ. ડૉ. જેકિલ અને મિસ્ટર હાઇડ જેવું જ સ્તો વળી! આ સિવાય કેજીએફ ફેઇમ યશ નામના એકટરે રણબીર કપૂર અભિનીત રામાયણ નામની ફિલ્મમાં રાવણનો રોલ કરવાનો ઇન્કાર કર્યો છે. કેમ કે, તેનાથી ફેન્સને નેગેટિવ મેસેજ મળશે !! અભિનેતા આર્ય બબ્બરે મહાબલી હનુમાન સિરિયલમાં રાવણનો રોલ કરેલ. સાઉથની ૧૩ ફિલ્મોમાં વિલનનો રોલ કરનાર અભિનેતા કાર્તિક જયરામે સ્ટાર પ્લસની સિયા કે રામ સિરિયલ, અભિનેતા આર્ય બબ્બરે સંકટ મોચન મહાબલી હનુમાન સિરિયલમાં, સચિન ત્યાગીએ રામાયણ સિરિયલમાં, દેવો કે મહાદેવ સિરિયલમાં તરૂણ ખન્ના, મહાભારત સિરિયલના દુર્યોઘન અને કૂલી ફિલ્મમાં અમિતાભની જીવલેણ ઇજાનું નિમિત્તમાત્ર એવા પુનિત ઇસ્સારે પણ રાવણ કી રામાયણમાં, દિલ્હીમાં દર વરસે યોજાતી રામલીલામાં મુકેશ ઋષિએ, મોડર્ન રાવણ ફિલ્મમાં અભિષેક બચ્ચને, અર્જુન રામપાલે રાવણ ફિલ્મમાં,અખિલેશ મિશ્રાએ, અમરિશ પુરીએ ૧૯૮૨માં બનેલ એનિમેટેડ રામાયણ ફિલ્મમાં, પારસ છાપરાએ વિઘ્નહર્તા ગણેશ સિરિયલમાં, આશુતોષ રાણાએ રામાયણ એપિકમાં એનિમેશન વર્ઝન, વર્સેટાઇલ એકટર ઇરફાન ખાને રોહિત શેટ્ટીની સન્ડે ફિલ્મમાં, ટશન ફિલ્મમાં ખતરો કે ખિલાડી અક્ષય કુમાર અને આદિપુરૂષમાં સૈફ અલી ખાને રાવણનો રોલ ભજવેલ હતો! મેં રાવણનો કિરદાર કરેલ અભિનેતાની યાદી રજૂ કરી!

“ગિરઘરભાઇ નવો રાવણ નથી, અભિનેતા પણ નથી, છતાં પણ રાવણ છે. એક પાર્ટીએ તેના ટ્વિટર હેન્ડલ પર રાગા ઉર્ફે રાહુલ ગાંધીને નૂતન રાવણાવતાર ડીકલેર કરેલ છે! ફિલ્મના પોસ્ટર જેવી આ ઇમેજ શેર કરવામાં આવી હતી, જેની કેપ્શનમાં લખવામાં આવ્યું હતું કે રાવણ, કૉંન્ગ્રેસ પાર્ટી પ્રોડક્શન, ડિરેક્ટેડ બાય જ્યોર્જ સોરોસ. આ પોસ્ટરના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે નવા યુગનો રાવણ અહીં છે. ધર્મના વિરોધી. તેનો ઉદ્દેશ્ય ભારતને નષ્ટ કરવાનો છે. વાસ્તવમાં સાહેબના પક્ષના નેતાનું આવું પોસ્ટર મુકયું હોત તો ઇસ્લામની જેમ સનાતન ધર્મ કથિત રીતે ખતરામાં આવી જતે. સાહેબની ટીકા એ ભારતનું અપમાન ગણાય છે. રાગાનું અપમાન એ કોરોનાના ટીકાકરણ છે? રાજુએ ક્રુદ્ધ થઇ પૂછયું!

“વ્હોટ? વ્હોટ? વ્હોટ ? વોટ માટે ગમે તે કરવાનું? રાહુલ ગાંધી કોઇ એંગલથી રાવણ લાગે છે? મેં આશ્ર્ચર્યાઘાત વ્યક્ત કર્યો!

“ગિરધરભાઇ. આમ, તો ભારતની એકસો ચાલીસ કરોડ જનતા નાનીમોટી સાઇઝના રાવણ છે! રાગા કોઇ એંગલથી રાવણ લાગતા નથી. વાસ્તવમાં રાહુલ ગાંધીની સજ્જનતાના કોઇ કદર થઇ નથી. રાહુલ ગાંધીને ઇરાદાપૂર્વક પપ્પુ તરીકે ચિતરવામાં આવ્યા. રાહુલ એટલે નાસમજ. રાહુલ એટલે કમઅક્કલ. આ પ્રકારનું દહીં લોકમાનસમાં જમાવવામાં આવ્યું, રાયતું ફેલાવવામાં આવ્યું. રાહુલને નડીયાદની બજારમાં ચપરાશીની નોકરી ન મળે કેવું પણ કહેવાયું. રાહુલની હેસિયત ચપરાશીની પણ નથી એવું હમણા કોઇ બોલેલ. રાહુલ ગાંધી એવી નિષ્ફળ પ્રોડકટ જેમ વારંવાર લોંચ કરવા થતાં ફેઇલ જાય છે એવું પણ કહેવાયું. રાજકારણમાં વ્યક્તિગત હુમલાને અવકાશ નથી. રાહુલ ગાંધી ઉર્ફે રાગા હાર્વર્ડ જેવી યુનિવર્સિટીમાં અભ્યાસ કરેલ છે. વિદ્વાન અને શાલીન છે.

અમુક બાબતો તરફ ઉદાસીન છે. એના ડીએનએમાં કુટિલતા, ખટપટ, કાવાદાવા નથી! કોઇ અરણ્યનું મૃગ નગરમાં ભૂલું પડ્યું હોય તેવું લાગે છે. રાજુ રદ્દીએ રાહુલનું બચાવનામુ બહાર પાડ્યું,
“રાજુ. એક કેમિકલ લોચો છે.પોસ્ટરમાં રાહુલને ટોપી પહેરાવી છે. હેરી પોટર સિરીઝના ડંબેલ્ય પાત્ર જેવી દાઢી રાખી છે. જેના માટે રાગાને સદામ હુસેન કહેવામાં પણ આવેલ. પોસ્ટરમાં રાવણને દશાસનને બદલે સપ્તાનન એટલે કે સાત માથા જ દર્શાવેલ છે. કદાચ ત્રણ માથા કામ વગરના હશે!! દશાનના મસ્તકનો ભાર હળવો કરવાની સરકારી નીતિ કે કરકસરના પગલાં રૂપે ત્રણ માથાનો ગીલોટન કર્યો! આપણે સંગીતના સાત સૂર, આકાશમાં સપ્તર્ષિ તારા, અઠવાડિયાના સાત દિવસ કે ઇવન સાત પૂંછડિયા ઉંદરથી ટેવાયેલા છીએ! પરંતુ, સાત માથાવાળા રાવણથી ટેવાયેલા નથી. એટલે રાવણના સાત માથાથી ટેવાયા નથી પણ ટેવાવું પડશે! નયા ભારતની આ જ કમાલ છે. કશુંક નવું, બિનપરંપરાગત, રૂઢિભંજક, નવતર એ નયા ભારતની તાસીર, તસ્વીર, તહેઝીબ અને તકદીર છે! મેં પ્રવર્તનાન કથાનું રસપાન કરાવ્યું!

જનપથ માટે આ આફત પણ આનંદનો અવસર છે! જેને નગણ્ય કે ક્ષુલ્લક ગણતા હતા, પપ્પુ કહેતા હતા તે વામનમાંથી વિરાટ બની જાય, પપ્પુ પહેલવાન બની જાય તે નાનીસૂની અચિવમેન્ટ નથી. પપ્પુમાંથી રાવણ બનવાની ખુશીમાં યુવરાજ, રાજકુમારના ઘરે લાપશીના આંધણ મુકવાનો રૂડો અવસર છે. કંસાર રાંધો! દીવડા જલાવો. સાથિયા પુરાવો. તોરણ બંધાવો. ચાકળા બંધાવો. ગામને ધુમાડાબંધ જમાડો. ગામમાં બધાને રૂપિયા વહેંચો. પ્રસંગ જ એવો છે કે ઉજવણી કરવી પડે! બોલો મારી વાત ખોટી છે?

ભરત વૈષ્ણવ
૮.૧૦.૨૦૨૩.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button