ઊડતી વાત : આર્ટિફિશિયલ જજ કરે માગણીઓ મોર!

-ભરત વૈષ્ણવ
જસ્ટ, આ સિનારિયાની કલ્પના કરો… આજથી ત્રીસ વરસ પછી 2055 ના સપ્ટેમ્બરની છઠી તારીખ….ભારતના કોઇ શહેરની કોર્ટ… સવારના સાડા દસે કેસમાં મુદત માંગવા બકાલા બજાર જેવો શોરબકોર. (‘બકાલા’ શબ્દ ન સમજાયો? આજની જનરેશનની ટર્મિનોલોજીમાં એનો અર્થ થાય વેજીટેબલ માર્કેટ) જજસાહેબે ચેમ્બરનું બારણું રિમોટથી ખોલ્યું જજસાહેબ ચેમ્બરમાં દાખલ થયા. અસલ રોબો જેવી જેન્ટલમેન ચાલ, પરંતુ 100% હ્યુમન લાગે. દમામભેર એ ખુરશીમાં ગોઠવાયા. આંખના લેસર કિરણોથી સૌને બેસવા આદેશ આપ્યો. કોર્ટની કાર્યવાહી કરવા રોબો ક્લાર્કને ઓટીપીથી આદેશ આપ્યો.
કેસ નંબર XXX- 2052. રસ્તા પર રખડતા ઢોરનો ત્રાસ. પીઆઇએલ હતી. ‘વ્હોટ ઇઝ ધીસ?. હજુ પણ ઢોરને રસ્તા પર કોણ છોડી જાય છે?’ જજે ક્લાર્કને કાનમાં પૂછયું. ‘મિ લોર્ડ, અહીં શહેરમાં પાલતુ ઢોર રસ્તા પર અડિંગો જમાવે છે. તેને હટાવવા પીઆઇએલ થઇ છે.’ ક્લાર્કે જવાબ આપ્યો.
‘મતલબ કે રિયલ ટાઇમના એટલે કે ઓફલાઈન ગુના ઓનલાઇન ડિજિટલ યુગમાં બની રહ્યા છે?’ ‘યસ મિ લોર્ડ, છેલ્લા પાંચ હજાર વરસમાં કોઇ નવો ગુનો થયો નથી. તમામ ગુના રિપીટ થાય છે.’ ક્લાર્કે ઓનલાઇન જવાબ આપ્યો. ક્લાર્કના જવાબથી આર્ટિફિશિયલ જજ ક્ધફયુઝડ ! માનો ફયુજ ઊડી ગયો. પળ માટે આંખો બંધ કરી સિસ્ટમ- ઇન બિલ્ટ ડેટા કોર્ટ કેસ ચેક કર્યા…..No data found જેવો જવાબ ફલેશ થયો. ‘અવિશ્વસનીય ઘટના. મારા ઉત્પાદક દેશમાં આવી ઘટના બનતી નથી.. માટે હું કેસના આરોપીને ફાંસીની સજા ફરમાવું છું.’આમ કહીને કૃત્રિમ જજે માઉસ મચડી નાખ્યું (ઇન ઓલ્ડ ડેઇઝ ચુકાદો આપનાર જજ પેન તોડી નાખતા હતા!). આ ચુકાદાથી હોબાળો મચી ગયો. માલધારીઓએ એમના તમામ ઢોર રોડ પર છોડી દીધા. ચારેબાજુ અંધાંધૂંધી મચી ગઈ. કાયદા વિભાગે અઈં ષીમલય સપ્લાય કરનાર ચીની કંપનીને આ વિશે પૂછયું તો જવાબ મળ્યો:
‘પ્રોગ્રામિંગ ચાઇનીઝ ભાષામાં થયો છે. કેસોનો ડેટામાં ચાઇનીઝ કોર્ટના ચુકાદા ફીડ કર્યા હોવાના કારણે આ
પ્રોબ્લેમ થયો છે. એટલે આવું થતું રહેશે. આમેય તમારે ત્યાં તો છેક ઉપલી અદાલત સુધી અપીલ થાય છે.’ કંપનીએ જવાબ આપ્યો. એક વાર ચેઇન સ્નેચિંગનો કેસ આવ્યો. AI judge ગુસ્સે થઇ ગયા. એટલા ગરમ થઇ ગયા કે વાયરોમાંથી સ્પાર્કિંગ- તિખારા ઊડવા માંડ્યાં. જો કે સમયસર મેન સ્વિચ બંધ કરી ન હોત તો આગ લાગી જાત !
‘આ ગંભીર ગુનો છે. રેરેસ્ટ ઓફ રેર ક્રાઇમ છે. અમારા ત્યાં આવા ગુના બનતા જ નથી. ગુનેગારોને દાખલારૂપ આકરી કે કઠોરતમ સજા કરવામાં આવે છે. તમારા કાનૂનમાં જોગવાઈ હોય કે ન હોય હું આરોપીના હાથ કાપવાની સજા ફરમાવું છું.’ જજે સજા ફટકારી. આ હુકમથી હાહાકાર ને સન્નાટો મચી ગયો. તહોમતદારમાંથી આરોપી પુરવાર થયેલાના પરિવારજનોએ રડારોળ કરી.
આરોપીએ AI જજ તરફ ચપ્પલ ફેંક્યું. જજAI એ એક કી દબાવી. ચપ્પલ બુમરેંગની માફક આરોપીના મોઢા પર સુદર્શન ચક્રની જેમ ઝિંકાયું.! આવું તો સખળડખળ રગડદગડ ઘણા કેસોમાં ચાલતું રહ્યું. ચીનની દીવાલ, બૈજિંગ, વુહાન ટિનામેન
સ્કેવર જેવા શબ્દો AI ને કાને પડતા ન હતા ઉપરાંત AIને ઓફલાઈન કે રિયલ જજની માફક વિન્ટર વેકેશન, સમર, ક્રિસમસ વેકેશનની બ્રિટિશ જમાનાની બાદશાહી વેકેશનનો લાભ નહતો મળતો એટલે બધા ગિન્નાયા હતા.
પરિણામે 2055 ના વરસમાં તમામ કોર્ટમાં મળીને એક અબજ કેસ પેન્ડિંગ છે. ડિજિટલ જજ પણ તારીખ પે તારીખનું ચક્કર ચલાવે છે. એક દિવસ બધા AI- જજોએ રસ્તા પર રેલી કાઢી: ‘વી વોન્ટ જસ્ટિસ… વી વોન્ટ પ્રમોશન…. વી વોન્ટ હોમ ઈન ચાઈના’ જેવાં સૂત્રોને સાથે ‘વી વોન્ટ લીવ ઇન રીલેશનશિપ’ જેવાં સૂત્રોચ્ચાર પણ થયાં ! કહે છે કે કાળિયા જોડે ધોળિયો બાંધો તો વાન ન આવે પણ શાન આવે જ તે આનું નામ.