ઉત્સવ

ધરપકડનું રાજકારણ: સોરેન પછી કેજરીવાલ… હવે ‘ઈડી’ કોનો વારો કાઢશે?

કવર સ્ટોરી -વિજય વ્યાસ

દિલ્હી સરકારે બનાવેલી લિકર એક્સાઈઝ પોલિસીમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે એ મુદ્દો લાંબા સમયથી ગાજે છે અને આ કેસમાં આમ આદમી’ પાર્ટીના એક પછી એક નેતા જેલભેગા થઈ રહ્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ પહેલાં દિલ્હીના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાને જેલભેગા કર્યા પછી ‘આમ આદમી’ના રાજ્યસભાના સભ્ય સંજયસિંહની ધરપકડ કરી. વચ્ચે જસ્ટ ફોર ચેન્જ ખાતર ‘ભારત રાષ્ટ્ર સમિતી (બીઆરએસ)’નાં ધારાસભ્ય અને તેલંગણાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવનાં પુત્રી કે. કવિતાને જેલની હવા ખાતાં કરી દીધાં ને હવે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે.

‘એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ’ (ઈડી)એ લિકર એક્સાઈઝ સ્કેમ અંગે પૂછપરછ કરવા માટે ૯ સમન્સ મોકલ્યા છતાં કેજરીવાલ જવાબ આપવા માટે હાજર નહોતા થતા. કેજરીવાલે ધરપકડ રોકવા માટે હાઈ કોર્ટ તથા સુપ્રીમ કોર્ટનાં દરવાજા ખટખટાવ્યા, પણ કોઈ જોઈતી રાહત ના મળી. ‘કેજરીવાલે ઈડી’ સામે પૂછપરછ માટે હાજર થવાની તૈયારી બતાવેલી, પણ એની સામે પૂછપરછ માટે ‘ઈડી’ની ઓફિસે જાય ત્યારે ધરપકડ કરવામાં ના આવે એવું અભયવચન માગેલું.

હાઈ કોર્ટે એવું કોઈ બાંયધરી -અભયવચન ના આપતાં ‘ઈડી’એ કેજરીવાલને ઉઠાવી લીધા ને છ દિવસના રિમાન્ડ પણ મેળવી લેતાં કેજરીવાલ આખું અઠવાડિયું ‘ઈડી’ના મહેમાન બનશે.
કેજરીવાલની ધરપકડ સાથે જ ઈડી સહિતની કેન્દ્રીય એજન્સીઓનો ઉપયોગ ભાજપ વિરોધી પક્ષોના નેતાઓને પરેશાન કરવા અને ચૂંટણી જીતવા થાય છે એવા આક્ષેપો પાછા શરૂ થયા છે.આ પહેલાં ‘ઈડી’એ ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનને જેલભેગા કરેલા અને દસેક દિવસ પહેલાં કે. કવિતાની ધરપકડ કરી તેથી આવા આક્ષેપો થાય એ સ્વાભાવિક છે.

લોકસભાની ચૂંટણી સમયે જ ટોચના ત્રણ વિપક્ષી નેતાની ધરપકડ કરવામાં આવી એ યોગાનુયોગ નથી જ. મજાની વાત એ છે કે, દિલ્હી લિકર કેસમાં કરોડોનો ભ્રષ્ટાચાર થયો હોવાનો દાવો ‘ઈડી’એ ભલે કર્યો છે, પણ અત્યાર સુધી આ રકમ કોણે આપી અને ક્યાં ગઈ તેના કોઈ પુરાવા રજૂ કર્યા નથી. લિકર સ્કેમમાં ૩૬૮ કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાનો ‘ઈડી’નો દાવો છે, પણ આ રૂપિયાની લેવડદેવડના કોઈ પુરાવા નથી. દિલ્હી સરકારે જેને ફાયદો કરાવેલો હોવાનું કહેવાય છે એવા એક લિકર વેપારીનાં નિવેદનના આધારે આખો કેસ
કરવામાં આવ્યો છે. એના જ આધારે સિસોદિયા અને સંજયસિંહને જેલભેગા કરી દેવામાં આવ્યા
અને હવે કવિતા અને કેજરીવાલની પણ ધરપકડ
થઈ.

મનિષ સિસોદિયાની ધરપકડને તો એક વર્ષ કરતાં વધારે સમય થઈ ગયો, પણ હજુ ‘ઈડી’ પુરાવા શોધ્યા જ કરે છે. સુપ્રીમ કોર્ટે પોતે સવાલ કરેલો કે, સિસોદિયાએ લાંચ લીધી તો કોની પાસેથી લીધી ને લાંચ લીધા પછી એનાં નાણાં ક્યાં ગયાં તેના કોઈ તો સગડ હશે ને? એ નાણાં એક જગાએથી બીજી જગાએ જાય તેની અંગ્રેજીમાં જેને ‘ટ્રેઈલ’ અર્થાત્ કહે છે એ પગેરૂં તો હશેને? એવો સવાલ સુપ્રીમ કોર્ટે કરેલો, પણ ‘ઈડી’ કોઈ પગેરું નથી શોધી શકી કે નથી પુરાવા આપી શકી.

બીજી તરફ, કવિતાએ સાઉથની લોબી વતી દલાલી કરાવીને સો કરોડ આપેલા એવો આક્ષેપ છે, પણ તેના સમર્થનમાં પુરાવા નથી.

સુપ્રીમ કોર્ટે પણ આ સવાલ કરેલો પણ પછી ગમે તે કારણોસર સુપ્રીમ કોર્ટ પણ ઢીલી પડી ગઈ. બાકી આ આધાર પર સિસોદિયાને જામીન આપી દેવાનો સંકેત સુપ્રીમ કોર્ટે આપેલો પણ પછી શું રંધાયું એ રામ જાણે… સિસોદિયા તો બહાર ના આવ્યા અને બીજા ત્રણ નેતા જેલભેગા થઈ ગયા. આ ઘટનાક્રમ પરથી સ્પષ્ટ છે કે, ‘ઈડી’ સહિતની કેન્દ્રીય એજન્સીઓનો ઉપયોગ શાસક પક્ષના લાભાર્થે થઈ રહ્યો છે બીજા શબ્દમાં ધરાર સત્તાનો દુરુપયોગ થઈ રહ્યો છે.

લોકસભાની ચૂંટણીનો પ્રચાર જામવાની હજુ તો શરૂઆત થઈ છે એ જોતાં હજુ બીજા નેતાઓનો પણ વારો આવશે એવું લાગી રહ્યું છે કેમ કે વિપક્ષના દસેક નેતા લાંબા સમયથી ‘ઈડી’ના રડારમાં છે જ. કોઈની સામે તપાસ ચાલી રહી છે તો કોઈની સામે કેસ પણ દાખલ થયા છે. આ નેતાઓમાં પિનારાયી વિજયન અને વાય.એસ. જગન મોહન રેડ્ડી જેવા વર્તમાન મુખ્યમંત્રી છે તો ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓ તો ઢગલાબંધ છે.

વિજયન સામે ઇડુક્કીમાં હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટના આધુનિકીકરણ માટે કેનેડિયન ફર્મ ‘એસએનસી લેવલીન’ને અપાયેલા કોન્ટ્રાક્ટમાં કથિત ભ્રષ્ટાચાર અંગે તપાસ ચાલી રહી છે. વિજયન વીજળી
મંત્રી હતા ત્યારે આ કોન્ટ્રાક્ટ અપાયેલો. આંધ્ર
પ્રદેશના મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડી સામે યુપીએના શાસન વખતથી અનેક કેસ ચાલી
રહ્યા છે.

‘ઇડી’એ૨૦૧૫માં નવા પીએમએલ-મની લોન્ડરિંગ કાયદા હેઠળ જગનની માલિકીની ‘ભારતી સિમેન્ટ્સ’ના ફાયનાન્સને લગતો કેસ નોંધ્યો પછી જગન ભાજપને અનુકૂળ થઈને રહ્યા તેથી કશું ના કર્યું, પણ હવે એમનો વારો પણ આવી શકે.

બીજી તરફ, છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ સામે કોલસાના પરિવહન, લિકર શોપ કોન્ટ્રાક્ટ્સ અને ‘મહાદેવ ગેમિંગ એપ’માં મની લોન્ડરિંગના ત્રણ કેસમાં તપાસ ચાલી રહી છે.
બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવનો તો આખો પરિવાર ‘ઈડી’ના રડારમાં છે. લાલુ પ્રસાદ, પત્ની રાબડી દેવી અને પુત્ર તેજસ્વી યાદવ કથિત આઈઆરસીટીસી (રેલ્વે કેટરિંગ) કૌભાંડ અને લેન્ડ ફોર જોબના કેસમાં મુખ્ય આરોપી છે.

હરિયાણાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂપિન્દર સિંહ હુડા ‘નેશનલ હેરાલ્ડ’ કેસમાં ફસાયેલા છે. હુડ્ડા સામે માનેસર જમીન સોદા અને પંચકુલામાં એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (અઉંક)ને જમીન ફાળવણીના કેસમાં ‘ઈડી’ તપાસ કરી રહી છે. રાજસ્થાનના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત, ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટ અને કૉંગ્રેસના સાંસદ કાર્તિ ચિદમ્બરમ સામે રાજસ્થાન એમ્બ્યુલન્સ કૌભાંડ’ કેસમાં તપાસ ચાલી
રહી છે.
સમાજવાદી પાર્ટીના વડા અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ સામે પણ ગોમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ તેમ જ માઇનિંગ કોન્ટ્રાક્ટમાં કથિત ગેરરીતિઓ માટે સીબીઆઈ અને ‘ઈડી’ બંને તપાસ કરી રહ્યાં છે. જમ્મુ અને કાશ્મીર ક્રિકેટ એસોસિયેશન (ઉંઊંઈઅ)ને ક્રિકેટ બોર્ડ દ્વારા અપાયેલી ગ્રાન્ટમાં ગોટાળાના આક્ષેપ સાથે જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લા સામે તપાસ ચાલી રહી છે તો એમના પુત્ર ઓમર અબ્દુલ્લા સામે જમ્મુ અને કાશ્મીર બેંકમાં ગોટાળા અને તેના ડિરેક્ટરોની નિમણૂક બદલ મની લોન્ડરિંગનો કેસ નોંધાયો છે. ઓમર અબ્દુલ્લાપણ જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી છે.

જમ્મુ અને કાશ્મીરનાં બીજાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી સામે પણ જમ્મુ અને કાશ્મીર બૅંક કેસમા ંઈડીની તપાસ ચાલી રહી છે. ઈડીએ દરોડા દરમિયાન જપ્ત કરેલી બે ડાયરીમાં મુફ્તી પરિવારને ભ્રષ્ટાચારનાં નાણાં ચૂકવાયાનો ઉલ્લેખ હોવાનો ‘ઈડી’ના દાવો છે.

અરુણાચલના ભૂતપૂર્વ મુખ્યમંત્રી નબામ તુકી સામે ઈડીએ મની લોન્ડરિંગનો કેસ કર્યો છે. મણિપુરના ભૂતપૂર્વ મુખ્યમત્રી ઓકરામ ઈબોબા સિંહ સામે પણ મણિપુર ડેવલપમેન્ટ સોસાયટીમાં૩૩૨કરોડ રૂપિયાની ગેરરીતિ બદલ મની લોન્ડરિંગનો કેસ કર્યો છે.

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શરદ પવાર અને તેમનાં પુત્રી સુપ્રિયા સૂળે સામે પણ ‘ઈડી’ની તપાસ ચાલી રહી છે. શરદ પવારની સાથે ભત્રીજા અજિત પવાર સામે મહારાષ્ટ્ર રાજ્ય સહકારી બેંકની કામગીરીમાં ભ્રષ્ટાચારનો કેસ છે, પણ અજીત ભાજપ સાથે છે તેથી હમણાં તપાસ સ્થગિત છે. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સામે કેન્દ્રીય કાપડ મંત્રી તરીકે મુંબઈમાં કિંમતી જમીન વેચીને સરકારી તિજોરીને રૂ.૭૦૯કરોડનું નુકસાન પહોંચાડવાનો આરોપ છે.

રાજકારણીઓના આવાં લાંબાં-પહોળાં લિસ્ટમાંથી હવે કોના પર ‘ઈડી’ની તલવાર ભમે છે એ જોવાનું રહ્યું…

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ