ઉત્સવ

આક્વા વિદા

મધુ રાયની વાર્તા -મધુ રાય

(ગતાંગથી ચાલુ)
પૂર્વવિચાર વિના કદી કશું ન કરનાર એકલી એકલી જેનિફર આયનામાં જોઈને પોતાના પ્રતિબિમ્બને આંખ મારે છે. વ્હોટ? પોતે જેનિફર ન્યુમન છે? નો નો નો. જેનિફરે અરીસાને કહે છે, “આઇ એમ જેનિફર ન્યુમન નહીં ન્યુવુમન છું! કોઈ આદિમ આકર્ષણથી દોરવાઈને જેનિફરે ફેરવીને કોલીનનો રોબ પાસે ખેંચી લીધેલો. કાંપતા હાથે કોલીન જેનિફરના બાંવડાંમાં ભીંસાઈ ગયેલો. કોલીન મારો પ્રેમી છે? કોલીન મારું સંતાન છે? કોલીન મારો જે છે તે, મારો છે. ક્યારે કોલીનનો રોબ તેણે ઉતારી ફગાવી દીધેલો, ક્યારે હબકી ગયેલો છોકરો જેનિફરની પાસે પાણીપાણી થઈને ઢળી પડેલો.
આપોઆપ જેનિફરના હોઠ, હાથ, પગ, બદન આખું તેણે રોમાન્સ નોવેલોમાં વાંચેલી, બહેનપણીઓ પાસે સાંભળેલી કામુક ચેષ્ટાઓ તેણે આ અઢાર વર્ષના છોકરા સાથે કરાવતું હતું. આજ સુધી પોતાનામાં પોલાદી બખ્તરથી બાંધી રાખેલી વાસના, લાલસા બેફામ અને બેશરમ બનીને જેનિફરે છૂટી મૂકી દીધી હતી. કલાકો સુધી તેણે શિકારીના ખુન્નસથી તે છોકરાને ભોગવેલો. કદી સમજાયેલી, કદી ન અનુભવેલી તૃપ્તિ તેને આ કાળા લોકલ પઠ્ઠા સાથે અનુભવવા મળેલી. આમ પોતે જોનાથન સામે વેર લે છે? જોનાથન જુવાન છોકરીને ભોગવે તેમ પોતે જુવાન છોકરાનો ઉપયોગ કરે છે? કે કાયમ આક્રમક બનતા પતિ પાસે નિશ્ર્ચેષ્ટ બની જતી જેનિફરને પોતે આક્રમક બનવાથી પહેલી વાર મદનાનંદનો ચસ્કો સમજાયો છે?

ગોડ, માય ગોડ! પોતે બાવીસ વરસની હશે ત્યારે આ છોકરો જન્મ્યો હશે! અને તો પણ તેને તસુ માત્રનો પસ્તાવો નથી! નો, સર! બે પુખ્તવયની વ્યક્તિને સામસામે મોહ થયો છે! પોતે નારી છે ને જિંદગીમાં પહેલી વાર કોઈ નર માટે તેને આદિમ ‘પ્રેમ’ થયો છે! અને કોલીનને? હોહોહો! કોલીન તો આસમાનમાં આળોટતો હોય તેમ તેને વળગીને, તેના અંગેઅંગે બચીઓ ભરીને કહેતો હતો, ‘આઈ લવ યુ, આઈ લવ યુ, ડોન્ટ લીવ મી. અને સામે જેનિફર એકરાર કરે છે, નેવર, માય લવ્હ! હવે તું મારો છે. હું તારી ગર્લફ્રેન્ડ છું ને તું મારો બોયફ્રેન્ડ. હવે પોતે ઉઘાડે છોગે પેલી ઘેલી બહેનપણીઓને પોતાના પ્રણયની ગુપ્ત ને ગલીચ વાતો કહેશે. બધી બૈરીઓ જેનિફરને જુવાન પઠ્ઠો જડ્યો તેની ઇર્ષ્યા કરશે. પતિપત્ની કે માતાસંતાન એવાં નામ તો દુનિયાએ પાડ્યાં છે. પથારીમાં આળોટતાં આળોટતાં એક નર અને એક નારીએ
કુદરતે દોરેલી નિયતિના કારણે કુદરતી મુહોબ્બત કીધી છે.

મોડી સાંજે બંનેએ અનિચ્છાથી ફરી કપડાં પહેરેલાં. જેનિફરે રૂમ સર્વિસમાંથી આક્વા વિદાની બોટલો અને ડિનરનો ઓર્ડર કરેલો. આવતી કાલે બપોરે ફરી કોલીન આવશે. અને હવે પછી શું
કરવું તેની વાતો બંને કરશે. પોતે કોઈ લોકલ પેઢીમાં નોકરી લઈ લેશે. અરે થશે જે થવાનું હશે તે.

પોતે પ્લેનમાં સતત રડી હતી તે વાતે જેનિફરને હસવું આવે છે. હેહેહે! કૂવામાં પડે જોનાથન, કૂવામાં પડે ન્યૂ યોર્ક, કૂવામાં પડે પહેલાંની જેનિફર!
મને મૂકીને તું ચાલી નહીં જાય ને? પ્રેમીએ પૂછેલું.
“હઠ, ચક્રમ. હવે તારા વિના મને બિલકુલ ન ચાલે. અને કોલીન ગયો. જેનિફર તેના કુલ્લા ઉપર આછી ટાપલી મારે છે, અને પાછળ જોતો જોતો દાંત બતાવતો બતાવતો કોલીન આખરે ઓઝલ થાય છે, અને જેનિફર આયનાને કહે છે કે તેને મીનિંગ ઓફ લાઇફ લાધી ગયો છે, યસ્સ સર!

નક્કી કરેલા સમયે જેનિફર પોતાના પ્રેમીને આવકારવા બેઠી છે. પાંચ મિનિટ મોડું થયું છે; કાંઈ નહીં, આવશે, મારો ઉલ્લુનો પઠ્ઠો. મને મહોબ્બત કરવા આવશે. બહુ ઇન્તેજારી બતાવવી નહીં. જેનિફર આંખ બંધ રાખીને જાણે વાંચતાં વાંચતાં ઝોકું આવી ગયું હોય તેમ સૂતી છે. પાસે મેગેઝિન પડ્યું છે. પાતળા કોટનનો ગાઉન પંખાની હવામાં ફરફરે છે. એક આંખની ફાડ ઉઘાડીને જેનિફર તપાસી લે છે કે પેલો આવ્યો? અને યસ્સ! બહાર કોઈ આવ્યાનો અવાજ સંભળાય છે. કશીક વાતચીત. કોલીન ધીમા સાદે કાંઈક બોલતો સંભળાય છે. જેનિફર આંખો મીંચીને ઘસઘસાટ સૂતા હોવાની મુદ્રામાં રાહ જુએ છે.

કોલીનનો પરિચિત સ્પર્શ તેના સ્લીવલેસ બાંવડાં ઉપર ફરે છે. જાગી ગયાના દેખાવથી જેનિફર આંખો ખોલે છે. જેનિફર પથારીમાંથી બેઠી થઈ જાય છે. કોલીનની સાથે તેના જેવા ગંધાતા બીજા બે જણ છે. કોલીન કહે છે, “આ બેયને પણ તારી સાથે મજા કરવી છે, જેનિ! (સમાપ્ત)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button