આક્વા વિદા
મધુ રાયની વાર્તા -મધુ રાય
(૨)
રિઝોર્ટ હોટેલમાં ચારે તરફ તાડ, ખજૂરીનાં લહેરાતાં ઝાડ, અનેક રંગનાં ફૂલ-પાન, ફુવારા, ક્લબ હાઉસ. વચ્ચે ગોળાકાર ટ્રોપિકલ ગાર્ડન. તેની ચારે તરફ ગ્રાહકોને રહેવાના કોટેજ હતા. સ્વિમિંગ પૂલ, જિમ, ટેનિસ કોર્ટ, ગોલ્ફ કોર્સ. હીટ સૌના બાથ, મસાજ, હેર સ્ટાઇલિંગ, પેડિક્યોર, મેનીક્યોર. પાંચ રેસ્ટોરાં અને ‘ચાર ચાર બાર’. ‘આક્વા વિદા’ નામનું તેમનું લોકલ પીણું હતું. દર રાત્રે મનોરંજનનો કાર્યક્રમ, પણ જેનિફરનું મન જ તેમાંના કશાને ભોગવવાની સ્થિતિમાં નહોતું. જોનાથનની બેવફાઈ પહેલી વારની નહોતી. કેસ દરમિયાન છ સાત છોકરીઓએ ઉપર જબરદસ્તી કર્યાના આરોપ બહાર આવેલા. અર્થાત્ લગ્ન પહેલાંથી અને દરમિયાન જોનાથન સતત બીજી સ્ત્રીઓ સાથે સંકળાયેલો રહ્યો હતો! જેનિફરના ભાઈએ તેને ચેતવેલી પણ જેનિફર જોનાથનની રેશમી વાતોથી ભોળવાઈ ગયેલી, પરંતુ હવે બ્લેક એન્ડ વ્હાઇટમાં સાબિત થયું હતું કે જેનિફરની પૈતૃક સમૃદ્ધિના કારણે જ તે લોફર જોનાથને જેનિફર સાથે લગ્ન કરેલાં. લગ્ન પછી તરત જેનિફર પાસે તેણે કેટલાય કાગળિયાંમાં સાઇન કરાવી લીધેલી.
રડીરડીને પરાણે કોટેજમાંથી બહાર નીકળી બીચ ઉપર ઉઘાડા પગે જેનિફર ચાલવા લાગી. માથે કંતાનનો મોટો હેટ, ગળામાં મોટા લાલ રંગનાં ફૂલોની માળા, શરીર ઉપર આછો કોટનનો ડ્રેસ. કેવી ‘ક્લિશે’ જિંદગી પોતાની, જેનિફરને થયું. અમેરિકાની લાખો ગૃહિણીઓની જેમ તેના પતિએ પણ પોતાની યંગ સેક્રેટરી સાથે સંબંધ બાંધેલો. કોઈ સોપઓપેરા જેવી ફાલતુ, ચીલાચાલુ ક્રાઇસિસ. કદાચ પોતાનો જ દોષ હશે. કદાચ પુરુષો સતત સેક્સના ભૂખ્યા હશે જેના વિચારથી જાણે જેનિફરની ચામડી ઉપર ફોડલા ઊપસી આવતા. કદાચ પોતે કુદરતની ક્રૂર મશ્કરી છે, જાણે પોતે નર કે નારી નહીં પણ ત્રીજી ફ્રિજિડ જાતિ છે. કદાચ પોતાને આ દુનિયામાં સુખી થવાનો હક નથી.
ચાલતાં ચાલતાં અચાનક જેનિફરને પાછળ બીજા કોઈનો પડછાયો દેખાયો. તેણે જોયું તો એક નાની લોકલ છોકરી તેની પાછળ પાછળ આવતી હતી. તેણે પૂછ્યું, શું છે તારે?
અરે? છોકરી રડતી હતી. છોકરીએ તેને ઝાડીમાં થઈને તેના ઝૂંપડા તરફ લઈ ગઈ. હોટેલમાં ઠેરઠેર લોકલ લોકોથી સાવધાન રહેવાની ચેતવણીનાં પોસ્ટર જેનિફરે જોયેલાં, પણ અત્યારે તેને લૂંટાવાની કશી પરવા નહોતી. છોકરીના ઘરમાં તેનો અઢારેક વરસનો ભાઈ સૂતેલો દેખાયો. છોકરી જેવો જ કાળો ભેંસના રંગનો. તેનું કપાળ તપતું હતું. જેનિફરે છોકરીને પૂછ્યું, તારા પેરેન્ટ્સ ક્યાં છે? છોકરીએ માથું હલાવ્યું. ઝૂંપડું કંગાલ હાલતમાં હતું. જેનિફરે એમ્બ્યુલન્સ બોલાવી. હૉસ્પિટલમાં તેને દાખલ કરાવ્યો. છોકરાને કોલેરા થયેલો. જેનિફરે તેના ઇલાજના પૈસા જમા કરાવ્યા. છોકરી તેને ભેટીને રડવા લાગી. જેનિફરે તેને સલૂકાઈથી આઘી કરી, દાક્તરને બરાબર ટ્રીટમેન્ટ કરવાની ભલામણ કરી પોતાના કોટેજ ઉપર પાછી ફરી. બારમાં આવી બેઠી. આક્વા વિદાનો ઓર્ડર આપ્યો, અને લિંબુની ફાડ સાથે ખુલ્લી બોટલને તે જોઈ રહી. કદાચ હવે મારી જિંદગીનું બીજું પ્રકરણ શરૂ થાય છે, તેને થયું. પોતાની હાઇપાવર નોકરી છોડીને અહીં રહી જાય. લોકલ અનાથ ‘છોકરાંને ભણાવે, કાંઈક કરે’ ને ‘લાઇફ’ને કઈક ‘મિનિંગ’ આપે. આક્વા વિદાની બાટલી પૂરી કરી. જેનિફરે ઇશારાથી બાર ટેન્ડરને કહ્યું, બીજી બાટલી!
૩
જેનિફરે ફરીથી કુદરત સાથે જોડાણ કરવા તેણે બહારની દુનિયા સાથેનો સમસ્ત વહેવાર કાપી નાખેલો. પોતાનો સેલ ફોન, ટેબ્લેટ વગેરે બંધ. નિત્યક્રમમાં હવે બપોરે બીચ ઉપર ટહેલ અને પછી આક્વા વિદા! કોઈ પુરુષ તેની પાસે આવીને બેસે તો તેને તરત રવાના કરી દેતી.
એક દિવસ અચાનક કશીક દુર્ગંધ તેના નાકે અથડાઈ. ડોકું ફેરવીને જોયું તો પેલો બીમાર છોકરો સાજો થઈને તેની નજીક બેઠેલો. તેના હાથમાં એક ફૂલ હતું. થેંકયુ. તેણે ફૂલ ધરીને નમન જેવું કર્યું. માય નેઇમ ઇઝ કોલીન. જેનિફરને સારું લાગ્યું, પણ કોલીનના બદનની દુર્ગંધથી અકળામણ થઈ. આક્વા વિદા પૂરો કરીને તે કોલીનને પોતાના કોટેજમાં લઈ ગઈ. ગભરાતો ગભરાતો કોલીન તેની સાથે સંકોચથી તેના કોટેજમાં પ્રવેશ્યો. જેનિફરે તેને કોટેજમાં લઈ જઈ નાહવા કહ્યું. તેના મેલાં કપડાં વોશરમાં નાખી દીધાં. કોલીન નહાઈને નીકળ્યો તો જેનિફરે તેને હોટલના ક્લોઝેટમાંથી ‘રોબ’ પહેરવા આપ્યો.
“કાંઈ ખાધું છે? જેનિફરે પૂછ્યું. કોલીન કાંઈ બોલ્યો નહીં. જેનિફરના બ્રેકફાસ્ટની પડી રહેલી પ્લેટમાં ઓમલેટ ટોસ્ટ વગેરે ઢાંકેલાં પડ્યાં હતાં. તે કોલીનને ધર્યાં. “તું અહીંયાં શું કામ કરે છે? કોલીના મોંમાં ખોરાક ઠાંસેલો હતો એટલે માત્ર હાથની મુઠ્ઠીઓ ખોલી, બંધ કરી.
“એટલે?
ખાતાં ખાતાં કોલીન ઊભો થયો અને જેનિફરના ખભ્ભા દબાવવા લાગ્યો. પોતાની નવાઈની વચ્ચે જેનિફરને તેનાથી સારું લાગ્યું.
“મસાજ. કોલીને કહ્યું. “પહેલાં મસાજ કરતો હતો, પણ બે માસથી નોકરી નથી. કહી કોલીન ફરી ખાવા લાગ્યો.
“કેમ?
કોલીને પંજા ફેલાવી અસહાયતા દર્શાવી, “હોટેલની નવી મેનેજમેન્ટ આવી.
જેનિફરને યાદ આવ્યું કે તેની કંપનીએ બે માસ પહેલાં આ હોટેલ નવી નવી ખરીદી હતી. તેને તે પણ ખ્યાલ આવ્યો કે સ્ટાફમાં કટૌતી લાવવાની ભલામણ પણ તેણે પોતે કરી હતી. તેની કંપનીમાં તેનું કામ બિઝનેસ એડવાઇઝરનું હતું, માંદી હોટેલો ખરીદવાનું, તેને નફાકારક કેમ બનાવવી તે સૂચવવાનું કામ જેનિફરનું હતું, જેમાં તે કુશળ હતી. યાને તેના પોતાના કહેવાથી કોલીનની નોકરી ગયેલી! આ ક્ષણે ફરીથી તેનું ગળું ભરાઈ આવ્યું.
ખાવાનું પૂરું કરીને કોલીન ઊભો થયો. પ્લેટમાં હજી અરધું ખાવાનું બાકી હતું. “ખાઈ લે, પૂરું કરી નાખ. કોલીને નીચા મોઢે કહ્યું કે જેનિફર રજા આપે તો તેની બહેન માટે લઈ જાય? “જેનિફરે લઈ જા. એવો ઇશારો કર્યો. કોલીન શરમાતો બારણા પાસે ઊભો રહ્યો. હોટેલનો રોબ પહેરીને તે બહાર કેમ જાય? જેનિફરે તેને બેસવા જણાવ્યું. “તારાં કપડાં ધોવામાં નાખ્યાં છે, ડ્રાયરમાં સુકાય એટલે પહેરી લેજે. અને કોટેજમાં પડેલું કોઈ લોકલ મેગેઝિન વાંચવા લાગી.
કોલીન રોબ સંકોરતો સંકોરતો સહેજ દૂર સોફા ઉપર બેઠો. જેનિફરે તેના માબાપ વિશે પૂછ્યું. કોલીને જણાવ્યું કે તેનો બાપ વર્ષો પહેલાં એમને છોડીને એની જુવાન ગર્લફ્રેન્ડ સાથે રહેવા ચાલ્યો ગયેલો. તેની મા ટૂરિસ્ટોને ડ્રગ સપ્લાય કરતી હતી અને હાલ જેલમાં છે. પોતે હોટેલમાં મસાજનું કામ કરતો હતો અને બહેન છૂટક ઘરકામ કરતી હતી, પણ નવી મેનેજમેન્ટે મસાજ પાર્લરમાંથી પાંચ છોકરાઓને છૂટા કરીને મેક્સિકોની બે છોકરીઓને મસાજ કરવા રોકી હતી. પછી કોલીન બોલતો બંધ થઈ ગયો.
“કેમ ચૂપ થઈ ગયો? કોલીને શરમાતાં જણાવ્યું કે પોતે બીમાર હતો અને જેનિફરે ‘કાઇન્ડલી’ તેનો ઇલાજ કરાવ્યો. તેનો બદલો પોતે આપી શકે તેમ નથી. તેનાં કપડાં સુકાય ત્યાં સુધી જેનિફર રજા આપે તો તેને માલિશ કરી આપે. જેનિફરે કહ્યું કે તેની કાંઈ જરૂર નથી. કોલીન કાંઈ બોલ્યો નહીં. “તમે કહો તો તમને બારબેડોસમાં કશેક ફરવા લઈ જાઉં.
જેનિફરે તેને સાંત્વન આપ્યું કે કશો બદલો આપવાની જરૂર નથી. કેટલીક વાર ભલું કામ કરવું તેનો સંતોષ તે જ તેનો બદલો છે. પછી મનોમન વિચાર્યું કે કોલીન અને તેની બહેને પોતાના લંપટ હસબન્ડ જોનાથનની લુચ્ચાઈના વિચારોમાંથી બહાર કાઢી તેની જિંદગીને કશોક અર્થ આપ્યો છે, તેનાથી મોટો બદલો કેવો હોય!
કોલીને ડ્રાયર તપાસીને કહ્યું કે કપડાં કોરાં થવામાં હજી વીસ મિનિટની વાર છે. અચાનક જેનિફરને પોતાને ખ્યાલ આવે તે પહેલાં તેના મોંમાંથી શબ્દો નીકળી પડ્યા. “ઓ કે, ફાઇન મારા ખભે માલિશ કરી આપ, બસ?
૩
કોલીન આખરે કપડાં પહેરીને ચાલ્યો ગયો છે, જેનિફર વિચારે છે. બે આલ્કોહોલનો હેંગઓવર તેના માથામાંથી ક્યારનો નીકળી ગયો છે. એનું તન ચેતનથી થનગન કરે છે. ગોડ, વર્જિન મેરી, જિસસ ક્રાઇસ્ટ. કોલીનના આંગળા તેના ખભે અડકતાં જ એના ચિત્તમાં વિદ્યુતનો સંચાર થયેલો. તેના હાથ જેનિફરના શરીરની ક્લાન્ત માંસપેશીઓને સજીવન કરતા હતા અને જીવતા હોવાના હરખની જડીબુટ્ટી રગડતા હતા. કોલીનની નિર્દોષતાથી, કોલીનની કુશળતાથી જેનિફરના શરીરમાં તેનું રક્ષણ કરવાની, તેને પોતાનો પ્યારો કરીને પોપટના પાંજરામાં પૂરી રાખવાની ઘેલછા પ્રવેશી હતી. કોલીનના શરીર ઉપર ફક્ત ટર્કિશ રોબ હતો અને કોલીનની ઉત્તેજના જેનિફરના બદનને અડકીને દૂર થતી હતી જેનો જેનિફરને માર્દવભર્યો નશો થતો હતો.
પૂર્વવિચાર વિના કદી કશું ન કરનાર એકલી એકલી જેનિફર આયનામાં જોઈને પોતાના પ્રતિબિમ્બને આંખ મારે છે. વ્હોટ? પોતે જેનિફર ન્યુમન છે? નો નો નો. જેનિફરે અરીસાને કહે છે, “આઇ એમ જેનિફર ન્યુમન નહીં ન્યુવુમન છું! કોઈ આદિમ આકર્ષણથી દોરવાઈને જેનિફરે ફેરવીને કોલીનનો રોબ પાસે ખેંચી લીધેલો. કાંપતા હાથે કોલીન જેનિફરના બાંવડાંમાં ભીંસાઈ ગયેલો. કોલીન મારો પ્રેમી છે? કોલીન મારું સંતાન છે? કોલીન મારો જે છે તે, મારો છે. ક્યારે કોલીનનો રોબ તેણે ઉતારી ફગાવી દીધેલો, ક્યારે હબકી ગયેલો છોકરો જેનિફરની પાસે પાણીપાણી થઈને ઢળી પડેલો.
આપોઆપ જેનિફરના હોઠ, હાથ, પગ, બદન આખું તેણે રોમાન્સ નોવેલોમાં વાંચેલી, બહેનપણીઓ પાસે સાંભળેલી કામુક ચેષ્ટાઓ તેણે આ અઢાર વર્ષના છોકરા સાથે કરાવતું હતું. આજ સુધી પોતાનામાં પોલાદી બખ્તરથી બાંધી રાખેલી વાસના, લાલસા બેફામ અને બેશરમ બનીને જેનિફરે છૂટી મૂકી દીધી હતી. કલાકો સુધી તેણે શિકારીના ખુન્નસથી તે છોકરાને ભોગવેલો. કદી સમજાયેલી, કદી ન અનુભવેલી તૃપ્તિ તેને આ કાળા લોકલ પઠ્ઠા સાથે અનુભવવા મળેલી. આમ પોતે જોનાથન સામે વેર લે છે? જોનાથન જુવાન છોકરીને ભોગવે તેમ પોતે જુવાન છોકરાનો ઉપયોગ કરે છે? કે કાયમ આક્રમક બનતા પતિ પાસે નિશ્ર્ચેષ્ટ બની જતી જેનિફરને પોતે આક્રમક બનવાથી પહેલી વાર મદનાનંદનો ચસ્કો સમજાયો છે?
ગોડ, માય ગોડ! પોતે બાવીસ વરસની હશે ત્યારે આ છોકરો જન્મ્યો હશે! અને તો પણ તેને તસુ માત્રનો પસ્તાવો નથી! નો, સર! બે પુખ્તવયની વ્યક્તિને સામસામે મોહ થયો છે! પોતે નારી છે ને જિંદગીમાં પહેલી વાર કોઈ નર માટે તેને આદિમ ‘પ્રેમ’ થયો છે! અને કોલીનને? હોહોહો! કોલીન તો આસમાનમાં આળોટતો હોય તેમ તેને વળગીને, તેના અંગેઅંગે બચીઓ ભરીને કહેતો હતો, ‘આઈ લવ યુ, આઈ લવ યુ, ડોન્ટ લીવ મી. અને સામે જેનિફર એકરાર કરે છે, નેવર, માય લવ્હ! હવે તું મારો છે. હું તારી ગર્લફ્રેન્ડ છું ને તું મારો બોયફ્રેન્ડ. હવે પોતે ઉઘાડે છોગે પેલી ઘેલી બહેનપણીઓને પોતાના પ્રણયની ગુપ્ત ને ગલીચ વાતો કહેશે. બધી બૈરીઓ જેનિફરને જુવાન પઠ્ઠો જડ્યો તેની ઇર્ષ્યા કરશે. પતિપત્ની કે માતાસંતાન એવાં નામ તો દુનિયાએ પાડ્યાં છે. પથારીમાં આળોટતાં આળોટતાં એક નર અને એક નારીએ કુદરતે દોરેલી નિયતિના કારણે કુદરતી મુહોબ્બત કીધી છે.
મોડી સાંજે બંનેએ અનિચ્છાથી ફરી કપડાં પહેરેલાં. જેનિફરે રૂમ સર્વિસમાંથી આક્વા વિદાની બોટલો અને ડિનરનો ઓર્ડર કરેલો. આવતી કાલે બપોરે ફરી કોલીન આવશે. અને હવે પછી શું કરવું તેની વાતો બંને કરશે. પોતે કોઈ લોકલ પેઢીમાં નોકરી લઈ લેશે. અરે થશે જે થવાનું હશે તે.
પોતે પ્લેનમાં સતત રડી હતી તે વાતે જેનિફરને હસવું આવે છે. હેહેહે! કૂવામાં પડે જોનાથન, કૂવામાં પડે ન્યૂ યોર્ક, કૂવામાં પડે પહેલાંની જેનિફર!
મને મૂકીને તું ચાલી નહીં જાય ને? પ્રેમીએ પૂછેલું.
“હઠ, ચક્રમ. હવે તારા વિના મને બિલકુલ ન ચાલે. અને કોલીન ગયો. જેનિફર તેના કુલ્લા ઉપર આછી ટાપલી મારે છે, અને પાછળ જોતો જોતો દાંત બતાવતો બતાવતો કોલીન આખરે ઓઝલ થાય છે, અને જેનિફર આયનાને કહે છે કે તેને મીનિંગ ઓફ લાઇફ લાધી ગયો છે, યસ્સ સર!
૪
નક્કી કરેલા સમયે જેનિફર પોતાના પ્રેમીને આવકારવા બેઠી છે. પાંચ મિનિટ મોડું થયું છે; કાંઈ નહીં, આવશે, મારો ઉલ્લુનો પઠ્ઠો. મને મહોબ્બત કરવા આવશે. બહુ ઇન્તેજારી બતાવવી નહીં. જેનિફર આંખ બંધ રાખીને જાણે વાંચતાં વાંચતાં ઝોકું આવી ગયું હોય તેમ સૂતી છે. પાસે મેગેઝિન પડ્યું છે. પાતળા કોટનનો ગાઉન પંખાની હવામાં ફરફરે છે. એક આંખની ફાડ ઉઘાડીને જેનિફર તપાસી લે છે કે પેલો આવ્યો? અને યસ્સ! બહાર કોઈ આવ્યાનો અવાજ સંભળાય છે. કશીક વાતચીત. કોલીન ધીમા સાદે કાંઈક બોલતો સંભળાય છે. જેનિફર આંખો મીંચીને ઘસઘસાટ સૂતા હોવાની મુદ્રામાં રાહ જુએ છે.
કોલીનનો પરિચિત સ્પર્શ તેના સ્લીવલેસ બાંવડાં ઉપર ફરે છે. જાગી ગયાના દેખાવથી જેનિફર આંખો ખોલે છે. જેનિફર પથારીમાંથી બેઠી થઈ જાય છે. કોલીનની સાથે તેના જેવા ગંધાતા બીજા બે જણ છે. કોલીન કહે છે, “આ બેયને પણ તારી સાથે મજા કરવી છે, જેનિ! (સમાપ્ત)