હસવા-હસાવવાનો પ્રાચીન પ્રયાસ છે એપ્રિલ ફૂલ ડે
પ્રાસંગિક -‘રાજકુમાર દિનકર’
દર વર્ષે એક એપ્રિલના રોજ આખી દુનિયામાં મૂર્ખ દિવસ મનાવવામાં આવે છે. આ દિવસ એક એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે જેના કારણે તેને એપ્રિલ ફૂલ ડે નામથી પણ ઓળખવામાં આવે છે. આ દિવસે લોકો એક બીજાને મૂર્ખ બનાવવાનો પ્રયાસ કરે છે અને જો સફળ થાય છે તો પોતાના આ પ્રયાસ પર ખડખડાટ હસે છે. આ દિવસે લોકો પોતાના મિત્રો, સંબંધીઓ, નજીકના લોકો, સાથી મિત્રો અને સહકર્મીઓ સાથે પ્રૈન્ક એટલે કે મજાક કરે છે અને જ્યારથી સોશિયલ મીડિયા પર ચલણ આવ્યું છે ત્યારથી તો અજાણ્યા લોકો સાથે પ્રૈન્ક કરતા હોય છે. આ પ્રકારનો વીડિયો બનાવીને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને યુ-ટ્યુબમાં વાયરલ થઇ જાય છે અને તેનાથી સારી કમાણી થાય છે. એટલા માટે લોકો જ્યારથી સોશિયલ મીડિયા આવ્યું છે ત્યારથી કોઇને મૂર્ખ બનાવવા અથવા મજાર કરવામાં એક એપ્રિલની રાહ જોતા નથી. પ્રૈન્કનો બિઝનેસ ચાલતો રહે છે.
પરંતુ જો એપ્રિલ ફૂલ ડેના ઇતિહાસ પર નજર નાખીએ તો આ સંબંધિત અનેક વાયકાઓ છે. પરંતુ કેટલીક વાર્તાઓ સૌથી પ્રચલિત છે જેમ કે એક વાયકા છે કે એપ્રિલ ફૂલ ડેની શરૂઆત સન ૧૩૮૧માં થઇ જ્યારે ઇંગ્લેન્ડના રાજા રિચર્ડ દ્ધિતીય અને બોહેમિયાની રાણી એનીની સગાઇની જાહેરાત થઇ હતી અને આ સગાઇ ૩૨ માર્ચે નક્કી કરવામાં આવી હતી. લોકોનું શરૂઆતમાં ધ્યાન નહોતું ગયું અને સગાઇની વાત સાંભળીને ઉજવણી શરૂ કરી દીધી હતી. પરંતુ જ્યારે ૩૧ માર્ચ આવી ત્યારે લોકોને ખ્યાલ આવ્યો કે અરે ૩૨ માર્ચ જેવું કાંઇ હોતું નથી જે લોકોએ અત્યાર સુધી રાજાની સગાઇની ઉજવણી કરી રહ્યા હતા તેમને ખ્યાલ આવી ગયો હતો કે તેઓ મૂર્ખ બની ગયા છે. કહેવામાં આવે છે કે ત્યારથી એપ્રિલ ફૂલ ડેની ઉજવણી કરવામાં આવે છે.
મૂર્ખ દિવસને લઇને એક અન્ય વાયકા પ્રચલિત છે. તેનો સંબંધ ફ્રાન્સ સાથે છે. આ વાયકા મુજબ એપ્રિલ ફૂલ ડેની શરૂઆત સન ૧૫૮૨માં થઇ હતી. પોપ ચાર્લ્સ નવમે જૂના કેલેન્ડરના બદલે રોમન કેલેન્ડરનો ઉપયોગ કરવાની શરૂઆત કરી હતી જે અનુસાર વર્ષની શરૂઆત એક જાન્યુઆરીએ થતી હતી. પરંતુ કેટલાક લોકો આ તારીખને યાદ રાખી શક્યા નહીં અને તે જૂના વર્ષની શરૂઆત અનુસાર નવા વર્ષની ઉજવણી કરતા રહ્યા અને ત્યારથી એપ્રિલ ફૂલ ડેની ઉજવણી શરૂ થઇ હતી. જ્યાં સુધી ભારતમાં આ દિવસની ઉજવણીની શરૂઆતનો સવાલ છે તો ભારતમાં આની શરૂઆત ૧૯મી સદીમાં થઇ હતી અને આ શરૂઆત કરનારા અંગ્રેજો હતા. પરંતુ આજે સોશિયલ મીડિયાના સમયમાં આ દુનિયાના તમામ દેશોમાં મનાવવામાં આવે છે. ભારતમાં તો નવી પેઢી વચ્ચે આ ખૂબ લોકપ્રિય છે.
જોકે, એક દિવસમાં મૂર્ખ દિવસ મનાવવાની પરંપરા નથી. દુનિયાના અનેક દેશોમાં અલગ અલગ તારીખોએ મૂર્ખ દિવસ મનાવવામાં આવે છે. ડેન્માર્કમાં એક મેના રોજ મૂર્ખ દિવસ ઉજવવામાં આવે છે અને તેને મજકટ કહે છે. જ્યારે સ્પેનિશ બોલનારા દેશોમાં આ દિવસ ૨૮ ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે અને તેને મૂર્ખ દિવસ કહેવાના બદલે ડે ઓફ હોલી ઇનોસેન્ટ્સ કહેવામાં આવે છે. ઇરાની લોકો ફારસી નવં વર્ષના ૧૩મા દિવસે મૂર્ખ દિવસ ઉજવવામાં આવે છે. જે સામાન્ય રીતે એક અથવા બે એપ્રિલના રોજ એપ્રિલ ફૂલ ડે આવે છે. ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, ઇંગ્લેન્ડ, સાઉથ આફ્રિકા અને કેટલાક આફ્રિકન દેશોમાં એપ્રિલ ફૂલ ડે દિવસના ૧૨ વાગ્યા સુધી ઉજવવામાં આવે છે. જ્યારે કેનેડા, અમેરિકા, રશિયા અને અન્ય યુરોપિયન દેશોમાં આખો દિવસ ઉજવવામાં આવે છે. આપણા ભારતમાં પણ સાંજ સુધી ઉજવવાની પરંપરા છે.
અનેક દેશોમાં આ દિવસે દોસ્તો સાથે પાર્ટી કરવા અને તેમને ફૂલ આપવા તથા દોસ્તીની શરૂઆત કરવાના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અનેક દેશોમાં આ દિવસને મિત્રતા બાંધવા માટેના ખાસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. બેલ્જિયમ અને ઇટાલીમાં લોકો આ દિવસે જેની સાથે મિત્રતા કરે છે તેની પીઠમાં ચૂપચાપ કાગળની માછલી બનાવીને ચોંટાડી દે છે. તેવું માનવામાં આવે છે કે માછલી ચોંટાડનાર વ્યક્તિ એ વ્યક્તિ સાથે મિત્રતા કરવા માંગે છે જેની પીઠ પાછળ માછલી ચોંટાડવામાં આવી હતી. આ રીતે એક એપ્રિલ ફક્ત મૂર્ખતા દિવસ તરીકે નહીં પણ મિત્ર, પ્રેમ અને જીવનના અનેક અધ્યાયની શરૂઆત કરવા માટેનો દિવસ પણ છે.