ઉત્સવ

હેં… ખરેખર?!: ચૌરાસી મંદિર પાસે જવામાં ફફડાટ, દૂરથી જ નમસ્કાર

-પ્રફુલ શાહ

એકવાર સૌએ ત્યાં જવાનું છે, દેહસ્વરૂપે નહિ પણ મૃત્યુ બાદ આત્મા રૂપે. એ વળી ક્યાં? ઈશ્ર્વરની ભૂમિ ગણાતા સુંદર હિમાચલ પ્રદેશના ભરમૌરમાં આવેલા ચૌરાસી મંદિર કે યમ મંદિરમાં એકએકનો આત્મા જવાનો જ એવી માન્યતા-શ્રદ્ધા છે.
હિમાચલ પ્રદેશના પઠાણકોટથી ૧૧૫ કિલોમીટરના અંતરે આવેલા ચંબા જિલ્લાથી ૬૦ કિલોમીટરનું અંતર કાપો એટલે આવી જાય ભરમૌર. આ ગામના યમ મંદિરની વિશિષ્ટતાઓ જાણવા જેવી છે.

આ ધર્મરાજા અર્થાત યમના ચૌરાસી મંદિર પ્રત્યે લોકોમાં શ્રદ્ધા છે. એટલા જ ફફડાટ – ભય છે. મંદિરમાં પગ મૂકવાનું તો જવા દો. દૂરથી એને જોઈને આદરપૂર્વક બે હાથ જોડીને માથું નમાવીને શ્રદ્ધાળુઓ દૂર જતા રહે છે.

આ યમરાજ કે ચૌરાસી મંદિર સાથે જોડાયેલી શ્રદ્ધા આપણને અવશ્ય વિચારતા કરી મૂકે. કહેવાય છે કે આ મંદિરમાં યમરાજા સાક્ષાત હાજર હોય છે. માનવીના અવસાન બાદ સ્થૂળ દેહ તો રાખ થઈ જાય પણ યમદૂત આત્માને આ ભરમૌરના ચૌરાસી મંદિરમાં લઈને આવે છે. અહીં ચિત્રગુપ્ત એના કર્મ અને પાપ-પુણ્યના હિસાબકિતાબ કરે, ત્યાર બાદ એના આધારે યમરાજા ચુકાદો આપે કે આવેલા આત્માને સ્વર્ગમાં મોકલવો કે નર્કમાં.

દૂરથી એક ઘર જેવાં દેખાતાં યમ મંદિરની અંદર શું છે? આ મંદિરની એક ખાલી રૂમ છે. એવું કહેવાય છે કે આ ચિત્રગુપ્તનો રૂમ છે. વ્યક્તિના મોત બાદ યમદૂતો એના આત્માને આ રૂમમાં ચિત્રગુપ્ત સમક્ષ હાજર કરે છે. ચિત્રગુપ્ત મૃતાત્માનાં કર્મોના હિસાબકિતાબ કરે છે. ત્યારબાદ આત્માને સામેના રૂમમાં લઈ જવાય છે જ્યાં યમરાજ એના ભાવિનો અર્થાત્ સ્વર્ગ કે નર્કમાં મોકલવાનો નિર્ણય જાહેર કરે છે.

આ અનોખા મંદિરમાં કુલ ચાર ચાર દરવાજા છે, જે સોના, ચાંદી, તાંબા અને લોખંડના બનેલા છે. આપણા ગરુડ પુરાણમાં પણ યમરાજના દરબારમાં ચાર દિશામાં ચાર દ્વાર હોવાનો ઉલ્લેખ છે.

આ મંદિર સાથે અનેક લોકવાયકા જોડાયેલી છે. દીપોત્સવીના અંતિમ દિવસ એટલે કે ભાઈબીજે યમરાજ અહીં પોતાની બહેન યમુનાને મળવા આવે છે. આ કારણસર જ ભાઈબીજના દિવસે ઘણા યમરાજાની પૂજા કરતા હોય છે.
આની પાછળનો ઉદ્દેશ મૃત્યુ બાદ આત્માને યમરાજના કોપથી બચાવવાનો હોય છે. ઘણાંને સ્વર્ગ કે નર્કમાં જવા કરતા ૮૪ લાખ યોનીમાં ભવભવના ફેરા ટાળીને મોક્ષ પામવાની અદમ્ય ઈચ્છા હોય છે. આ માટે પણ યમરાજને પ્રસન્ન કરવા પૂજા કરાય છે.

Also Read – કેન્વાસ : વ્હાઇટ બ્યૂટિ ને બ્લેક બ્યૂટિના ભાગલા કેમ પડ્યા?

અન્ય એક માન્યતા મુજબ ભગવાન શંકર પોતાના ૨૪ યોગી સાથીઓ સાથે ભરમૌરે ફરવા આવ્યા હતા. અહીંના સૌંદર્ય, પવિત્રતા અને દિવ્યતાના પ્રેમમાં પડી ગયા. તેમણે અહીં કાયમી વસવાટનો નિર્ણય કર્યો. પણ એ સમયે ત્યાં ભારમણી માતા વસતાં હતાં. ભગવાન શંકરની વિનંતીથી તેઓ ભારમૌરથી નીકળી ને છ કિલોમીટર દૂર રહેવા જતાં રહ્યાં હતાં.

આપણે વાત કરીએ છીએ એ ચૌરાસી, યમરાજ કે ચિત્રગુપ્ત મંદિરમાં કોઈ ભગવાન કે દેવીમાતાની પ્રતિમા નથી. એટલું જ નહીં પૂજાની જગ્યામાં ઉપર છત પણ નથી. કોઈક કહે છે કે અહીં અલગ – અલગ ધાતુના ચાર દરવાજા છે પણ એ દેખાતા નથી, અદૃશ્ય છે. આમાંથી એક દરવાજો ગુપ્ત ગુફા ભણી લઈ જાય છે. ભૂતકાળમાં આ ગુફામાં જનારા સફળ નહોતા થયા કે પાછા ફર્યાં નહોતા.

આ મંદિર સાથે જોડાયેલા ભેદ-ભરમ અને રહસ્યમાં ઉમેરો કરે છે. મધરાત – અડધી રાતે મંદિરની આસપાસ વિચિત્ર અને ભેદી અવાજ સંભળાય છે. આનાથી મંદિર માટેના ડરમાં વધારો થાય છે. આ કારણસર જ મંદિરના સત્તાધીશો હવે આ મંદિરના દરવાજા બંધ જ રાખે છે.

ભારતમાં વિશિષ્ટતા ઠેર ઠેર છે. એમાંય હિમાચલ પ્રદેશ કે રાજસ્થાન જઈએ તો આશ્ર્ચર્યચકિત થયા વિના ન રહેવાય.
બાય ધ વે, અંતિમ પ્રયાણમાં જ ભરમૌર જોવું છે કે જીવતે જીવ આટો જઈ આવવું છે ખરું?

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button