ઉત્સવ

હજારો માઈલ દૂરથી ઊડીને આવતા પક્ષીઓનું અનેરું વિશ્ર્વ…

એ છે વડોદરા પાસે આવેલી રામસર સાઈટ – વઢવાણા પક્ષી અભયારણ્ય..

ટ્રાવેલ સ્ટોરી -કૌશિક ઘેલાણી

ગુજરાત રાજ્ય કુદરતનાં અખૂટ ખજાનાથી ભરપૂર છે. આ વાતથી આપણે સહુ કોઈ વાકેફ છીએ. વિશાળ જંગલો- વિશાળ દરિયાકિનારો-ખુલ્લાં ઘાસનાં મેદાનો- અફાટ રણપ્રદેશ જેવા અલગ અલગ કુદરતી પ્રદેશ અહીં છે, જ્યાં કુદરતી વન્યજીવો મુક્તપણે મહાલતા જોવા મળે છે.

ગુજરાતનાં ઘણાં પ્રદેશ એવા પણ છે, જે આંતરરાષ્ટ્રીય ફલક પર નામના ધરાવે છે, જ્યાં દેશ- વિદેશથી લોકો પ્રકૃતિની ભવ્યતા જોવા ને કેમેરામાં કંડારવા આવે છે.

વડોદરા નજીક આવેલા ડભોઇ પાસે સ્થિત વઢવાણા પક્ષી અભયારણ્ય આવું જ છે. એ આંતરરાષ્ટ્રીય ફલક પર નામના ધરાવતું સ્થળ છે. સદીઓથી આ વિસ્તાર દેશ વિદેશનાં પક્ષીઓમાં માનીતો છે. અહીં દેશ વિદેશનાં પક્ષીઓ શિયાળો વિતાવવા માટે અવારનવાર આવે છે ને શિયાળો પૂરો થતા જ પોતાનાં વતન પરત ફરે છે.

ગત વર્ષે જ ભારત દેશમાંથી ચાર અલગ અલગ સાઇટ્ને રામસર સાઇટ્સમાં સમાવવામાં આવી, જેમાંથી બે સાઈટ ગુજરાતની વઢવાણા પક્ષી અભયારણ્ય અને થોળ પક્ષી અભયારણ્ય છે. રામસરમાં સમાવેશ થનાર સાઈટ ગુજરાતમાં હોય એ ખૂબ જ વિશેષ સિદ્ધિ સમાન ગણી શકાય.

રામસર એટલે ઈરાનમાં આવેલું એક વિશાળ કુદરતી સરોવર. ૧૯૭૧માં ‘યુનેસ્કો’ દ્વારા વિશ્ર્વભરમાં આવેલા કુદરતી સરોવરો કે જે પક્ષીઓ અને અન્ય છીછરાં પાણી પર આધાર રાખનાર જીવસૃષ્ટિ માટે ઈરાનમાં આવેલા આ રામસર સાઈટનાં માપદંડ અનુસાર અમુક ચોક્કસ ધોરણ નક્કી કરવામાં આવ્યા અને એની જાળવણી માટે વિશેષ નિયમો બનાવવામાં આવ્યા, જે ‘રામસર સાઈટ’ તરીકે ઓળખાય છે. ભારતમાં આવી ૪૨ જેટલી રામસર સાઈટ છે. એની જાળવણી, યુનેસ્કો’ની દેખરેખ હેઠળ જે-તે રાજ્યનાં વન વિભાગ દ્વારા કરવામાં આવે છે.

વઢવાણા તાજેતરમાં જ રામસર સાઇટનાં લિસ્ટમાં શામેલ થતા વિશ્ર્વભરનાં પક્ષીવિદની નજરમાં આવી ગયું. મધ્ય એશિયા ‘માઈગ્રેશન ફ્લાય વે રૂટ’ નો ઉપયોગ કરીને યુરોપિયન અને એશિયન દેશોમાંથી આશરે ૮૦ જેટલાં પક્ષીઓની વિવિધ પ્રજાતિઓ અહીં દર વર્ષે શિયાળો વિતાવવા માટે ઓક્ટોબરથી જ આવી જાય છે. જેમ જેમ શિયાળાની શરૂઆત થતી જાય એમ એમ વઢવાણા વિસ્તાર પક્ષીઓના કલરવથી અને આખું આકાશ કતારબંધ ઉડતા પક્ષીઓની હારમાળાથી સજાઈ જતું જોવા મળે છે.

પ્રવાસ આપણે કરી જાણીએ છીએ, પણ પક્ષીઓથી મોટું કોઈ પ્રવાસી જીવ નથી. આપણે માત્ર વિવિધ વિશ્ર્વને જોવા અને માણવા માટે પ્રવાસ કરીએ છીએ, પણ પક્ષીઓ તો પોતાનાં જીવનને ટકાવી રાખવાનાં સંઘર્ષનાં ભાગ રૂપે પ્રવાસ કરે છે. કેટલાંક પક્ષી તો છેક સાઇબિરિયા પ્રાંતમાંથી, તો કેટલાક રશિયાની ઓબ નદીનાં ઠંડા વિસ્તારમાંથી, કેટલાંક જાપાન વિસ્તારમાંથી તો કેટલાક હિમાલયનાં અતિ ઠંડાગાર સરોવરોમાંથી પોતાનાં બચ્ચાઓને લઈને ખૂબ જ ઊંચી અને લાંબી મુસાફરી માટે ઉડાન ભરીને ગુજરાતનાં અલગ અલગ સરોવરોને સંઘર્ષના ભાગ રૂપે જીવનનો થોડા સમય માટે હિસ્સો બનાવે છે.

વઢવાણામાં હિમાલયનાં માનસરોવરથી રાજહંસોનું ટોળું, હિમાલયનાં સો-મોરીરીથી ભગવી સુરખાબ, આફ્રિકા અને સિંધ પ્રાંતમાંથી હંજોનું ટોળું, મધ્ય એશિયાનાં વિસ્તારોમાંથી ગુલાબી પેણ, સિંધ પ્રાંતમાંથી શિકારી પક્ષીઓ વગેરે અહીંયા ગમતું અને સુરક્ષિત વિશ્ર્વ મેળવી લે છે.

વઢવાણા માટે પક્ષી અભ્યાસનો શ્રેષ્ઠ સમય વહેલી સવારનાં સાડા છ વાગ્યાનો છે. વડોદરાથી માત્ર દોઢેક કલાકની સફર પછી વઢવાણા પહોંચી શકાય છે. અહીં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની નાનકડી ચોકી છે, જ્યાં સંપૂર્ણ માર્ગદર્શન પણ મળી રહે છે. કુદરતનાં માહોલમાં રત થઇ જવાય એવા ડલ રંગોનાં કપડાં જેવા કે ઓલિવ ગ્રીન વગેરે પહેરીને પક્ષી દર્શનનો લાભ લઇ શકાય. વઢવાણા સરોવરને સંપૂર્ણ પણે શાંતિથી જોવા માટે આશરે પાંચથી છ કલાકનો સમય જોઈશે . અહીં એક વોચ ટાવર છે જેના પરથી પાણીમાં દૂર સુધી મહાલતા પક્ષીઓની કરતબને શાંતિથી નિહાળી શકાય છે. અહીંના મુખ્ય ચેક લિસ્ટમાં રેડ ક્રેસ્ટેડ પોચાર્ડ, બાર હેડેડ ગીઝ, હેરિયર્સ, હવામાં કરતબો કરતું બ્લુ ટેઇલ્ડ બી ઇટર, પાણીમાં શિકાર કરતી લિટલ ગ્રેબ, તળાવ વચ્ચે લાકડાં પર બેસેલું સ્નેકબર્ડ ડાર્ટર, બોઇંગ વિમાનની જેમ પાણી પર ઉતરાણ કરતા પેલીક્ધસ, પાણીમાં ચાંચ ડુબાડીને કોઈ તરતી સ્ટીમર માફક ટોળામાં ખોરાક શોધતા ફ્લેમિન્ગોઝ, ઊંચે આકાશમાંથી પાણીમાં છલાંગ લગાવીને એક જ ઝાટકે માછલી પકડીને ઉડતું ઓસ્પ્રે, સફેદ રૂ જેવું મુલાયમ કોટન પીગ્મી ગૂઝ, ઊડતા વેંત જ સિસોટી મારતું લેસર વિસલિંગ ડક વગેરે વિવિધતમ સુંદર પક્ષીઓની વિશેષતાની આગવી ઝલક તમને અહીં માત્ર થોડા જ કલાકોમાં જોવા મળી જાય..

૧૫ ઓક્ટોબરથી લઈ ને છેક ફેબ્રુઆરી મહિનાનાં અંત સુધી અહીં વિવિધ પક્ષીઓ જોઈ શકાય છે. સાથે દૂરબીન હશે તો સોને પે સુહાગા. બાળકોને ‘નેશનલ જ્યોગ્રાફિક’ ચેનલનો અદ્દલોદલ સાચો અનુભવ પ્રકૃતિ વિશ્ર્વમાં વિહરીને જ આપી શકાય. અહીં બાળકો-તરુણો દેશમાં આવતા વિદેશી મહેમાનોથી માહિતગાર પછી એ યુવાપેઢીમાં વન્યસૃષ્ટિ તથા પ્રકૃતિ પ્રત્યે સંવેદના આપોઆપ જાગશે. મોટેરાઓ પણ પક્ષી દર્શનનો શોખ આ રીતે જ કેળવી શકે છે. પક્ષીઓનાં મુક્ત વિશ્ર્વમાં એક વાર ડૂબકી લગાવ્યા પછી આ વિશ્વને જાણવાની જિજ્ઞાસા આપોઆપ સહુને પક્ષી અભયારણ્ય ક્ષેત્રોમાં ખેંચી જશે..

કોઈ પણ સ્થળે પક્ષીદર્શન માટે જઈએ એટલે શોરબકોરને બાજુ પર મૂકીને ક્ષણભર માટે પ્રકૃતિએ ખુલ્લા મૂકેલા ખજાનાને નિહાળીને સાંભળીએ. અહીં તમને આશ્ર્ચર્યમાં ગરકાવ કરી મૂકે એવાં વિવિધ પક્ષીનાં મધુર કોલ્સ સાંભળવા મળશે. અહીં પક્ષીઓ બ્રીડીંગ માટે પ્રયત્નો કરતા પણ દેખાશે તો વળી અમુક તો પોતાના બચ્ચાઓને સંઘર્ષનાં વિવિધ પાઠ ભણાવતા નજરે ચઢશે..

ક્યાંય પણ પક્ષીદર્શન માટે જઈએ તો અમુક બાબતનું ખૂબ જ ધ્યાન રાખીએ જેથી અજાણતાં પણ આપણે કુદરતની કડીમાં વિક્ષેપ ન બનીએ કે નિર્દોષ પક્ષીનાં જીવનમાં દખલ કરવાનું કારણ ના બનીએ. સામાન્ય રીતે લોકો જીવદયાનાં નામ પર પક્ષીઓને કંઈક ને કંઈક ખાવાનું આપતા હોય છે જે સંપૂર્ણ રીતે ખોટું છે. વિદેશી પક્ષીનું પાચનતંત્ર માણસ માટે બનાવેલા ખોરાકને પચાવી શકવા સક્ષમ નથી હોતું. આપણો ખોરાક પણ એમને પોષણ આપી શકે એટલો પૌષ્ટિક નથી હોતો. એ કુદરતનાં સંઘર્ષ સામે ટકી રહે એ રીતે જ ઘડાયેલા હોય છે. એમની શિકાર કરવાની ક્ષમતા પણ એ રીતે જ કેળવાયેલી હોય છે, જેને આપણે ખોરાક આપીને મૂળભૂત શિકાર પદ્ધતિને ગેરમાર્ગે દોરીએ છીએ જે આપણે ન કરવું જોઈએ- કોઈ કરતું હોય તો પણ રોકવું જોઈએ.

આપણે પક્ષીઓનાં વિશ્ર્વને આવકારવું જોઈએ ને એમને કુદરતી રીતે જ વિકસવા માટેનું વાતાવરણ પૂરું પાડીએ એટલે આપણે પર્યાવરણ માટે કંઈક સારા પગલાં ભર્યા એ ચોક્કસ ગણાશે.
આ ઉપરાંત, પ્લાસ્ટિક કે કોઈ પણ જાતનાં માનવ સર્જિત પદાર્થથી કુદરતી સ્રોતોને પ્રદૂષિત ના કરવા જોઈએ. કુદરતને આ રીતે આપણે હાથ ને સાથ આપીશું તો કુદરત પણ આપણને અચૂક કંઈક વિશેષ જ આપશે…
(સંપૂર્ણ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button