દુર્ગાદાસના ખાત્માનું બીડું ઝડપ્યું અન્ય એક મોગલ સેનાપતિએ
વિશ્ર્વના યુદ્ધવીર -પ્રફુલ શાહ
(૪૧)
ઔરંગઝેબના શાસનમાં એક પસ્તુન સેનાપતિ હતો: સફદરખાન. આની ભાવિ પેઢીએ જૂનાગઢ પર રાજ કર્યું અને એ પરિવારની એક ફરજંદ એટલે બૉલીવૂડ સ્ટાર પરવીન બાબી. તો આ મોગલ સેનાપતિએ બીડું ઝડપ્યું દુર્ગાદાસને પકડવાનું કે ખતમ કરવાનું.
માત્ર જોશ બતાવવાને બદલે સફદરખાન બાબીએ લાંબુ વિચારીને એક કાવતરું ઘડી કાઢયું. આના ભાગરૂપે દુર્ગાદાસને શાહજાદા આઝમે મળવા આવવા માટે પાટણથી બોલાવ્યા. તૈયારી એ એટલી જડબેસલાખ કરાઇ કે દુર્ગાદાસ બચી જ ન શકે. દુર્ગાદાસ શાહજાદાને મળવા આવે એ જ સમયે લશ્કરને જાણે શિકાર માટે નીકળવાનું હોય એવા ઓઠા હેઠળ એકદમ તૈયાર ખડે પગે રખાયું. ફરક એટલો જ કે શિકાર કોઇ જંગલી પ્રાણીનો નહીં માનવ-સિંહ દુર્ગાદાસનો કરવાનો હતો. આટલું જ નહીં, શાહજાદા આઝમના દરબારમાંય સેનાપતિ સફદરખાન બાબી સહિતના એકે એક મનસબદાર શસ્ત્ર અને ખુન્નસ સાથે રાહ જોઇ રહ્યા હતા. મોગલ છાવણીમાં દુર્ગાદાસ રાઠોડના જીવનની અંતિમ પળોની ઊંધી ગણતરી શરૂ થઇ ચૂકી હતી. પ્રતિક્ષા હતી માત્ર સમયની: ટીક, ટીક, ટીક…
આ બધાથી સંપૂર્ણપણે અજાણ દુર્ગાદાસે પાટણથી ચાલીને સાબરમતી નજીકના બરેજ પાસે રોકાણ કર્યું. આગલે દિવસે એકાદશીનું વ્રત રાખ્યું હતું. એટલે તેમણે નક્કી કર્યું કે પહેલા સ્નાન અને પછી ભોજન આટોપીને આરામથી શાહજાદા આઝમને મળવા જવું.
દુર્ગાદાસના આગમનમાં વિલંબ થવાથી આઝમ ઘડી ઘડી દુર્ગાદાસને
બોલાવવા દૂત મોકલવા માંડયો. આની સાથે જ લશ્કરની સજજતા અને
શિકારની તૈયારીના વાવડ પણ મળ્યા. બન્નેની બેઠક કયાં સુધી ચાલે એ નક્કી ન કહેવાય તો પછી શિકાર માટે આટલી બધી ઉતાવળ અને તૈયારી પાછળનો તર્ક શું? અને લશ્કર કેમ એકદમ ખડેપગે છે? યુદ્ધ કે આક્રમણના કોઇ અણસાર તો
વર્તાતા નથી.
જમાનાના ખાધેલા દુર્ગાદાસને દાળમાં કંઇક કાળું લાગ્યું. લાંબી વિચારણા વચ્ચે અમદાવાદના દીવાન અફઝલ ખાને વાયા વાયા મોકલાવેલો સંદેશો પણ મળી ગયો કે સાબદા રહેજો, શાહજાદા આઝમ સાથેની મુલાકાતમાં આપની સાથે ધોખો, વિશ્ર્વાસઘાત થવાનો છે. હવે ઝાઝુ વિચાર્યા વગર દુર્ગાદાસ રાઠોડ તાબડતોબ પાટણ જવા નીકળી પડયા.
આ તરફ દુર્ગાદાસ પાછા જતા રહ્યા હોવાની માહિતી મળતા જ શાહજાદો આઝમ એકદમ રોષે ભરાઇ ગયો. તેણે સેનાપતિ સફદરખાન બાબીને મોટા રસાલા અને શસ્ત્રો સાથે પીછો કરવા મોકલી દીધો.
દુર્ગાદાસ રાઠોડ પોતાના કાફલા સાથે પાટણ તરફ જઇ રહ્યાં હતા, ત્યારે મોગલો પાછળ-પાછળ પગેરું દબાવીને આવતા હતા. આની જાણકારી મળી એટલે દુર્ગાદાસની છાવણીમાં વિચાર-વિમર્શ શરૂ થયા. દુર્ગાદાસ રાઠોડ તો શાહજાદા આઝમના આમંત્રણને માન આપીને માત્ર મળવા આવ્યા હતા. એટલે સૈનિકો શસ્ત્ર ખૂબ ઓછાં હતાં. એની સરખામણીમાં મોગલો તો ટાર્ગેટ નક્કી કરીને બેઠા હતા અને અત્યારે એનો પીછો કરી રહ્યાં હતા, હવે કરવું શું? (ક્રમશ)