ઉત્સવ

ગુજરાતીઆ માટે ભારત બહાર બીજુ ઘર:દુબઈ

મુંબઈ સમાચાર ટીમ
ગુજરાતીમાં કહેવત છે કે જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!,,જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી, ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત! કવિતા જ્યારે પંક્તિ મટીને કહેવત બની જાય ત્યારે જાણવું કે કવિ અમર થઈ ગયો. પારસી વેપારી અરદેશરે આ એક કાવ્ય પછી કશુંય ન લખ્યું હોત તોયે ગુજરાત, ગુજરાતીઓ અને ગુજરાતી ભાષા- ત્રણેય એમનાં સદાકાળ ઋણી રહેશે. દુબઈમાં હાલમાં ૫૦૦૦૦ કરતા પણ વધારે ગુજરાતીઓ રહે છે. જરા ધ્યાનથી વાંચજો હો, ભારતીયોની સંખ્યા નથી કહેતી હું….ફક્ત ગુજરાતીઓની જ વાત કરું છું અને હા તમે બરાબર જ વાંચ્યું દુબઈમાં ૫૦૦૦૦ કરતા પણ વધારે ગુજરાતીઓ રહે છે. હવે તો ઘણી બધી ઓનલાઇન એપના કારણે દુબઈમાં બેઠા બેઠા હજારો ગુજરાતીઓ ઓનલાઈનના તાંતણે બંધાયા છે.

આજે પણ જ્યારે વિશ્વના કોઈ ખુણે રહેતા ગુજરાતીના સંપર્કમાં આવીએ ત્યારે તેમણે વિદેશમાં વસાવેલી તેમની એક નાનકડી ગુજરાતી દુનિયા અચુક આપણને જોવા મળે છે. તો આજે આપણે વાત કરીએ દુબઇમાં વસતા ગુજરાતીઓની કે જેમણે દુબઈમાં પણ એક આખું ગુજરાત ઊભું કરી દીધું એટલું જ નહિ તેમણે બધાએ ત્યાં ભેગા મળીને તહેવારો ઉજવવાના શરૂ કર્યા અને એકબીજા સાથે આત્મીયતાથી બંધાયા.

દુબઈ વિશ્વભરના લોકોને આકર્ષે છે. અહી અલગ અલગ દેશના ઘણા લોકો પણ રહે છે પરંતુ ભારતીયોની સંખ્યા બીજા બજા કરતા ઘણી વધારે છે તેમાં પણ ગુજરાતીઓ તો તમને મળી જ જાય. તેમાં પણ ખાસ કરીને ગોલ્ડના બિઝનેસમાં અને પેટ્રોકેમિકલના બિઝનેસમાં તો ગુજરાતીઓનો દુબઇમાં પણ દબદબો જોવા મળે છે. અરે એટલું જ નહી આપણા ગુજરાતીઓતો દુબઈમાં પણ તમને ગુજરાતી થાળીની મોજ કરાવી દેશે. ગુજરાતી થાળી પીરસતી રેસ્ટોરેન્ટ અહીં તમને આરામથી મળી જશે. અને જો તમે અહી જમ્યા તો ઘરના જમવાનો પણ સ્વાદ પણ ભૂલી જશો. તમારા ઘરથી હજારો માઇલ દૂર જ્યારે તમને એકદમ તમારા ઘર જેવું જ જમવાનું મળી રહે તો ભયો ભયો, બોલો આનાથી વધારે આનંદની વાત કંઇ હોઇ શકે. ગુજરાતીઓની ભાષા પણ એટલી મીઠી હોય કે ગુજરાતીઓ ખારી વસ્તુને પણ મીઠું કહીને બોલાવે છે. તેમની જીભ પર ભારોભાર સન્માન હોય છે અને મહેમાનને આવકાર્યા બાદ જતી વેળાએ પણ આવજો કહીને ફરી આવવાનું આમંત્રણ આપે એજ તો ગુજરાતીે.એટલું જ નહીં, ગુજરાતીઓએ દુબઈમાં ધર્મનો પણ ડંકો વગાડ્યો છે. દુબઈમાં મંદિર પણ બનાવવામાં આવ્યું છે જ્યાં ગુજરાતીઓ રંગેચંગે પોતાના ધાર્મિક મહોત્સવો પણ ઉજવે છે. જ્યારે પણ કંઇ પ્રસંગ હોય કે ઉત્સવ હોય ત્યારે તમામ ગુજરાતીઓ તેમની આગવી શૈલી પ્રમાણે એક જગ્યાએ ભેગા મળીને તેનો આનંદ ઉઠાવે છે. પછી તે દિવાળી હોય કે મકર સંક્રાતિ કે પછી હોળી વિદેશમાં પણ તેઓ પોતાની પરંપરા છોડતા નથી. તેમાંય વળી નવરાત્રીનું તો પૂછવું જ શું ગુજરાતીઓએ તો દુબઇવાસીઓને પણ ગરબા રમતા શીખવી દીધું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button