ઉત્સવ

અતિવૃષ્ટિમાં અભયારણ્યોના પશુઓની હાલત દયનિય: અસ્તિત્વની લડાઈ લડે છે મૂંગા પ્રાણીઓ

સ્પેશિયલ -પ્રથમેશ મહેતા

જળવાયું પરિવર્તનને કારણે સમગ્ર વિશ્વમાં મોસમી પરિવર્તનો દેખાઈ રહ્યા છે. ઋતુઓમાં તીવ્રતા, જેમકે ઉનાળામાં આગઝરતી ગરમી, શિયાળામાં કાતિલ ઠંડી તો ભારત જેવા સમશીતોષ્ણ કટિબંધ પ્રદેશોમાં વર્ષાઋતુમાં પણ ભારે બદલાવ જોવા મળી રહ્યા છે.

વર્ષાઋતુમાં અનાવૃષ્ટિ અને અતિવૃષ્ટિ બંને ન માત્ર મનુષ્યો માટે, પરંતુ પશુઓ માટે પણ મોટી સમસ્યા છે. ખાસ કરીને અતિવૃષ્ટિના કિસ્સામાં પશુઓની જે દયનિય હાલત થાય છે તે તરફ લોકોનું ધ્યાન બહુ ખેંચાતું નથી. પાલતુ પશુઓ મનુષ્યના સંરક્ષણમાં હોવાથી તેમના પ્રત્યે તો હજી પણ ધ્યાન અપાય છે, અને અતિવૃષ્ટિ જેવા કિસ્સામાં તેમને સુરક્ષિત સ્થળે સ્થાનાંતરિત કરાય છે, પરંતુ જંગલી પશુઓનું શું? આપણા દેશમાં વિવિધ સ્થળે જંગલી પશુઓ માટે અભયારણ્યો વિકસાવાયા છે. પરંતુ અતિવૃષ્ટિ જેવા આપત્તિકાળમાં આજ અરણ્યો, ત્યાંના રહેવાસી પશુઓ માટે ભયારણ્ય બની જાય છે. ઉદાહરણ તરીકે, આસામનું કાઝીરંગા. ૧૯૦૮માં તેને રાષ્ટ્રીય ઉદ્યાનનો દરજ્જો મળ્યો અને તેના વન્યજીવન અને કુદરતી સંસાધનોનું યોગ્ય રીતે સંરક્ષણ થવા લાગ્યું. અભયારણ્યમાં મોટી સંખ્યામાં પ્રાણીઓ અને પક્ષીઓની પ્રજાતિઓ મુક્તપણે વિહરતા હોય છે. પરંતુ આસામમાં આવેલા પૂરથી માત્ર આ પ્રાણીઓની સ્વતંત્રતા પર જ ખતરો નથી, પરંતુ તેમના અસ્તિત્વને પણ ખતરો ઉભો થયો છે. અસ્તિત્વ માટેના આ સંઘર્ષમાં આ વર્ષે અત્યાર સુધીમાં ૭૭ પ્રાણીઓએ જીવ ગુમાવ્યા છે.

ભારતીય પ્રજાતિના એક શિંગડાવાળા ગેંડા આ રાષ્ટ્રીય ઉદ્યાનની મુખ્ય વિશેષતા છે. દુનિયામાં બીજી કોઈ જગ્યા નથી જ્યાં આ પ્રકારના ગેંડા આટલા મોટા પાયા પર રહેતા હોય. આ ઉપરાંત, તે હાથી, બંગાળ વાઘ, ચિત્તા, હરણ અને પ્રાણીઓ અને પક્ષીઓની સેંકડો પ્રજાતિઓનું પણ ઘર છે.

દર વર્ષે લાખો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ આ અભ્યારણ્યની મુલાકાતે આવે છે. પરંતુ હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને ઉત્તર-પૂર્વના ઘણા રાજ્યોમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે. ઉત્તર-પૂર્વમાં, ખાસ કરીને આસામ આ પૂરથી સૌથી વધુ અસરગ્રસ્ત છે. આસામ છેલ્લા એક મહિનાથી પૂરથી પ્રભાવિત છે અને પરિસ્થિતિ સુધરી રહી છે ત્યારે ફરી ભારે વરસાદ થઈ રહ્યો છે અને જનજીવન ખોરવાઈ રહ્યું છે. આસામનું વિશિષ્ટ કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન પણ આ વર્ષે આ પૂરથી બચ્યું નથી. અગાઉ ૨૦૨૦ અને ૨૦૨૨માં પણ આ અભયારણ્યમાં પૂરના પાણી ઘૂસી ગયા હતા અને અનેક
પ્રાણીઓના મોત થયા હતા. પરંતુ આ વર્ષે કુદરતની આફત વધુ ભયંકર છે.

અભયારણ્યમાં અનેક સ્થળોએ પૂરનું પાણી ઘૂસી જતાં પ્રાણીઓએ સલામત સ્થળે જવાનો સખત પ્રયાસ કર્યો હતો. પરંતુ ૭૭ પશુઓ મૃત્યુ પામ્યા હતા. આમાંથી કેટલાક ડૂબી ગયા છે. તો કેટલાકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જેમાં ૬૨ હરણ અને ત્રણ ગેંડાનો સમાવેશ થાય છે. અભયારણ્ય પ્રશાસને ૯૪ પ્રાણીઓને બચાવ્યા. આ અભયારણ્યમાં વાઘ માટેના અનામત વિસ્તારોમાં ૨૩૩ શિબિરો છે, જેમાંથી ૬૧ કેમ્પ ઉપર પાણી ફરી વળ્યાં છે. સર્વત્ર પાણી હોવાથી મોટા ભાગના પ્રાણીઓ ઉંચી જગ્યાઓ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે. કેટલાક પ્રાણીઓ કાર્બી આંગલોંગ જિલ્લાના દક્ષિણ ભાગમાં સુરક્ષિત સ્થાનો તરફ હાઈવે પાર કરી રહ્યા છે. જેને ધ્યાનમાં રાખીને આ અભયારણ્યમાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વાહનો માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પૂરથી અસરગ્રસ્ત પ્રાણીઓની સારવાર માટે ૩૩ સારવાર કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા છે અને આ અભયારણ્યના સુરક્ષા રક્ષકો અને સ્ટાફ આ અભયારણ્યમાં કેટલાક દિવસોથી રાત-દિવસ પડાવ નાખીને ઓછામાં ઓછું જાનહાનિ ન થાય તે માટે પ્રયત્નશીલ છે.

મનુષ્યની જેમ વિકસિત મગજ ન હોવા છતાં, પ્રાણીઓ અને પક્ષીઓ પ્રમાણમાં પ્રકૃતિ પ્રત્યે વધુ જાગૃત છે. તેમની ઇન્દ્રિયો અને ચેતના પ્રકૃતિ સાથે એકરૂપ છે. તેથી, આ કુદરતી આફત પછી પણ, આપણે આશા રાખી શકીએ કે પ્રકૃતિ પ્રત્યેનો તેમનો વિશ્વાસ ડગમગશે નહીં. કુદરતે તેમને જૈવિક સાંકળ અખંડ રાખવાની જવાબદારી સોંપી છે. કાઝીરંગામાં પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ તે આ જવાબદારી હાથમાં લઈને નિભાવવાનું ચાલુ રાખશે. કુદરતી ચક્ર ચાલુ રહેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button