ઉત્સવ

આને સે ઉસકે આયે બહાર, જાને સે ઉસકે જાયે બહાર….

ટૅક વ્યૂહ – વિરલ રાઠોડ

મોબાઈલની દુનિયામાં જે ક્ંઈ નવા-જૂની થાય છે -ભલે, એક ચોક્કસ વર્ગથી શરૂ થતી હોય તો પણ સમયાંતરે આખા સમૂહને આવરી લે છે.

એન્ડ્રોઈડ આવ્યું ત્યારે સેમસંગ કંપનીએ એક જ પ્લેટફોર્મ પર ધમાકેદાર સર્વિસ આપી હતી. એ પહેલા નોકિયાનો દબદબો હતો. એની મોનોપોલી એ હતી કે, એના દરેક ડિવાઈસમાં કંઈક નવું હતું, પણ એન્ડ્રોઈડે એના ફ્યુચર પ્લાનના અરમાનો પર ટેકનોલોજીનો નાળીયેર જેવો મજબૂત ઘા મારીને ભૂક્કા કાઢી નાંખ્યા. જેના પર સાવરણો મારવાનું કામ કર્યું વનપ્લસ અને એમઆઈ જેવી કંપનીએ.

હવે ‘ટેકવ્યૂહ રિડર્સ, તમે કહેશો આમા શું નવું છે? જે અપડેટ આવે એ ચાલે આઉટડેટેડ ફેંકાય જાય….’ પણ વાત એ કરવાની છે કે, હવે જે મોબાઈલના વિશ્ર્વમાં વૈવિધ્યની અપડેટ આવી રહી છે એ ભલભલાની ચોટલી ખીતો કરી દેશે. બેશક યુવાનોને ગમશે અને બિઝનેસવાળાને થોડી પિંજણ લાગશે. જેમ એન્ડ્રોઈડ મોબાઈલ સિસ્ટમ આવી એ સાથે એપલે પણ પોતાનું મસ્ત માર્કેટ બનાવ્યું. લેટેસ્ટ અપડેટ પ્રમાણે કહીએ તો મોટું ડિવાઈસ, મસ્ત કેમેરો અને સેવિંગની મસ્ત સર્વિસથી આઈફોને પોતે એક સેલિબ્રિટી જેવું સ્ટેટસ બનાવ્યું.

હવે જેની પાસે આઈફોન હોય એનો વટ સેલિબ્રિટી જેવો પડે છે. જો કે, બીજી મર્યાદા અંડરલાઈન કરી લેજો કે, જે નવી અપડેટ્સ અને ટેકનોલોજી આવે છે એ સ્પીડથી આઈફોન અપડેટ થતા નથી. ફીચર્સની ઢગલાબંધ રંગબેરંગી સિરીઝ એન્ડ્રોઈડમાં પહેલા આવે છે. આ કારણ કે, સૌથી વધારે એન્ડ્રોઈડ પ્લેટફોર્મ ભારતમાં છે. અર્થાત્ આ ઓએસ વાપરનારા આઈફોન કરતાં વધારે છે. iOS18 માં AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ) ફિચર ઈન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું છે. આ કોઈ પ્રોજેક્ટનો પ્રચાર નથી ,પણ હકીકત છે. જો આ અપડેટ આવી તો અમુક iphone રમકડાના થઈ જવાના. અર્થાત એની મર્યાદિત અપડેટ આવશે, પણ એમાં એઆઈ જેવા ફીચર્સ નહીં મળે. આ વાત જ્યારે અમેરિકામાં જાહેર થઈ ત્યારે કેટલાક લાલ કપડું જોઈને આખલો ભડકે એમ ભડકવા લાગ્યા. ઈનસિક્યોરિટી થવા લાગી. પણ ભારતમાં કોઈનું રૂંવાડું ન ફરક્યું કારણ કે, આપણી પબ્લિક જુગાડુ છે !

જૂન મહિનામાં એપલ કંપની પોતાની અત્યાર સુધીની લેટેસ્ટ ઑપરેટિંગ સિસ્ટમ લાવવાની તૈયારીમાં છે. હાલ ટેસ્ટિંગનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે, જેમાં એઆઈ ફીચર આપવામાં આવ્યું છે, પણ આ ફીચર સાથે બધા આઈફોન પર કામ નહીં કરે. કારણ કે, એઆઈ માટે ખાસ ગ્રાફિક્સની જરૂર હોય છે. ૨૦૧૮ પહેલાંના SE સિરીઝના અથવા ૮ પ્લસ મોડેલ આઈફોનમાં એ નહીં ચાલે. કારણ કે, ગ્રાફિક્સનું હાર્ડવેર નવા એઆઈ ફીચર્સ સાથે સેટ થતું નથી. ટૂંકમાં જૂના ડિવાઈસના ગ્રાફિક્સ ચિપ્સ સાથે એઆઈનો મેળ નથી ખાતો , કારણ કે એઆઈ પોતાની એક સ્પીડ અને ફિચર્સ ટેકનોલોજી સાથે કામ કરે છે. જ્યારે જૂના મોબાઈલમાં એને જોઈએ એટલી સ્પેસ કે સ્પીડ નથી મળતી. આ કારણ તે જૂના ડિવાઈસ પર નહીં ચાલે.

સ્લો પ્રોસેસર અને મર્યાદિત મેમરી સાઈઝ સાથે AI મેચ થતું નથી. ખાસ વાત તો એ છે કે, ગૂગલનું જે જેમિની ફીચર્સ છે એ આ નવી અપડેટમાં આવી રહ્યું છે. જેમાં કોઈ પણ ઈમેજને એડિટ કરવી એ માત્ર વોઈસ નોટથી શક્ય બનશે. જ્યારે વોઈસ ટુ ટેક્સમાં બીજી ભાષાને પણ સપોર્ટ મળશે. બાય ડિફોલ્ટ ઈંગ્લીશ તો રહેશે હો….એવું બિલકુલ નહીં થાય કે, બધું જ ગુજરાતીમાં મળે. જેમાં મીઠાઈ પ્રેમીઓને મિષ્ઠાન મળે તો એની જીભને જલસો પડી જાય એમ ટેકનો તથા AI માં કંઈક નવું શીખીને અખતરા કરનારા માટે ટેસડો પડી જવાનો છે.

કંપની પહેલી વખત ચેટ ડેટા સાથે એઆઈ ફીચર્સ લોંચ કરી રહી છે એટલે જેટલા યુઝર્સ થનગને એટલી કંપની ઉત્સાહિત થશે.

આ નવી અપડેટના કેટલાક ફિચર્સ કંપની ૧૦ જૂને થનારી વર્લ્ડ વાઈડ ડેવલપર્સ મિટમાં જાહેર કરશે. ટીવી અને આઈપેડ સિવાય પણ બીજા કોઈ ડિવાઈસ માટે ફીચર્સ લાવવાનો કંપનીનો ઈરાદો છે. વ્યૂ વગર રિવ્યૂ ન લખી શકાય એમ અત્યારે આ નવી અપડેટ વિશે આનાથી વધારે કહેવું અંધારામાં તીર મારવા જેવું છે. કંપની રિપોર્ટ અનુસાર એના રિસર્ચર એવું કહે છે, ભૂતકાળમાં ઘણા એવા ડિવાઈસ રહ્યા છે જેમાં પ્રોસેસર આવનારી ટેકનોલોજીને મેચ થાય એવું નથી. ઈનહાઉસ ટેસ્ટમાં પાસ થયા બાદ આ ડિવાઈસ કે અપડેટ જાહેર કરવામાં આવશે. કંપની હવે જૂના મોબાઈલ જે લોંચ થઈ ચૂક્યા છે એમાં નાણાં નાખવા માગતી નથી. તો હવે? કંઈ નહીં કાળની કચરાપેટીમાં ડિવાઈસ ફેંકવાના. અથવા તો સાચવી રાખવાના. આટલી અપડેટ આઈફોન અને આવનારી અપડેટ વિશે વાંચ્યા બાદ કોઈ એવું કહે કે, ડિવાઈસને કશું થવાનું નથી તો એમની સલાહને શટડાઉન મોડમાં માનવી. કંપની દાવા સાથે કહે છે કે, તે કંઈક એવું મોટું કરવા જઈ રહી છે કે, મોબાઈલની દુનિયા નવો વળાંક લેશે. કંપની કહે છે કે, સીરી અને જેમિનીનું કંમ્બાઈડ મોડેલ રહેશે. રિસ્પોન્સમાં એક્યુરેસી રહેશે. મેસેજ લખવાની મજા એ પડશે કે, આમા ઓટો કમ્પલિટ સેન્ટેન્સ ફીચર છે. (અંગ્રેજી લખતા હોવ તો …ગુજરાતીમાં ન મેળ આવે).

આ ઉપરાંત ગૂગલ બોર્ડ, એઆઈ, ચેટજીટીપી અને મિની ઓફિસ જેવા ફીચર્સ પણ મળશે. આ ઉપરાંત નાનકડું જોખમ એ પણ છે કે, જો આ રેન્ડમલી રન થશે તો ધીંગાણા કરાવશે. જો કે, એ લેવલ સુધી તો કોઈ પહોંચે એ પહેલા એની લિમિટેશન આવશે. હા, ઓટો જનરેટેડ પ્લેલિસ્ટ કરશો તો ગીત અને મેપમોડ કરશો તો ગમે ત્યાંથી તે શોર્ટકટ બતાવશે. …

આઉટ ઓફ ધ બોક્સ

અપડેટ હોય કે જીવન, જે સામે આવે એને સમજવાનો પ્રયાસ કરજો પારખવાનો નહીં. લાગણીઓ જ્યારે સ્વાગતમાં ઊભી હોય ત્યાં જ દિલના દરવાજા ખૂલતા હોય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button