અને मराठी मुलगी ગુજરાતી શીખી ગઈ
સ્પોટ લાઈટ – મહેશ્ર્વરી
ચાળીસગાંવ એ સમયે અમારા માટે અજાણ્યું ગામ. ચાર ચાર દિવસ પછી બહેન પાછી નહોતી ફરી એટલે હું અને મા તો રીતસરના ફફડી ગયા હતા. કોઈ રસ્તો ન સૂઝે ત્યારે ઈશ્વર રસ્તો સુઝાડે એવું અનેક લોકોના મોઢે સાંભળ્યું હતું. બે હાથ જોડી આંખ મીંચી પ્રભુને વિનવણી કરી રહી હતી ત્યાં જાણે ભગવાને જ મને ઈશારો કર્યો કે ‘ચાલ ઊભી થા અને જા બોરીવલી પોલીસ સ્ટેશને. પોલીસની ઓળખાણ અત્યારે જ કામ આવશે.’
મગજમાં ઝબકારો થયો અને હમણાં આવું છું એમ માને કહી દોડી અને પહોંચી બોરીવલી પોલીસ સ્ટેશને. સદ્ભાગ્યે ઓળખીતા પોલીસ ઈન્સ્પેક્ટર ગુપ્તે હાજર હતા. મને જોઈને ચોંકી ગયા, પણ ચહેરા પરના ભાવ જોઈ સમજી ગયા કે નક્કી આ છોકરી મુસીબતમાં છે. ‘કાય ઝાલં?’ (શું થયું?) ‘ચાર દિવસ થઈ ગયા પણ મારી બહેન પાછી ફરી નથી’ એટલું કહી મેં ગુપ્તેને વિગતવાર વાત કરી. ગુપ્તે એટલું જ બોલ્યા કે ‘ચિંતા નહીં કરતી.’ અને તમે માનશો? બીજે જ દિવસે બહેનને હાજર કરી દીધી. મેં અને માએ તો રીતસરનો બહેનનો ઉધડો લીધો, પણ બહેન તો હસતા હસતા બોલી કે ’પ્રોગ્રામ વધ્યા એટલે હું ત્યાં રોકાઈ ગઈ. બધાએ મને બહુ સારી રીતે રાખી – સાચવી. ચિંતા કરવાનું કોઈ કારણ નથી.’ એ સમયે ફોન કરી શકવાની સગવડ પણ નહોતી. મેં ગુપ્તેનો અને બોરીવલી પોલીસ સ્ટેશનનો આભાર માની પોલીસની ઓળખાણ મારા માટે મોટી ખાણ સાબિત થઈ એ બદલ ઈશ્વરનો આભાર માન્યો.
વાસ્તવિક જીવનના નાટ્યમય પ્રસંગ પછી રંગભૂમિના નાટકની દુનિયામાં ફરી એન્ટ્રી લઈએ. જોગેશ્વરીમાં ‘બાજીરાવ મસ્તાની’ નાટક કર્યું જેમાં મસ્તાનીનો રોલ મેં કર્યો હતો. આ નાટક વખતે એક એવી વ્યક્તિની ઓળખાણ થઈ જે મારા જીવનનાટ્યમાં મહત્ત્વની સાબિત થવાની હતી. ‘બાજીરાવ મસ્તાની’ સંગીત પ્રધાન નાટક હતું. એના મ્યુઝિક ડિરેક્ટર હતા ચંદ્રકાંત માસ્તર. હાર્મોનિયમ ઉપરાંત તબલાવાદનમાં પણ તેમની હથોટી હતી. ચંદ્રકાંત માસ્તર જોગેશ્વરી રહેતા હતા અને ગોવર્ધન મારવાડી પણ જોગેશ્વરી રહેતા હતા. ગોવર્ધન મારવાડી એટલે પ્રખ્યાત ફિલ્મમેકર વી. શાંતારામનાં ત્રીજાં પત્ની સંધ્યાના બનેવી. એ સમયે ગુજરાતમાં નાયક લોકો નાની નાની નાટક મંડળી ચલાવતા હતા. ચંપકલાલ નાયક, માધવલાલ નાયક, બેચરદાસ વગેરે આ પ્રવૃત્તિ સાથે જોડાયેલા હતા. એ લોકોને અમદાવાદના ’દેશી નાટક સમાજ’ માટે છોકરીઓની જરૂર હતી. આ કંપની ૮ મહિના ચાલે અને વરસાદના ચાર મહિના બંધ થઈ જાય. કંપનીએ ગોવર્ધન મારવાડીના કાને વાત નાખી અને ગોવર્ધન મારવાડીએ ચંદ્રકાંત માસ્તરને પૂછ્યું કે ’કોઈ છોકરી છે?’ વાત અમારા સુધી પહોંચી અને અમે મળ્યા ગોવર્ધન મારવાડીને. ઓફરની વાત થઈ અને ગામેગામ ફરવું પડે એ પણ જણાવ્યું. પપ્પાને વાત કરી અને સમજાવ્યા કે ગણપતિ ઉત્સવના નાટકો કરતા આ ઓફર વધુ સારી છે. એટલે આ ઓફર સ્વીકારી લઈએ અને મમ્મીને સાથે રાખવાની છૂટ પણ આપી છે. પણ.. વચ્ચે એક મણ મણનો પણ આવીને ઊભો રહ્યો. પણ મને ગુજરાતી તો નહોતું આવડતું. એટલે ગુજરાતી નાટકોમાં કામ કઈ રીતે કરી શકું એવો લાખ રૂપિયાનો સવાલ મેં પૂછી લીધો. જોકે, ગોવર્ધન મારવાડી પાસે લાખ રૂપિયાનો જવાબ તૈયાર હતો કે ‘ચિંતા નહીં કર. તને શીખવી દઈશ.’ સધિયારો મળતા મેં હા પાડી અને મહિને ૨૦૦૦ રૂપિયાના પગારે હું કરારબદ્ધ થઈ. બહુ જલદી મને ગુજરાતી બોલતા ફાવી ગયું – આવડી ગયું. નાટ્યકાર પરમાનંદ ત્રાપજકર લિખિત ‘વહુરાણી’ મેં ભજવેલું પ્રથમ ગુજરાતી નાટક. એ સમયે નાટકનું કથાનક ગંભીર હોય કે પછી સેટ બદલવાનો હોય ત્યારે કોમિક રિલીફ માટે રમૂજ પડે એવી રજૂઆત કરવામાં આવતી. ‘વહુરાણી’માં મેં ગાયેલું એક ગીત પ્રેક્ષકોને બહુ પસંદ પડ્યું હતું: મારા પ્રેમ પર કંઈક છે દીવાના, ગાતા અનેક વાના, કાગળ લખે છે છાના, મારા પ્રેમ પર કંઈક છે દીવાના. મનોરંજન માટે મારી બહેને ગાયેલી પંક્તિઓ પણ પ્રેક્ષકોને બહુ પસંદ પડી હતી: કોઈ તો પહેરાવો મારી આંગળીયે વીંટી, આવી ગાંડાઈ નથી દુનિયામાં દીઠી, એવા ઘેલા બને છે એ શાના. જોકે, આ નાટકનું ’નણંદનાં લગ્ન’ ગીત અલગ જ કારણસર લોકપ્રિય થયું હતું. એમાં બે પત્ની કરતા પુરુષની વાત હતી. નાટકમાં પત્ની પતિને કહે છે કે ‘દ્વિભાર્યા પત્ની કાયદો હવે નીકળી ગયો છે એ યાદ રાખજો.’ વાત એમ હતી કે ૧૯૫૫માં ‘હિન્દુ મેરેજ એક્ટ’ અસ્તિત્વમાં આવ્યો જે અનુસાર બે પત્ની (દ્વિભાર્યા) રાખવા પર પ્રતિબંધ આવી ગયો હતો અને ’વહુરાણી’ નાટક ભજવાયું હતું ૧૯૬૨માં. જોકે, ‘વહુરાણી’ નાટકએ શુકનવંતા નાટક તરીકે સ્થાન મેળવ્યું. મહાલક્ષ્મી નાટક સમાજના નાટકોની શરૂઆત ‘વહુરાણી’થી જ થતી. અમે ગામેગામ ફરી નાટકો કરતા હતા એમાં એક દિવસ એવું બન્યું કે મેં એક છોકરાને લાફો ઝીંકી દીધો…. એવું તે શું થયું કે મારે હાથ ઉપાડવો પડ્યો?
એક હાથમાં પૂંઠાનો પંખો, બીજા હાથમાં નાટકના ગીતોની ચોપડી
જૂની રંગભૂમિના ગીતોની વાત નીકળે એટલે ‘વડીલોના વાંકે’ નાટકનું અમર ગીત ’મીઠા લાગ્યા તે મને આજના ઉજાગરા, જોતી’તી વ્હાલાની વાટ રે. ઘેરાતી આંખડીને દીધા સોગંદ મેં, મટકું માર્યું તો તારી વાત રે’ સૌથી પહેલા હોઠ પર રમતું થઈ જાય. આ ગીત મોતીબાઈ નામના અભિનેત્રીના કંઠે રજૂ થઈ અવિસ્મરણીય બની ગયું. મોતીબાઈએ ચિત્રપટમાં પણ અભિનય કર્યો હતો. ચાર દાયકાની યશસ્વી કારકિર્દીમાં મા. અશરફ ખાને માલવપતિ મુંજ’ નાટકના અંદાજે ૫૦૦૦ જેટલા પ્રયોગો કર્યા હશે. કોઈ પણ નાની નાટક મંડળી આર્થિક મુશ્કેલીમાં આવે ત્યારે અશરફ ખાનને બોલાવે ને મુંજની ભૂમિકા ભજવાય. દોહરાના છેલ્લા શબ્દો અશરફ ખાનને ગાવા નહોતા પડતા પણ ઓડિયન્સ એ શબ્દો ગાતું. જેમ કે ‘ધન ધન સંપતિ સાહ્યબી કંઈ ના આવે સાથ, ઈશ્વરના દરબારમાં, ત્યાં જાવું ખુલ્લે હાથ’. અંતિમ શબ્દો તો ઓડિયન્સમાંથી જ બોલાતા. આ લોકપ્રિય ગીતો જાણે લોકગીતો જ બની ગયા હતા. એસી વગરના નાટ્યગૃહોમાં પ્રેક્ષકો એક હાથમાં પૂંઠાનો પંખો અને બીજા હાથમાં નાટકના ગીતોની ચોપડી રાખતા. આ જ નાટકની એક અતિ લોકપ્રિય ગઝલ એટલે ’હ્રદયના શુદ્ધ પ્રેમીને નિગમના જ્ઞાન ઓછાં છે, ન પરવા માનની તોયે બધાં સન્માન ઓછાં છે.’ આ એક એવી ગઝલ હતી કે કલાકાર ગાય અને એનું ઘેન શ્રોતાઓને ચડતું હતું. (સંકલિત