ઉત્સવ

અને એ દિવસે હું પપ્પા માટે ‘મરી ગઈ!’

મહેશ્ર્વરી

‘બહેન અને માસ્તરના સંબંધો વિશે તું જાણતી હતી. એમાં તારો જ હાથ છે અને તેં મને ફસાવી છે. હમણાં ને હમણાં ઘરમાંથી નીકળી જા. આજથી તું અમારા માટે મરી ગઈ છો અને અમે તારા માટે મરી ગયા છીએ એમ સમજજે’. પપ્પાના મોઢામાંથી શબ્દો નહીં પણ અગનગોળા નીકળી રહ્યા હતા, જે મારું અંગેઅંગ દઝાડી રહ્યા હતા.
મેં ફસામણી કરી છે એવો તર્ક પપ્પાએ શેના આધારે બાંધ્યો હશે એ હું સમજી ના શકી, પણ માસ્તર અને બહેન વચ્ચે લાગણીના સંબંધ કઈ રીતે બંધાયા હશે એનું અનુમાન મેં બાંધી લીધું. અગાઉના એપિસોડમાં મેં જણાવ્યું હતું કે ચંદ્રકાન્ત માસ્તર સંગીત ગુરુ હોવાને નાતે અમે એમને અમારી સાથે જ અલગ રૂમમાં રાખ્યા હતા. એ સમય દરમિયાન મારી બહેન સાથે વધુ સંપર્કમાં આવવાથી એકબીજાની નિકટ આવ્યા હશે એવું મેં માની લીધું. મને આશ્ર્ચર્ય તો એ વાતનું થયું કે મારાં લગ્ન થઈ ગયાં અને અમે બધા મુંબઈ આવી ગયા પછી પણ બહેન માસ્તરને મળવા જોગેશ્ર્વરી જતી હતી. હું મારા નાટકોના રિહર્સલમાં વ્યસ્ત હતી. એટલે મને ખબર જ ન પડી કે બહેન જોગેશ્ર્વરી આવ જા કરતી હતી. હવે કોઈને પણ સવાલ થઈ શકે છે કે મારાં લગ્ન થઈ ગયા હોવા છતાં મારી બહેન કોઈને કીધા વિના કેમ જોગેશ્ર્વરી બનેવીને (માસ્તરને) મળવા જતી હતી. શું બહેને મારી સાથે છળકપટ કર્યું? વિશ્ર્વાસઘાત કર્યો? એવા વિચારો પણ આવી શકે છે. જોકે, મારી બહેને મારી સાથે દગો કર્યો એવું માનવા હું તૈયાર નથી. અલબત્ત બહેન કેમ જતી હતી એનો મારી પાસે કોઈ જવાબ ત્યારે નહોતો. હું નાટકોમાં બિઝી રહેતી હતી અને માસ્તર મને લેવા નહોતા આવી રહ્યા એ બાબત પપ્પાને બહુ ખટકતી હતી. પરણેલી દીકરી સાસરે જ શોભે એ
માનસિકતા એ સમયે બહુ બળવાન હતી. વળી બહેન કોઈને કીધા વગર બહાર જતી હતી એ જોઈ પપ્પાના મનમાં શંકાનો કીડો સળવળવા લાગ્યો. હકીકત જાણવા તેમણે એક દિવસ ખબર ન પડે એમ ભાઈને જાસૂસી કરવા મોકલ્યો. ભાઈએ ઘરે આવી બહેન તો જોગેશ્ર્વરી જાય છે એવો રિપોર્ટ પપ્પાને આપ્યો. ગયા હપ્તામાં હું રિહર્સલમાંથી આવી ત્યારે ઘરમાં જે તંગ વાતાવરણ હતું એની જે વાત કરી હતી એનું કારણ બહેનની ચોરી પકડાઈ ગઈ એ હતું. પપ્પાનું રૌદ્ર સ્વરૂપ અને ‘હમણાં જ ઘરમાંથી નીકળી જા’ ફરમાન સાંભળી બે ઘડી માટે પૃથ્વી રસાતળ થઈ ગઈ હોય એવું મને લાગ્યું, પણ હું રડી નહીં. મન કઠણ રાખ્યું. મારો સ્વભાવ કાયમ જતું કરવાનો રહ્યો છે. કાયમ ‘લેટ ગો’ કરતી આવી છું. જાતને તરત સંભાળી લીધી. એક હરફ ઉચ્ચાર્યા વિના પતરાની પેટી લઈ ઘરની બહાર નીકળી ગઈ. એ દિવસે ધોધમાર વરસાદ હતો. ટ્રેનમાં બેસી જોગેશ્ર્વરી પહોંચી ત્યારે ઠેકઠેકાણે પાણી ભરાઈ ગયા હતા. ભીંજાતી ભીંજાતી રસ્તો પૂછતી પૂછતી હું જેમ તેમ કરી માસ્તરના ઘરે પહોંચી તો ગઈ. મને જોઈ માસ્તર ચોંકી ગયા અને એ કંઈ બોલે એ પહેલા ધાણી ફૂટે એમ મારા મોઢામાંથી શબ્દો ફૂટવા લાગ્યા કે ‘પપ્પાને બધી વાતની ખબર પડી ગઈ છે અને મને ઘરમાંથી કાઢી મૂકી છે, જે કંઈ બન્યું છે એના માટે તેમણે મને જવાબદાર ગણી છે. બોલો હવે શું કરવાનું છે? તમારે એ વિચારવાનું છે કે તમારું સુખ શેમાં છે?’ મારા આશ્ર્ચર્ય વચ્ચે માસ્તરે બધું શાંતિથી સાંભળી લીધું. અને હું જોગેશ્ર્વરીમાં રહેવા લાગી, પણ કહે છે ને કે શાંત પાણી ઊંડા હોય અને એ કહેવત કેટલી સાચી છે એ માસ્તરના વર્તન પરથી સમજાઈ ગયું. એકાદ બે દિવસ પછી માસ્તર ઘરે આવી ધમાચકડી કરવા લાગ્યા, ખૂબ જ વિચિત્ર રીતે વર્તવા લાગ્યા જેથી હું ત્રાસી જાઉં અને ઘર છોડી નીકળી જાઉં. આંચકો આપનારી વાત એ હતી કે એમાં શાંતાબહેનનો પૂરો સાથ હતો. બધો તમાશો જોયા કરે. ન માસ્તરને અટકાવે કે ન મને સધિયારો આપે. એક અક્ષર બોલ્યા વિના ચૂપચાપ ખેલ જોયા કરે. એક સ્ત્રી જ બીજી સ્ત્રીની દુશ્મન હોય છે એવી માન્યતા આ પ્રકારના અનુભવમાંથી બંધાઈ હશે એવી સંભાવના છે. માસ્તર દારૂ પીને આવે અને એવી એવી હરકતો કરે કે હું ભયભીત થઈ ઘર છોડી જતી રહું. પણ ઈશ્ર્વરે મારું મન પોલાદ જેવું મજબૂત બનાવ્યું છે. હું ડરી નહીં, ગભરાઈ નહીં. કાળજું કઠણ રાખી ત્યાં જ એમની સાથે રહી. દિવસો પસાર થઈ રહ્યા હતા અને કંપનીની ટૂરનો સમય નજીક આવી રહ્યો હતો ત્યાં…

એક દિવસ ખબર પડી કે હું પ્રેગ્નન્ટ છું. કોન્ટ્રેક્ટ પર સહીસિક્કા તો થઈ ગયા હતા એટલે મહાલક્ષ્મી નાટક કંપની સાથે અમે નાટકો કરવા ગુજરાત જવા નીકળ્યા. સાથે સાન્તાક્રુઝની છ – સાત છોકરીઓને લીધી હતી, પણ એક વલસાડની છોકરીને બાદ કરતાં બધી જ મહારાષ્ટ્રીયન હતી. એમને ગુજરાતી નહોતું આવડતું અને નાટકો ગુજરાતી કરવાના હતા. એટલે જેમ મરાઠીભાષી જયશ્રી ભીડે (એટલે કે હું) ગુજરાતી શીખી ગઈ એમ આ છોકરીઓને પણ ટ્રેઈન કરી ગુજરાતી બોલતી કરી દીધી. સાબરકાંઠા જિલ્લાના જાદર નામના ગામથી અમારા નાટકના શો શરૂ થયા. છોકરીઓ પણ પોતાના પાત્રોમાં સરસ રીતે ગોઠવાઈ ગઈ. નાટકોને સારો રિસ્પોન્સ મળી રહ્યો હતો એટલે જાદરમાં અમારું રોકાણ લંબાયું. એમ કરતા કરતા મારી ડિલિવરીનો સમય આવી ગયો. જાદર એક નાનકડું ગામ અને ગામમાં એક જ ડોક્ટર, પણ હતો હોશિયાર. મારી નોર્મલ ડિલિવરી નહોતી થઈ રહી (મારું જીવન પણ ક્યાં નોર્મલ રહેતું હતું) એટલે ડોક્ટરે એક અનોખો ઉપાય અજમાવી પુત્રીનો જન્મ તો કરાવ્યો પણ પછી એક વાક્ય એવું બોલ્યા જેની અસર મારા અન્ય સંતાનોના જીવન પર પણ પડી.

પત્નીના મૃત્યુ પછી લોકોને હસાવ્યા
કલાકારના જીવનનો મંત્ર કહો તો મંત્ર છે અને નિયમ કહો તો વણલખ્યો નિયમ છે કે ’શો મસ્ટ ગો ઑન’. અંગત સમસ્યા નજર અંદાજ કરી પ્રેક્ષકો માટે આયોજિત શોમાં પરફોર્મ કરવાનું એ દરેક કલાકાર પોતાનો ધર્મ માનતો આવ્યો છે. રંગભૂમિમાં એના અનેક ઉદાહરણ મળી આવે. જયશંકર ’સુંદરી’ના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલા પ્રાણસુખ નાયકના નાટ્ય જીવનમાં પણ એવો પ્રસંગ બન્યો હતો. ઈતિહાસની નોંધ અનુસાર પ્રાણસુખ ભાઈની પત્નીનું અવસાન થયું એ જ દિવસે થોડા કલાક પછી જ તેમના નાટકનો શો હતો. નિર્માતા મૂંઝાયા અને શું રસ્તો કાઢવો એનો વિચાર કરતા હતા ત્યાં ’આજે શો થશે અને હું પાત્ર ભજવી’ એમ પ્રાણસુખ નાયકે તેમને જણાવી દીધું. વાત એમ હતી કે નાટકમાં પ્રાણસુખ ભાઈની હાસ્યરસિક ભૂમિકા હતી. કલાકાર તખ્તા પર એન્ટ્રી લે એટલે એ પાત્ર બની જતો હોય છે અને એ દિવસે અંગત દુખ – દર્દ વિસરી જઈ નાયક સાહેબે પ્રેક્ષકોને પેટ પકડાવીને હસાવી હસાવી બેવડ વાળી દીધા. કલાકારની સમર્પણ ભાવનાનું એ ઉત્તુંગ શિખર હતું. પ્રાણસુખ ભાઈનો એક કિસ્સો એવો પણ છે કે કોઈ નાટકના શો વખતે તેમનો અવાજ બેસી ગયો હતો. હવે શું કરવું – એ જ ફરી મૂંઝવણ, પણ શો મસ્ટ ગો ઑન – ખેલ કોઈ પણ ભોગે ચાલુ રહેવો જોઈએ એ મંત્ર સાથે નાયક સાહેબે સ્ટેજ પર એન્ટ્રી લીધી અને મૂક અભિનયથી નાટકનો શો કર્યો અને આનંદ આપનારી વાત એ હતી કે પ્રેક્ષકોએ તેમનો મૂક અભિનય વધાવી લીધો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો?