ઉત્સવ

અને મહેશ્ર્વરી શકલી બની ગઈ

મહેશ્ર્વરી

સિદ્ધહસ્ત લેખક શ્રી પ્રાગજી ડોસાએ લખેલા ‘સૌભાગ્ય કંકણ’માં મારી પસંદગી હિરોઈન તરીકે થઈ એને હું મારૂં સદભાગ્ય ગણું છું. કારકિર્દીના પ્રારંભમાં જ નામી લેખકોની કૃતિમાં મુખ્ય રોલ ભજવવાની તક મળી રહી હતી એ આનંદ તો આપતી જ હતી, પણ સાથે સાથે ઉજળા ભવિષ્ય તરફ સંકેત પણ કરી રહી હતી. જો એમાં હું સાંગોપાંગ પાર ઊતરી અને દર્શકોને મારો અભિનય પસંદ પડ્યો તો પછી મારી આવતી કાલ સુનહરી બની જશે એવો વિશ્ર્વાસ જાગી રહ્યો હતો. સફળતા પ્રાપ્ત કરવા માટે અન્ય કોઈ પણ સાધનસામગ્રી કરતાં તમારો આત્મવિશ્ર્વાસ વધુ ઉપયોગી છે. ‘સૌભાગ્ય કંકણ’માં સેટ બદલાતો હોય ત્યારે દર્શકોનું મનોરંજન સુશીલા કરી રહી હતી. કોમેડીમાં તેણે મહારથ હાંસલ કરી હતી. આ નાટક વખતે સુશીલાએ કંપની સાથે ઝઘડો કર્યો. થયું એવું કે સુશીલા કોઈ નટ સાથે રહેતી હતી. ‘સૌભાગ્ય કંકણ’માં હીરોનો રોલ એ નટને જ આપવાનો દુરાગ્રહ તેણે રાખ્યો. કંપનીને એ વાત માન્ય નહોતી એટલે ઝઘડો કરી સુશીલાએ નાટક કંપની છોડી દીધી. કોમેડી કરી નાટકના છેડા સંભાળી લેનારી સુશીલાએ દેશી નાટક સમાજ સાથે જ છેડો ફાડી નાખ્યો. પછી એ રોલ રક્ષા દેસાઈએ કર્યો. વાચકોને યાદ હશે કે રક્ષા દેસાઈ ‘ચંદ્રગુપ્ત મૌર્ય’ નાટકના શોમાં અચાનક બીમાર પડતા એ દિવસના બીજા શોમાં એ રોલ મેં કર્યો હતો અને મારું પરફોર્મન્સ સારું રહ્યું હોવાથી શ્રી દેશી નાટક સમાજમાં મારું સ્થાન મજબૂત થઈ ગયું હતું. એટલે રક્ષા માટે એ જ દિવસથી મને કૂણી લાગણી થઈ હતી અને ‘સૌભાગ્ય કંકણ’માં સાથે કામ કરવાથી આનંદ બેવડાયો.

મારી નાટ્ય યાત્રા સરસ રીતે આગળ વધી રહી હતી ત્યાં એક એવો પ્રસંગ બન્યો કે મારું મન ખાટું થઈ ગયું. સુશીલાએ અચાનક કંપની છોડી દીધા પછી ‘પૈસો બોલે છે’ નાટકમાં લીલીનું કોમિક પાત્ર કરવાની તક મને મળી. અચાનક એક ગુરુવારે એવું બન્યું કે માંદગીને કારણે ‘પૈસો બોલે છે’ નાટકમાં મહત્ત્વનો રોલ કરતા કમલ બહેનને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યાં. એટલે ‘એમનો રોલ તારે કરવાનો છે’ એમ મને કહેવામાં આવ્યું. હું તો રાજી રાજી થઈ ગઈ. મને સ્ક્રિપ્ટ આપવામાં આવી અને મેં નાટકના સંવાદ યાદ કરવાની અને બીજી જરૂરી તૈયારી શરૂ કરી દીધી. તક મળે ત્યારે તૈયાર રહેવું જોઈએ કારણ કે તક અને તૈયારીના સરવાળાથી જ ભાગ્યનું ઘડતર થતું હોય છે. આ ભૂમિકાની સફળતા બીજા અનેક દરવાજા ખોલી દેશે એ હું જાણતી હતી. સંવાદો યાદ રહી ગયા પછી ભૂમિકાને કેવી રીતે નિખાર આપવો એની તૈયારી પણ કરી લીધી અને જે દિવસે નાટકનો શો હતો એ દિવસે હું લગભગ દોડતી દોડતી જ વહેલી વહેલી થિયેટર પર પહોંચી ગઈ, પણ…

પણ પહોંચ્યા પછી મને ખબર પડી કે જે રોલ માટે મેં જીવ રેડીને તૈયારી કરી હતી એ રોલ હવે શાલિની બહેન કરવાનાં હતાં. હું તો ચોંકી ગઈ. થોડી વાર પહેલા જમીન પર અધ્ધર ચાલી રહી હતી અને અચાનક હું ધડામ કરતા જમીન પર પટકાઈ ગઈ. એ રોલ માટે શારીરિક રીતે હું બંધબેસતી નહોતી એવું કારણ મને આપવામાં આવ્યું. વાત સાચી હતી, પણ શાલિની બહેન તો એ રીતે જરાય યોગ્ય નહોતાં. જોકે, આવા અન્યાયની મારા માટે કોઈ નવાઈ નહોતી. વ્યવસાયિક જીવન હોય કે અંગત. અન્યાય મને કોઠે પડી ગયો હતો અને એને કારણે મને ગુસ્સો ન આવતો કે નહોતું બહુ દુ:ખ થતું. જોકે, ‘પૈસો બોલે છે’ના અનુભવથી મને બહુ માઠું લાગ્યું. શું રમત રમાઈ ગઈ, કેવું રાજકારણ ખેલાઈ ગયું એ હું સમજી ના શકી. હું એટલું જરૂર સમજતી હતી કે જીવનમાં કોઈ એક તક ગુમાવી દીધી હોય તો આંખ આંસુથી ભીની નહીં કરી દેવાની, કારણ કે આંખ ચોખ્ખી હશે તો જ આવનારી બીજી તક દેખાય. અન્યથા એનાથી પણ હાથ ધોવાનો વારો આવે. બધી જ નિરાશા ખંખેરી લીલીનું પાત્ર નિષ્ઠાપૂર્વક શ્રેષ્ઠ રીતે ભજવવાનું મેં ચાલુ રાખ્યું.

એક દિવસ મને ખબર પડી કે પ્રાગજીભાઈએ મારા માટે ‘પ્રીતિના પારખા’ નામના નાટકમાં રમૂજ પ્રધાન રોલ લખ્યો છે. એક તક ગુમાવી પણ બીજી તક બારણાં પર ટકોરા મારી રહી હતી.

આ નાટકના મારા પાત્રને ચ બોલતા નહોતું આવડતું અને ચને બદલે હું શનો ઉચ્ચાર કરતી હતી. ચકલીને બદલે હું શકલી બોલતી. નાટકમાં મને પૂછવામાં આવતું કે તું ક્યાંથી આવી છો તો એના જવાબમાં ચોરવાડની બદલે હું શોરવાડથી આવી છું એમ બોલતી. બાપાનું નામ ચીમનભાઈને બદલે શીમનભાઈ બોલતી અને મારી ઓળખાણ ચકલીને બદલે શકલી, આકાશમાં ઊડતી શકલી એવી રીતે આપતી. આવા સંવાદોને કારણે લોકો મને મહેશ્ર્વરીને બદલે શકલી તરીકે ઓળખવા લાગ્યા. આમ આ રોલ મારી નવી ઓળખ ઊભી કરવામાં નિમિત્ત બન્યો. મને કામ મળતું રહેતું હતું. એક એવો સમય હતો જ્યારે અલગ અલગ નાટકોમાં વિવિધ પાત્ર ભજવવાની તક મને મળી રહી હતી. રોલ નાનો હોય કે મોટો, હું એને પૂરતો ન્યાય આપતી. આને કારણે અભિનેત્રી તરીકે હું બહુ જલ્દી પરિપક્વ બની ગઈ. આ દરમિયાન એવું બન્યું કે બુધવારે જ્યારે ‘પૃથ્વીરાજ ચૌહાણ’ નાટકનો શો હોય ત્યારે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના એક નામવંત ચરિત્ર અભિનેતા પહેલી રોમાં બેસી નાટક જોવા આવતા. એકવાર નહીં, ઘણી વાર….

સ્ત્રીપાત્ર, ખલનાયક અને હાસ્યનટ
અભિનેતાની ખરી પરીક્ષા અને અનોખી ઓળખ તેણે કારકિર્દી દરમિયાન ભજવેલા વિવિધ પાત્રોથી બનતી હોય છે. રંગભૂમિ અને વિશેષ કરી જૂની રંગભૂમિ દરમિયાન એવા કેટલાક કલાકાર હતા જેમણે એક ઢાંચામાં ઢળવાને બદલે વિવિધ ભૂમિકા સ્વીકારી, એ પડકાર ઝીલી આગળ વધી નામના મેળવી. કળાનો વારસો ધરાવતા નાયક કોમના કલાકાર શ્રી કેશવલાલ પ્રેમચંદ નાયક પંકાયા હાસ્યનટ તરીકે, પણ તેમણે સ્ત્રી પાત્ર અને ખલનાયકની ભૂમિકાઓ પણ ભજવીને કલા સમૃદ્ધિનો પરિચય કરાવ્યો. ૧૦ વર્ષની ઉંમરે ‘મોરબી આર્ય સુબોધ મંડળી’માં જોડાયા અને ‘બુદ્ધદેવ’ નામનું નાટક કર્યું જે મુંબઈની ભાંગવાડીમાં પણ ભજવાયું. ‘મધુ બંસરી’ નાટકમાં સ્ત્રી પાત્ર કર્યા પછી ‘સૌભાગ્ય સુંદરી’માં સુંદરીની ભૂમિકા કરી. આ નાટકમાં તેમનો અભિનય એવો અસરકારક રહ્યો કે જયશંકર ‘સુંદરી’ની ખોટ તેમણે સાલવા ન દીધી. વીસ વર્ષની ઉંમર સુધીમાં પ્રભાવી નટ તરીકે નામના મેળવી લીધી હતી. સ્ત્રી પાત્ર ભજવ્યા પછી ખલનાયકની ભૂમિકા કરવાનું જોખમ તેમણે સ્વીકાર્યું અને દર્શકોને તેમનો અભિનય પસંદ પડ્યો. ત્યારબાદ ‘આર્ય નૈતિક નાટક કંપની’માં જોડાઈ હાસ્ય નટની ભૂમિકા ભજવવાનું સાહસ કર્યું. તેમના આ અવતારને પણ નાટ્ય પ્રેમીઓએ આવકાર આપ્યો. આમ કેશવલાલ નાયક અભિનયમાં ઓલરાઉન્ડર હતા. (સંકલિત)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો ધનતેરસના દિવસે લઈ આવો છોડના પાંચ પાંદડા, આર્થિક તંગી થશે દૂર… ઘર ખરીદવા માટે ભારતમાં સૌથી વધુ પોસાય તેવા શહેરોની યાદી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker