ઉત્સવ

…. અને મુગલ બાપ-બેટામાં કુશ્તી જામી, એડવાન્ટેજ દુર્ગાદાસ

વિશ્ર્વના યુદ્ધવીર -પ્રફુલ શાહ

(૨૭)
શાહજાદા મિર્ઝા મુહમ્મદ અકબરે બાદશાહ બનવા માટે બાપ સામે બળવો કરી દીધો. નાની ઉંમર, પાક્ટતા અને અનુભવના અભાવ અને ઘમંડને લીધે એ યુદ્ધને બદલે મસ્તીમાં ડૂબી ગયો. લડવાને બદલે ભળતું જ કરવા માંડ્યો. માંડ ૧૯૩ કિલોમિટરનું અંતર કાપવાનું હતું પણ એ ઐયાશબાજે એમાંય ૧૫ દિવસ વેડફી નાખ્યા.

આ નજારો જોઇને શાહજાદા અમુક સૈનિકો ગભરાઇ ગયા. તેઓ પક્ષપલ્ટો કરીને ઔરંગઝેબ પાસે પહોંચી ગયા. બેટાની ઢીલ અને આ પક્ષાંતરે ઔરંગઝેબને હિમ્મત આપી. તેણે સૌથી પહેલા રાજપૂતો-રાઠોડોને પાઠ ભણાવવાના મનસુબા સાથે એક સેનાપતિને સિરોહી જવા રવાના કર્યો. આ જાણકારી મળતા શાહજાદાએ એને ફોસલાવવાનો પ્રયાસ કર્યો પણ ન ફાવ્યો. આ સાથે બાપ-બેટાની લડાઇમાં નવા વિચાર થવા માંડયા. એક તો બિન-અનુભવી શાહજાદાએ બાપ સાથે લડવાનું હતું. એમાં કદાચ જીતી જાય તો પણ પાછળ ત્રણ વધુ શાહજાદા ચૂપ કે શાંત થોડા બેસી રહેવાના હતા? હવાનો રૂખ બદલાઇને ઔરંગઝેબ તરફી થવાની શરૂઆત દેખાવા માંડી.

કદાચ ઔરંગઝેબનું નસીબ જોર કરતું હતું. સામી છાવણીના આગેવાન યોદ્ધાઓ એક પછી એક પોતાના સૈનિકો સાથે અજમેર આવવા માંડયા ને બાદશાહનું શરણું સ્વીકારી લીધું. આ બધા વચ્ચે શાહજાદો મુઅજજમે પણ પોતાના લશ્કર સાથે અજમેર ભણી કૂચ કરી. આ માહિતી મળવાથી ઔરંગઝેબ ખુશ ન થયો, બલ્કિ બીજા દીકરાની દાનત પર પણ શંકા ગઇ. તોપચીઓને આદેશ અપાઇ ગયો કે નાળચા મુઅજજમના લશ્કર તરફ જ તાકી રાખો. દૂધનો દાઝયો છાશ ફૂંકીફૂંકીને પી રહ્યો હતો.

ઔરંગઝેબે સ્પષ્ટ શબ્દોમાં શાહજાદા મુઅજજમને સંદેશો પાઠવ્યો કે સાચી દાનતથી આવ્યો હોય તો એકલો, માત્ર તારા બન્ને દીકરાને લઇને મને મળવા આવજે. આ સૂચનાનું અક્ષરશ: પાલન પણ થયું. મૂળ મોગલ સેના બળવાખોર બેટાના આગમન અને આક્રમણની પ્રતિક્ષા કરવા સાથે અકળાતી હતી કે એ વિલંબ શા માટે કરી રહ્યો છે.

મિર્ઝા મુહમ્મદ અકબરનો સાથ આપનારા અને ઇનામ મેળવીને ખુશ થનારા અનુચિત ઢીલથી એકદમ ઢીલા પડી ગયા. તેઓ છાવણી છોડવા માંડ્યા. આ બધા સંજોગોનો લાભ લેવા માટે ૧૬૮૧ની ૧૫મીએ જાન્યુઆરી ઔરંગઝેબ મહેલમાંથી નીકળીને દીકરા સામે લડવા આગળ વધવા માંડયો. અજમેરથી માંડ સાડા નવ-દશ કિ.મિ.ના અંતરે દોરાઇ ગામ નજીકના મેદાન પાસે તેણે રોકાણ કર્યું. ઔરંગઝેબને આ સ્થળ ગમ્યું કારણકે અહીં જ તેણે પોતાના ભાઇ દ્વારા શિકોહને હરાવ્યો હતો. અને તખ્ત પર કબજો જમાવ્યો હતો.

બાપ-બેટા ચાર-પાંચ કિ. મિ. ના અંતરે અલગ-અલગ છાવણીમાં બેઠા હતા. શેખચલ્લી શાહજાદાને લાગતું હતું કે પહેલે દિવસે જ બાપાને હરાવીને સુલ્તાન બની જાઉં, એ રાતે આવા દિવા સ્વપ્ન જોતો હતો, ત્યારે નવો દાવ રમી ગયો.

રાતના અંધારામાં ઔરંગઝેબે બેટાના ખાસમખાસ તહવર ખાન સુધી સંદેશો પહોંચાડાવ્યો: ઔરંગઝેબના પક્ષે પાછા આવીજા, નહીંતર જીવ ગુમાવીશ. સાથોસાથ તારા ઘરની મહિલાની આબરૂ જશે ને બચ્ચાને ગુલામ તરીકે વેચી મરાશે. ગભરાઇને એ રાતોરાત ઊભી પૂંછડીને બેટાને છોડીને બાપ તરફ દોડી ગયો, પરંતુ છાવણીના દરવાજે જ એને રોકયો: ‘બધા શસ્ત્રો મૂકીને અંદર જાઓ.’ પોતાની સાથે સેનાપતિને બદલે કેદી જેવો વ્યવહાર શા માટે?

તહવર ખાન ફફડી ઊઠયો. એને દગાની શંકા જાગી. એની શંકા સાચી પડી. તહવર ખાનને શસ્ત્રો સાથે બાદશાહ સમક્ષ હાજર કરાયો પણ થોડી મિનિટોમાં જ એનું માથું ધડથી અલગ કરી નખાયું. આ વાવડ મળતા જ શાહજાદાની છાવણીમાં ગભરાટનો માહોલ છવાઇ ગયો. બેટાની આવી હાલત કર્યા બાદ ઔરંગઝેબને સંતોષ નહોતો. એની વધુ એક ચાલ હવે રંગ બનાવવાની હતી. પણ બાપ-બેટાની આ મલ્લકુશ્તીનો ફાયદો દુર્ગાદાસને મળવાનો જ હતો. (ક્રમશ)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ