અનંતરાય ઠક્કરની ‘શાહબાઝ’ ગઝલો
સર્જકના સથવારે -રમેશ પુરોહિત
ગઝલમાં પતંગિયા, ભ્રમર, પરવાના જેવા શબ્દોની ભરમાર હતી. એ જમાનામાં ગરુડ જેવું ઉપનામ-તખલ્લુસ ધારણ કરવું એ બહાદુરીની નિશાની હતી. ઉર્દૂમાં ‘શાહબાઝ’ શબ્દ છે. અનંતરાય ઠક્કર પાસે બાઝ નજર હતી. નિરીક્ષણની સૂક્ષ્મતા હતી અને જરૂરી એવો અભ્યાસ હતો. શાહબાઝનાં કાવ્યો-ગઝલો ‘પાલવ કિનારી’ નામે પ્રગટ થયાં હતાં. ‘શાહબાઝ’ તો આકાશમાં વિહરે એટલે કવિ આકાશે ઉડ્ડયનની વાત આ રીતે કરે છે.
જ્યાં જ્ઞાનનો સૂરજ સૂતો બેફામ ખ્વાબમાં
પાલવ તમારો ઝળહળ્યો અંધારા આભમાં
ને જ્યોતિઓ ઝબકી ઊઠી લાખો ચિરાગમાં
પાંખો બની ત્યાં તરબતર રંગીન શરાબમાં
‘શાહબાઝ’નું આકાશે ઉડ્ડયન શરૂ થયું.
અનંતરાય પરમાનંદ ઠક્કરનો જન્મ ૧૯૦૬ના નવેમ્બરની ૧૫મીએ ભાવનગરમાં થયો હતો. ભાવનગરે જેટલા અગ્રગણ્ય ગઝલકારો આપ્યા છે એટલા કદાચ બીજા શહેરે આપ્યા નથી. ભાષા પ્રત્યેનો લગાવ પહેલેથી એટલે એમણે અંગ્રેજી તથા ફારસી લઇને બી. એની ડિગ્રી મેળવેલી. શિક્ષણના વ્યવસાય તરફ નાનપણથી કુદરતી વલણ હતું. એટલે ભણતા ભણતા શિક્ષકની નોકરી કરી હતી. સમાજ પ્રત્યેની ઋણ સ્વીકારવાની ભાવના એટલે ૧૯૨૯-૩૦માં રાત્રિશાળા શરૂ કરીને મિલમજૂરોને અક્ષર જ્ઞાન આપવાનો સફળ પ્રયાસ કરેલો.
ભાવનગરની માજીરાજ ક્ધયાશાળા તથા કોમર્સ કોલેજમાં અધ્યાપન કાર્યની સાથે સાથે ગઝલ સાધના અવિરત ચાલુ રાખી હતી.
હરીન્દ્ર દવેએ કરેલા ગઝલોના સંપાદન ‘મધુશાલા’માં ત્રણ દીર્ઘ ગઝલો લેવામાં આવી હતી. શાહબાઝની ગઝલોમાં ઇશ્ક-મિજાજી એટલે ગઝલનો રંગ તગઝ્નુલ તો છે જ પણ એમાં ઘૂંટાયેલા ઇશ્કે-હકીકીના-ફિલસૂફીના સૂક્ષ્મ નિરૂપણને પામવાનો આનંદ અદકેરો છે.
ગગનમાં કૂંજતા કો ક્ધિનરોના સાઝ પૂછે છે
સમાધિમાં રહેલા યોગીની પરવાઝ પૂછે છે
સદા ઘૂઘવી રહેલા સાગરે આવાઝ પૂછે છે
મઢેલા આભ પર પહોંચી કોઇ શાહબાઝ પૂછે છે
‘અહીં’ આસમાન છે કે કોઇની પાલવ કિનારી છે?
અનંતરાય ઠક્કરના ખાસ શોખના વિષયો ત્રણ: ભારતીય અને પાશ્ર્ચાત્ય સંગીત, જયોતિષ અને થીઓસોફી. સંગીત એમની ગઝલોમાં શબ્દોને સજીવન કરે છે. લયની પાંખ પર શબ્દોનું લાલિત્ય નૃત્ય કરે છે.
શબ્દની અને તેના અર્થની વિશાળ શક્યતાઓ ખુલ્લી કરીને, સંકુચિત અર્થમાં બંધાઇ ગયેલા શબ્દોને તેમના મૂળ વિશાળ અર્થમાં પુન: યોજવા એ કાર્ય કવિનું છે. કવિ શાહબાઝે ભલે સાકી, સનમ, સુરા અને સુરાલયની વાત કરી હોય પણ એમણે ભાષા પર સંજીવની છાંટી છે એમાં કોઇ બેમત ન હોઇ શકે. એમણે ચલણી બની જવાને લીધે સ્વત્વ ખોઇ બેઠેલા શબ્દોને સાચા અર્થ સંદર્ભમાં યોજીને આ કવિએ ભાષાની શક્તિમાં ઉમેરો કર્યો એવું મંતવ્ય સ્વીકાર્ય બને છે.
‘શાહબાઝ’નો વિશેષ એ છે કે એમણે મુખમ્મસ ગઝલો વધારે આપી છે. મુખમ્મસની દરેક કડીમાં પાંચ પંક્તિઓ હોય છે. આવી રચનાઓને ટૂંકમાં ખમ્સા પણ કહેવાય છે. તેનો ગુજરાતી પર્યાય પંચપદી છે. આ કાવ્ય સ્વરૂપમાં ભાવનું સાતત્ય અનિવાર્ય છે એટલે એ સ્વરૂપ ગઝલથી એટલે અંશે જુદું પડે છે. એમની ૨૧ જેટલી મુખમ્મસ રચનાઓ બહુ જ લોકપ્રિય છે.
એમની એક પંચપદીમાં સાકી, સુરા, શરાબી વગેરે શબ્દોના અર્થ આપણે એ વાચ્યા પછી વિચારીશું:
કથન એકે નથી સુણ્યું શરાબીના કથન જેવું
નમન એકે નથી બીજું સુરાહીના નમન જેવું
મનન એકે નથી તારી સ્મૃતિ કેરા મનન જેવું
નથી કાં તો કહી એ કે નયન મારા નયન જેવું
અમારા જામને દિનરાત ભર ભરજે પૂરા, સાકી
અમારા પર કરુણાની નજર કરજે જરા, સાકી
અમારા ભાગ્યે આવી છે સુરાલયની ધરા, સાકી
સુરાહી ઠાલવી બાકી રહી દઇ કે સુરા, સાકી
હશે કે ના હશે સ્વર્ગે સદન તારા સદન જેવું ?
સૂફીઓની ઇશ્ર્વર ભક્તિ કૃષ્ણને ગોપી ભાવે ભજનાર મીરાથી ઊલટી છે. તેઓ ઇશ્ર્વરને સનમ એટલે પ્રિયતમા રૂપે આરાધે છે. આથી તેમને કાવ્યસૃષ્ટિમાં સાકી, સનમ, મયખાનું, સુરા, સુરાહી, જામ, શરાબી વગેરે શબ્દોનો અર્થ પલટાઇ જાય છે.
સૂફીઓ ભક્તિમાર્ગી કવિઓ છે, તેઓ જ્ઞાન માર્ગે નહીં પણ પ્રેમમાર્ગે પ્રભુને પામવા ઇચ્છે છે. આથી ઇશ્ક અથવા પ્રેમ શબ્દ તેમની રચનાઓમાં પ્રિયતમાના સંદર્ભમાં નહીં પણ ઇશ્ર્વરના સંદર્ભમાં વપરાયેલો છે. સનમ અને સાકીનો ઉલ્લેખ ઇશ્ર્વર અથવા સૃષ્ટિનાં બળોથી પર એવી ચેતના કે શક્તિના અર્થમાં થતો હોય છે. સુરા એટલે ભક્તિ પ્રેમનો નશો છવાઇ જાય છે અને ભક્તિમાં સુરાપાનની જેમ ચિક્કાર થઇ જવાય છે.
આપણે શાહબાઝના કાવ્યો ને આ સંદર્ભમાં સમજીએ તો કવિતાનો આસ્વાદ વધુ સારી રીતે માણી શકાશે. થોડાંક કાવ્યો માણીએ.
તમારી વાતમાં હરપળ હજુ ભણકાર વાગે છે
પળે પળ આગમન કેરા નૂપુર-ઝંકાર વાગે છે
તમારી દેહ-વીણાના સજાતા તાર લાગે છે
અને એ ગુંજતા ઇનકારમાં ઇકરાર લાગે છે
સૂરીલા સાજનું કૂજન કહો, કેવી રીતે ભૂલું?
સૃષ્ટિનું સર્જન ક્યારે અને કેવી રીતે થયું તેના પર શાહબાઝે લખેલી પંચપદીની શરૂઆત આ રીતે થાય છે.
પહેલાં તમારા રૂપનું સ્પન્દન શરૂ થયું
તેમાંથી આ બ્રહ્માંડનું સર્જન શરૂ થયું
ગરવા તમારા ગીતનું ગુંજન શરૂ થયું
અવકાશમાં ચેતન તણું નર્તન શરૂ થયું
ને પ્રકૃતિનું ગૂઢ નિબંધન શરૂ થયું.