ઉત્સવ

આણંદ કહે પરમાણંદા માણસે માણસે ફેર,કોક લાખ દેતા ના મળે તો કોક ટકાના તેર

ઝબાન સંભાલ કે -હેન્રી શાસ્ત્રી

બોલાતી ભાષા જેમ માણસના વ્યક્તિત્વનો પરિચય આપે છે એમ લખાતી ભાષા વ્યક્તિના જ્ઞાનનો – સમજણનો પરિચય આપે છે. સુભાષિત કે કાવ્ય પંક્તિઓમાં માનવ સ્વભાવનું પ્રતિબિંબ નજરે પડતું હોય છે. અરીસાની ગરજ સારે એ ઊજળું સાહિત્ય એમ અમથું નથી કહેવાયું. પદ્ય એ સાહિત્યનું કર્ણપ્રિય અને મધુર અંગ હોવાથી સર્વ ભાષાના સાહિત્યમાં તેનો વિકાસ ગદ્ય કરતાં વહેલો થયો છે. કવિતા અને સુભાષિત ગેય હોવાથી સ્મરણમાં જલદી રહી લાંબો સમય ટકી રહે છે. કવિતાની બે પંક્તિ વાર્તાની બાવીસ પંક્તિઓ કરતા વધુ બળુકી પુરવાર થવાની ક્ષમતા ધરાવે છે. આશા – નિરાશા માનવજીવનના અવિભાજ્ય અંગ છે. દરેક સૂર્યાસ્ત પછી સૂર્યોદય થઈને જ રહે છે એ સમજાઈ જાય તો નિરાશા – હતાશા આપણને ઘેરી ન વળે. નિશા – નિરાશા ટળશે કાળી, ઉષા ઊજળી ઝગશે, આજ ડૂબ્યો સવિતા તે શું નહીં કાલ પ્રભાતે ઊગશે? નિશા એટલે રાત અને ઉષા એટલે પ્રભાત – સવાર. નિરાશા ઘોર અંધકાર જેવી કાળી ડિબાંગ હોય છે અને એના પછી સોનેરી કિરણો રેલાવતી ઝગારા મારતી સવાર પડે જ છે જે આશાનું પ્રતીક છે. હવે જે પંક્તિઓનો ઉલ્લેખ આવે છે એમાં બળ અને બુદ્ધિનો સુંદર સમન્વય જોવા મળે છે. બાહુમાં બળ ભરી, હૈયામાં હામ ધરી, સાગર મોઝારે ઝુકાવીએ, આપણા વહાણના સઢ ને સુકાન તો આપણે હાથે જ સંભાળીએ. જીવનમાં સાહસ કરતા અચકાવું નહીં, કારણ કે મહેનત તો બળદ સુધ્ધાં કરતો હોય છે, પણ એનામાં સાહસવૃત્તિ ન હોવાથી સવારથી ફરફર કરવા છતાં સાંજે ત્યાંનો ત્યાં જ હોય છે. તાકાત અને હિંમત ભેગા કરી મધદરિયે ઝુકાવ્યા પછી વહાણના સઢ અને સુકાન તો પોતાની મરજીના જ હોવા જોઈએ. મતલબ કે અક્કલ તો પોતાની જ કામે લગાડવાની હોય. સીધી બાત, નો બકવાસ. જીવન પ્રવાસમાં અનેક પ્રકારના લોકોનો ભેટો થાય એ સ્વાભાવિક અને સાહજિક છે. કોઈ તેજના લિસોટા જેવો હોય તો કોઈ તિમિરના ઘેરાવા જેવો હોય. કોઈ બુદ્ધિમાન હોય તો કોઈક બુદ્ધિનો બારદાન પણ હોય. આણંદ કહે પરમાણંદા માણસે માણસે ફેર, કોક લાખ દેતા ના મળે તો કોક ટકાના તેર પંક્તિઓમાં આ વાત સુપેરે સમજાય છે. આણંદ – પરમાણંદ બે મોજીલી વ્યક્તિનું પ્રતિનિધિત્વ છે. જીવનમાં સુખીલાલ મળે ને દુખીલાલનો પણ ભેટો થાય. ઉત્તમ માણસનો ભેટો વિરલ હોય. ઘાસની ગંજીમાં સોય શોધવા જેવી વાત છે. કોક વળી એવાય હોય જે ટોળે વળી જાય પણ એનું તોલમાપ કંઈ જ ન હોય. માનવ સ્વભાવનું દર્શન કરાવતું સુભાષિત ગોખી રાખવા જેવું છે. ઘેલી માથે બેડલું ને મર્કટ કોટે હાર, જુગારી પાસે નાણું ટકે કેટલી વાર. પનિહારી પાણી ભરેલું બેડું માથે લઈને જતી હોય, પણ માથા નીચે રહેલા ચિત્તને ચાનક ચડે તો ભર્યા બેડલા ધડામ કરતા ધરા ભેગા થઈ જાય અને નિર્જળા એકાદશી આવી પડે. એ જ રીતે મર્કટ એટલે કે બંદર – વાનર પાસે હાર હોય તો ટકે નહીં,
કારણ કે એનું મૂલ્ય એ નથી જાણતો કે સમજતો. એ જ રીતે જુગારી પણ ધનની કિંમત ન સમજતો હોવાથી એ ધન જુગારમાં વેડફી નાખતા એને વાર નથી

લાગતી.

MIRROR IMAGE

અરીસો, આઇનો, દર્પણ માનવ જીવનનું અત્યંત મહત્ત્વનું ઉપકરણ છે. ‘દર્પણ જૂઠ ના બોલે’ એમ કહેવાય છે કારણ કે જેવા હોઈએ એવા દેખાઈએ. અલબત્ત વિજ્ઞાન અરીસાને – મિરરને અલગ રીતે જુએ છે. સિમ્પલ મિરરમાં – સાદા કાચમાં પ્રતિબિંબ સમાન કદનું પણ વિપરીત દેખાય છે. જમણો હાથ હોય એ ડાબો દેખાય અને ડાબો હોય એ જમણો. અંગ્રેજી ભાષામાં એવા કેટલાક શબ્દો છે જે એકમેકના પ્રતિબિંબ જેવા છે. REVERSED LETTER WORDS વિશે આજે જાણકારી મેળવીએ. GOD – DOG. ઈશ્ર્વરે પ્રાણીઓ સહિત શ્ર્વાનનું પણ સર્જન કર્યું એવી માન્યતા અનેક લોકો ધરાવે છે. શ્ર્વાનને ઈશ્ર્વરમાં શ્રદ્ધા છે કે નહીં એ કેવળ શ્ર્વાન જાણે. LAP – PAL. લેપ એટલે ખોળો. LAPTOP – ખોળામાં રાખી વાપરી શકાય એવું કમ્પ્યુટર. દોડવાના મેદાનમાં એક ચક્કર પણ લેપ તરીકે ઓળખાય છે. There are three more laps to go in the race. ચાર અક્ષરના રિવર્સ્ડ લેટર વર્ડ્સ જોઈએ. DEER – REED. ડિયર એટલે હરણ. રીડ એટલે એક પ્રકારનું લાંબું ઘાસ. REEDS મોટેભાગે બહુવચનમાં વપરાય છે.It is not certain whether Deer eats Reed. હવે વાત કરીએ DRAW – WARD પ્રતિબિંબ શબ્દોની. બંને શબ્દો એકથી વધુ અર્થ ધરાવે છે. ડ્રોનો એક અર્થ છે દોરવું, ચિત્રકામ કરવું. I couldn’t draw the picture. બીજો અર્થ છે મુકાબલાનું પરિણામ ન આવવું. The match ended in a draw. ત્રીજો અર્થ છે ચિઠ્ઠી ઉપાડી નિર્ણય લેવો. The winner was decided by a draw. વોર્ડનો પ્રચલિત અર્થ છે હૉસ્પિટલની અલાયદી જગ્યા જ્યાં દર્દી રાખવામાં આવે છે. The patient was taken to emergency ward. બીજો અર્થ છે સલામતી કે રક્ષણ હેઠળ હોવું. The girl was made a ward of court to stop her father taking her out of the country. એક એવું ઉદાહરણ છે જેમાં બંને એકબીજા સાથે આડકતરા સંબંધ ધરાવે છે. Desserts – Stressed. પહેલો શબ્દ વાંચી તમને જો રણ યાદ આવ્યું હોય તો તમે થાપ ખાઈ ગયા છો, કારણ કે રણ માટે અંગ્રેજી શબ્દ છે Desert – એક એસ ઓછો છે. ડિઝર્ટ એટલે ભોજન અંતે પીરસાતી મીઠાઈ, ગળી વાનગી. સ્ટ્રેસ્ડ એટલે કોઈ વાત પર ભાર દેવો કે જોર દેવું. The minister stressed the need for a peaceful solution. પ્રધાનશ્રીએ શાંતિપૂર્ણ ઉકેલ લાવવા પર ભાર મૂક્યો. જો મીઠાશ હોય તો શાંતિપૂર્ણ ઉકેલ આવી જ જાય ને.

पाण्याच्या म्हणी

અંગ્રેજીમાં ભલે વોટર કહીએ પણ ગુજરાતી અને મરાઠી બંનેમાં પાણી જ કહેવાય. મરાઠીમાં પાણીની એક અનોખી કહેવત જાણીએ અને એ કહેવત પાછળનો ભાવાર્થ પણ જાણવા – સમજવા જેવો છે.

जावई न्हाला, वाफा पाणी प्याला. (जावई मंडळी आंघोळीला अतोनात पाणी घेतात, ते तर द्यावे लागते. म्हणून हुशारीने आंघोळीची सोय परसात (किचन गार्डन) वाफ्याजवळ केली म्हणजे जावई खुश व भाजी-शेतीला पाणी.) વાફા એટલે ક્યારો અથવા ધરૂવાડિયું. જમાઈ અને એમનો મિત્ર રસાલો આવે ત્યારે નાહવા માટે પુષ્કળ પાણીનો ઉપયોગ કરે. મહારાષ્ટ્રના અનેક ગામડાઓમાં પાણીની છૂટ નથી હોતી. એટલે જમાઈ અને એમના રસાલાને મીઠો આવકાર આપ્યા પછી તેમના સ્નાનાદિ વગેરે સગવડ બુદ્ધિ વાપરી કિચન ગાર્ડનમાં રાખવામાં આવેલા ક્યારા પાસે કરવામાં આવે. ખૂબ પાણી નાહવા  માટે મળવાથી જમાઈ રાજી થઈ જાય અને એ જ પાણી વહેતું વહેતું ક્યારાને મળે એટલે શાકભાજી પણ રાજી થાય. પાણીની બીજી એક અનોખી કહેવત છે पाण्यामध्ये काहीतरी आहे. મતલબ કે અહીંના પાણીમાં કંઇક એવું છે જે સ્થાનિકોને અલગ તારવે છે. याचा अर्थ असाही होऊ शकतो की लोकांचा समूह काही अज्ञात कारणास्तव विचित्रपणे वागत आहे किंवा वागत आहे . उदाहरणार्थ, जर तुम्हाला एखादे लहान शहर आढळले असेल जिथे प्रत्येकजण खूप उद्धट किंवा उद्दाम होता, तर तुम्ही एखाद्या सोबत्याला सांगू शकता की “इथे पाण्यामध्ये काहीतरी असले पाहिजे”. આનો અર્થ એમ પણ થાય કે કોઈ અજ્ઞાત કારણોસર વિચિત્ર રીતે વર્તન કરતા હોય છે. દાખલા તરીકે કોઈ નાનકડા શહેરની પ્રત્યેક વ્યક્તિ અત્યંત ઉદ્ધતાઇથી વર્તન કરતી હોય તો જ તમે જરૂર દલીલ કરી શકો કે એ ગામના પાણીમાં કંઈક હોવું જોઈએ જેને કારણે લોકો આ પ્રકારે વર્તન કરે છે.

भरमानेवाले शब्द 

ભાષાના કેટલાક પ્રયોગો શબ્દભ્રમ જરૂર ઊભો કરે છે, પણ ચિત્તમાં રહેલા ભ્રમની બાદબાકી કરી સમજણમાં ઉમેરો કરે છે. શબ્દભ્રમની યાત્રામાં આગળ વધી ભાષા ભ્રમ દૂર કરી જ્ઞાનમાં વધારો કરીએ. આજનું પહેલું ભ્રમ યુગ્મ છે भेड़िया और भेदिया. માત્ર વચ્ચે એક અક્ષરનો ફરક છે, પણ ફરક બહુ વિશાળ છે. ભેડિયા એટલે જંગલી પ્રાણી વરુ. भेड़िया एक खतरनाक जानवर है. ભેદિયા એટલે ગુપ્તચર, જાસૂસ. भेदिया दुश्मन की गुप्त खबर लाया है.  હવેના યુગ્મમાં કાનાનું અંતર છે અને એના અંતરમાં કાનો છે. मथनी और मथानी યુગ્મમાં અર્થ સામ્ય પણ ઘણું છે. મથની એટલે દહીંની ગોળી, વલોવવાનું સાધન. મથાની એટલે વલોણી. માખણને કાના સાથે સંબંધ ખરો ને. मरहम और मरहूम જોડીમાં એક દીર્ઘ ઊનો ભેદ છે. જોકે, મરહમ એટલે મલમ અને મરહૂમ એટલે સ્વર્ગવાસી. હવે એક ત્રિપુટીની વાત કરીએ. मसल, मसला और मिसाल. મસલ એટલે કહેવત અથવા લોકોક્તિ.મસલા એટલે સવાલ – સમસ્યા. आपसी मतभेद भूल जाने से मसला हल हो जाता है. મિસાલ એટલે ઉદાહરણ. एक ऐसी मिसाल बनो के आनेवाली पीढ़ियाँ याद रखे. હવે આપણે જે યુગ્મ વિશે વાત કરવાના છીએ એમાં અંતર માત્ર જ અને ઝ જેટલો છે પણ જોજન દૂર કે ઝાઝું બધું અંતર છે. मांजी और मांझी. માંજી એટલે  મા અથવા માજી કે દાદી – નાની. ટૂંકમાં વૃદ્ધ મહિલા. માંઝી એટલે ખલાસી. ओ मांझी रे, अपना किनारा, नदिया की धारा है. गुलज़ार साब के लिखे हुए गीत की पंक्ति है.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
IPL-2024: આજે રમાનારી મેચ પહેલાં આ કોણ મળવા પહોંચ્યું RCBના Virat Kohliને? દેખાવમાં પોતાના Grand Parentsની Carbon Coppy છે આ Star Kids… તમે ગમે તેટલી કમાણી કરો આ 10 દેશોમાં આવકવેરો લેવામાં આવતો નથી Sachin Tendulkar Turns 51: Cricket Legend’s Journey