ઉત્સવ

આસ્થાની અપૂર્વ યાત્રા

૭૦ વર્ષ પહેલાં સ્વામી સહજાનંદે ગઢડા(સ્વા)માં રથયાત્રાનો આરંભ કર્યો હતો

ભારતીય દૃષ્ટિએ ઈતિહાસ -ડૉ. રાજેશ ચૌહાણ

ભારતમાં ભગવાન જગન્નાથની રથયાત્રા દર વર્ષે આમ તો અનેક રાજ્યોમાં નીકળે છે, પરંતુ બે સ્થળની રથયાત્રા ખૂબ જ જાણીતી છે એક છે ઓરિસ્સાની જગન્નાથપુરીની રથયાત્રા અને બીજી છે ગુજરાતના અમદાવાદમાં નીકળતી રથયાત્રા. જોકે અમદાવાદની પ્રથમ રથયાત્રા પહેલાં ૭ જુલાઈ, રવિવારના રોજ અષાઢી બીજે ૧૪૭મી રથયાત્રાનો પાવનપર્વ ઉજવાશે. સમગ્ર ગુજરાતના મોટા ભાગના શહેરોમાં લોકો તે દિવસે રાજમાર્ગો પર ઊમટે છે. મગ-જાંબુ અને દાડમનો પ્રસાદ લેવા માટે સેંકડો લોકો કલાકો સુધી ઊભા રહે છે. એમની ઇચ્છા હોય છે કે ક્યારે એ ત્રણ રથ નીકળે ને દર્શન થાય. હા, આ બધું વર્ણન એક સદી કરતાં પણ વધુ સમયથી દર વર્ષે અષાઢી બીજે નીકળતી રથયાત્રાનું છે.

ગુજરાતમાં હવે ૫૦થી વધુ નાનાં-મોટા નગરોમાં ૧૫૦ કરતાં પણ વધુ રથયાત્રા યોજાવા લાગી છે, પરંતુ અમદાવાદની યાત્રા શિરમોર સમી છે. ભારતના પૂર્વ કિનારે જગન્નાથપુરીમાં યોજાતી રથયાત્રા પછીની દેશમાંની આ સૌથી મોટી રથયાત્રા છે. ડૉ. રમેશ પંડ્યાના એક સંશોધન મુજબ ગુજરાતની પ્રથમ અને ઐતિહાસિક રથયાત્રા ગઢડા (સ્વા)માં (બોટાદ જિલ્લો) યોજાય હતી. અહીં તે યાત્રાનું વર્ણન કરતાં પહેલાં ગુજરાતમાં ક્યારે અને કેવી રીતે રથયાત્રા નીકળે છે તેના ઇતિહાસ તરફ એક નજર દોડાવી લઈએ.

ગુજરાતમાં સૌ પ્રથમ અષાઢી બીજે આ રથયાત્રા નીકળે છે. તેનો ઇતિહાસ ઘણો પ્રાચીન છે. ઈ.સ. ૧૮૭૮માં આ મંદિરના લોકપ્રિય મહંત નરસિંહદાસજીએ પહેલીવાર રથયાત્રા યોજી હતી. ત્યારે તો એ નાના પાયે આયોજન થતું, પણ ધીમે ધીમે એનો વ્યાપ વધવાની સાથે તે અમદાવાદના જીવનનું એક અવિભાજ્ય અંગ બની ગયું. દર જેઠ પૂનમે રથયાત્રાના ભાગરૂપે ભગવાનની જલયાત્રા નીકળે છે. તે પ્રારંભનો પ્રસંગ ગણવામાં આવે છે. સાબરમતી નદીના કિનારે સોમનાથ ભૂદરના આરે ચાર ગજરાજોવાળી આ યાત્રા જળ લેવા પહોંચે છે. પૂજન-અર્ચન પછી પાછી ફરે તે પછીના ૧૫ દિવસ ભારે ધમધમાટ વર્તાય છે.

મંદિરમાં મગ ભરેલી ગૂણીઓના થપ્પા લાગવા માંડે તો કેસિરયા ઉપરણાં તૈયાર કરવા દરજીઓ રાત-દિવસ કામે લાગી જાય છે. જેઠ સુદ પૂનમ પછી પરંપરાગત માન્યતા મુજબ ભગવાન જગદીશ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાની મૂર્તિઓની આંખે પાટા બાંધી દેવાય છે. ધાર્મિક માન્યતા એવી છે કે, આ ત્રણેયની આંખો દુ:ખતી હતી એટલે બીજ સુધી મૂર્તિઓનાં દર્શન પણ થતાં નથી.
અષાઢી બીજે વહેલી સવારે ચાર વાગ્યે પૂજા-આરતી થાય છે. આંખના પાટા છોડી નંખાય છે. સાડા ચાર વાગ્યે ભોગ ધરાવાય છે. આ ભોગમાં ખીચડી, કોળું અને ગવારફળીનું શાક અને દહીં એટલું જ હોય છે. એ ભોગવિધિ પછી ત્રણેય ભગવાનને એમના અલગ અલગ રથો પર લઈ જવામાં આવે છે.

સાત વાગ્યે મંદિરમાંથી ‘જય રણછોડ માખણચોર’ ના ગગનભેદી નારાઓ વચ્ચે પહેલાં મંદિરની ગાયો નીકળે પછી ત્રણે રથ નીકળે છે. આમ હવે અમદાવાદમાં પણ જગન્નાથપુરીની માફક જગન્નાથપુરીના મહારાજ અને ઓરિસ્સાના મુખ્ય પ્રધાન યાત્રાનો શુભારંભ કરાવે છે, જેને મંદિરની ભાષામાં ‘પહિન્દ’ કહે છે. અષાઢી બીજે વહેલી સવારે મંદિરની આજુબાજુ હજારોની સંખ્યામાં લોકો હાજર થઈ જાય છે. ત્રણ રથોવાળી આ યાત્રામાં શણગારેલા ગજરાજો, ટ્રક, ખટારા, અંગકસરતના કમાલના ખેલ કરતા અખાડાના અખાડિયનો, ભજનમંડળીઓ, બેન્ડવાજાં, સાધુસંતોની મોટી ફોજ જોડાય છે. પરંપરા મુજબ ત્રણેય રથોને ખલાસ જ્ઞાતિના લોકો દોરડાથી ખેંચે છે.

એ એમનો આગવો અધિકાર છે.આ રથયાત્રામાં દર વખતે મંદિર તરફથી ૮૫૦ મણ મગનો પ્રસાદ તૈયાર કરવામાં આવે છે. ભાવિકો કેસરી ઉપરણાંનો પ્રસાદ મેળવવા પણ ઉત્સુક હોય છે. હજારો મીટર કેસરી કાપડનાં નાનાં-નાનાં ઉપરણાં મંદિર અને અન્યત્ર જગ્યાએ દરજીઓ તૈયાર કરે છે. છેલ્લા પાંચ-છ વર્ષમાં કોઈ અશાંતિ રથયાત્રામાં સર્જાઈ નથી. ઉત્તરાયણ પછી આખું અમદાવાદ એકસામટું ઉજવણી કરતું હોય તેવું રથયાત્રાનું લોકપર્વ છે.

ડૉ. રમેશ જી. પંડ્યા પોતાના પુસ્તક ‘ગઢપુરનો ઇતિહાસ’ ( સ્થાપનાથી ઇ.સ. ૧૯૭૦ સુધી)માં લખે છે કે, ઇ.સ. ૧૮૦૫માં સહજાનંદ સ્વામી ગઢડા આવ્યા અને ૧૮૩૦માં સ્વાધામગમન કર્યું, તેમાં મોટાભાગનો સમય ગઢડા રહ્યા. તેમાં સોથી અગત્યનું હોય તો તે છે કે, સવંત ૧૮૬૨ના ફાગણ વદ ત્રીજને શુક્રવારે તા. ૦૭-૦૩- ૧૮૦૬ના રોજ દાદા ખાચરના ઉત્તરાદા ઓરડાના ગોખલામાં વાસુદેવ નારાયણની મૂર્તિ પધરાવી, તે ગણી શકાય. સહજાનંદ સ્વામીએ સ્થાપિત કરેલ મૂર્તિ ત્યાર પછી દરબારગઢમાં પધરાવવામાં આવી, ત્યારબાદ મંદિરમાં ગોપીનાથજીની બાજુમાં પધરાવવામાં આવી અને હાલ ધર્મદેવ અને ભક્તિમાતાની બાજુમાં મૂકવામાં આવે છે. એટલે એમ કહી શકાય કે સ્વામી નારાયન સંપ્રદાયમાં સૌ પ્રથમ કોઈ જગ્યાએ સહજાનંદ સ્વામીએ મૂર્તિ પ્રતિષ્ઠા કરી હોય તો વાસુદેવ નારાયણ સ્વરૂપે ગઢડામાં કરી છે.

ગોપીનાથજી મંદિર એમણે બંધાવેલ મંદિરોમાં છેલ્લું મંદિર હોય (૧૮૨૯) પણ તેમના હસ્તે મૂર્તિ પ્રતિષ્ઠા સંપ્રદાયમાં થઈ હોય તો ગઢડામાં જ પ્રથમ થઈ છે. સવંત ૧૮૬૧માં ગઢડામાં આવ્યા પછી ફુલદોલ ઉત્સવો કર્યા અને સંવત ૧૮૬૨માં જન્માષ્ટમી મહોત્સવ, જલજીલણી એકાદશી મહોત્સવ, શરદોત્સવ તેમજ દિવાળી પણ ગઢડામાં જ કરી. આ બધા ઉત્સવોમાં નવીન અને કોઈ ઐતિહાસિક ઘટના એટલે સવંત ૧૮૬૩માં એટલે કે, ઇ.સ. ૧૮૦૭માં ગઢડામાં સૌ પ્રથમ રથયાત્રાનો પ્રારંભ કર્યો એટલે સમગ્ર ગુજરાત અને ગઢડામાં રથયાત્રાનો પ્રારંભ કરનાર સહજાનંદ સ્વામી હતા.

સંવત ૧૮૬૪ કારતક વદ આઠમ તા. ૨૩-૧૧-૧૮૦૭ના રોજ ગઢપુર મુકામે સહજાનંદ સ્વામીએ પોતાના ઉતારે ખુશાલ ભટ્ટ એટલે કે અક્ષર ઓરડીમાં દીક્ષા આપી અને ગોપાળાનંદ સ્વામી નામ આપ્યું. ગઢડામાં ઉપરોક્ત ત્રણ ઘટનાઓનું વિશેષ મહત્ત્વનું રહ્યું છે તેવી જ રીતે રથયાત્રાનું પણ વિશેષ મહત્ત્વ છે. એ એક વર્ષ ગઢડામાં રથયાત્રા યોજાયા પછી આજે રથયાત્રાનું સંચાલન ગઢડા રથયાત્રા સમિતિ કરે છે.

ગુજરાતમાં રથયાત્રાનું વિશેષ મહત્ત્વ રહ્યું છે. ગુજરાતમાં એક માત્ર આણંદ વિદ્યાનગરમાં બીજ ના બદલે એકમના દિવસે (એક દિવસ પહેલા) રથયાત્રા નીકળે છે. ગુજરાતમાં રથયાત્રાનું બીજું મહત્ત્વ છે કે અષાઢી – બીજનો દિવસ કચ્છી લોકો માટેનું બેસતું વર્ષ શરૂ થાય છે. તેમાંય ભાવનગર જિલ્લામાં વિશેષ મહત્ત્વનો એટલા માટે ભાવેણા કચ્છી સમાજે ભાવનગરમાં જયારથી રથયાત્રા શરૂ થઈ તે વર્ષથી વરસાદના અમી છાંટણા એ પ્રભુનો પ્રસાદ આપણને હવે પછીના ચાર મહિના દરમ્યાન આવનાર ઉત્સવની ઝાંખી કરાવે છે. રથયાત્રાનું ત્રીજું મહત્વ એ છે કે તેમાં ધાર્મિક સોહાર્દનો અને એકતાનો એક માહોલ ઊભો થાય છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત