મોર્નિંગ મ્યૂસિંગ ઃ નાઝીઓની ‘શુદ્ધ વંશ’ થિયરીમાં પંક્ચર પાડ્યું એક ભારતીય નારીએ… નામ એનું ઈરાવતી કર્વે…
આજે જે નામિબિયા તરીકે ઓળખાય છે તે દેશ એક સમયે જર્મન સામ્રાજ્યના તાબા હેઠળ ‘જર્મન સાઉથ વેસ્ટ આફ્રિકા’ તરીકે ઓળખાતો હતો. તેની રાજધાની વિન્ધોકથી ૯૦ કિલોમીટર દૂર રેહોબોથ નામનું એક નગર છે. અહીં બેસ્ટર નામની એક વસતિ છે. ‘બેસ્ટર’ શબ્દ મૂળ અંગ્રજી ‘બાસ્ટર્ડ’ પરથી આવ્યો છે, જેનો અર્થ જાણીતો છે; નાજાયજ-અવૈધ- વર્ણસંકર. આ નામનો પણ ઈતિહાસ છે.
નામિબિયા જ્યારે જર્મનીના તાબામાં હતું ત્યારે જર્મન પુરુષો અહીંની નામા સ્ત્રીઓના સંસર્ગમાં આવતા હતા અને એમનાથી જે બચ્ચાં પેદા થયાં હતાં એમને અધિકૃત રીતે વંશીય ઓળખાણ કે કાનૂની માન્યતા નહોતી મળી. આવી રીતે પેદા થયેલાં બચ્ચાં બાકી આફ્રિકન વસતિ કરતાં જુદાં દેખાતાં હતાં એટલે એમને ‘બાસ્ટર્ડ’ તરીકે ઓળખવામાં આવતાં હતાં. ૧૮મી સદીના નામિબિયામાં આવી વર્ણસંકર પ્રજા એક સામાન્ય વાત હતી. ૧૮૮૪થી ૧૯૧૫ સુધીના જર્મન શાસન દરમિયાન અહીં એક લઘુમતી બેસ્ટર સમુદાય આકાર લઇ ચુક્યો હતો.
વર્ણસંકર હોવાના કારણે અને જુદા દેખાતા હોવાના કારણે આ લોકો અભ્યાસનો વિષય પણ હતા. ૧૯૦૮માં, જર્મનીથી યુજેન ફિશર નામનો એક માનવવંશ વિજ્ઞાની રેહોબોથ આવ્યો હતો. એનો રસનો વિષય મિશ્ર વિવાહ હતો. એણે જર્મનીમાં ઔષધ, લોકસંસ્કૃતિ, ઈતિહાસ, બાયોલોજી અને માનવવંશનો અભ્યાસ કર્યો હતો.
આ ફિશર એવું માનતો હતો કે વંશ અથવા કુળનું મૂળ બાયોલોજીમાં છે અર્થાત, માણસો વંશીય રીતે ઊતરતા કે ચડતા છે કે નહીં તે એમના લોહીથી નક્કી થાય છે. જર્મનીના નાઝીઓની યહૂદીઓ વિરોધી વિચારધારા આમાંથી જ વિકસી હતી. એડોલ્ફ હિટલરને ૧૯૨૩માં જ્યારે જેલમાં પૂરી દેવામાં આવ્યો હતો ત્યારે એણે ત્યાં યુજેન ફિશરનાં લખાણો વાંચ્યાં હતાં અને ‘આર્યો સૌથી શુદ્ધ અને ઉત્તમ પ્રજા છે’ તેવી થિયરી વિકસાવી હતી.
ફિશર એવો વૈજ્ઞાનિક ‘અભ્યાસ’ કરવા માટે રેહોબોથ આવ્યો હતો કે દરેક વંશની બાયોલોજીકલ લાક્ષણિકતાઓ હોય છે અને તે પ્રમાણે જ એમણે સમાજમાં નિશ્ર્ચત ભૂમિકા અદા કરવાની હોય છે. બીજી રીતે કહીએ તો, તે એવું સાબિત કરવા માગતો હતો કે જર્મન લોકો સર્વશ્રેષ્ઠ છે અને બાકીના લોકો પર રાજ કરવા માટે જન્મ્યા છે.
ફિશરે રેહોબોથમાં અભ્યાસ કરીને ભલામણ કરી હતી કે વર્ણસંકર વંશમાં વધારો ના કરવો હોય તો જર્મન પુરુષો અને નામા સ્ત્રીઓ વચ્ચે લગ્ન થવાં ન જોઈએ અને ૧૯૧૨માં તમામ જર્મન કોલોનીઓમાં આંતરજાતિ લગ્નો પર પ્રતિબંધ ફરમાવામાં આવ્યો હતો. પાછળથી આ ફિશર નાઝી પાર્ટીનો સભ્ય બની ગયો હતો અને ૧૯૩૭-૧૯૩૮ દરમિયાન એણે અને એના સાથીઓએ નાઝી જર્મનીમાં રહેતાં ફ્રેંચ-આફ્રિકન સૈનિકોનાં ૬૦૦ બાળકોની નસબંધી કરવાના કાર્યક્રમમાં ભાગ લીધો હતો, જેથી એમનો વંશ આગળ ન વધે.
એની શુદ્ધ વંશની થિયરીને જર્મનીના યહૂદીઓ પર લાગુ કરવામાં આવે તે પહેલાં ફિશરે વંશની લાક્ષણિકતા સાબિત કરવા માટે માણસોની ખોપડીના ડાયમેન્શન માપવામાં મહારત હાંસલ કરી હતી. ફિશર એવું માનતો હતો કે શ્ર્ચેત લોકોનું જમણું મગજ (જે બુદ્ધિને સમાવે છે) અશ્ર્ચેત લોકો કરતાં વધુ સારી રીતે વિકસિત હોય છે. તેના માટે એણે ‘એથ્રોપોમીટર’ નામનું એક સાધન વિકસાવ્યું હતું, જે માનવ શરીરના કોઇપણ સીધા અંગના ડાયમેન્શનને પૂરી ચોકસાઈ સાથે માપતું હતું.
ફિશર અને એના સાથીઓએ આફ્રિકાના લોકોની લગભગ ૧૫૦ ખોપડી ભેગી કરી હતી અને પોતાની વંશ થિયરીને આગળ વધારવા માટે તેનાં માપ લેવાનો પ્રયોગ હાથ ધર્યો હતો. ફિશરનો આ પ્રયોગ મૂળભૂત રીતે બેસ્ટર જાતિનું નિકંદન કાઢવાના આશયથી ‘વૈજ્ઞાનિક પુરાવા’ એકઠા કરવા માટે હતો, પણ ફિશરના ‘બદનસીબે’ (અને માનવ જાતના સદનસીબે) આ પ્રયોગમાં એના એક સાથી ડોક્ટરે ‘ફાચર’ મારી.
આ ડોકટરે ફિશર ઈચ્છતો હતો એવું તારણ ના આપ્યું કે શ્ર્ચેત લોકોનું જમણું મગજ વધુ ઉત્તમ રીતે વિકસિત હોય છે. તે ડોકટરે પ્રત્યેક ખોપડીનાં માપ લઈને એવું તારણ આપ્યું કે ‘શ્વેત ખોપડી’ અને ‘અશ્વેત ખોપડી’ વચ્ચે એવો કોઈ તફાવત નજર નથી આવતો.
તે ડોકટરને પ્રયોગ શરૂ કરતાં પહેલાં જ ખબર હતી કે આ અમાનવીય છે અને એટલે એણે મનોમન દરેક ખોપડીની માફી પણ માગી હતી. ફિશરનો પ્રયાસ અવૈજ્ઞાનિક હતો. એ પહેલાં થિયરી ઘડી કાઢતો હતો અને પછી તેના સમર્થનમાં પુરાવા ભેગા કરતો હતો. એના આ પ્રયોગમાં જેટલી પણ થિસીસ લખાઈ હતી તેમાં એક માત્ર પેલા ડોક્ટરની થિસીસ બધાથી અલગ પડતી હતી.
અલબત્ત, અમેરિકન અને યુરોપિયન ડોક્ટરોએ વર્ષો પછી ફિશર અને નાઝીઓની રેસ થિયરીને સદંતર ગલત અને અવૈજ્ઞાનિક સાબિત કરી હતી, પરંતુ આ થિયરીમાં સૌથી પહેલું પંક્ચર પાડનાર એ ડોક્ટર એક મહિલા હતી ને એ ભારતીય હતી. નામ એનું ઈરાવતી કર્વે…
બર્મા (હાલના મ્યાનમાર)માં કામ કરતા મહારાષ્ટ્રના ચિત્તપાવન બ્રાહ્મણ પરિવારમાં ૧૯૦૫માં જન્મેલી ઈરાવતી (તે બર્માની એક નદીનું નામ છે), ૧૯૨૦ના દાયકાના અંતમાં જર્મનીની કુખ્યાત કૈસર વિલ્હેમ ઇન્સ્ટિટ્યૂટ ફોર એન્થ્રોપોલોજી, હ્યુમન હેરિડિટી અને યુજેનિક્સ ખાતે ડોક્ટરલ સંશોધન માટે બર્લિન આવી હતી.
આ સંસ્થા ‘વંશીય શુદ્ધતા’ પર સંશોધન માટે એક સુસ્થાપિત કેન્દ્ર હતું અને નાઝી શાસન દરમિયાન યુજેનિસ્ટ નીતિઓના નિર્માણ સાથે ખૂબ નજીકનો સંબંધ હતો. યુજેન ફિશર ત્યારે તેનો ડિરેકટર હતો. નોંધપાત્ર વાત એ છે કે કર્વેએ એવા સમયે વિદેશમાં અભ્યાસ કર્યો હતો જ્યારે મહિલાઓ માટે વિદેશમાં અભ્યાસ કરવો અસામાન્ય માનવામાં આવતું હતું. એટલું જ નહીં, એણે એક એવા તાનાશાહી શાસનમાં અભ્યાસ કર્યો હતો, જે તેની રેસ થિયરીના આધારે સમગ્ર વિશ્ર્વ પર શાસન કરવા ઇચ્છતું હતું.
ભારતની પહેલી મહિલા માનવવિજ્ઞાની ઈરાવતી કર્વેના દિલચસ્પ જીવનનું આ એક નાનકડું પ્રકરણ છે. એ એક સફળ લેખિકા પણ હતાં, જેમણે સમાજશાસ્ત્રની તમામ શાખાઓ-સામાજિક, સાંસ્કૃતિક, માનવ શરીર, માનવશાસ્ત્ર, ભાષા વગેરેમાં પોતાની ઓળખ બનાવી હતી.
એક સંશોધક તરીકે એમણે સમગ્ર દેશમાં પ્રવાસ કર્યો હતો. કર્વેએ ૧૯૩૧ થી ૧૯૩૬ સુધી મુંબઈની એસ. એન. ડી. ટી. મહિલા યુનિવર્સિટીમાં વહીવટકર્તા તરીકે પણ કામગીરી બજાવી હતી. ત્યારબાદ એ ૧૯૩૯માં સમાજશાસ્ત્રમાં રીડર તરીકે પુણેની ડેક્કન કોલેજમાં જોડાયાં હતાં. એમને ભારતવિદ્યા, તેમજ લોકગીતો એકત્ર કરવા, નારીવાદી કવિતાનું ભાષાંતર કરવામાં ઊંડો રસ હતો. એમણે ઘણાં વર્ષો સુધી પુણેની ડેક્કન કોલેજમાં સમાજશાસ્ત્ર અને માનવશાસ્ત્ર વિભાગના વડા તરીકે કામ કર્યું હતું.
આવું એક અનોખું વ્યક્તિત્વ ધરાવતાં ઈરાવતી કર્વેના જીવન પર ઉર્મિલા દેશપાંડે અને થિયાગો બારબોસાએ અંગ્રેજીમાં એક સુંદર જીવનચરિત્ર ‘ઇરુ: ધ રિમાર્કેબલ લાઈફ ઓફ ઈરાવતી કર્વે’ લખ્યું છે, જે જરૂર વાંચવા જેવું છે.