ગઝલની વિદ્યાપીઠ એટલે અમીન આઝાદ
લજ્જત મળે તો એવી કે આઠે પ્રહર મળે હર દર્દની છે માગણી, મારું જિગર મળે

સર્જકના સથવારે -રમેશ પુરોહિત
અમીન આઝાદ
ગાંધીયુગના ગઝલકારોમાં મોખરાનું નામ છે અમીન આઝાદ. આઝાદી સંગ્રામમાં સૂરતમાં યોજાતી સભાઓમાં પોતાના બુલંદ સ્વરે શૌર્યગીતો ગાઈને શ્રોતાઓને મંત્રમુગ્ધ કરવાની એમની સર્જકશક્તિને લીધે દક્ષિણ ગુજરાતમાં રાષ્ટ્રીય કવિ તરીકે ઊભરી આવ્યા હતા અને અસાધારણ આદર પામ્યા હતા. ‘ભારત મારો દેશ વિદેશી, ભારત મારો દેશ’ એમની ઓળખ બની ગયું હતું. એમનાં એ પ્રકારનાં ગીતો-ગઝલોનો સંગ્રહ ‘સબરસ’માં પ્રગટ થયો હતો.
મૂળ નામ તાહેર બદરુદ્દીન, ઉપનામ હતું અમીન આઝાદ. જન્મ સૂરતમાં 13મી એપ્રિલ 1913 અને ઇંતેકાલ 13મી સપ્ટેમ્બર, 1992. મૂળ તો આરબ, મૂળ વતન યમન. દાઉદી વહોરા કોમના વડા ધર્મગુરુ સૂરતના અને મુલ્લાજીની દેવડી પર આવેલી મદરેસામાં એમના મોટાભાઈ અરબી ભાષાના શિક્ષક હતા એટલે સહકુટુંબ સૂરતમાં આવીને વસેલા. ઘરમાં અરબી ભાષા બોલાય તો બીજાઓ સાથે વહોરાશાહી ગુજરાતીમાં વહેવાર ચાલે. તાહેરભાઈનું પ્રાથમિક શિક્ષણ અરબી શાળામાં, પણ ગુજરાતી ભણવાની ખૂબ જ ઇચ્છા એટલે મિશન હાઇસ્કૂલમાં સાતમા ધોરણ સુધીનું શિક્ષણ પ્રાપ્ત કર્યું.
ગુજરાતી સાથે અંગ્રેજીનો પણ અભ્યાસ કર્યો. કાવ્ય પ્રત્યેની અભિરુચિ એટલે ગઝલ લખતા થયા. પહેલાં ઉર્દૂમાં ગઝલો લખતા. એ સમયે રાંદેર મુસ્લિમ ગુજરાત સાહિત્ય મંડળ દ્વારા યોજાતા મુશાયરામાં ભાગ લેવા માંડ્યા અને ગુજરાતી ગઝલ લખતાં થઈ ગયા, જેમ કે:
છું એવો પ્રવાસ, મહોબ્બત છે સાથી
હું જ્યાં જાઉં ત્યાં ભાઈચારો મળે છે
કિનારેય તોફાન મળતું રહે છે
ને તોફાનમાં પણ કિનારો મળે છે.
એમનો પ્રેમ, વ્યથા કે વિષાદ તારસ્વરે પ્રગટ નથી થતાં, પણ વ્યક્તિગત મટીને બધા સુધી વિસ્તરે છે. રાષ્ટ્રપ્રેમમાં શેર રજૂ કરે ભારે મુશાયરો જીવંત બની જતો. એમનો ગઝલસંગ્રહ ‘રાત ચાલી ગઈ’ બહુ જ આવકાર પામ્યો હતો. શ્રોતાઓની દાદ એમનો નશો હતો. ગઝલની રજૂઆતમાં સૂરીલો કંઠ ભળે ત્યારે મુશાયરો જામતો હોય છે. રાત ક્યારે પૂરી થવા આવી એ ખબર ન પડે ત્યારે માનવું કે આ મુશાયરામાં ‘અમીન આઝાદ’ ઉપસ્થિત છે. ‘રાત ચાલી ગઈ’એ એમની મશહૂર ગઝલ સાથે મુશાયરો પૂરો થતો.
‘મહાગુજરાત ગઝલ મંડળ’ની સ્થાપના કરી. મંડળનું મુખ્ય મથક મહામંત્રી અમીન આઝાદની સૂરતના નવાપરા કરવા રોડ પર આવેલી એમની સાઇકલની દુકાન. અમીનભાઈ સાઇકલની ટ્યૂબનું રફૂવર્ક કરે અને સાથે સાથે નવોદિત શાયરોના કલામનું પણ રફૂ કરી આપે. આપણા કવિ રતિલાલ ‘અનિલ’ સૂરતના. ગઝલનો ગ પણ જાણે નહીં ત્યારે એને ગઝલ લખતા કેવી રીતે કર્યા એની સરસ વાત કરી છે.
‘અનિલ’ નોંધે છે કે સાંજ પછી પેલી દુકાને દરરોજ જવાનું થયું. ફાઇલાતૂન મફાઇલૂનમાં કંઈ સમજ ન પડે, પણ અમીન આઝાદ ટેબલ પર ટકોરા મારતાં ધીમા સાદે ગાય, કહે આ છંદ આમ છે. એમના મંદગાને ગઝલના માપ, છંદ, બે લઘુ એક ગુરુ થઈ શકે એવું વિરલ જ્ઞાન પ્રાપ્ત થયું અને મંડળના બીજા મુશાયરે તો એમણે મંચ પર મૂકી દીધો. ‘તને શું, મને જે ગમે તે કરું છું’ એ પંક્તિ પર જાહેર મુશાયરો, મથામણે ગઝલ લખી, અમીન આઝાદની દોરવણીએ મઠારી, ‘કયાંક એમણે ઇસ્લાહ કરી અને જુઓ આ શેર પેશ કર્યો:
દશા જોઈ મારી હસે છે દિશાઓ,
કે મંજિલ છે સામે ને પાછો ફરું છું.
અમીનભાઈની દુકાનમાં ઝવેરચંદ મેઘાણીનાં પગલાં પણ થયેલાં. ઘાયલ સૂરત આવે ત્યારે આ મહેફિલમાં હાજર, મરીઝ હોય એટલે એ એક સાકી અને મયપરસ્તનું મદિરાલય. મરીઝની યાદદાસ્ત અદ્ભુત. એક પછી એક ઉર્દૂ ગઝલ બે કલાક સુધી બોલ્યે જાય. મિજલસ પતે પછી જુવાન મંડળી સામે અમીનભાઈ ઉત્તમ ઉર્દૂ ગઝલોનું ગાન કરે. એ દુકાન ગઝલની સ્કૂલ હતી.
મારું સર્જન એનું સર્જન થઈ ગયું
મેં જ સર્જ્યા મારા સર્જનહારને!
આ શેર લખનાર અમીન વ્યવહારે ખૂબ શાલીન. ન ગમતી દલીલ સાંભળે, એક કે બે શબ્દ બોલે અને હસે! એમની ઉદ્દામ વિચારણા અને સ્વભાવ છેવટે સુધી રહ્યાં. અમીનભાઈમાં સાલસતા અને સહિષ્ણુતા ન હોત તો મુશાયરા-પ્રવૃત્તિ ગુજરાતમાં છેલ્લી રેખા સુધી સુધી અંતરંગમાં વ્યાપી તે, પહોંચી ન હોત. એમની લોકપ્રિયતા કોઈ માટે ભલે ઈર્ષાપાત્ર હશે, પણ એમની લોકપ્રિયતા કદી એમનો અહમ્ બની નહીં. એટલે એ બધાના પ્રિય રહ્યા. આમ ગઝલનો કારવાં ચાલી રહ્યો હતો. ત્યારે અમીનભાઈ સૂરત છોડીને મુંબઈ આવે છે. એ વખતે પ્રગટ થતા ‘વેણી’ નામના સાપ્તાહિકમાં પત્રકાર તરીકે જોડાઈ ગયા. પછી ‘છાયા’ સાપ્તાહિકના તંત્રી બન્યા.
અમીનભાઈનું વ્યક્તિત્વ એવું હતું કે જ્યાં હોય ત્યાં આપોઆપ ગઝલ અને ગઝલકારોનું વર્તુળ રચાઈ જાય. એમની મૂળ ઓળખ જ શાયરની. એમની ઑફિસમાં પણ મુંબઈના શાયરો આવતા રહે. ક્લબમાં તો શાયરો અને શ્રોતાઓની હાજરી અને પછી રચાયું ગુજરાત ગઝલ મંડળ. મુશાયરાઓ યોજ્યા. એમની કોમના નવયુવાન કવિઓ જેવા કે ‘નજર’ કાબિલ ડેડાણવી અને યુસુફ બુકવાલા મહેફિલમાં હાજર હોય.
આ પણ વાંચો : કેન્વાસ : શહીદ ભારતીય સૈનિકોનું યુદ્ધ સ્મારક ફ્રાન્સના ગામમાં!
એ વખતે સૈફ પાલનપુરી અને મરીઝ તથા અમીરી કેટલાંક ‘વતન’ અને ‘બેગમ’ જેવાં સમાચારપત્રો ચલાવતા, પણ તે કાળક્રમે અસ્ત પામ્યાં. ગઝલ મંડળ પણ ના રહ્યું. પછી અમીનભાઈ રવિવાર પ્રેસની ઑફિસમાં માળિયાની જગ્યામાં ‘ઉમ્મત’ નામનું ધાર્મિક માસિક શરૂ કરે છે, પણ એ તરણોપાય જેવું બને છે. સૂરતમાં વસતા પુત્ર જુવાન વયે મુંબઈમાં વસે છે ત્યારે ક્લબમાં રહેતા અમીનભાઈ પોતાના ઘરે પાછા ફરે છે. નવોદિત શાયરો સાથેના સંબંધોના તાણાવાણા પાતળા પોતથી લંબાયેલા રહે છે. છેવટે અસ્તિત્વ ઇતિહાસ થઈ જાય એવી ક્ષણ આવી ચૂકી. એમનો ‘રાત ચાલી ગઈ’ સંગ્રહ એમના અવસાન પછી પ્રગટ થયો.
જિદંગીનાં સૌ રહસ્યો વણઉકેલ્યાં રહી ગયાં,
જિદંગી જીવી ગયા ને? છોને જિવાયું નહીં.
અમૃત ઘાયલે રતિલાલ ‘અનિલ’ પરના પત્રમાં એ વખતે લખ્યું કે ‘ભાઈશ્રી, અમીન આઝાદે ગઝલકારનો ધર્મ સત્યનિષ્ઠાથી બજાવ્યો છે એનો હું સાક્ષી છું. સૂરતની એમની સાઇકલ રિપેર કરવાના નાની દુકાન. આપણે ત્યાં – હું, તમે, મરીઝ મળતા, અને ગઝલ, બસ ગઝલ એ લગના, લગની, ધગશની, ઘટનાઓ – ભાઈ અમીનની દુકાન સાથે, હજુ નજર સામે તરે છે.
અભી ગયા નહીં યારાના રફતગાં કા ખ્યાલ
અભી તો ફિરતી હૈ, આંખો મેં સુરતે ઉનકી.
અમીરભાઈ ગુજરાતી ગઝલની ધૂણી ધખાવીને બેઠા હતા અને તેનાં તેજ, પ્રકાશ, જયોતિ અને આભા આજે ગુજરાતી ગઝલમાં ઝળાહળાં શોભે છે. આવા ભેખધારી શાયરનાં કેટલાંક કલામ અને ગઝલથી સમાપન કરીએ.
કોઈના પ્રેમની અંતરમાં આગ સળગે છે
જીવનના બાગમાં જાણે પરાગ સળગે છે
વિરહની રાતના અંધકારમાં પ્રકાશ રહ્યો
તમારી યાદના પળપળ ચિરાગ સળગે છે
મજા એ છે સૂર્યાસ્તની સાથે સાથે
મજા માણી લઈએ છીએ સૂર્યોદયની
તમારી લટોમાંથી રજનીના રંગો
અને સ્મિતમાંથી સવારો મળે છે
લજ્જત મળે તો એવી કે આઠે પ્રહર મળે
હર દર્દની છે માગણી, મારું જિગર મળે
ઇચ્છાઓ કેટલી મને ઇચ્છા વગર મળી
કોણ કહ્યું ‘અમીન’ ન માગ્યા વગર મળે?
હૈયું છટકી હાથથી ઝુલ્ફોમાં જઈ વસવા મથે
પ્રેમીને હોવાનો હોનારતનો ડર વરસાદમાં
નિજ ઝરૂખે એણે દેખાડી હજી તો એક ઝલક
ઝાંખી થઈ ગઈ મારી નજરોની સફર વરસાદમાં
જશે, ચાલી જશે, ગઈ, એ વિચારે રાત ચાલી ગઈ
ખબર પણ ના પડી અમને કે ક્યારે રાત ચાલી ગઈ
જુઓ રંગભેદથી બે નારીઓ ન રહી શકી સાથે
ઉષા આવી સવારે તો શરમાઈ સવારે રાત ચાલી ગઈ
તમારા સમ ‘અમીન’ ઊંઘી શક્યો ના રાતભર આજે
પરંતુ કલ્પનાઓના સહારે રાત ચાલી ગઈ.
સંકુચિત જે હશે, સીમાઓ બદલવી પડશે
દૂર મંજિલ છે તો દુનિયાઓ બદલવી પડશે
બિમ્બ છું પૂર્ણ કળાકારનું પણ કહેવા દો
ચિત્રમાંની ઘણી રેખાઓ બદલવી પડશે
આખરે એ જ નિરાશાની રહી વાત ‘અમીન’
કોઈ કહેતું હતું: આશાઓ બદલવી પડશે.