ઉત્સવ

અમેરિકન ગુજરાતીઓ અને રીયર વ્યુ મિરર-૭: ચન્દ્રકાંત શાહ

આજે આટલું જ -શોભિત દેસાઈ

એ પછી તો- ગાડી ના
ટાયરની જેમ કરી
ઑઈલ ચેઈન્જ
કાર ચેઈન્જ
હાઉસ ચેઈન્જ
જોબ ચેઈન્જ
ફોન ચેઈન્જ
ફ્રેન્ડ્સ ચેઈન્જ
એટિટ્યુડ
આઉટલુક
ઓપિનિયન
એક્સેન્ટ
એટીકેટ
ડિસિપ્લિન
રૂટિન
ડાયેટ્સ
ડૉક્ટર્સ
ડેન્ટિસ્ટ્સ
બધ્ધે બધ્ધું જ…
Change
Except
એક ઈન્ડિયાનું વેકેશન,
વાઈફ
વીક એન્ડની પાર્ટીઓ,
પટેલ બ્રધર્સનું grocery shopping
અને
Taxes file કરવાને પંદરમી એપ્રિલે જ
છ મહિનાનું extension લીધું હોવા છતાં
October 15th“u late night સુધી
taxes કરતા રહેવું
એ સિવાય
લગભગ બધ્ધે બધ્ધું જ .
બધ્ધે બધ્ધું જ ચેઈન્જ કરી કરી
આપણને ખૂબ ખૂબ ડ્રાઈવ કરી
આપણા ઉપર આપણે ચડાવ્યાતા
હન્ડ્રેડઝ ઑફ થાઉઝન્ડ્ઝ ઑફ માઈલ્સ…
શું છે આ વીકએન્ડ ટુ વીકએન્ડનું જીવવાનું?
શું છે આ રોજરોજ મરવાનું?
શું છે આ ‘લાઈફ’ જેવો અંગ્રેજી શબ્દ?
રીઅર વ્યુ મિરરમાં દેખાતા
કોઈ ગ્લાસ બિલ્ડિંગમાં
આપણને દેખાતો
આપણાથી દૂર જતો
આપણો જ રીઅર વ્યુ મિરર?
રીઅર વ્યુ મિરરમાં દેખાતી દુનિયાથી દૂર દૂર ખસવાનું
ઘડી ઘડી સ્હેજ સ્હેજ જોવાનું
જોવાનું એટલું કે –
આપણું હતું જે બધું, એ હવેથી આપણું ન હોવાનું…
આપણે હતાં
ને હતું ટુ-કાર ગરાજ હોમ
પા એકર લોન
પેઈવ્ડ ડ્રાઈવ-વે
ડિઝાઈનર કિચન
એન્ટિક ને પેટીઓ
ને હાલ્ફ ફિનિશ્ડ બેઝમેન્ટ
પછી
શ્ર્વાસોમાં, સ્પર્શમાં, સુગંધોમાં, સ્વાદોમાં,
આંખો, અવાજોમાં, દૃશ્યોમાં, રંગોમાં,
વાણીમાં અને લહેરપાણીમાં
ઓચિંતું સિનિયર સિટિઝન ડિસ્કાઉન્ટ!
આશ્ર્ચર્યો જિજ્ઞાષા પ્રસન્નતા
ઉદાસી આવેગ ઉદ્વેગમાં પણ
સિનિયર સિટિઝન ડિસ્કાઉન્ટ !
ગયાં વર્ષો- ડિરેક્શન આપવામાં
ગયાં વર્ષો- ડિરેક્શન લેવામાં
લેવાના-
અંતે તો-
અંત જેના જોઈ ના શકાય એવા હાઈ-વે
અંધારું ઓઢીને ઊભેલા ફ્રી-વે
જોવાના-
જિંદગીમાં લેવાની રહી ગયેલ એક્ઝિટનાં પાટિયાંનાં પતરાં
પણ-
લેવાની અંતે તો-
દૂરથી જ દેખાતા
અંગ્રેજી ‘એચ’વાળા બ્લ્યુ રંગના બોર્ડ પર
દોરેલા ઍરોની દિશામાં વંકાતા રસ્તાની એક્ઝિટ
ખંભા પર માણસ, સ્મશાન અને ઓગળતા રસ્તાનો ટ્રાયેન્ગલ
એ પછી આપણે ‘ન’ હોવાનું આટલું ગણિત
એને એ જ એનો એન્ગલ


(ચંદ્રકાંત) ચંદુ શાહ અને હું ૧૯૭૪માં મળ્યા. ૧૯૭૩થી કવિતા લખતા હતા અમે બન્ને. રમેશ પારેખની ભાષામાં કહું તો ચંદુ એટલે લયનો કામાતુર રાજવી. ‘ખેલૈયા’ નામનું નાટ્યલેખનનું સીમાચિહ્ન અને કટાવ છંદની કેટલીક અદ્ભુત કવિતાઓ સિદ્ધ કરીને ચંદુ પહોંચી ગયો અમેરિકાના બોસ્ટનમાં.

આજે અમેરિકાની lifestyle ઉપરની કવિતા સાથે ચંદુને આપણે ‘આજે આટલું જ…’
નામના એરપોર્ટ પરથી પાછો બોસ્ટન
ભેગો કરીએ છીએ, આપ સૌને છેલ્લા ૭ રવિવારથી ખૂબ આનંદ આવ્યો હશે એવી આશા સાથે


આ લખી રહ્યો છું અને મને ખબર મળે છે, બહુ જ મોટા ગઝલકાર સુરતના નયન દેસાઈના નિધનના. નયન દેસાઈની ગઝલ જેવા જ સુંદર શબ્દો આપોઆપ કલમમાંથી તમારા સુધી પહોંચવા માટે ઉતાવળા થઈ રહ્યા છે.

ઉડીને આંખે વળગે એવી ભલમનસાઈનું મરવું
ટકોરાબંધ સચવાયેલી એક સચ્ચાઈનું મરવું
પડી છે છાપ આ કોની બહુ ઉંડી તવારીખ પર?!
ગઝલ હો શોકમાં એવું નયન દેસાઈનું મરવું
-શોભિત દેસાઈ
ગઝલને તમે કુવામાંથી બહાર કાઢી લોકસંસ્કૃતિમાં લઈ ગયા, અને પછી તો એને મહેલની રાજરાણીનો દરજ્જો આપ્યો, એના આંસુને તમે સ્વાતિબિંદુમાં પરિવર્તિત કર્યા અને ગઝલના અનેક નવલોહિયા અને નવશિખિયાઓને ગઝલપવિતના સંસ્કાર આપ્યા. ગુજરાતી ગઝલ તમારું ઋણ નહીં ઉતારી શકે એવું હું મારા તમારી પરત્વેના સંપુર્ણ લઘુબંધુભાવ સાથે કહું છું અને તમારી વિદાયને વંદન કરું છું. જયગઝલ.

  • શોભિત દેસાઈ
    આજે આટલું જ…
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
જવાન દેખાવું છે? તો ઘરે જ કરો આ ઉપાય અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો?