અમેરિકન ગુજરાતીઓ અને રીયર વ્યુ મિરર-૨ (૧૯૪૭થી…)
આજે આટલું જ -શોભિત દેસાઈ
ગુજરાતીમાંગઝલો લખતાં જરસીમાં વરસો કાઢ્યાં
આદિલજીએ હસતાં રમતાં જરસીમાં વરસો કાઢ્યાં
ભીંતો સાથે વાતો કરતાં જરસીમાં વરસો કાઢ્યાં
ભીંતોની વાતો સાંભળતાં જરસીમાં વરસો કાઢ્યાં
‘રે મઠ’ના મિત્રોને સ્મરતાં જરસીમાં વરસો કાઢ્યાં
‘સાંઠ દિવસ’માં હાજરી ભરતાં જરસીમાં વરસો કાઢ્યાં
આટલી બધી ઠંડી ભાઇ આટલો બધ્ધો બર્રરફ
મોસમની ફરિયાદો કરતાં જરસીમાં વરસો કાઢ્યાં
ચિનુ સાથે મનોજ સાથે ઉદયન સાથે અનિલ…
શોભિતની ગઝલો સાંભળતાં જરસીમાં વરસો કાઢ્યાં
અમદાવાદમાં જન્મ મળ્યો ને બચપણ છેક કરાંચી
પાછા અમદાવાદ, ને ફરતાં જરસીમાં વરસો કાઢ્યાં
કાલે પાછા ચાલ્યા જાશું નક્કી કાલે પાછા
કાલે કાલે કરતાં કરતાં જરસીમાં વરસો કાઢયાં
છે ને અમેરિકન ગુજરાતીઓની કાળમિંઢ, થથરતી એકલતા રજૂ કરતી આદિલ મન્સુરીની ગઝલ!!!
આઝાદ ભારતના નવા નક્કોર મુક્તિબાજ ગુજરાતીઓમાં હવે વધુ હિમ્મત આવવા માંડી. અને ચરોતરના કેટલાક પટેલોએ અને બીજા થોડા વધુ અભ્યાસાર્થીઓએ આ નવી હિમ્મત એકઠી કરીને અમેરિકા પ્રયાણ આદરવાનું શરૂ કર્યું.
ગયા અઠવાડિયે વાત કરી તેમ રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા એ વખતે માત્ર આઠ ડૉલરની મંજૂરી આપતી. રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ પોતે ક્યારેક અમેરિકાનો પ્રવાસ ખેડ્યો હોત તો એને ખબર પડત કે આઠ ડૉલર જેની રૂપિયામાં વેલ્યુ માત્ર ૩૮ રૂપિયા થાય. એ તો અમેરિકા પહોંચતા વેંત જ ખતમ થઇ જાય. ત્રણ ચાર એરપોર્ટ બદલવામાં, ચા-પાણી-ખાણીપીણીમાં જ લગભગ બધું વપરાઇ જાય. ૩૮ રૂપિયા લઇ અમેરિકા જવાનું એ આપણા ગુજરાતી નબીરાઓને કેમ પોસાય? તેમ છતાં આ ખમીરવંતી જાતિના વિદ્યાર્થીઓ ઉજ્વળ ભવિષ્ય માટે જેમ તેમ સાચવી લેતા. હવે આવે છે, ફેરવેલ- વિદાય સમારંભ. નાના નાના ગામડાઓમાં કે શહેરોમાંથી અમેરિકા પ્રસ્થાન કરનાર છોકરાંઓને કોઇ સુપરસ્ટારને છાજે એવાં ભવ્ય ફંકશન ગોઠવાતા. ઘરની થોડી મૂડી ખરચી સુટ સિવડાવી ઉપર બાટાના બુટ ચડાવી અને યેનકેન એક ટાઇ ટકાટક, અને ઉપરથી આ મઘમઘતી વિદાયના લટકામાં એક સુખડનો હાર! ગૌરવવંતો ગુજરાતી છેક અમેરિકા પહોંચે ત્યાં સુધી આ સુટબુટ અને સુખડનો હાર સાચવી રાખતો.
ખરી મથામણ અને મૂંઝવણ તો અમેરિકામાં પગ મૂક્યા પછી શરૂ થાય છે. એરપોર્ટ પર કોઇ લેવા ના આવે, દૂર દૂર સુધી કોઇ ભારતીય પણ ના દેખાય. માંડ માંડ ઠેકાણું પડે ત્યાં બીજો મોટો પ્રોબ્લેમ… અન્ય એક સ્ટ્રગલ… જમવાની. ખાણીપીણીની ન ક્યાય દેશી દુકાન મળે – ન ક્યાંય દેશી ખાવાની રેસ્ટોરાં. દાળભાત શાક રોટલી વગર તો ગુજરાતી જીવ કેમ જીવે? બજારમાં કેમ્બલ કંપનીનો ટોમોટો સુપ મળે. થોડું મીઠું-જીરું નાખો એટલે દાળ બની જાય. ક્યાંક દહીં મળે તો એમાં સાકર નાખી અટલે શ્રીખંડ. માંડ ગળે ઊતરે એવા અમેરિકન ચોખા અને વન્ડર (ૂજ્ઞક્ષમયિ) બ્રેડની રોટલી. લો, થયા રોટલી, દાળ, ભાત. હિંગ, હળદર, રાય, અજમો, આમચુર, એલચી જેવા મસાલા તો ક્યાંય મળે નહિ. એટલે શાકના નામે મીંડુ!
બોસ્ટનની ખઈંઝ (એમઆઇટી) નામની યુનિવર્સિટીમાં દર અઠવાડિયે ભારતીય વિદ્યાર્થીઓને બોલીવૂડની ફિલ્મ બતાડે. એમાં એક જણ સમોસા વેચવા લાવે- દૂરદૂરથી વિદ્યાર્થીઓ ફિલ્મ જોવા આવી ચડતા, ફિલ્મ તો બહાનું હતું. આવે બધા સમોસા ખાવા.
ખરી સ્ટ્રગલ તો હવે શરૂ થાય છે. આઠ ડૉલર તો અમેરિકા આવતા વેંત પતી ગયા, હવે ઠનઠન ગોપાલ. મહિનાનું મિનિમમ બજેટ પચ્ચીસ ડૉલર તો થઇ જ જાય. એટલે ક્યાંક જોબ કર્યા વિના છૂટકો નહીં! કોઇ ડિગ્રી કે લાયકાત વિના જોબ મળે તો પણ કેવા? સિક્યુરિટી ગાર્ડ, ડીશ વોશર, પેટ્રોલપંપ અટેન્ડન્ટ, પાર્કિંગ લોટ અટેન્ડન્ટ એવા!
એ પણ પાછું બે-ત્રણ માઇલ દૂર! પણ દેશીઓ એટલે દેશીઓ. પચાસ સેંટ બસનું ભાડું બચાવવા બે-ત્રણ માઇલ ચાલી નાખે, પણ ખરી પરીક્ષા વીન્ટર -શિયાળામાં બરફ પડે ત્યારે થતી. બાટાના બુટ તો ભીના થઇ જાય તરત એટલે સ્નોમાં ચાલવા મોજાં પર પ્લાસ્ટીની થેલી બાંધી બુટ ચડાવે. જેથી મોજાં ભીના ના થાય અને પગ કોરાધાકોર! આવી આવી હાડમારીમાંથી છૂટીને ઘણાંને ઇન્ડિયા પાછા જવાની ખૂબ તાલાવેલી. પણ રિટર્ન ટિકિટના પૈસા ન હોવાથી- એ ય ને ભલે અમેરિકામાં પડયા પાથર્યા. અમેરિકાની મારી અને ચંદ્રકાન્ત શાહની કવિતાની ટૂરોમાં મેં ઘણા સિનિયર સિટિઝનોને આ વાત કહેતા સાંભળ્યા છે: એ વખતની સ્ટ્રગલ ન જીરવાતાં અમે ક્યારેક ક્યારેક ખૂણામાં બેસીને આંસુઓ સારી લેતા.
લો, આપણે તો વાત કરતાં કરતાં આવી પહોંચ્યા છેક ૧૦ સપ્ટેમ્બર, ૨૦૨૩માં. આવતા રવિવારે તો દબદબાભેર શાહી દમામથી આગમન થઇ રહ્યું છે છઊઅછ ટઈંઊઠ ખઈંછછઘછનું, કદાચ…, પણ
આજે આટલું જ…