ઉત્સવ

સિયેટલની સફરમાં એમેઝોન ઈઝ અમેઝિંગ

ટૅક વ્યૂહ -વિરલ રાઠોડ

ભારતીય ક્રિકેટ ટીમ જ્યારે અમેરિકા ટી-૨૦ કપ રમવા માટે રવાના થઈ હતી એ સમયથી અમેરિકાના જુદા જુદા ગ્રાઉન્ડ અને શહેરોની ચર્ચા છે. કેલિફોર્નિયાની અનેક વાર્તાઓ અને સ્ટોરીઓ સમયાંતરે અખબારી અહેવાલોમાં ચમકે છે. અમેરિકા એક એવો દેશ છે, જ્યાંના ટૅકનોલૉજીના આવિષ્કારે દુનિયાને ચોંકાવી દીધી છે. એ પછી ફેસબુક હોય કે ગૂગલનું હેડક્વાર્ટર.
અમેરિકા ફરવાના શોખીનો માટે એક હાઈલી રિકમન્ડેડ પ્લેસ છે સિયેટલ (આ સિટી ‘સિયાટલ’ તરીકે પણ ઓળખાય છે.) સુંદરતા અને સ્વચ્છતામાં આ સિટી સિંગાપોરને પણ ટક્કર મારે એવું છે. જાણે કોઈ આર્કિટેક્ટે ચોક્કસ પ્લાનિંગથી તૈયાર કર્યું હોય. ફૂટપાથ હોય કે મેન રોડ આસપાસ ક્યાંય એક કચરો ન જોવા મળે. લીલાછમ વૃક્ષો વચ્ચેથી પસાર થતી શેરી જાણે વૃક્ષો એ શેરીમાં આરામ કરવા પથરાયા હોય એવો ક્લાસિક વ્યૂ. અમેરિકાની ધરતી પર જો બધુ સામાન્ય લાગતું હોય તો થોડી અસામાન્ય વાત એ છે કે, ‘એમેઝોન’નું મસ્ત હેડક્વાર્ટર અહીં બહારથી નહીં અંદરથી પણ જોવા જેવું છે.

  • તો ચાલો, શબ્દોના સથવારે સિયેટલના અમેઝિંગ એમેઝોનની સફરે.

૪૫ હજાર કર્મચારી અને ૨૫ ઈમારત જે કંપની પોતાના વિશાળ સ્ટાફને કારણે સતત અને સખત ચર્ચામાં રહે છે એનું નામ એમેઝોન, જેનો માલિક બેઝોસ ખુદ ગમે ત્યારે ગમે તે સેક્શનમાં કામ કરતો જોવા મળે એનું નામ એમેઝોન. હવે જે લોકો માત્ર એમેઝોનને એક ઈ-કોમર્સ કંપની માનતા હોય તો થોડું એનું નોલેજ અપડેટ કરી લે.

એમેઝોનના લોગોમાં જ એક તીર છે, જે એ થી લઈને ઝેડ સુધી જાય છે. સર્વોત્તમ અને સર્વશ્રેષ્ઠની કામગીરીની આ એ અજબ દુનિયા છે. અહીંના ૪૫ હજાર કર્મચારીઓનું જે તે સમયે વન ટુ વન કાઉન્સેલિંગ થયેલું છે. આ ઑફિસ સિયેટલ સિટીના જે વિસ્તારમાં છે એ વિસ્તાર કોઈ મોટી સોસાયટી જેવો દેખાય છે. એમેઝોનની કંપનીની જ આ સિટીમાં ૨૫થી વધારે ઈમારત છે. અમેરિકાની બીજા નંબરની ખાનગી ધોરણે કામ કરતી આ કંપની છે. સૌથી સારી અને સાચી વાત એ છે કે, સામાન્ય મુલાકાતી પણ કંપનીની બેસ્ટ વિઝિટ માણી શકે છે થ્રુ ગેસ્ટ પાસ.

તમે પણ કવિતા લખવા માંડશો
ડોપલર બિલ્ડિંગ જે રોડ પર આવેલી છે એ રસ્તા પરથી સામાન્ય વોક કરીએ તો પણ કોઈ અલગ દુનિયામાં આવ્યા હોય એવું ફીલ થાય. ડસ્ટ ફ્રી વાતાવરણ, લીલાછમ વૃક્ષો, નાની નાની લોનમાં છોડવાથી સુશોભિત સર્વિસ લેન. આહા…આઈટીના હબમાં જાણે પ્રકૃતિએ પ્રેમ વરસાવ્યો હોય એવું મસ્ત. રિસેપ્શન એરિયાની સામે જ વેઈટિંગ ઝોન છે, જ્યાં એક સાથે ૧૦ હજાર લોકો આરામથી બેસી શકે છે. બેઠક વ્યવસ્થા પણ એવી મસ્ત જાણે કોઈ ૭ સ્ટાર હૉટેલ ! ખાસ વાત એ છે કે, કર્મચારીઓ પણ અહીંથી પસાર થાય છે પણ એનો રસ્તો અલગ છે એટલે પબ્લિક સાથે કોઈ લેવાદેવા નહીં. ‘એમેઝોન ફેસ’ કરીને એક એરિયા છે. એ જોઈને કોમ્પ્યુટરનું જૂનું અને જાણીતું પેલું કાચના ગ્લોબવાળું વોલપેપર યાદ આવી જશે, જ્યારે આ ઝોન બન્યો ત્યારે આ પ્રોજેક્ટ ૪૦૦ બિલિયન ડોલરનો હતો એવું ત્યાંના લોકો કહે છે. સૌથી મોટી અને ચોંકાવનારી વાત એ છે કે, આપણે ત્યાં જેમ દરેક ઑફિસમાં એક ડેસ્ક હોય છે, જેમાં આઠ, દસ કે પંદર લોકો બેસીને એક રોબો મશીનની જેમ કામ કરતા હોય છે. એમેઝોન પૉલિસી પ્રમાણે અહીંયા કોઈ જ ડેસ્ક કલ્ચર જ નથી. એમેઝોન રેન ફોરેસ્ટ થીમ પ્લેસ પર માત્ર કોઈની રાહ જોઈને બેઠા હોવ તો પણ અંદરથી થોડી શબ્દોની સમજ અને સાહિત્યનું વાંચન હોય તો આપમેળે કોઈ કવિતા સ્ફૂરી આવે એવી મસ્ત ક્રિયેટિવ પ્લેસ છે.

લેટ્સ મીટ ટુ સમવન…
‘એમેઝોન થીમ પ્લેસ’ એક એવો એરિયા છે જ્યાં તમે અંદર કામ કરતા કોઈ પણ વ્યક્તિને ખાસ મુલાકાત માટે બોલાવી શકો છે, મળી શકો છો. મસ્ત ચા-નાસ્તો કરી શકો. હા, તમારી પાસે ગેસ્ટ પાસ અને કર્મચારી પાસે આઈડી કાર્ડ હોવું અનિવાર્ય છે, જે રીતે એમેઝોનનું જંગલ વરસાદ આવે અને લીલુછમ બની જાય એ જ થીમ પર આ પ્લેસ ડિઝાઈન કરવામાં આવી છે. અંદર આવતાની સાથે જ જાણે પાસેથી કોઈ ઝરણું વહેતું હોય એવી અનુભૂતિ કરાવી દેશે. હકીકતમાં આ એક મલ્ટિ લેવલ રોક્સ ફાઉન્ટેન (ફુવારો) છે. આપણે ત્યાં ઑફિસની ફ્રી સ્પેસમાં પ્લાસ્ટિકના ઘાસની આખી પાટ મૂકીને લીલું દેખાડવા પ્રયાસો થાય છે. એમેઝોનમાં દરેક પ્લાન્ટ લાઈવ છે. લાઈવ એક્વેરિયમ છે. લિવિંગ વોલ છે, જ્યાં આખી દીવાલ પર પાંદડા, ફૂલ અને છોડવા છે. એક જ દીવાલ પર આશરે ૧૫૦૦૦ છોડવા રોપેલા છે. હા, અહીં ક્યાંક ફૂલ કે ફળ તોડવા નહીં એવું કોઈ બોર્ડ નથી માર્યું. આ પાછળનું કારણ એ છે કે, ત્યાંની પ્રજા અને મુલાકાતી પણ એટલી તો શિસ્ત પાળે છે…

ચીટચેટ એરિયા
આ થીમ પ્લેસ પર ગમે તે દિશામાં આગળ જાવ જાણે કોઈ પાર્ક કે ગાર્ડનમાં આંટા મારતા હોય એવું લાગે. એમેઝોન સ્પેરમાં ગમે તે ફ્લોર પર જઈને નળ ખોલો પાણી પીવાનું જ આવશે, કારણ કે અહીં સિસ્ટમ એવી છે કે, પ્લાસ્ટિકનો ગ્લાસ ત્યાં જ પાણી પીને ફેંકવાનો રહે છે, જેનું ડિકંપોઝમેન્ટ થાય છે. ચીટચેટ એરિયામાં મસ્ત ફ્લોરિંગ છે. આ એરિયામાં બેસીને કામ કરવાની પણ છૂટ. હા. લાઈટિંગ એવી રીતે કરવામાં આવી છે કે, બહાર સાંજ પડશે કે અંધારુ થશે તો પણ અંદર તો દિવસ જેવી જ રોશની દેખાશે. છેલ્લી અને આશ્ર્ચર્ય કરનારી વાત. દરરોજ માત્ર પાંચથી છ કલાક આ કંપનીને કામ જોઈએ છે. વીકઓફ શનિવાર-રવિવાર તો ખરા જ. (વધુ આવતા અંકે)

આઉટ ઑફ ધ બોક્સ
ક્રેડિટ કમાતા વર્ષો વીતે, પણ ગુમાવતા માત્ર એક જ સેકંડ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button