સુખનો પાસવર્ડ : નાનીનાની વાતે રાજી થવાનું શીખવું જોઈએ…

-આશુ પટેલ
થોડા દિવસ અગાઉ ‘કૌન બનેગા કરોડપતિ’નો એક જૂનો એપિસોડ અચાનક જોવા મળી ગયો. એમાં અલોલિકા ભટ્ટાચારજી નામની એક મધ્યમવર્ગી ગૃહિણી અમિતાભ બચ્ચનની સામે હોટ સીટ પર બેઠી હતી અને તે વાતે વાતે હસી રહી હતી. એ સહેલાઈથી બાર સવાલ સુધી પહોંચી ગઈ. બારમા સવાલનો જવાબ આપી દીધો એ પછી અમિતાભ બચ્ચન અને એની વચ્ચે જે વાતો થઈ એ મને ખૂબ ગમી અને વાચક મિત્રો સાથે શેર કરવાનું મન થયું. જેમકે…
અલોલિકા નામની એ યુવતીએ અત્યંત સહજ રીતે હસતાં-હસતાં કહ્યું કે ‘જય હો કેબીસી!’
અમિતાભે કહ્યું: ‘કેમ?’
યુવતી : ‘કેબીસીને કારણે હું જિંદગીમાં પહેલીવાર પ્લેનમાં બેસી શકી. બાકી મારા પૈસે તો હું જિંદગીમાં પ્લેનમાં બેસી શકવાની નહોતી. અને મારા પતિ પાસે પણ પૈસા નથી કે તે મને પ્લેનમાં બેસાડી શકે!’
એ કોઈ પણ વાત કરે ત્યારે હસી રહી હતી. એણે કહ્યું કે ‘મેં તો આજ સુધી ટ્રેનમાં જ મુસાફરી કરી છે. ટ્રેનમાં મુસાફરી કરીએ એટલે બર્થ નીચે બેગ મૂકી રાખવાની અને પછી વારેવારે જોતાં રહેવાનુ કે બેગ છે ને?’
એ વાત કહ્યા પછી એ ખૂબ હસી. પછી કહ્યું: ‘ટ્રેનમાં પ્રવાસ કરતાં હોઈએ ત્યારે રાતે અચાનક ઊંઘ ઊડે તોપણ પહેલાં બર્થ નીચે ડોકિયું કરીને બેગ જોઈ લઈએ કે હજી છે ને! (બેગ ચોરાઈ નથી ગઈ ને?)એને બદલે પ્લેનમાં કેવી મજા! બેગ પણ એ જ લોકો લઈને સાચવીને મૂકી દે અને પછી ઊતરીએ ત્યારે પાછી આપી દે!.’
અમિતાભ બચ્ચને પૂછ્યું: ‘તમે હોટલમાં રોકાયા છો એ સરસ છે ને?’
યુવતી: ‘કેટલી મોટી હોટલ! મેં તો મારી જિંદગીમાં આટલી મોટી હોટેલ જોઈ જ નહોતી. મને તો એટલી મજા આવી ગઈ! મારું તો જીવન સફળ થઈ ગયું!’
અમિતાભ: ‘તમે કેટલું ભણ્યા છો?’
એણે કહ્યું: ‘એવું કંઈ હું ભણી જ નથી. અને સાચું કહું તો બીજા બધા હોટ સીટ પર આવવા મળે તો શું કરશું એની તૈયારી કરી રહ્યા હતા ત્યારે હું તો અહીં – ત્યાં બધે રખડી રહી હતી, કારણ કે મને ખાતરી જ હતી કે હું કંઈ આવીશ નહીં! પણ મારો નંબર લાગી ગયો! મારું તો થઈ ગયું હવે! બીજા કોઈને બોલાવવા હોય તો બોલાવી લો!’
અમિતાભ પણ તે યુવતી સાથે વાત કરતા કરતા ખૂબ હસી રહ્યા હતા અને ઓડિયન્સ પણ વારે વારે ખડખડાટ હસી પડતું હતું.
અમિતાભ બચ્ચને પૂછયું : ‘તમે આટલું જ હસતાં રહો છો?’
અલોલિકા : ‘હા,મને હસવું આવે છે. કારણ કે હું મને ગમી હોય, મને ખુશી થઈ હોય એવી નાની-નાની વાતો યાદ કરીને હસતી રહું છું. મારી સાસુ પણ મને કહેતી હોય છે કે ‘તને આટલું હસવું કેમ આવે છે?’ પણ બસ મને હસવું આવે છે. હું આવી જ છું.’ એ પછી એણે એ પણ વાત કરી કે, ‘લોકો જિમમાં શરીર સાચવવા માટે જતા હોય છે. હું જિમમાં નથી જતી, હું જિમમાં ગયા વિના જ આવી – તંદુરસ્ત છું! હું બધું જ ખાઈ લઉં છું. રોટી,દાળ-ભાત, શાક, મચ્છી બધું ખાઈ લઉં છું અને ખુશ રહું છું. હું જિમમાં જવાનો કોઈ ખર્ચ કરતી નથી અને બસ ફ્રીમાં જ હું આવી તંદુરસ્ત રહી શકું છું!’
દોસ્તો, વાત અહીં ‘કેબીસી’ કે અમિતાભ બચ્ચન કે એમાં સ્પર્ધક તરીકે આવેલી આ યુવતી કેટલા પૈસા જીતીને ગઈ એ મહત્ત્વની નથી. મહત્ત્વની વાત એ છે કે માણસ મધ્યમવર્ગી હોય કે ગરીબ હોય તો પણ ખુશ રહી શકે. નાની-નાની વાતે ખુશ થઈ શકે. પેલી યુવતીને જોઈને મને વર્ષો અગાઉ વાંચેલી એક નાનકડી વાર્તા યાદ આવી ગઈ.
એ વાર્તા એવી હતી કે શિયાળાની કડકડતી ઠંડીમાં એક મધરાતે એક માતાએ પોતાના નાના છોકરાને ઝૂંપડીમાં છાપાંઓ પાથરીને સુવડાવ્યો હતો અને તેના પર છાપાં ઓઢાડયાં હતાં. તે છોકરો કૈંક વિચારતો હતો. એણે અચાનક માતાને સવાલ કર્યો : ‘હેં મા, જેમની પાસે છાપાં નહીં હોય એ લોકોને કેવી ઠંડી લાગતી હશે, નહીં?’
થોડા દિવસો અગાઉ એક સાંજે એક યુવતીને અંધેરીના એક સિગ્નલ પાસે પોતાના નાનકડાં બાળક સાથે મોકળા મને હસતી જોઈ હતી. એ યુવતી ટ્રાફિક સિગ્નલ પાસે ઊભેલાં વાહનો નજીક જઈને ફૂલો વેચવાની કોશિશ કરી રહી હતી. એમાં કોઈ વાહનમાં બેઠેલી વ્યક્તિએ એના બાળક સામે જોઈને સ્મિત કર્યું. એટલે એ પોતાના બાળકને પેલાની સામે સ્મિત કરવા પ્રોત્સાહિત કરી રહી હતી અને પોતે પણ હસી રહી હતી. પોતાના બાળકને ખુશ થતું જોઈને એના ચહેરા પર ખુશી છલકાઈ રહી હતી. એનો હસતો ચહેરો જોઈને મેં મારી બાજુમાં બેઠેલા એક શ્રીમંત બિઝનેસમેન એવા મિત્રને કહ્યું,:
‘આપણે અનેક મુદ્દે ફરિયાદ કરતા હોઈએ છીએ, પણ આ યુવતી આવા ટ્રાફિકમાં, વાહનોના ધુમાડા વચ્ચે આવી ગરમીમાં સાવ નાની વાતે હસી શકે છે!’
માણસ ધારે તો અગવડો વચ્ચે પણ પોતાની પાસે કશુંક તો છે એ વાતનો આનંદ માણી શકે અને જે માણસને ફરિયાદો કરવાની આદત હોય તેને ગમે એટલી સુવિધા મળે કે ગમે એટલી સફળતા મળે તો પણ તે સુવિધા કે સફળતાને માણી શકતો નથી.
જીવન પ્રત્યે બહુ ફરિયાદો હોય એવા પરિચિતોને હું એલીનોર એચ. પોર્ટરની અદભુત નવલકથા ‘પોલીએના’ વાંચવાની સલાહ આપું છું. એ નવલકથાની નાયિકા એવી ટેણકી છોકરી પોલીએના ગમે એવી સ્થિતિમાં ખુશ રહે છે અને કહે છે કે કોઈ પણ ખરાબ સ્થિતિમાં કશુંક તો સારું હોય જ છે. એ સારું શોધીને રાજી થવાનું શીખવું જોઈએ.
આપણ વાંચો : સુખનો પાસવર્ડ : મદદરૂપ થવા તત્પર માણસની કદર કરો…