ઉત્સવ

હેં… ખરેખર?! ઃ દેવમાલી- બધા શાકાહારી એક એક કાચા ઘર ને ક્યાંય તાળાં નહીં!

દરેક વ્યક્તિ, વસ્તુ, વિષય અને સ્થળમાં કંઈ ને કંઈ વિશિષ્ટતા હોય જ. ક્યારેક જલદી દેખાય ને ક્યારેક માત્ર કોઈકને નજરે પડે. રાજસ્થાનની વિશિષ્ટતા અનેક છે. એ યાદીમાં એક નામ છે દેવમાલી ગામનું. રાજસ્થાનના બ્યાવર જિલ્લાના મસુદા તાલુકાના દેવમાલીને ભારત સરકારે સર્વશ્રેષ્ઠ પર્યટક ગામ ઘોષિત કર્યું છે.

વડીલો, પરંપરા, શ્રદ્ધા, ભક્તિ અને મક્કમતાના નવા પરિમાણ એટલે આ દેવમાલી ગામ. આ ગામમાં ગરીબ હોય કે લખપતિ-કરોડપતિ હોય સૌના ઘર કાચા જ રહે છે. મંદિર અને સરકારી કચેરીઓ છોડીને અહીં એકેય પાકા બાંધકામવાળા મકાન નથી. દરેક ઘરની છત પણ છાણ કે એવી સામગ્રીની જ.

વરસો અગાઉ અમુક લોકોએ જૂની માન્યતાને અંધશ્રદ્ધા માનીને પાકા ઘર બંધાવ્યા હતા પણ તેમને ખૂબ નુકસાન થયું હતું. જાણે ભગવાન કોપાયમાન થઈ ગયા હોય. ત્યાર બાદ કોઈએ આવી હિમ્મત બતાવ્યાનો દાખલો નથી.

પણ કાચા ઘરમાં જ રહેવાનું કારણ શું? લોકવાયકા મુજબ ગુર્જરોના આરાધ્ય દેવ ભગવાન વિષ્ણુના અવતાર ગણાતા ભગવાન દેવનારાયણે અહીં આવીને રહેવાની જગ્યા માંગી હતી. તેમણે સ્પષ્ટતા કરી હતી કે હું અહીં કાયમ રહેવાનો નથી અને ન તો મારા માટે કોઈ પાક્કું ઘર બનાવવાનો છું.

તેઓ ગ્રામજનોની ભક્તિ અને સેવાથી અત્યંત પ્રસન્ન થઇ ગયા. તેમણે વરદાન માંગવાની ઓફર કરી પણ કોઈ ગામવાસીઓમાંથી કોઈએ ધરાર કંઈ માંગ્યું નહીં. અંતે ગામમાંથી રવાના થતા અગાઉ ભગવાન દેવનારાયણે સલાહ આપી કે કાયમ શાંતિથી જીવવું હોય તો ક્યારેય ઘરની છત-છાપરું પાક્કું ન બનાવતા.

બસ, ત્યારની ઘડી અને આજનો દિવસ. ગમે તેટલો મોટો ધનપતિ હોય પણ એ રહે તો કાચા ઘરમાં જ. માત્ર ગુર્જરોના આ ગામમાં અંદાજે ૧૫૦૦ની વસતિ વસે છે. એક એક કુટુંબને ભગવાન દેવનારાયણ પર ભારોભાર શ્રદ્ધા. ગામના પર્વત પર દેવનારાયણ ભગવાનનું મંદિર છે. ગ્રામજનો રોજ સવારના પહોરમાં ખુલ્લા પગે આ મંદિરની પરિક્રમા અવશ્ય કરે ને કરે. આ ગામના પર્વત પર બધા પથ્થર નમી પડ્યા હોય એવું લાગે. જો કે કોઈ માણસ ક્યારેય પર્વત પરથી એકેય પથ્થર નીચે લાવતો નથી.

આ સિવાય દેવમાલી ગામમાં અન્ય અનેક વિશિષ્ટતા છે. આ ગામ સો ટકા શાકાહારી છે. બદલાતા સમયની હવા જાણે અહીં સ્પર્શી જ નથી. ગામવાળા માને છે કે અમે તો કળિયુગમાં પણ સતયુગમાં જીવીએ છીએ.

આ દેવમાલી ગામમાં એક ઇંચ જમીન સુધ્ધાં કોઈ ગ્રામજનને નામે નથી. આખું ગામ ભગવાન દેવનારાયણનું છે અને બધી જમીન એમની જ હોવાનું મનાય છે. આ લોકો ભગવાન દેવનારાયણ ઉપરાંત પ્રકૃતિની પણ પૂજા કરે છે.

માત્ર પશુપાલન પર જીવન-નિર્વાહ કરતા આ ગામમાં ઘરને તાળા મારવાની પ્રથા જ નથી. અહીં ક્યારેય ચોરી-લૂંટ થયા નથી. પોલીસને ચોપડે છેલ્લાં પચાસેક વર્ષમાં ચોરીની એકેય ફરિયાદ નોંધાઈ નથી. અન્ય કંકાસની ફરિયાદ પણ પોલીસ સુધી પહોંચી નથી.

વધુ એક નોંધપાત્ર બાબત એ કે આજે ય અહીં માટીના ચુલા વપરાય છે. કેરોસીનના વાપરવા પર અઘોષિત પ્રતિબંધ વર્ષોથી અમલમાં છે. અહીં રહેતા ૮૦ કુટુંબમાંથી એક માણસ પણ દારૂ પીતો નથી.

આ ગામમાં લગ્ન વખતે વરરાજા ક્યારેય ઘોડા પર બેસતો નથી. ઘોડા પર બેસવાથી લગ્ન બાદ દુર્ઘટના થયા વગર ન રહે એવી દૃઢ માન્યતા લોકોમાં છે. આખા ગામમાં સૌ માને છે કે આપણે સૌ એક જ પૂર્વજના સંતાન છીએ અને આપણા પૂર્વજોએ જ આ દેવમાલી ગામ વસાવ્યું છે. આસપાસના ગામના લોકોને દેવમાલીમાં ભારોભાર અંધશ્રદ્ધા દેખાય છે પણ એનાથી દેવમાલીવાસીઓને રતિભાર ફરક પડતો નથી. તેઓ પોતાની પરંપરા, સંસ્કૃતિ, માન્યતા અને શ્રદ્ધામાં મસ્ત છે, સ્વસ્થ છે અને એકદમ ખુશ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button