ઉત્સવ

બધી વાતે ડાહ્યો ગણાવા ખૂબ મોણ ઘાલી બોલે લાલો કહે માલાને તે તો તણખલાની તોલ

ઝબાન સંભાલ કે -હેન્રી શાસ્ત્રી

તણખલું એટલે તૃણ, તરણું અથવા ઘાસની સળી. નજીવું, નકામું, ક્ષુલ્લક, તુચ્છ એવા અર્થ પણ છે. તુચ્છ વસ્તુ, કિંમત વિનાની ચીજ માટે પણ તણખલાની ઉપમા આપવામાં આવે છે.

અણબોલાવ્યું બોલે તે તણખલાની તોલે મતલબ બિનજરૂરી બોલ બોલ કરનારની કોઈ કિંમત રહેતી નથી. તણખલાની તોલે રૂઢિપ્રયોગ ધ્યાનમાં રાખી કેટલાક સુંદર સુભાષિત છે જે જીવન દર્શન કરાવે છે. વેળા કવેળા સમજે નહીં ને વગર વિચાર્યું બોલે, લાલો કહે માલાને તે તો તણખલાની તોલે. તુચ્છ હોવું અને તુચ્છ ગણાવું એમાં બહુ મોટું અંતર છે. એવા કેટલાક લોકો હોય છે જેમને ક્યાં અને ક્યારે શું બોલવું એની ગતાગમ નથી હોતી. બર્ફીલા પ્રદેશમાં એર કન્ડિશનરના ઉત્પાદનની વાત કરે. વાતમાં ઉપહાસ છે, પણ કવેળા બોલતા લોકોની આ જ તાસીર હોય છે. કેટલાક એવા લોકો પણ હોય છે જે છત અછત સમજે નહીં કહે લાવ લાવ ને લાવ. કોઈ પણ ભોગે પોતાની જરૂરિયાત સંતોષવા માગતા લોકોને વાસ્તવિકતાથી છેટું હોય છે. જ્યાં ત્યાં ધામો નાખી બેસે વગર બોલાવ્યો બોલે, લાલો કહે માલાને તે તો તણખલાની તોલે. આમંત્રણ વિના ગમે ત્યાં પહોંચી જવું અને અભિપ્રાય ન માગ્યો હોવા છતાં ડહાપણ ડોળવાની કુટેવ કેટલાક લોકોને હોય છે. આ પ્રકારના લોકોની હાજરીમાં કોઈ નોંધ નથી લેવામાં આવતી અને એમનો મત ગણકારવામાં નથી આવતો.

અમુક લોકો એવી ભ્રામક માન્યતાનો શિકાર હોય છે કે વાતવાતમાં ટાપસી પૂરવાથી કે વાતને બઢાવી – ચઢાવી કહેવાથી પોતે શાણા છે એવું સિદ્ધ થશે. જોકે, અંતે આવી વ્યક્તિનું મૂલ્યાંકન નહીં પણ અવમૂલ્યન થતું હોય છે. અંતે એ ડાહ્યો નહીં પણ દોઢ ડાહ્યો ગણાય છે. બધી વાતે ડાહ્યો ગણાવા ખૂબ મોણ ઘાલી બોલે, લાલો કહે માલાને તે તો તણખલાની તોલે સુભાષિતમાં આ વાત સુપેરે નજરે પડે છે. એવો જ ભાવાર્થ કથા ચાલતી હોય ત્યાં જઈ પોતાનું ડહાપણ ડોળે, લાલો કહે માલાને તે તો તણખલાની તોલે સુભાષિતમાં પણ ડોકાય છે. માપસરનું અને માફક બોલવું એક એવી કળા છે જે બહુ ઓછા લોકોને હસ્તગત હોય છે. વિવેકભાન જાળવી બોલવું એ બહુ અઘરું નથી, પણ એની તકેદારી પણ નહીં રાખતા લોકો ખોટી જગ્યાએ તેમજ કવેળાએ ડબકા મુકતા લોકો માટે કહેવાય છે કે મોટાં વાત કરતાં હોય ત્યાં વચમાં જઈને બોલે, લાલો કહે માલાને તે તો તણખલાની તોલે. આવું કરવાથી ક્યારેક બુદ્ધિનું પ્રદર્શન થઈ જાય છે અને જાતનું અવમૂલ્યન થઈ જાય છે.

FOG – VOG – SMOG

માણસના જીવનમાં એવી કેટલીક ક્ષણો આવતી હોય છે, જ્યારે એ નજર સામે રહેલું સ્પષ્ટપણે જોઈ નથી શકતો. ક્યારેક એમાં સમજણનો અભાવ કામ કરતો હોય છે તો ક્યારેક સાયન્સ એમાં નિમિત્ત બને છે. આપણે અંગત જીવનમાં ક્યારેક નજીકનું કેમ નથી જોઈ-સમજી શકાતું એની કડાકૂટમાં નથી પડવું, પણ વિજ્ઞાનની વાત કરવી છે. શિયાળો બેસતાની સાથે જે કેટલીક બાબતોનું આગમન થતું હોય છે એમાં એક છે ધુમ્મસ. જેને હિન્દીમાં આપણે કોહરા તરીકે, મરાઠીમાં ધુકે અને અંગ્રેજીમાં FOG તરીકે ઓળખીએ છીએ.

સામાન્ય વિજ્ઞાનની સમજણ પ્રમાણે વરાળ ઠંડી પડતા તેનું રૂપાંતર થાય ત્યારે ધુમ્મસ અને વાદળાનું નિર્માણ થાય છે. જોકે, આ બેઉ એકદમ અલગ છે, પણ કઈ રીતે? વાદળ અલગ અલગ ઊંચાઈએ આકાર લઇ શકે છે, સમુદ્ર સપાટીથી 12 માઈલ ઉપર હોઈ શકે છે અને સાવ જમીનને અડીને પણ એનું અસ્તિત્વ હોઈ શકે છે. ચોમાસામાં ઘાટ વિસ્તારમાં વાહન ચલાવીને જતી વખતે વાદળ સોંસરવા નીકળવાનો અનુભવ ક્યારેક આવતો હોય છે. ધુમ્મસ તો જમીન સરસું જ હોય છે. જમીન પરની હવા ઠંડી પડવાને પગલે વરાળનું રૂપાંતર જળબિંદુમાં થાય ત્યારે ધુમ્મસ ફેલાયું એમ કહેવાય છે. તાપમાન અને હવામાં રહેલો ભેજ આ બે બાબતો ધુમ્મસ આકાર લે એમાં મહત્વનો ભાગ ભજવે છે. આ બેનું પ્રમાણ ધુમ્મસના અચાનક આગમન અને ફટાફટ વિદાયનું કારણ બને છે. ધુમ્મસ માટે અંગ્રેજીમાં બીજો પણ એક શબ્દ છે, MIST. જોકે, આ બેઉમાં ટેક્નિકલ ફરક છે. FOG વધુ ગાઢ હોય છે MIST કરતા. યુકેમાં SMOG તરીકે પણ એની ઓળખ છે. ક્યારેક ધુમ્મસ HAZE પણ કહેવાય છે. હવામાં રહેલું પ્રદૂષણ HAZE માટે નિમિત્ત બને છે. જ્વાળામુખી ફાટવાને પગલે હવામાં થતા પ્રદૂષણને કારણે જે ધૂંધળું વાતાવરણ સર્જાય એ VOG તરીકે ઓળખાય છે. આમાં સલ્ફર ડાયોક્સાઈડ તેમ જ અન્ય વાયુઓની હાજરી નિમિત્ત બને છે.

गुजराती प्रयोग हिंदी में

ભારતના બંધારણમાં બાવીસ ભાષાને માન્યતા આપવામાં આવી છે. મજેદાર વાત એ છે કે કેટલીક લાગણી – ભાવના ભાષાભેદ વટાવી જીવનમાં સ્થિર થઈ ગઈ છે. પાણીમાં રહીને મગર સાથે વેર ન કરાય કહેવત હિન્દીમાં માત્ર શબ્દભેદ સાથે पानी में रेहकर मगरमच्छ से बैर नहीं रखते સ્વરૂપમાં નજરે પડે છે. ગુજરાતી પ્રયોગ હિન્દીમાં સફર આગળ વધારીએ આજે જીવના ઉદાહરણ સાથે. જાનથી મારી નાખવું (ક્યારેક વેરથી, ક્યારેક શત્રુતાથી તો ક્યારેક અન્ય કોઈ કારણસર) પ્રયોગ હિન્દીમાં काम तमाम करना સ્વરૂપમાં નજરે પડે છે. सीमा पर हमारे जवानों ने दुश्मन सैनिकों का काम तमाम कर दिया. સરહદ પર આપણા જવાનોએ દુશ્મન સૈનિકોના પ્રાણ હરી લીધા. જીવને શાંતિ થવી કે જીવને નિરાંત થવી માટે હિન્દીમાં कलेजा ठंडा होना પ્રયોગ છે. ગુજરાતીમાં પણ મનને ટાઢક થઈ કે કલેજાને ઠંડક થઈ કહેવાય જ છે ને. बदला लेने के बाद आदेश का कलेजा ठंडा हुआ. બદલો લીધા પછી આદેશના કલેજાને ટાઢક થઈ. કોઈ કારણસર કે પરિસ્થિતિને કારણે જીવવું ભારે પડી જાય કે જીવ માટે જોખમ પણ ઊભું થઈ શકે છે. હિન્દીમાં એને માટે जान के लाले पड़ना પ્રયોગ ઉપયોગમાં લેવાતો હોય છે. कोरोना महामारी में लोगों को जान के लाले पड़ गए थे। કોરોના મહામારીમાં લોકોના જીવ સામે જોખમ ઊભું થયું હતું.

विलक्षण भाषा

શબ્દાર્થમાં સામ્ય હોય પણ ભાવાર્થ વેગળા હોય એ દરેક ભાષામાં જોવા મળે છે. સ્થૂળ ભાવમાં સામ્ય ધરાવતા શબ્દો સૂક્ષ્મ ભાવમાં અલગ અર્થ ધારણ કરે છે એનો આનંદ લઈ આપણે ભાષા સમૃદ્ધિ વધારી રહ્યા છીએ. શબ્દ યુગમાંના ઉદાહરણથી આ વાત સુપેરે સમજાય છે. ढग – मेघ આ બંને શબ્દ સમાનાર્થી છે જેનો અર્થ વાદળ થાય છે. જોકે, એની અર્થચ્છાયામાં ફરક છે. जे वाऱ्याने ढकलले जातात ते ढग. પવનથી ધકેલાઈ પસાર થઈ આગળ નીકળી જાય એ ઢગ. आकाशात भरपूर ढग दिसत आहे. આકાશમાં ખૂબ વાદળા દેખાઈ રહ્યા છે. जे नक्की बरसतात ते मेघ. જેમાંથી વરસાદ વરસે એ મેઘ. બીજું શબ્દયુગ્મ છે रिकामा – मोकळा. રિકામા એટલે નવરો, કામકાજ વિનાનો. મોકળા એટલે ફાજલ. मोकळा वेळ એટલે ફાજલ સમય. निवांत – शांत બંને શબ્દનો રૂઢ અર્થ શાંત – શાંતિ થાય છે, પણ ભાવમાં ફરક છે. कष्ट केल्यानंतर मिळतो तो निवांतपणा. ખૂબ પરિશ્રમ કર્યા પછી જે મળે એ શાંતિ એટલે કે નિરાંતનો અનુભવ થાય છે. महेश कधी घाइ करत नाही. निवांतपणे आपला काम करत असतो. મહેશ ક્યારેય ઉતાવળ નથી કરતો. કાયમ નિરાંતે – શાંતિથી પોતાનું કામ કરતો હોય છે. काहीच न करता बसून मिळतो तो शांतपणा. કામ વિના બેઠા હોઈએ ત્યારે જે અનુભવ થાય એ શાંત – શાંતિ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ