ઉત્સવ

બ્રહ્માંડમાં તમામ ક્ષણો નિર્મિત થયેલી હોય છે

સુખનો પાસવર્ડ -આશુપટેલ

મારા એક પરિચિત ગર્ભશ્રીમંત હતા. તેમના દાદાના સમયથી તેમની આર્થિક સ્થિતિ ખૂબ જ સારી હતી. એને કારણે તેમનામાં થોડો અહંકાર જોવા મળતો હતો. તેમણે જીવનમાં કયારેય સંઘર્ષ કરવો પડ્યો નહોતો એટલે કોઈના સંઘર્ષ વિશે વાત સાંભળે ત્યારે તરત તેઓ કૂદી પડતા કે માણસને જીવન જીવતાં આવડવું જોઈએ. માણસ યોગ્ય આયોજન સાથે આગળ વધે તો તેને કોઈ તકલીફ ન પડે. મેં તેમને એક વખત બી.આર ચોપરાની ‘વક્ત’ ફિલ્મ જોવાની સલાહ આપી હતી. ત્યારે તેમણે કહ્યું હતું કે, ફિલ્મોની વાત જુદી છે. બાકી માણસમાં બુદ્ધિ હોય તો તે ગમે ત્યાંથી રસ્તો કાઢી શકે. મારા ભાગમાં જેટલી સંપત્તિ આવી હતી એનાથી પચાસ ગણી સંપત્તિ મેં ઊભી કરી દીધી.

તે પરિચિતને મેં કહ્યું હતું કે કોઈ ગ્રામ્ય વિસ્તારમાં ઝૂંપડામાં જન્મેલી વ્યક્તિ અથવા મુંબઈ જેવા શહેરમાં કોઈ ચાલીમાં જન્મેલી વ્યક્તિ ધારે તો પણ પોતાની ઇચ્છા પ્રમાણે જિંદગીનું આયોજન કરી નથી શકતી હોતી. તેણે સંઘર્ષ કરવો જ પડે છે. કોઈને સંઘર્ષ કરવાનું ગમતું નથી હોતું, પરંતુ બ્રહ્માંડમાં તમામ ક્ષણો નિર્મિત થયેલી હોય છે.

તે પરિચિતે મોટી ઉંમરે સંઘર્ષ જોવો પડ્યો. તેમનો દીકરો પણ તેમને કારણે અહંકારી બન્યો હતો. તેમના દીકરાએ શેરબજારમાં મોટું જોખમ ઉઠાવ્યું અને તેમણે અકલ્પ્ય આર્થિક ફટકો ખાવો પડ્યો. દીકરાના આંધળુકિયાને કારણે તેમની સ્થિતિ કફોડી થઈ ગઈ.

તેઓ એ સ્થિતિમાં મુકાયા એથી મને દુ:ખ થયું,, પરંતુ મને લેવ તોલ્સતોયની એક વાર્તા યાદ આવી ગઈ.

એક વાર મૃત્યુના દેવતાએ પોતાના એક દૂતને એક સ્ત્રીના શરીરમાંથી આત્મા લઈ આવવા માટે પૃથ્વી પર મોકલ્યો.

એક સ્ત્રી મૃત્યુ પામી હતી, તેના આત્માને લાવવાની હતી.

દેવદૂત પૃથ્વી પર આવ્યો, પણ ચિંતામાં પડી ગયો કેમ કે તે સ્ત્રીની ત્રણ નાની-નાની જોડિયા નવજાત છોકરીઓ પૈકી એક હજી પણ તે મૃત સ્ત્રીના શરીરના છાતીએ વળગેલી હતી, એક ચીસો પાડતા પાડતા માતાને બોલાવી રહી હતી અને એક રોતા રોતા સૂઈ ગઈ હતી. તેનાં આંસુ તેની આંખો પાસે સૂકાઈ ગયા હતાં. દેવદૂતને વિચાર આવ્યો કે આ ત્રણ નાની છોકરીઓની માતા અકાળે મૃત્યુ પામી છે. આ છોકરીની સંભાળ લેવાવાળું કોઈ જ નથી. કારણે કે તેનો પતિ તો પહેલાં જ મરી ચૂક્યો હતો અને તેના પરિવારમાં બીજું કોઈ નથી. આ ત્રણ છોકરીઓનું શું થશે? એવા વિચારથી તેનું હૃદય દ્રવી ઊઠ્યું. એટલે તે ખાલી હાથે પાછો ગયો. તેણે મૃત્યુના દેવતાને કહ્યું કે “હું તે સ્ત્રીના શરીરમાંથી આત્મા ન લાવી શક્યો. મને ક્ષમા કરો પણ તમને સ્થિતિની ખબર નથી. ત્રણ જોડિયા છોકરીઓ તેની આજુબાજુ છે, એકદમ નાની-નાની, દૂધપીતી. એક હજી પણ મૃત સ્ત્રીની છાતીએ વળગેલી છે, એક રડતા-રડતા સૂઈ ગઈ છે, ત્રીજી હજી પણ ચીસો પાડી રહી છે. તે છોકરીઓનું કોઈ છે પણ નહીં કે જે તેમની કાળજી લે. એટલે મારું મન ન માની શક્યું. શું તમે તે સ્ત્રીને થોડા સમયનું વધુ જીવન આપી ન શકો? બાળકીઓ થોડી મોટી થઈ જાય પછી તે વિદાય લે તો સારું.
મૃત્યુના દેવતાએ કહ્યું, “તું તો વધુ પડતો સમજદાર થઈ ગયો છે! જેમની મરજીથી મૃત્યુ થાય છે, જેમની મરજીથી જીવન મળે છે. એના કામમાં તેં દખલ કરી. તેં ભૂલ કરી છે અને તેની સજા તને મળશે. અને તારી સજા એ છે કે તારે પૃથ્વી પર જતા રહેવું પડશે અને જ્યારે તું ત્રણવાર તારી મૂર્ખતા પર હસી નહીં લે ત્યાં સુધી તું પાછો નહીં આવી શકે!
તેમની એ સજાથી દેવદૂતને દુ:ખ ન થયું તે દંડ ભોગવવા રાજી થઈ ગયો, પણ પછી તેને લાગ્યું કે સાચો તો હું છું તો મારે મારી જાત પર હસવાની સ્થિતિ ક્યાંથી ઊભી થશે?
મૃત્યુના દેવતા તેને જમીન પર મોકલી દીધો.

એ દરમિયાન ઠંડીના દિવસો નજીક આવી રહ્યા હતા એટલે એક મોચી થોડા રૂપિયા ભેગા કરીને પોતાના બાળકો માટે બ્લેન્કેટ અને સ્વેટર લેવા માટે શહેરમાં જતો હતો. જયારે તે શહેરમાં જઈ રહ્યો હતો ત્યારે તેણે રસ્તાની કિનારીએ એક કપડાં વગરના માણસને ઠંડીથી ઠુંઠવાઈ રહેલો જોયો. તે માણસ પેલો દેવદૂત હતો જેને પૃથ્વી પર ફેંકી દેવામાં આવ્યો હતો.
તે મોચીને દેવદૂતની દયા આવી ગઈ અને તેણે પોતાનાં બાળકો માટે બ્લેન્કેટ અને કપડાં ખરીદવાને બદલે તેનાં માટે બ્લેન્કેટ અને કપડાં ખરીદી લીધાં. તે માણસ એટલે કે દેવદૂત પાસે કશું ખાવા-પીવાનું પણ નહોતું, ઘર પણ નહોતું. મોચીને તેની દયા આવી ગઈ. તેણે દેવદૂતને કહ્યું કે તું મારી સાથે આવી જા. પણ તું મારી સાથે આવીશ એટલે મારી પત્ની ચોક્કસ નારાજ થશે. કારણ કે જે પૈસા બાળકોના કપડાં ખરીદવા માટે હતા તે મેં તારા પર ખર્ચી નાખ્યા છે. એટલે જો નારાજ થઈને બૂમો પાડશે, પણ તું પરેશાન ન થતો. થોડા દિવસોમાં બધુ ઠીક થઈ જશે.
મોચી તે દેવદૂતને લઈને ઘરે ગયો. દેવદૂત ઘરે આવ્યો છે એ મોચીને પણ ખબર નથી કે નથી તેની પત્નીને. મોચી દેવદૂતને લઈને ઘરે ગયો તો તેની પત્ની બહુ ગુસ્સે થઈ ગઈ. તેણે ન કહેવાના શબ્દો કહ્યા.

મોચીની પત્નીનાં કડવાં વેણ સાંભળીને દેવદૂત પહેલીવાર હસ્યો. મોચીએ તેને પૂછ્યું ‘કેમ હસે છે? શું વાત છે?’

દેવદૂતે કહ્યું, “હું જ્યારે ત્રણવાર હસી લઈશ ત્યારે કહીશ.

વાત થોડી લાંબી છે એટલે આવતા રવિવારે પૂરી કરીએ.(ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button