સ્પોર્ટ્સ ફીલ્ડ : ક્રિકેટમાં ઑલ ઇન્ડિયા રેડિયોનો શમી ગયેલો અવાજ ફરી ક્યારે ગુંજશે?
-યશવંત ચાડ
ધિસ ઇઝ ઑલ ઇન્ડિયા રેડિયો… ટેકિંગ યુ ઓવર ફૉર બૉલ બાય બૉલ રેડિયો કૉમેન્ટરી ઑફ ઇન્ડિયા વર્સસ ઑસ્ટ્રેલિયા ટેસ્ટ મૅચ સ્ટાર્ટિંગ ટુડે ફ્રૉમ બ્રેબૉર્ન સ્ટેડિયમ.
ઓવર ટુ બ્રેબૉર્ન સ્ટેડિયમ…વેરી ગુડ મૉર્નિંગ લિસ્ટનર્સ…ધિસ ઇઝ વિજય મર્ચન્ટ રિપોર્ટિંગ ફ્રૉમ બ્રેબૉર્ન સ્ટેડિયમ વિથ અ ન્યૂઝ ધૅટ કૅપ્ટન બૉબી સિમ્પસન ઑફ ઑસ્ટ્રેલિયા હૅઝ વૉન ધ ટૉસ ઍન્ડ ડિસાઇડેડ ટુ ટેક બૅટિંગ ફર્સ્ટ ઑન બૅટિંગ-બ્યૂટી ડ્રાય વિકેટ વિચ માઇટ ટેક ટર્ન ફ્રૉમ થર્ડ ડે ઑનવર્ડ્સ.
ઑસ્ટ્રેલિયાઝ કૅપ્ટન બૉબી સિમ્પસન ઍન્ડ ઇન્ડિયાઝ કૅપ્ટન નવાબ ઑફ પટૌડી…મન્સૂર અલી ખાન પટૌડી ઍન્ડ…યસ લિસ્ટનર્સ, આણંદજી ડોસા વિલ ઇન્ફૉર્મ અસ હાઉ મૅની ટાઇમ્સ બૉબી સિમ્પસન….ઍન્ડ બિફોર આય કમ્પ્લીટ માય ક્વેશ્ર્ચન…હિયર ઇઝ આણંદજી ડોસા વિથ ફીગર્સ-સ્ટૅટિસ્ટિક્સ ઑફ…
આ ઉદાહરણ આપ્યાં જેનાથી 1960, 1970, 1980 તથા 1990ના દાયકામાં ઑલ ઇન્ડિયા રેડિયો (હવે આકાશવાણી) પરની ક્રિકેટ મૅચની કૉમેન્ટરીનો લહાવો યુવાઓ કે વૃદ્ધો, શહેરમાં કે ગામડાંમાં, ઘરમાં કે ઑફિસમાં માણતા હતા અને હા… મુંબઈ જેવા વ્યસ્ત શહેરમાં પણ ક્રિકેટ રસિયાઓ ટ્રાન્ઝિસ્ટરથી પળપળની કૉમેન્ટરી સાંભળતા હતા. મુંબઈમાં તો રસ્તા પર પૅસેન્જરની રાહ જોઈને ઊભેલા ટેક્સીવાળાઓ પણ કૉમેન્ટરી સાંભળવાની તક નહોતા ચૂકતા.
મુંબઈની ગલી-ગલીઓમાં કૉમેન્ટરી સાંભળવા મળતી હતી. ચા-કૉફીની નાની સરખી દુકાનોમાં તો રીતસર કાળા બોર્ડ પર દરેક રન અને વિકેટ સહિતનો સ્કોર લખાતો એ તમારા આ યૉર્સ ફેઇથફુલીએ નજરે જોયો છે અને માણ્યો છે. વધુમાં જણાવવાનું કે ઈશ્ર્વરકૃપાએ ભારતીય ટીમ માટે તથા આકાશવાણી-ટેલિવિઝન બધાં માધ્યમોમાં સ્કોરર તરીકે જવાબદારી નિભાવવામાં જે સંતોષ થતો એ હાલમાં ફક્ત ટેલિવિઝનમાં મૅચ માણવામાં થતા આનંદ સાથે સરખાવી શકાય એમ નથી.
એક સમય એવો પણ હતો કે લોકો મૅચ ટીવી પર માણતા, પરંતુ કૉમેન્ટરી તો રેડિયોની જ સાંભળતા હતા. શહેરોની સાથે ગામડાંઓમાં (પુરુષો ઉપરાંત મહિલાઓમાં) પણ રેડિયો કૉમેન્ટરીનું ઘેલું હોવા પાછળનું કારણ એ હતું કે અંગ્રેજી ઉપરાંત હિન્દીમાં પણ સુંદર શૈલીમાં કૉમેન્ટરી રેડિયો પર સાંભળવા મળતી હતી.
આ પણ વાંચો :તસવીરની આરપાર : આજની કથાને જીવંત કરવા ‘શ્રીરામ કથા’માં ‘રામ વિવાહ’ સાચુકલા થતા શ્રોતામાં હર્ષોલ્લાસ
વાચક મિત્રો, ત્યારે તો સર્વશ્રી વિજય મર્ચન્ટ, અનંત સેતલવાડ, સુરેશ સરૈયા, સુશીલ દોશી, જશદેવ સિંહ, રવિ ચતુર્વેદી, ડૉ. નરોત્તમ પુરી જેવા ખ્યાતનામ કૉમેન્ટેટરોનાં નામ ભારતમાં જ મશહૂર હતાં એવું નથી. ટેસ્ટ મૅચ ચાલુ હોય ત્યારે એ ટેસ્ટમાં રમતા ખેલાડીઓ પણ વિજય મર્ચન્ટ કે અનંત સેતલવાડ શું કહે છે એ જાણવા ઉત્સુક રહેતા હતા.
ભારતીય ક્રિકેટને પ્રસિદ્ધિ અપાવવામાં અને ઘેર-ઘેર ભારતીય ક્રિકેટનું ઘેલું લગાડનાર કોઈ હોય તો એ છે ઑલ ઇન્ડિયા રેડિયો. હવે સવાલ એ છે કે ઑલ ઇન્ડિયા રેડિયો (આકાશવાણી)નો અવાજ ક્રિકેટ મૅચોમાંથી કેમ શમી ગયો છે?
આનો જવાબ બીસીસીઆઇ જ જણાવી શકે કે જો ભારતની ક્રિકેટ મૅચોની દૂરદર્શન પર ‘લહાણી’ થાય તો ઑલ ઇન્ડિયા રેડિયો (આકાશવાણી) પર હવે લાઇવ કૉમેન્ટરી શા માટે નથી આવતી? આકાશવાણી સાથે આવું ઓરમાયું વર્તન શા માટે? દાયકાઓ સુધી ક્રિકેટ મૅચોના ‘આંખે દેખ્યા અહેવાલ’થી ભારતને ક્રિકેટમય બનાવવામાં આકાશવાણીનો અદ્વિતીય પ્રયાસ-સાથ હતો જે રખે કોઈ ભૂલે.
આથી જ ભારતીય ક્રિકેટ બોર્ડ અને આકાશવાણીએ ભારતભરમાં ક્રિકેટની રેડિયો કૉમેન્ટરીનો અવાજ ફરી ગુંજતો કરવા કોઈ વચલો માર્ગ શોધવો રહ્યો, ખરુંને વાચકમિત્રો?
આણંદજીભાઈ ડોસાનું અમૂલ્ય યોગદાન કેમ ભુલાય?
વાચકમિત્રોનું ધ્યાન ખાસ દોરવાનું કે આશરે 1980ના દાયકાની મધ્ય સુધી કમ્પ્યુટર તો ઠીક, કૅલ્ક્યૂલેટરનો પણ વપરાશ નહોતો ત્યારે મહાન ક્રિકેટર વિજય મર્ચન્ટ તથા આણંદજી ડોસા ક્રિકેટના આંકડાઓની રસભરી માહિતી ઉપલબ્ધ કરવા માટે કલ્પી ન શકાય એવી મહેનત કરતા હતા.
ઝેરોક્સ કૉપીનો જમાનો પણ પછી આવ્યો એટલે કલ્પી શકાય છે કે વિશ્ર્વ ક્રિકેટના રોજબરોજના ફેરફાર તથા આંકડા જાળવવા અને એમાં દરેક મૅચ બાદ આંકડામાં જરૂરી ફેરફાર કરવામાં (અપડેટ કરવામાં) તેમને કેટલી બધી શારીરિક અને માનસિક મહેનત કરવી પડતી હશે.
ભારતીય ક્રિકેટના વિકાસમાં સચોટ આંકડાકીય માહિતી પૂરી પાડવાની બાબતમાં આણંદજીભાઈની પાયાભૂત ભૂમિકા રહી છે. એક સમય હતો જ્યારે તેઓ ક્રિકેટને લગતા આંકડાઓથી ભરપૂર ગ્રંથો પોતાની સાથે જ લઈને ફરતા. વિજય મર્ચન્ટ સાહેબ મૅચ દરમ્યાન જરૂર પડે ત્યારે તેમની પાસે આંકડાલક્ષી આવશ્યક માહિતી માગતા ત્યારે તેઓ ડેસ્ક પર પોતાની બૅગ મૂકતા અને એમાંથી સચોટ અને અમૂલ્ય માહિતીઓ મેળવીને તેમને પૂરી પાડતા.
આથી જ ખાસ કહેવાનું કે આણંદજીભાઈ કે જેમણે ભારતીય ક્રિકેટની ભરપૂર આંકડામય જાળવણી કરી તો તેમની યાદગીરી જાળવી રાખવા ભારતીય ક્રિકેટ બોર્ડે વિચારવું જ રહ્યું.