ઉત્સવ

અલીબાબા

મધુ રાયની વાર્તા – મધુ રાય

હરિભાઈ જ્યારે હરિદાદા થયા ત્યારની આ વાત છે, ઓકે? વાળમાં કલર કરવાનો, પાડોશીઓ ફાંદની મશ્કરી કરે ત્યારે હશવાનું, વાઇફને સુવાસ ચડે ત્યારે સ્કૂટરને બદલે રીક્સામાં તેને સિવિલમાં લઈ જવાનું, ડોક્ટર સાયેબ હરિદાદાના પેટ ઉપર ટાપલી મારીને ટોકે ત્યારે મનમાં ઓમનમોસિવાય ઓમનમોસિવાય બોલવાનું, ને બેંકમાં મેનેજર ઊભા થઈને ખુરશી બતાવે ત્યારે મનમાં ખાલી ખાલી ગાવાનું કે મારે તે આંગણે એક વાર આવજો!. આ બધી હરિદાદાની પ્રાઇવેટ ટ્રિકું હતી, ગઢપણ સામે કુસતી કરવાની.
પણ દાદા હોવાની સૌથી વધારે મજા આવતી ગ્રાનસન લોકો સાથે, ઓકે? કેનેડાથી કિડ્ઝ લોકો મળવા આવે ત્યારે પટ પટ ઇંગલીસમાં બોલે ને હરિદાદા યસ યસ કરે, ને કોકવાર ગુજરાતીમાં ટોક બેક કરે પણ હનરેડ પરસન ઇંગલીસ ફાવે નહીં. ઈ વાતનો વશવશો પહેલાં નોતો થયો પણ ગ્રાનકિડ્ઝ તો ગુજરાતીનો કક્કોય ના શમજે ત્યારથી હરિદાદાને ઓકવડ ઓકવડ લાગે. બિગિનિંગમાં તો યસ યસથી ચાલે પણ પછી બાબલો પૂછે કે ગ્રાનપા વ્હાય ઇઝ સ્કાય બ્લૂ? ને જવાબ ના સૂઝે ત્યારે હરિદાદા બાબલાને ઉપાડીને બકી ભરવા માંડે.

એલ્ડર ગ્રાનસન જરાક મોટો થયો ત્યારે કેનેડાથી ગાંધીનગર રહેવા મોકલી આપેલો તેના પેરેન્ટ્સોએ. જરાક આપણું કલચર સીખે, ઇન્ડિયાનો હિસ્ટ્રી સમજે, લાઇક ધેટ. એટલે હરિદાદાને ઘેર તો લાઇક ડેઇલી દિવાળી! સવારના પહોરમાં બાબો ઊઠીને હરિદાદાના વાંહામાં ઢીકા મારે ને ગુડમોરનીને બદલે બોલે વોટ્સપ! ને હરિદાદા સામો જવાબ આપે ફેશબુક! ઈ તો પછી પાડોસના કનુભાઈએ લેટરોન કોફી પીતાં પીતાં સમજાઇવું કે વોટસપ એટલે કેનેડી ભાસામાં કેમ છો! ને હરિદાદા ને કનુભાઈએ સામસામા ક્લેપ મારીને બિગ ટાઇમ લાફટર આપ્યું. બીજા દિવસે સવારે હરિદાદા અરલી મોરનીમાં વાટ જોતા હતા કે કયેં બાબો જાગે ને પોતે પૂછે, વોટસપ! પણ ઓલો કનુભાઈ ગધનો બાબાના કાનમાં કાંઈક મંતર મારી ગ્યો હસે કે ગોડનોઝ, પણ તે દિવસથી બાબો ઊઠીને દાદાને કહે જેસીકસ્ન.
હરિદાદાને બીજું ખાસ વિયસન નોતું, ખાલી સવારે વન કપ કોફી, ભેગા વઘારેલા ભાત કે ગરમ ભાખરી ને ગોળકેરી કે પૂરી ને રાઈવાળાં મરચાં એવો સ્લાઇટ બ્રેકફાસ્સ, પછી એક ગલાસ આઇસવાળું ઠંડુ પાણી. ને પછી તમાકુનો એક સોટ!

રોજ બાબો પૂછે કે વોટારયુ ઇટિંગ, ને હરિદાદા એને હાથમાં ભીંસીને બકિયું ભરે. આવું એક રૂટિન થઈ ગયેલું. નાઈધોઈને બાબો પોતાની મેળે બહાર નીકળીને બીજાં છોકરાંવ સાથે હડિયું કાઢે, ઝાડ હેઠે બેઠલી ગાયને રોટલી દઈને કહે જેસીકસ્ન, મોટર નીચે સૂતેલા ડોગીને વહાલ કરે. ને પાછો આવે ત્યારે દાદી એને રોજ ગંધારા કૂતરાને હાથ ન અડાડાય, દીકરા, કહીને પાછો નવડાવે. મેં તમને કીધું ને કે બાબો રહેવા આવેલો ત્યારથી હરિદાદાના ઘરમાં જાણે ડેઇલી દિવાળી. દાદી સાથે બેસીને બાબો ધારમિક સિરિયલું જોવે, પાડોસના ઉષાબેન પાસે ગુજરાતી કક્કો સીખે. બલોટિંગ પેપરની જેમ પટ પટ બાબો ચૂસી લે જિ ભણાવે ઇ બધું.

હરિદાદા ભેગો સેક્ટર સાતની મારકીટમાં સાક લેવા જાય ત્યારે ભારી મજા આવે. બેય જણા વાતું કરે ને કોઈને કંપલીટ તો કોઈની વાત નો સમજાય તોયે હાથમાં હાથ પકડીને બેય જણા હાથના હીંચકા લેય. બાબો પૂછે, વ્હોટ ઇઝ ધિસ?’ ને હરિદાદા ગૂંચવાઈ જાય. ધિસ કોલ વેજિટેબલ.’ બાબો જક કરે, વ્હોટ ઇઝ ધ નેઇમ?’ હરિદાદા કહે ધિસ નેમ કોલ કારેલાં.’ કે ભીન્ડા. કે વોટેવર. બાબો વાત ન મૂકે, ઇંગ્લિશ નેઇમ?’ અને હરિદાદાને કાંઈ ના સૂઝે એટલે બાબાને ઉપાડીને બકી ભરવા માંડે.

બાબો જાણી જોઈને દાદાને મૂંઝવે, જાણી જોઈને બકિયું ભરાવે. ઈ એક જાતની રમત થઈ ગયેલી.


પછી કેનેડાથી સને હરિદાદા ને દાદીના પેપર મૂક્યા, ને ટિકિટું મોકલીને કેનેડા બોલાયવા. બાબા સાથે દાદાદાદી પહોંચી ગયા કેનેડા. હરિદાદાએ માર્ક કર્યું કે ટોરન્ટો ને ગાંધીનગરમાં આમ કાંઈ ફરક નોતો, એચ્ચુલી, યુ ફોલો? ચારે કોર ગાંધીનગરમાં મોર ગુજરાતી હતા એમ ટોરન્ટોમાં ચારેકોર મોર પંઝાબી હતા. ધેટસોલ. જેસીકૃષ્ણને બદલે કહેવાનું સતસિરી અકાલ, કે પછી સલામાલેકુ. ઈ લોકો માંસ મટન ખાય પણ આપણે ક્યાં એને ઘરે ખાવા જવાના હતા! રાઇટ?

એક ડિફરન્સ હતો જોકે ગાંધીનગર ને ટોરન્ટોમાં. અહીંયાના લોકો નામી નામી ચીજું ગારબેજમાં નાખી દેતા. હરિભાઈ એકદિ ગારબેજમાંથી લેપટોપ લઈ આવેલા ને હરિભાઈનો સન બહુ ખિજાણોતો. હરિભાઈ કોક વાર થ્રિફ્ટ સ્ટોરમાંથી સેકનહેન કેમેરો કે રેઇનકોટ લઈ આવે તો દાદી ખિજાતા, “રોગા કંટાળા દિયો છો તમે, મારા સમ.

દિવસ તો પાસ થઈ જતો, બાબાને સ્કૂલે મૂકવા જાવાનું, ત્યાંથી લાઇબેરીમાંથી સિનેમાની સીડિયું લઈ આવવાનું, બધુ વોકિન ડિસટનમાં હતું એટલે લહેરથી હરિદાદા મેનેજ કરતા. એક તમાકુ ક્યાંય નો મળે ઈ મોટી કાણ હતી પણ કાંઈ નહીં, તમાકુ વગર કાંઈ મરી નથી જાવાના. સાચું કહું તો તમાકુથી વહેલા મરી જાવાના હતા તે હવે બે ચાર વરસ વધુ હાથમાં રહેશે ને બાબાને જુવાન થતો જોવાસે.

હરિદાદાના સનના એપારમેન બિલ્ડિંગની આજુબાજુની બધી દુકાનુંમાં વિઝિટ કરતા ને પંઝાબી, ગુજરાતી ને બંગલાદેસીઓ ભેરી ભાઈબંધી કરી લેતા. હશમુખો સુભાવ, તમને ખબર ને, એટલે પટ કરીને ફ્રેનસીપ થઈ જાય.

લાઇબ્રેરીની નજીક એક પોલીસ સ્ટેશન હતું. ત્યાં એક બંગલાદેસી પોલીસ કામ કરતા હતા. એની રાતની ડ્યૂટી હોય ત્યારે બાજુની કોફી સોપમાં બેસવા આવતા. નામ અલીબાબુ. હરિદાદાએ ઈ અલીબાબુની ભેગીયે ભાઈબંધી કરી લીધીતી. નાઈધોઈને હરિદાદા ઈ સોપ ઉપર પૂગી જાય, ‘અલીભાઈ, વોટસપ!’ ને અલીભાઈ સામે કહેતા ‘ફેશબુક!’ હરિદાદા મનમાં ને મનમાં હશતા કે આ અલીબાબાને હજી ખબર નથી પડી કે કેનેડી ભાસામાં વોટસપ’ મીન્સ કે કેમ છો!’ બેય જણ મૂગા મૂગા ટીવી જુએ, કોફી પીએ કે વોટેવર કરે. જસ્સ ટાઇમ પાસ થાય.

કોફીસોપમાં હરિદાદાને બીજા ઘણા બધા લોકોની ઓરખાણ થઈ ગયેલી. એમાં એક અબ્દુલ કાદર ખાન નામે હરિદાદાની એઇજના જ એક તોતિંગ માણસનો ભેટો થયેલો. એ રોજ ફાઇવફાઇવફાઇવ સિગારેટ લેવા આવે. અલીબાબુ ઢાકાની ગવરમેટ બદલી ત્યારે કેનેડા ભાગી આવેલા. અબ્દુલ કાદર ખાન પાકિસ્તાનની મિલિટરીમાં હતા, ને ૧૯૮૪ પછી એ ઓલ્સો કેનેડા મૂવ થઈ ગયેલા. હવે રિટાયર હતા, પણ અલીબાબુ ને અબ્દુલ કાદર બેય જણા મિટિલરીની વાતું કરતા. હરિદાદાને થાતું કે ફાઇવફાઇવફાઇવનું તો એક બહાનું છે અલીભાઈને અબ્દુલ કાદર વગર નો ગમે ને ઓલાને અલીભાઈનું મોઢું એક વાર જોયા વગર કોળિયો નો ઊતરે. ને ફેન્કલી હરિદાદાનેય ઇ બેય જણાની તોપું ને બટાલિયન ને એવી બધી વાતું સાંભરે નહીં ત્યાં સુધી, યુ નોવ, કોફી ઊગે? નહીં!

એક દિવસ અબ્દુલ કાદર. કહે કે આજે સાંજે તમે લોકો તમારી વાઇફલોકો સાથે મારા ઘરે જમવા આવો. નહીં, નહીં. કોઈ બહાનું નહીં જોઈએ. ધેટ’ઝ એન ઓર્ડર!’


અલીબાબુ ને હરિદાદા તો ગયા ડિનર માટે. અલીબાબુનાં મિશિસ દેસમાં હતાં ને હરિદાદાનાં મિશિસ કહે કે હું તો માંસ મટન ખાય એના ઘરનો ઉંમરોયે ના ચડું. અબ્દુલ કાદરે ડિનર પહેલાં દારૂ ઓફર કર્યો તેની મહેમાનોએ ના પાડી. ખાન સાહેબે હેવાલ આપ્યો. કહે કે એમણે નવું ઘર લીધું છે તે બતાવવા તમને લોકોને બોલાવેલ છે, એચ્ચુલી. ઘરમાં પણ અબ્દુલ કાદરનો રોફ વરતાતો હતો. મોટો મારા ડાડા જેવડો લિવિંગ રૂમ, તેમાં સિનેમામાં હોય એવા દાદરા, ઉપરના માળે પાંચ બેડરૂમ, ચકચકતું મોડન કિચન, લોન્ડ્રી રૂમ, ઓફિસ, ગેરાજ, બેઝમેન્ટ, સર્વન્ટ રૂમ, ઇવન ગન રૂમ’ જેમાં અબ્દુલ કાદરનું ગન કલેક્શન હતું. બધું ખોલી ખોલીને અબ્દુલ કાદરે વિગતે વર્ણન કરતાં કરતાં સઘળું બતાવેલું. ફક્ત એક બેડરૂમ બહારથી બતાવી દીધેલો, કહે કે મારા સનનો રૂમ છે, એ ખોલીશ તો હી વિલ બી મેડ.’ અલીબાબુને થયેલું કે આવા મિલિટરી માણસને પોતાના ટીનએજર સનની બીક લાગે છે? જમતાં જમતાં અલીબાબુએ પણ જણાવેલું કે બંગલાદેશમાં એમને પણ ગનની સોપ હતી. ઘરે પાછા આવતાં અલીબાબુએ હરિદાદાને જણાવેલું કે મુક્તિસંગ્રામ વખતે પાકિસ્તાનના સોલ્જરોએ આંધળો અત્યાચાર કરેલો ને બેફામ ખૂનખરાબી ને લૂંટફાટ કરેલી. હરિદાદાએ પૂછેલું કે તો પછી તમને અબ્દુલ કાદર ઉપર કિન્નો થતો નથી? અલીબાબુ કહે કે ના રે ગાંડાભાઈ, એ તો વોર હતી, વોરમાં થાય એવું. હવે એનો કિન્નો લઈને જીવવું લાઇફ વેઇસ્ટ કરવાનો મીનિંગ નથી.

પછી અબ્દુલ કાદર પણ અલીબાબુની સોપ ઉપર આવતો થયેલો. નોટ ડેઇલી, પણ અવાર નવાર. કેમકે તેનું નવું હાઉસ’ બહુ રિચ એરિયામાં દસ માઇલ દૂર હતું. એક વાર સોપમાં ઈ ત્રણે જણાયે હતા સડનલી બાબો આવી ચડ્યો. દાદા, જમવા ચાલો.’ તેને જોઈને અલીબાબુએ તેના પેટમાં ગલી કીધી ને અબ્દુલ કાદરે હાય કીધું,.

ઘરમાં આવીને બાબાએ પૂછ્યું, ત્રીજો અંકલ કોણ હતો? હરિદાદાએ કહ્યું, પાકિસ્તાનનો મિલિટરી મેન હતો. બાબાએ પૂછ્યું, હિન્દુસ્તાન ને પાકિસ્તાન ને બંગલાદેશ પહેલાં તો એક દેશમાં જ હતા ને? યસ બેટા. તો પછી છૂટા કેમ થયા? હરિદાદાને જવાબ ન સૂઝ્યો એટલે બાબાને ઉપાડીને બકી ભરવા માંડ્યા.


એક સાંઝના બધા ટીવી જોતા હતા ને અચાનક ન્યૂઝમાં અબ્દુલ કાદરનો ફેશ દેખાયો. પોતાની ૧૩ વરસની દીકરીનું ખૂન કરવા બદલ પોલીસ તેને પકડીને લઈ જતી હતી. બસ, સંપાદક સાહેબ, અહીંયા વાત ખચકા ખાય છે. વાર્તામાં એવું બતાવવું છે કે અલી કાદરની દીકરી બીજી સ્ટૂડન્સોની માફક તેની સ્કૂલનો ટૂંકો યુનિફોર્મ પહેરવાની હઠ કરતી હતી ને મોઢું ઢાંકવાની ના પાડતી હતી. વધુ પ્રસંગો ને ડાયલોગો ને એવું બધું ભભરાવીને અંતે બતાવવાનું છે કે ઇન્વેસ્ટિગેશનમાં બહાર આવે છે કે એચ્ચુલી ખૂન કરેલું અબ્દુલ કાદરના દીકરાએ કેમકે તેને પોતાની બહેન હિજાબ પહેરવાની ના પાડે ને ઊંચાં ફરાક પહેરાવાની જીદ કરે છે તે તેના મુસ્લિમ ઘરાનાની ઇજજતનો સવાલ છે. તેણે અબ્દુલ કાદરના ગન કલેક્શનમાંથી એક પિસ્તોલ કાઢીને બહેનને ઠાર કરેલી. પોતાના દીકરાને બદલે અબ્દુલ કાદરે પોતાના ઉપર તે તહોમત પોતાના માથે વહોરી લીધેલું. અલબત્ત આજથી વીસ વરસ પહેલાં આ અફસાનો લખવાનો હોત તો તમારો સેવક આ રીતે સીધી લીટીમાં વાર્તા કહી દેવાને બદલે લિજ્ લિજ્જતથી ચટપટી સ્ટોરી બનાવી શક્યો હોત. વાર્તાને વધુ એક ચોટ લાવવા એવું પણ સૂચિત કરી શકાયું હોય કે પાકિસ્તાનની મિલિટરીએ જ્યારે બંગલાદેશ ઉપર ચડાઈ કરેલી ત્યારે અલીબાબુની સોપને સોલ્જરો લૂંટી ગયેલા. અલીબાબુને દહેશત છે કે કદાચ તેમાંની એક પિસ્તોલ અબ્દુલ કાદરના કલેક્શનમાં આવેલી હોય અને તે જ પિસ્તોલથી અબ્દુલ કાદરના ટીનએજર સપૂતે પોતાની ટીનએજર સિસ્ટરનું મરડર કરેલું હોય તો. તે વાતની શંકાથી અલીબાબુને અમુક જાતનું ગિલ્ટ ફીલ થતું હતું.
પણ હવે જાણે થાય છે કે લખવાનું બધું લખાઈ ચૂક્યું છે, બધા પ્લોટ ને મેલોડ્રામા ને સસ્પેન્સ ને કેરેક્ટરાઇઝેશન ને ક્રાફ્ટ ને ચબરાકીનો વિનિયોગ’ થઈ ગયો છે. ઘણા સમયથી જાણે ફિક્શન લખતાં લખતાં રીયલ લાઇફ ઇન્વેઇડ કરે છે ને ફિક્શનનો પ્લેસેન્ટિયા વીંધીને કથા રીયલ લાઇફ-ઇશ બનવા, ઇવોલ્વ થવાનો ઉદ્યમ કરે છે. સંપાદક સાહેબ અને વહાલા વાચકો એમ પૂછે કે ઓકે, ઓકે, વી ડોન્ટ કેઅર તમે વાર્તાનું બિલાડું ક્યાંથી કાઢો છો, સ્ટોરી-સ્ટોરી તો હોવી જોઈએ ને? તે ક્યાં છે અહીંયાં?
જવાબમાં હરિદાદા તમને પાસે ખેંચીને બકિયું ભરવા માંડે છે.
સમાપ્ત

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?