આકાશ મારી પાંખમાં : એ બર્નિંગ પ્રોબ્લેમ

-કલ્પના દવે
નિવૃત્ત બેંક મેનેજર શોભા રેડ્ડીએ આજે તેના ગ્રૂપની કીટી પાર્ટી રાખી હતી. એના ઘરની ડેકમાં વિવિધ ચટાકેદાર વાનગીઓની સોડમ પ્રસરી રહી હતી. સોફામાં , ખુરશી પર કે જાજમ પર બધા ગોઠવાઈ ગયા હતા. મીઠી મજાક-મસ્તીથી આનંદ માણતી માનુનીઓ નિવૃત્તિનો આનંદ માણી રહી હતી.
ત્યાં જ શોભાએ પૂછ્યું- વિભૂતિ હજુ સુધી કેમ નથી આવી?
આ બદલાપુરની શાળામાં જે ઘટના થઈને તે જ કલાસમાં વિભૂતિની દીકરી આશા પણ ભણે છે. આશા ખૂબ ગભરાઈ ગઈ છે. સ્કૂલમાં જવાની જ ના પાડે છે. જયાં જાય ત્યાં મમ્મી સાથે જ જાય. કદાચ આજે વિભૂતિ નહીં આવે. મનીષાએ કહ્યું.
ત્યાં જ વિભૂતિ આવી અને કહ્યું- હું માંડ માંડ આવી શકી છું. મારા ભાભીના ઘરે આશાને મૂકી છે. હવે તો હું મારી દીકરીને કશે પણ મોકલતાં ગભરાઉં છું. કલાસમાં અને શાળામાં પણ હજુ ભયાવહ વાતાવરણ છે.
શોભાએ આદ્રભાવે કહ્યું- ખરેખર, પાંચ-છ વર્ષની એ બે કુમળી બાળકી કોઈ નરાધમનો ભોગ બની એ જાણીને હૈયું કાંપી ઊઠે છે. શાળામાં રાખેલા સી.સી કેમેરાને પરિણામે અને ત્વરિત પોલીસ કાર્યવાહીમાં એ શખ્સ ઝડપાઈ ગયો. જે કંઈ ગંભીર ઘટના બની એની કાર્યવાહી ચાલે છે. એ ગુનેગાર પણ એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે.આ ઘટનાની સૌથી માઠી અસર એ દીકરીઓ પર,તેના કુટુંબીજનો પર પડી છે. શાળામાં વિદ્યાર્થીઓ પર ઘેરી અસર થઈ છે. નાનાં ભૂલકાંઓ તો એવાં હેબતાઈ ગયાં છે શાળામાં જતાં પણ ડરે છે.
તો એક જાગૃત માતા-પિતા તરીકે આપણે હવે એક સામાજિક જાગૃતિની જયોત જગાવવાની છે ને? શું આપણે ડરીને ઘરમાં પુરાઈ જઈશું- આપણાં બાળકોને ભીરું બનાવીશું કે કાનૂની જંગમાં સમય વેડફીશું? ના, મારી દ્રષ્ટિએ આપણાં બાળકોને આવાં દૂષણોથી દૂર રહેવાનો માર્ગ બતાવીશું, તેમને નૈતિકબળ આપીશું. શોભાએ કહ્યું.
આવું નરાધમ કૃત્ય-નારીનું જાતીય શોષણ અને તેમાંય આવી ફૂલ જેવી ક્ધયા પીડાય એ કાળજું કંપાવી દે તેવી ઘટના છે. હવે આપણે જાગૃત રહેવું જ પડે. સોશિયોલોજીના લેકચરર અને નારીસંઘટનાના કાર્યકર મધુરીએ કહ્યું.
જયારે આવી ઘટના કોઈ સ્ત્રી સાથે બને ત્યારે શારીરિક પીડા સાથે માનસિક ભય પણ અસહ્ય હોય છે. વળી સામાજિક નામોશી પણ ઝેલવી પડે છે. આ વખતે પીડિતાને અને તેના માતા-પિતાને મોરલ સપોર્ટ આપવો જોઈએ. માનસિક હતાશામાં હિંમત આપવા પરામર્શ કરી શકાય. સાયકોલોજિક્લિનિક ક્ષેત્રે કામ કરતી મનીષા શાહે કહ્યું.
એકદમ સાચી વાત મનીષા. હવે મને લાગે છે કે આપણે હોમફ્રન્ટ પર પણ આની વાત કરીએ. આપણાં સંતાનોનો ઉછેર કેવી રીતે કરવો જેથી તેઓ વધુ સક્ષમ બને, આવી કોઈ ઘટના બને ત્યારે તમારા ઘરમાં પાંચથી ૧૦ વર્ષની દીકરી હોય તો એને સમજાવો કે કેટલાક અજાણ્યા કે બેડબોય દેખાતા હોય તેની સાથે વાત કરવી નહીં, ચોકલેટ કે અન્ય કંઈ પણ વસ્તુ આપે તો લેવી નહીં. શાળા કે કોલેજ છૂટી જાય ત્યારે એકલા રોકાવવું નહીં, પણ ગ્રૂપમાં જ રહેવું. દીકરીને શીખવાડો ગુડટચ કોને કહેવાય. આપણાં મા-બાપ, ભાઈ કે બહેન વહાલ કરે તે ગુડટચ કહેવાય. તો, બેડટચ કોને કહેવાય. જો કોઈ તમને શરીરના ગુપ્ત ભાગમાં સ્પર્શ કરે તો બેડટચ કહેવાય, એવી વ્યક્તિથી દૂર રહેવું. શોભાએ કહ્યું.
મને લાગે છે કે દીકરી ટીનએજમાં આવે ત્યારે તેને શારીરિક રચના વિષે યોગ્ય સમજ આપવી જોઈએ, વિજાતીય મૈત્રીમાં ક્યારેક શારીરિક ઉત્પીડન થઈ શકે છે માટે મસ્તીમજાકમાં સાવચેત રહેવાનું સમજાવવું જોઈએ. આ કામ મમ્મી કે મોટી બેન કરી શકે. પાયામાં રહેલા લિંગભેદ હોવા છતાં સૌજન્યપૂર્ણ વ્યવહાર કરવું જોઈએ. આ શીખ આપવી જોઈએ. મધુરીએ કહ્યું.
પણ, મને એ જ સમજાતું નથી કે ટીનએજ કે યુવાનો આવું અધમ કામ કેવી રીતે કરી શકે, એમના ઘરમાં બહેન કે દીકરીઓ નથી. સ્ત્રી કે દીકરીઓ માટે ઈજજત કેમ ન હોય, દીકરીઓ આવા લોકોની ચુંગાલમાં કેવી રીતે ફસાઈ જાય છે? સામાજિક માહોલ જ ખરાબ છે. ટી.વી શોપમાં કામ કરતી પ્રતિભાએ પૂછ્યું.
મધુરીએ તરત કહ્યું-જુઓ, આમાં કેટલાક મા-બાપનો પણ વાંક હું જોઉં છું. ઘરમાં દીકરી અને દીકરાનો ઉછેર કેવી રીતે થયો છે તે પણ મહત્ત્વનું છે. દીકરીને સુરક્ષા માટે સમજણ આપવાને બદલે તેને કડક સૂચનાઓ અને ધાકધમકી આપે છે. અનેક પ્રકારના કડક બંધનો મૂકે છે, પરિણામે તેનો સ્વભાવ જ ભીરુ બની જાય છે. પરિણામે કોઈ પણ તેને સહેલાઈથી શિકાર બનાવી શકે છે. વળી ઘણીવાર એ જે કાંઈ કહે એના માતા-પિતા કે ભાઈ વિશ્ર્વાસ કરતા નથી. ઘણી વાર સાચું કહે તો પણ વિશ્ર્વાસ રાખતાં નથી, એટલે દીકરી વધુ મૂંઝાય છે.
મધુરી તારી વાત સાથે હું સહમત છું કે ઘરમાં સંતાનોને મુક્ત વાતાવરણ અને માતાપિતાની પ્રેમાળ-હૂંફાળી ઓથ મળવી જોઈએ. મને લાગે છે કે ટીનએજ દીકરીઓ શાળા છૂટયા પછી એકલા નહીં પણ સમૂહમાં રહેવું જોઈએ. વળી ચકોર દ્રષ્ટિ રાખી સાવચેત રહેવું જોઈએ. કોઈ સમસ્યા જણાય તો ગભરાયા વિના આસપાસ કોની મદદ મળે શકે તે મદદ પણ લઈ શકાય. જો મોબાઈલ હોય તો સેફટએપમાં મદદ માગવી. શોભાએ કહ્યું.
મને લાગે છે કે કિશોરો અને યુવાનોને પણ યોગ્ય કેળવણી આપવી જોઈએ એમ કહેતા મનીષાએ કહ્યું- આપણે શાળાસંચાલકોને પણ વધુ સુરક્ષાના પગલાં લેવા કહેવું જોઈએ. ટીનએજ દીકરાઓને સમજાવી શકાય કે વિજાતીય આકર્ષણ સ્વાભાવિક છે પણ છોકરીઓ તરફ માનની નજરે જોવું જોઈએ. હલકું વર્તન ન કરાય. ગમે તેવી ખરાબ ચેષ્ટા આપણાથી ન જ કરાય. લિંગભેદ ન રાખીને મૈત્રીભાવ રાખવો. જરૂર પડે મદદ કરવી, પણ અયોગ્ય વર્તન કે કોઈ ખરાબ કોમેન્ટસ ન જ કરાય. આમ સાચી સમજ આપવી જરૂરી છે. ગુનેગારને સજા આપવાનું કામ કાનૂની છે પણ,મા-બાપ તરીકે આટલું તો થઈ શકે.
કિશોરોમાં તથા ઉગતા યુવાનો પર્સનલ મોબાઈલનો દુરુપયોગ કરે છે. મોડી રાતે કે એકલા હોય ત્યારે ચોરીછૂપીથી એડલ્ટ મૂવી કે પોર્ન ફિલ્મો જુએ છે. આવે વખતે સખતાઈ કરવા કરતાં તેમને શારીરિક રચનાની થોડી સમજ આપી યોગ્ય દિશા બતાવવી જોઈએ. પ્રતિભાએ કહ્યું.
હું તો કહું છું આવી સાઈટ પર જ સરકારે પ્રતિબંધ મૂકવો જોઈએ. વિભૂતિએ કહ્યું.
જો કે કલકત્તામાં જુનિયર ડોકટર પર પહેલાં રેપ અને પછી હત્યાના પ્રકરણથી અને લોકોના સામૂહિક આક્રોશથી ન્યાયતંત્ર સાબદું થયું છે, પણ માતા-પિતાએ પણ સજાગ થવું જ પડશે. મનીષાએ કહ્યું.
મારા કોલેજના અધ્યાપનને આધારે કહું છું કે શાળામાં ટીનએજ દીકરીઓને અને કોલેજિયન યુવતીઓને સ્વસંરક્ષણની વિશેષ તાલીમ આપવી જોઈએ. શાળામાં સ્કાઉટ-ગર્લગાઈડમાં અને કોલેજમાં એન.સી.સીમાં સેલ્ફ ડિફેન્સની તાલીમ મળે છે. અમારી કોલેજમાં ફેમિલી કાઉન્સિલિંગમાં વિદ્યાર્થીઓને સમસ્યા નિવારણનું માર્ગદર્શન આપવામાં આવે છે. મધુરીએ કહ્યું. વિમેન્સ ડેવલોપમેન્ટ સેલમાં પણ વિદ્યાર્થિનીઓને ગાઇડંસ મળે છે. શૈક્ષણિક સંસ્થાઓએ પણ આ અંગે કેળવણી આપવી જોઈએ. મનીષાએ ભારપૂર્વક જણાવ્યું.
શોભા, સ્પેશિયલ થેંકસ. આજની કીટી પાર્ટીમાં તો આ સામાજિક બર્નિંગ પ્રોબલેમમાં માતા-પિતા તરીકે આપણે શું કરી શકીએ એ વિશે આયઓપનર ચર્ચા થઈ. મનભાવન વાનગીઓ સાથે માઈંડ પણ જાગૃત થઈ ગયું, મધુરીએ કહ્યુ.