ઉત્સવ

ઑફિસે પહોંચવા વિમાન મુસાફરી

વિશેષ -મનીષા પી. શાહ

મુંબઈમાં ઓટલો મળે, તો રોટલાની માથાકૂટ સામે આવે. મહાનગરીમાં નાનું તો નાનું પોતાનું ઘર હોય એટલે ગંગા નાહ્યા. એમાંય નોકરી મળી જાય તો ભવસાગર તરી ગયાનો મહાઆનંદ થાય. અલબત્ત ઘરથી ઑફિસે અને પાછા ઑફિસેથી ઘરે આવવા જવામાં કૂટાવું, પીસાવું પડે અને કચડાવું પડે એની ફરિયાદ ન કરાય. કોને કરી શકાય? ઑફિસ અવર્સની ભીડમાં લોકલ ટ્રેનની મુસાફરી માત્ર મુંબઈગરા કરી શકે. બહારગામવાળા તો જોઈને જ સ્તબ્ધ થઈ જાય. એમાંય ઘણાં તો બસમાં બેસીને રેલવે સ્ટેશન જાય. ઑફિસના સ્ટેશને પહોંચીને પાછી બસથી કે શૅર-એ-ટેક્સીની લાંબીલચક લાઈન અને હકડેઠઠ ભીડ. અમુક બહાદુરો તો પાછા ટ્રેન બદલીને ઑફિસે પહોંચી જાય.

લાગે છે કે ભવિષ્યમાં નિવાસસ્થાન અને નોકરીના સ્થળને શકય એટલા નજીક રાખવા વિશે ટાઉન પ્લાનર્સે ચોક્કસ વિચારવું પડશે. ત્યાં સુધી આ યાતનામાંથી કોઈ છુટકારો ટૂંક સમયમાં તો દેખાતો નથી.

આવું માત્ર મુંબઈમાં નથી હો. સૌને દૂરના ડુંગરા રળિયામણા લાગે. આપણે છાશવારે અમેરિકા, બ્રિટન, જાપાન અને ફ્રાંસની ટ્રાફિક સિસ્ટમ કેટલી સારી છે એની પ્રશંસા સાંભળીને ઈર્ષાથી સળગી જતા હોઈએ છીએ, પરંતુ સાચેસાચ એવું છે ખરું?

હમણાં બે કિસ્સા બહાર આવ્યા એ એકદમ વિરોધાભાસી ચિત્તાર આપે છે. તાજેતરમાં વૉલ સ્ટ્રીટના એક પત્રકારને ‘સુપર કૉમ્પ્યુટર’નું બિરૂદ મળ્યું છે. આ ભાઈનું નામ છે ચિપ કટર (ઈવશા ઈીિિંંયિ). આ ન્યૂઝમેકર હાલ પોતે ન્યૂઝમાં આવી ગયા છે. કારણ? કારણ એજ કે તેઓ રહે છે કોલંબસથી ફલાઈટમાં પ્રવાસ કરીને ન્યૂ યોર્ક ઑફિસે પહોંચે છે.

મેટ્રો, ટ્રેન, ટેક્સી કે બસમાં ઘરેથી ઑફિસે જનારા લાખો – કરોડો હશે પણ વિમાન પ્રવાસ કરીને ઑફિસે જવાનું? શું એટલો માલદાર છે આ ભાઈ કે એટલો તોતિંગ પગાર છે એમનો? ના, ના. ઊલટાનું તેઓ કરકસર કરવા માટે વિમાનનો પ્રવાસ કરે છે.

આમ શા માટે કરવું પડે છે એ સમજીએ. કોવિડ-૧૯ની આફત સમયે વર્ક ફ્રોમ હોમની વ્યવસ્થા હતી એટલે વાંધો ન આવ્યો. કોરોના વાયરસની પકડમાંથી વિશ્ર્વ છૂટયા બાદ ફરી ઑફિસ જવાનો વારો આવ્યો. ક્યાંય પરવડે એવા ભાડામાં ફલેટ મળે જ નહિ. ચીપ કટરે જોયું કે ન્યૂ યોર્કમાં સ્ટુડિયો અપાર્ટમેન્ટ ભાડે લે તો ઓછામાં ઓછું ૩૨૦૦ ડૉલર એટલે કે અંદાજે રૂ. ૨.૬૫ લાખ ચુકવવાના આવે. ઉપરાંત ખાવા-પીવાનો ખર્ચ અલગ. શરૂઆતમાં મેનહટનની સારી હૉટેલમાં રોકાયા પણ ગજવાને એ ખર્ચનો ભાર પરવડતો નહતો.

એટલે ચીપ કટરે નવો રસ્તો શોધી કાઢયો. તે કોલંબસના ઑહિયો-ન્યૂ યોર્ક સિટી વિમાનમાં આવવા-જવા માંડ્યા. આ માટે તે શહેરો વચ્ચેનું ૯૦૦ કિ.મી.નું અંતર કાપવા વિમાનનો ઉપયોગ કરે છે. આના માટે સવારે સવા ચાર વાગ્યાનું એલાર્મ મૂકીને દોડાદોડી શરૂ કરવી પડે. તો જ એ છ વાગ્યાનું વિમાન પકડી શકે. ક્યારેક થોડું મોડું થાય તો તરત ઓનલાઈન એક ફલાઈટ રદ કરીને બીજીનું બુકિંગ કરાવી લે.

આ વ્યવસ્થાથી એના જીવનમાં ઘણાં ફેરફાર આવી ગયા છે. એ ઑફિસમાં પોતાના શૂઝ અને એક કોટ મૂકી રાખે છે. શક્ય એટલાં સામાન સાથે મુસાફરી કરે છે.

ચીપ કટર અઠવાડિયામાં એકવાર કોલંબસથી ન્યૂ યોર્ક સિટી પહોંચી જાય છે અને ત્રણ દિવસ ઑફિસમાં ધામા નાખીને રહે છે. આને લીધે તેણે પોતાની ખાધાખોરાકીની શૈલી બદલી નાખવી પડી છે. ડિનરમાં મોટેભાગે ફળ અને દહીં જ લે. આને લીધે દોસ્તો તેની દોડધામવાળી જીવનશૈલીની મજાક ઉડાડે છે. પણ ચીપ જાણે છે કે પરિવારની ગેરહાજરી તેને કેટલી બધે અકળાવે છે. લગભગ એકાદ વર્ષથી તે આ રીતે ફલાઈંગ અપ-ડાઉન કરે છે.

અમેરિકામાં ચીપ કટર જેવી વધુ એક વ્યક્તિ હોવાનું બહાર આવ્યું છે. સોફિયા સોલોની નામની યુવતી ન્યૂ યોર્કમાં ઈન્ટર્નશીપ કરવા માટે સાઉથ કેરોલિનાના ઘરેથી વિમાનમાં જતી હતી. ન્યૂ યોર્ક ભાડાનું ઘર રાખવા કે હૉટેલમાં રહેવા કરતાં વિમાન ભાડું સસ્તું હતું. સદ્ભાગ્યે સોફિયાને અઠવાડિયામાં એક જ વાર વિમાનમાંઊડવું પડતું હતું.

બોલો, આ બેઉની સરખામણીમાં તમારા પોતાની સ્થિતિ કેવી લાગે છે?

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ