ઉત્સવ

આહીરાણીઓ ધારિયા-ભાલાસાથે અમારી રક્ષા કરતી

મહેશ્ર્વરી

ભવાઈની ભજવણીમાં વેશનું વિશિષ્ટ મહત્ત્વ હોય છે. જુદા જુદા વેશમાં વેશધારી અલગ વાર્તા કહી જાય. ગયા હપ્તામાં મેં
પણ એક વેશ ભજવી ‘મુંબઈ સમાચાર’ના વાચકો સમક્ષ ભવાઈની રોચક જાણકારી
પેશ કરી. રંગભૂમિ હોય કે સિનેમા,
દરેક કલાકારે જુદાં જુદાં પાત્ર ભજવી
અંતે તો પ્રેક્ષકોને મનોરંજન જ પૂરું
પાડવાનું હોય છે. હવે આપણે રાવળગાંવથી વાતનું અનુસંધાન આગળ વધારીએ.

રાવળગાંવમાં અમને એક ધરમશાળામાં ઉતારો આપવામાં આવ્યો. ગુજરાતના વિવિધ ગામ – નગરમાં ફરતી વખતે અનેક વાર ધરમશાળામાં ઉતારો કરી રહેવાનું બન્યું હતું. દેશ – વિદેશમાં વિવિધ જગ્યાઓ પર અને હોટેલોમાં રહી છું પણ ધરમશાળાનો આનંદ અનેરો રહ્યો છે. આપણી સંસ્કૃતિમાં ધરમશાળા વિશેષ મહત્ત્વ ધરાવે છે. આપણા દેશમાં ધરમશાળા બંધાવવી ધર્મકાર્ય ગણાય છે. સમાજ પ્રત્યેના કર્તવ્યની ભાવના એમાં વ્યક્ત થાય છે અને સમાજમાં એકતા નિર્માણ કરે છે.

ગામમાં અમે નાટકોની ભજવણી શરૂ કરી. અહીં આહીર અને ચારણ લોકોની વસ્તી વિશેષ હતી. એમાં એક ઉમરશી નામના ભાઈ ગામના મુખી હતા એ એક દિવસ અમારી કંપનીમાં આવ્યા અને કહેવા લાગ્યા કે
‘તમે બધા નાટકના કલાકાર છો અને ગામવાસીઓ રોજ તમારા ભજવેલાં નાટકો જોવા આવતા હોય છે. તો તમે એક કામ કરો ને કે અમારા રાવળગાંવ ગામનો
ઈતિહાસ છે એના પર નાટક કરશો તો
લોકોને બહુ આનંદ થશે.’ અમે એ ઈતિહાસ વિશે જાણવાનો આગ્રહ રાખ્યો ત્યારે
મુખીએ ‘ખેમરો લોડણ’ની વાત અમને કરી. ગામમાં ખેમરો અને લોડણના પાળિયા પણ હતા. પ્રેમકથાઓમાં આગવી છાપ પાડતી ખેમરો લોડણની લોકકથા પરથી અમે નાટક ભજવ્યું અને લોકોને બેહદ પસંદ પડ્યું. ખેમરો – લોડણના પવિત્ર પ્રેમના બલિદાનની ગાથા એ સમયે લોક હૈયામાં સચવાઈને પડી હતી. એના અનેક દુહા પણ અત્યંત પ્રચલિત હતા. ગામના એક વડીલે કેટલાક દુહા સંભળાવ્યા હતા જેમાંથી એક આજે પણ યાદ રહી ગયો છે: સારસ પંખીની જોડ, જુદી કદાપિ ન પડે; જો પડે એકની ખોટ, બીજું માથું પટકીને મરે. કેવો અદ્ભુત સ્નેહ. અલબત્ત પ્રેમ માટે મરી ફીટવાની વાત તો આજના સમયમાં વરાળની જેમ ઊડી ગઈ છે… ખેર.

રાવળગાંવથી ઉપડી અમારી કંપનીની સવારી પહોંચી કલ્યાણપુર. જામ કલ્યાણપુર તરીકે પણ જાણીતું આ ગામ આજે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છે પણ એ સમયે તો જામનગર જિલ્લાનો જ હિસ્સો હતું. કલ્યાણપુરમાં અમારે શાળાના ચોગાનમાં નાટક ભજવવાનું હતું, પણ એ સમયે શાળા ચાલુ હોવાથી અમારાં રહેવાની વ્યવસ્થા નહોતી થઈ શકી. એટલે અમે રાવળગાંવથી કલ્યાણપુર આવજા કરતાં. રાવળગાંવમાં આહીર લોકોની ઘણી વસ્તી. આહીર મૂળે તો ક્ષત્રિય કોમ. સૌરાષ્ટ્રની ધરા પર આહીરોની વીરતા, વિશિષ્ટતા અને સંસ્કૃતિની ભવ્યતા અંકિત છે. તેમની વીરતા વિશે પ્રસંગોપાત જાણકારી મળી હતી, પણ રાવળગાંવમાં એનો પ્રત્યક્ષ પરચો થયો અને સાંભળેલી ને જાણેલી વાતો વિશે મનમાં કોઈ શંકા ન રહી. કલ્યાણપુરમાં નાટકનો શો પતાવી રાવળગાંવ પાછા ફરતાં અમને ખાસ્સું મોડું થઈ જતું. ત્યારે ગામની આહીરાણીઓ રાતના ધારિયાં અને ભાલા જેવાં શસ્ત્રો સાથે રાખી ગામમાં ફરતી હોય. અમે ગામમાં પ્રવેશીએ અને હેમખેમ ધરમશાળામાં પહોંચી જઈએ ત્યાં સુધી જાણે અમારી રક્ષા કરતા હોય એમ હાજર રહે. દરેક વ્યક્તિ પહોંચી ગઈ હોવાની ખાતરી થયા પછી જ શૂરવીર આહીરાણીઓ પોતાનાં ઘરે જાય.

ક્ષત્રિય સમાજ સુરક્ષા કરે એ અમે સગી આંખે જોયું. થોડા સમય પછી શાળાનું સત્ર સમાપ્ત થયું અને રજા પડી એટલે અમે કલ્યાણપુરનીએ શાળામાં જ રહેવા લાગ્યા. જોકે, આજે અનેક વર્ષપ છી પણ આહીરાણીઓનો એ જુસ્સો માનસપટ પરથી ભૂંસાયો નથી. કલ્યાણપુરમાં પણ અમે પ્રચલિત નાટકોની ભજવણી ચાલુ રાખી. અહીં ‘કુંવરબાઈનું મામેરું’, ‘નરસૈંયાનો નાથ’ ઉપરાંત એક નાટક ભજવ્યું જેનું નામ હતું ‘ભાથી ખત્રી’. આ પાત્રથી બહુ જૂજ લોકો પરિચિત હશે. ભાથી ખત્રી ભાથીજી અથવા ભાથીજી મહારાજ તરીકે પણ પ્રચલિત છે. તેમની શૌર્ય ગાથા જાણીતી હતી. મધ્ય ગુજરાતના ખેડા જિલ્લામાં તથા સૌરાષ્ટ્રના અમુક પ્રદેશોમાં ભાથીજી યુદ્ધ નાયક તરીકે ઓળખ ધરાવતા હતા અને પૂજનીય
પણ હતા.

રાવળગાંવમાં એક અસાધારણ પ્રેમકથા પરથી અને કલ્યાણપુરમાં શૌર્યગાથા પરથી તૈયાર કરેલા નાટકમાં સહભાગી થવાનો મોકો મળ્યો. દરમિયાન શાળામાં રજા પડી ગઈ હતી એટલે કલાકારના બાળકો પણ આવી ગયાં હતાં. એકંદરે માહોલ આનંદમય હતો. કલ્યાણપુરથી પછી અમે અમારી કંપની પહોંચી દેવભૂમિ દ્વારકા. જોકે, અહીં
નાટકોને સારો રિસ્પોન્સ નહોતો મળી રહ્યો. બનેવીને પણ મજા નહોતી આવી રહી. અમારી વચ્ચે ઝઘડો થયો અને એક હજાર રૂપિયા આપી તેમણે મને છૂટી કરી.

અમે જામનગર આવ્યા અને બારદાનવાળા શેઠને મળ્યા અને તેમણે મારી મુંબઈ
જવાની ટિકિટની વ્યવસ્થા કરી આપી અને જાણે એક સફર પૂરી થઈ હોય એવી લાગણી અનુભવી.

‘તખ્તો નવીનતા માગે છે’
સમય સાથે ફિલ્મ – નાટક કે કળાના અન્ય કોઈ સ્વરૂપ માટે પ્રેક્ષકોની રુચિ બદલાય એ સર્વકાલીન બાબત છે. નાટકમાં ‘કંઈક નવું લાવો’ એવી માગણી આજે થાય છે એમ ગઈ કાલે પણ થતી હતી અને આવતી કાલે પણ થશે એ નિર્વિવાદ હકીકત છે. રંગભૂમિએ એના માટે સજ્જતા દેખાડવી પડશે. કુશળ અભિનેતા ઉપરાંત નાટક મંડળીના સ્થાપક દયાશંકર વસનજી સ્વભાવે પણ ઉમદા જીવ હતા. પ્રેક્ષકોની નાડ પારખવામાં કુશળ દયાશંકર ભાઈ લેખકોને સતત કહેતા કે ‘તખ્તો નવીનતા માગે છે.’ આ વાત સિદ્ધહસ્ત લેખક મૂળશંકર મુલાણીના મનમાં ઉતરી ગઈ અને તેમણે ‘મૂળરાજ સોલંકી’ નામના નાટકમાં ટોડી ભક્તાણીનું પાત્ર ઉમેરી ભક્તિરસ ઉમેર્યો. નાટકમાં અગાઉ જોવા ન મળ્યા હોય એવા ટ્રીક સીન પેશ કર્યા જેમાં સ્ટેજ પર પંપની મદદથી વહેતાં પાણીનું ઝરણું દેખાડીએમાં બાળકોને સ્નાન કરતાં બતાવવામાં આવ્યાં હતાં. સંવાદોમાં બેતબાજી (અંતકડીની શૈલીથી સામસામી કવિતા રજૂ કરવી) રજૂ કરી. આ પ્રયોગો પ્રેક્ષકોને રુચિ ગયા અને નાટકને બહોળો આવકાર મળ્યો. લેખકશ્રીએ પ્રેક્ષકોની નાડ પારખી. પ્રસંગોની ગૂંથણી એવી રીતે કરવી કે પ્રેક્ષકો એના વિશે વિચારવાને બદલે એના પ્રવાહમાં તણાઈ જાય અને ‘હવે શું થશે’ એની ઉત્સુકતા કાયમ તેમને રહે. (સંકલિત)

Show More

Related Articles

Back to top button
ભારતની શાન છે આ રેલવે સ્ટેશન, દેશ-વિદેશથી જોવા આવે છે પર્યટકો… આ પેટ્સ ફિલ્મના સ્ટાર્સ કરતા કમ નથી બીજી સપ્ટેમ્બરના શુક્ર કરશે નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકો થશે માલામાલ… Vitamin B12ના બેસ્ટ સોર્સ છે આ Fruits, આજથી જ શરુ કરી દો સેવન…