ઉત્સવ

આહાહાહા શી ટાઢ! જડબામાં જકડી લે સૌને જાણે જમની દાઢ, આહાહાહા શી ટાઢ!

ઝબાન સંભાલ કે -હેન્રી શાસ્ત્રી

મુંબઈમાં જન્મ, મુંબઈમાં ઉછેર અને મુંબઈમાં જ કાયમી વસવાટ કરનારા લોકો માટે શિયાળો એક શબ્દકોશમાં આવતો શબ્દ છે જેનો અર્થ કારતકથી મહા મહિના સુધીનો ઠંડીનો સમય એવો થાય એટલી ખબર. શિયાળાની ટાઢ કોને કહેવાય કે ગુલાબી ઠંડી કોને કહેવાય કે તાપણું શું ચીજ છે જેવી અનુભૂતિથી એ જીવ લગભગ અજાણ હોય છે. કવિ જગતમાં પણ શિયાળો, શિયાળાની ફૂલગુલાબી ઠંડી અને પહેરવી પડતી બંડીનું હૂંફ આપતું વર્ણન છે. શિયાળો બેસું બેસું થઈ રહ્યો છે ત્યારે પદ્યમાં એના પાવરનો અનુભવ કરીએ. સુરેન્દ્રનગર પાસે આવેલા ચુડાના વતની મીનપિયાસી તરીકે જાણીતા કવિ શ્રી દિનકરરાય કેશવલાલ વૈદ્ય બહુમુખી પ્રતિભા ધરાવતા હતા. કવિ હોવા ઉપરાંત પક્ષી જગતનો ઊંડો અભ્યાસ કર્યો હતો અને ખગોળશાસ્ત્રના પણ જાણકાર હતા. તેમણે ઘણી કવિતા લખી છે, પણ ‘કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ, કોયલ કુંજે કૂ કૂ કૂ’ તેમની અફાટ લોકપ્રિયતાને વરેલી રચના છે. તેમણે શિયાળા પર એક સુંદર કાવ્ય લખ્યું છે: આહાહાહા શી ટાઢ! જડબામાં જકડી લે સૌને, જાણે જમની દાઢ, આહાહાહા શી ટાઢ! કવિને ટાઢ કેવી લાગે છે? તો કે યમરાજા જો જકડી લે તો કેવી હાલત થાય? બસ એવો જ અનુભવ શિયાળાની ટાઢ કરાવે છે.

કવિ દલપતરામનું નામ પડે એટલે ‘ભાદરવાનો ભીંડો’, ‘અન્યનું તો એક વાંકું આપના અઢાર છે’ જેવી કટાક્ષયુક્ત રચનાઓ તરત સાંભરી આવે. ‘મિથ્યાભિમાન’ નામનું અત્યંત લોકપ્રિય નાટક પણ લખનારા શ્રી દલપતરામે ઋતુઓને કેન્દ્રમાં રાખી એક સુંદર રચના આપી છે જેની શરૂઆત શિયાળાથી થાય છે: શિયાળે શીતળ વા વાય, પાનખરે ઘઉં પેદા થાય, પાકે ગોળ, કપાસ, કઠોળ, તેલ ધરે ચાવે તંબોળ. ધરે શરીરે ડગલી શાલ, ફાટે ગરીબ તણા પગ ગાલ, ઘટે દિવસ, ઘણી મોટી રાત, તનમાં જોર મળે ભલી ભાત. સ્થૂળભાવથી શરૂ થતી પંક્તિઓમાં કવિશ્રી ઊગતા ધાન્યની વાત કરી, માનવ જીવનની સૂક્ષ્મતા તરફ આપણને લઈ જાય છે.આર્થિક ગરીબીમાં જીવતા માનવીની દૈહિક અને ચૈતસિક અવસ્થાનું પ્રભાવી વર્ણન કરી આપણને ઢંઢોળે છે. માનવીય સંવેદનાને આબાદ ઝીલતા કવયિત્રી પારૂલ ખખ્ખર સૌરાષ્ટ્ર બાજુના અમરેલીનાં રહેવાસી છે. એટલે શિયાળો, કડકડતી ઠંડી, ગાત્રો થીજાવી દેતી ટાઢ વગેરેથી સુપેરે વાકેફ છે. તેમની એક રચનામાં શિયાળો બરાબર ખીલ્યો છે: હાથ પડે જ્યાં જળમાં ત્યાં તો આંગળી ખીલો થાય રે એવી હિમલી રાત્યું… કાગળ માથે ચીતરેલી કાંઈ નદીયું થીજી જાય રે એવી હિમલી રાત્યું… કાગળ ઉપર ચીતરેલી નદીઓ પણ ઠરી જાય એવી ઠંડી એટલે કેવી ઠંડી? વિચારમાત્ર કરવાથી ધાબળો ઓઢવો પડે, ખરું ને! કવિ પ્રેમાંનદની એક સુંદર પંક્તિથી સમાપન કરીએ. આખ્યાનકાર શિરોમણી અને ‘ઓખાહરણ’ના સર્જક તરીકે સ્મરણમાં વધુ સચવાયેલા શ્રી પ્રેમાનંદની રચના છે: હિમસુતાને હર લઈને નાથ, ગયા ગુફામાંય. હિમસુતા એટલે હિમાલયની પુત્રી, પાર્વતી અને હર એટલે શિવજી. (વધુ કવિતા કહેવત આવતા સપ્તાહે).

WINTER IDIOMS
વિષુવવૃત પૃથ્વીને બે ગોળાર્ધમાં વહેંચે છે – ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ. કેલેન્ડરના જે ત્રણ મહિનાના સમય દરમિયાન સરેરાશ તાપમાન સૌથી ઓછું હોય એ સમય શિયાળો તરીકે ઓળખાય છે. ઉત્તર ગોળાર્ધમાં ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં જ્યારે દક્ષિણ ગોળાર્ધમાં જૂન, જુલાઈ અને ઓગસ્ટમાં સામાન્યપણે ઠંડીની મોસમ હોય છે. ભારત ઉત્તર ગોળાર્ધમાં છે અને એટલે આપણે અત્યારે શિયાળાનો અનુભવ કરી રહ્યા છીએ. શિયાળો અંગ્રેજીમાં વિન્ટર તરીકે ઓળખાય છે. આપણે વિન્ટર સંબંધિત કહેવતો અને રૂઢિપ્રયોગો જાણીએ.Give Someone the Cold Shoulder એટલે ઈરાદાપૂર્વક ઓળખીતી કે જાણીતી વ્યક્તિની અવગણના કરવી. After getting rich, my neighbour is giving me a cold shoulder. શ્રીમંત થયા પછી મારો પાડોશી મારી અવગણના કરવા લાગ્યો છે. Skate on Thin Ice પ્રયોગના શબ્દાર્થ પરથી જ ભાવાર્થનો ખ્યાલ આવી જાય છે. એનો ભાવાર્થ છે જોખમી પરિસ્થિતિ. You will be skating on ice if you are selling rural items in urban areas.. શહેરી વિસ્તારમાં ગ્રામીણ વસ્તુઓનું વેચાણ કરવામાં જોખમ છે. Leave Someone out in the Coldએટલે કોઈને સમૂહમાંથી કે કોઈ પ્રવૃત્તિમાંથી ઈરાદાપૂર્વક અળગા કરવા. After I got a promotion, colleagues left me out in the cold at lunch time. મને પ્રમોશન મળ્યું એટલે મારા સાથીદારોએ લંચ ટાઈમમાં મને અળગો રાખ્યો.Dead of winter એટલે સૌથી વધુ ઠંડીનો સમય. I will not visit your place now. as it is dead of winter.અત્યારે ત્યાં ભયંકર ઠંડી છે એટલે હું તમારા ઘરે નહીં આવું.During winter, not many things grow. Flowers and grass are covered by the snow and trees lose their leaves. The coldest, darkest time of winter is known as the dead of winter. શિયાળા દરમિયાન બહુ ઓછી વસ્તુ ઊગે છે. ફૂલ અને ઘાસ પર બરફ છવાઈ જાય છે અને વૃક્ષ પરથી પાન ખરી પડે છે. શિયાળાનો સૌથી ઠંડો અને ઓછા અજવાળાવાળો સમય ડેડ ઓફ વિન્ટર તરીકે ઓળખાય છે. Tip of the iceberg પ્રયોગ દીઠા અને અણદીઠાનો ફરક સમજાવે છે. આઈસબર્ગ એટલે હિમશિલા. પાણીમાં તરતી બરફની શિલાનો મામૂલી ભાગ જ સપાટીની ઉપર હોય છે જ્યારે એનો મોટાભાગનો હિસ્સો પાણીની અંદર હોય છે. આ પ્રયોગ નકારાત્મક અર્થ માટે કે સમસ્યા દર્શાવવા વપરાય છે. The homeless people you see in this homeless shelter are just the tip of the iceberg-there are many others living out in the streets.

भरमानेवाले शब्द

દરેક ભાષાની અનેક ખાસિયતો છે, બેસુમાર લાક્ષણિકતાઓ છે અને એ ખૂબીઓ ભાષાનું સૌંદર્ય વધારે છે. અક્ષરના સ્થાનફેરથી કે હ્રસ્વ – દીર્ઘના ફરકથી અર્થમાં ગજબનાક તફાવત જોવા મળે છે એનો આનંદ અને જાણકારી વાચકોને મળી રહી છે. એ યાત્રા થોડી આગળ વધારી અન્ય ઉદાહરણો જાણીએ અને સમજીએ. આજની પહેલી જોડી છે झांकना और झोंकना. ઝાંકના એટલે છુપાઈને જોવું કે ડોકિયું કરવું. बिना बताये किसी के घर में झांकना अच्छी आदत नहीं है. ખબર ન હોય એ રીતે કોઈના ઘરમાં ડોકિયું કરવું સારી ટેવ નથી. ઝોંકના એટલે પટકી દેવું કે નાખવું. ‘आँखों में धूल झोंकना’ मुहावरे का अर्थ है ‘धोखा देना’। रमेश ने सुरेश के आँखों में धूल झोंककर उसके सभी कागज़ात अपने नाम कर लिए। આંખોં મેં ધૂલ ઝોંકનાનો શબ્દાર્થ આંખમાં ધૂળ નાખવી એવો થાય પણ છેતરપિંડી કરવી, દગો રમવો એ એનો ભાવાર્થ છે. બીજું યુગ્મ છે जूठा और झूठा. જૂઠા એટલે એઠું અથવા છાંડેલું. थाली में हमें कभी भी जूठा खाना नहीं छोड़ना चाहिए। થાળીમાં એઠું ખાવાનું કદી ન રાખવું જોઈએ. ઝૂઠા એટલે ખોટું કે  જૂઠું. रामू ने सुरेश से झूठा वादा किया. રામુએ સુરેશને ખોટું વચન આપ્યું. હ્રસ્વ ઈ અને દીર્ઘ ઈના તફાવતવાળું યુગ્મ છે टिका और टीका. ટિકા એટલે ટકાઉ. सागौन की लकड़ी से बनी साज-सज्जा की वस्तुएँ टिकाऊ होती हैं । ટીકા એટલે ચાંલ્લો અથવા રસી મુકાવવી. लड़केवालों ने टीके के बाद शादी से इन्कार कर दिया. ચાંલ્લા વિધિ થઈ ગયા પછી છોકરાવાળાએ લગ્નની ના પાડી દીધી. कलंक का टीका लगाने का अर्थ दोष लगाकर बदनामी करना होता है. नाम कमाने मैं सारा जीवन निकल जाता है परंतु तुमने एक ही क्षण में कलंक का टीका लगा दिया। રસી મુકાવવી એ અર્થ પણ જાણીતો છે. समय समय पर बच्चों को टीका लगवा लेना चाहिए.

हिवाळा अन् रानमेवा

મરાઠીમાં શિયાળાને હિવાળા કહેવાય છે. શિયાળાની ઋતુ આહારના દ્રષ્ટિકોણથી સર્વોત્તમ માનવામાં આવે છે. મહારાષ્ટ્રના ગામડાંઓમાં અને નગરોમાં રાનમેવા નામનો પ્રકાર એક સમયે ખૂબ જ પ્રખ્યાત હતો. रानमेवा म्हणजे रानात, जंगल व गाव यांच्या सीमेवरील मोकळ्या जागेमध्ये आणि जंगलांजवळील वस्त्यांत वा शेतमळ्यात कोणतीही लागवड, मशागत किंवा खास देखभाल न करता नैसर्गिकरित्या उगवणाऱ्या व वाढणाऱ्या वनस्पतींवर पिकणारी फळे. રાનમેવા એટલે રાન – જંગલ તેમજ ગામની સીમા પાસેની મોકળાશ ધરાવતી જગ્યામાં તેમજ જંગલમાં કોઈ પણ પ્રકારની ખેતી કર્યા વિના કે ખાસ દેખભાળ કર્યા વિના નૈસર્ગિક રીતે ઉગીને પાકતા ફળ રાનમેવા (બોર, કરવંદા, જાંબુ, તાડગોળા સહિત વિવિધ ફળ) તરીકે ઓળખાય છે. આ રાનમેવા સાથે જોડાયેલી એક મજેદાર વાત જાણવા જેવી છે. रानमेव्याला ‘माकडमेवा’ असे पण म्हणतात. याचे माकडमेवा हे नाव अधिक योग्य वाटते कारण ही फळे माणसांपर्यंत पोहोचायच्या आधी ती लाल तोंडाच्या माकडांनी किंवा काळ्या तोंडाच्या वानरांच्या टोळीने फळांनी लगडलेल्या झाडांवर उडया मारत तिथेच फांद्यांवर मुक्काम ठोकून मजेदार झोके घेत गट्टम केलेली असतात. રાનમેવા મરાઠીમાં ‘માકડમેવા’ તરીકે પણ ઓળખાય છે. વાનરને મરાઠીમાં માકડ કહેવાય છે. આવું નામ આપવાનું કારણ એ છે કે આ બધા ફળ માણસના મોઢા સુધી પહોંચે અને એ એના સ્વાદનો આનંદ લે એ પહેલાં વાંદરાઓની ટોળીએ વૃક્ષની ડાળીઓ પર કૂદાકૂદ કરી વિવિધ ફળ ચાખી લીધા હોય છે. ભગવાન શ્રી રામને કાચા – ખાટા બોર ન ખાવા પડે એટલે શબરીએ તેમને ચાખી ચાખીને ખવડાવ્યા હતા. અહીં વાનર બોર ચાખી લે પછી માણસના ભાગમાં આવે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા