ટનાટન ટેકનોલોજીનો જમાનો કિચનથી કૃષિ-ક્ષેત્ર સુધી
શરદ જોશી સ્પીકિંગ -ભાવાનુવાદ: સંજય છેલ
આધુનિક ભારતે હવે નક્કી જ કરી લીધું છે કે આપણે વિદેશમાંથી લેટેસ્ટ ટેકનોલોજી મંગાવીને અપનાવવી જ પડશે. બસ, હવે ખાલી એ જ નક્કી કરવાનું બાકી છે કે એ કયા કયા ક્ષેત્રમાં નવી ટેકનોલોજી લાવવાની છે. એક તો એ પર્યાય છે કે જે ક્ષેત્રમાં જે ટેકનોલોજી મળે એને લઈ લો, કારણ કે જો એ
ટેકનોલોજી કામમાં નહીં આવે તો યે કમસેકમ નુકસાન તો નહીં જ થાય ને? દાખલા તરીકે, ઘણા વર્ષોથી હું એવું મશીન બનાવવાનું વિચારતો હતો જેના વડે મકાઈ આપોઆપ છોલાઇ જાય, પછી શેકાઇ જાય અને એ મશીન શેકાયેલા દાણાને પોતે જ પ્લેટ કાઢીને જાતે જ પીરસી આપે.
મેં આ મશીનનું નામ ‘મકાઇ-શેકર’ રાખ્યું છે, જે પોપકોર્ન બનાવવાનાં મશીન સાથે ડાયરેક્ટ સ્પર્ધામાં ઉતરી શકશે. વળી જો ઘેર ઘેર આવું મશીન હશે તો લોકો મકાઇ વધારે ખાશે અને એ રીતે મારું ‘મકાઇ-શેકર’ મશીન મકાઈનું ઉત્પાદન વધારવા માટે દેશમાં સૌને પ્રેરણા આપશે.
હું મગફળી અથવા તો મુંબૈયા ભાષામાં કહીએ તો સીંગદાણા શેકવાનાં ઈલેક્ટ્રોનિક મશીન બનાવવાની વેતરણમાં પણ છું. શું છે કે ભારતમાં મગફળી શેકવાની કળા, હજુ એની એ જ જૂના જમાનાની ચાલે રાખે છે. બદલાતા યુગ પ્રમાણે એમાં હવે ફેરફાર કરવો જરૂરી છે, જેમ કે- એક મશીનમાં, સીંગદાણા આપોઆપ ફોલાઇને છૂટા પડે, પછી શેકાઇને પછી એને ચમચી ચમચીથી આપણાં મોંમાં મશીન ખવડાવે. એનું નામ ‘સુપર સીંગ-શેકર ’ રાખી શકાય. આજકાલ કેરીને કાપીને ખાવાનો રિવાજ છે. પહેલા લોકો કેરીને હાથથી ઘોરીને એને એકદમ પોચી કરતાં ને પછી એનો રસ ચૂસતા. જો કે એ બધાંમાં થોડી મહેનત લાગે એટલે જ કાળક્રમે કેરી ચૂસવાની એ રીત બહુ ચાલી નહીં એટલે મેં બેટરી કે વીજળીથી ચાલતું એક આધુનિક મશીન બનાવવાનો વિચાર કર્યો છે, જેનું નામ ‘કેરી કસનાર યંત્ર ’ રાખવાનું વિચાર્યું. આ નાના મશીનમાં તમે એક કેરી નાખો અને બટન દબાવો એટલે થોડી વારમાં એ કેરી ઘોરાઈ જાય, ગોટલી અલગ થઇને આવી જાય અને પછી રસ બહાર નીતરી આવે. પણ જ્યારથી મારાં આ કેરી કસનાર યંત્રના નામનાં મશીન વિશે, કેરીનો રેડીમેઇડ રસ વેંચનાર કંપનીઓવાળાને ખબર પડી છે ત્યારથી એ લોકો મારી સામે ઘૂરી ઘૂરીને ડોળાં કાઢે છે, બોલો!
એવી જ રીતે મારે બીજું પણ એક ‘ગૃહિણી-ફ્રેંડલી’ મશીન શોધવું છે- શાક છોલવાનું મશીન. પત્નીઓ ઘણીવાર રસોઈ કરવામાં પોતાનો કિંમતી સમય બચાવવા માટે પતિઓને નવરાં સમજીને વટાણા કે તુવેર છોલવાનું કામ પરાણે સોંપે છે. જો ઘરમાં દાણા કાઢનાર યંત્ર’ હશે તો બંનેનો કિંમતી સમય બચી જશે. એ જ રીતે હું ‘તરબૂચ બી રિમૂવર’ બનાવવાનું વિચારી રહ્યો છું. વળી મેં જોયું છે કે ઘણા ભારતીયો બીયાં થૂંકવાની માથાકૂટથી તરબૂચ ખાતા નથી. તો આ દેશને બીજ રિમૂવર મશીનની પણ સખત જરૂર છે. એમ તો મારે સલાડ-મેકર મશીન’ પણ બનાવવું છે, જેમાં ગાજર, મૂળા અને ટામેટાં એની મેળે કપાઈને સલાડ તૈયાર કરી શકાય, પણ જો કે એના બદલે મને બ્રેડ પર બટર કે મસ્કો લગાવવા માટેનું ‘મસ્કામાર-મશીન’ બનાવવું વધુ જરૂરી લાગે છે. સાચું કહું તો હું મારા જીવનમાં ક્યારેય ખેતરોમાં ગયો નથી પણ ખેતરમાં ઊગતા પાક ને શાકભાજીઓ તો હું કાયમ ખાઉં છું એટલે મારી ટેકનિકલ વિચારસરણી પણ એ જ દિશામાં જાય છે. જો કે ઓફકોર્સ, સરકારને મારા કરતાં ખેતીનો વધુ અનુભવ હશે, કારણ કે આપણાં નેતાઓએ પૂર આવે ત્યારે એમની હવાઈ યાત્રા વખતે ભારતમાંનાં ખેતરો અચૂક જોયાં હશે એટલે ચોક્કસ એ લોકો ભારતીય કૃષિના વિકાસ માટે યોગ્ય ટેકનોલોજીની આયાત કરશે જ. ભારતમાં ખેતીવાડી વધુ છે અને આપઘાત કરનારાઓથી માંડીને મતદારોની સંખ્યા પણ ખેડૂતોની જ સૌથી વધારે છે એટલે દેશમાં ખેડૂતોને ખુશ રાખવા ખૂબ જરૂરી છે માટે કિસાની વોટબેંકને ધ્યાનમાં રાખીને સરકારે નક્કી કર્યું છે કે કૃષિ-ક્ષેત્રે ટેકનોલોજીની આયાત કરવી જોઈએ પછી ભલેને એ ગમે એવી ટેકનોલોજી હોય. મને લાગે છે, જો આધુનિક કોમ્પ્યુટરો વડે ખેડૂતોની જમીનનાં નકશાને માપીને-સંભાળીને રેકોર્ડ તરીકે રાખવામાં આવશે તો ભવિષ્યમાં ખેતરોના ભાગલા પાડવામાં આવે ત્યારે સગાં સબંધીઓ વચ્ચે મારામારી કે ખૂનામરકી થતી અટકશે. ખેતરના નકશાને અંગે જો કોઇ ભૂલચૂક કે વિખવાદ થાય ત્યારે સગાવહાલાંઓએ એકબીજાની સાથે લડવાને બદલે લાકડીઓથી કોમ્પ્યુટરોને જ તોડી નાખવાના! આમ ખેતરમાં ગયા વિના મારામાં આશાની ફાંકડી ફસલ ઊગે છે કે અવનવી લેટેસ્ટ ટેકનોલોજી, ભારતીય ખેડૂતોને યોગ્ય દિશા આપશે અને એ લોકો આપઘાત કરતાં અટકશે, જેથી સત્તાધારી પક્ષને વોટ આપી શકેને? (મૂળ લેખ- ૧૯૮૯)