ઉત્સવ

એડવાન્ટેજ ઈન્ડિયા વિદેશમાં ભારત વિરોધી આતંકીઓની હત્યાનો સિલસિલો

ભારત આ ડેન્જરસ ગેમમાં સંડોવાયેલું હોય તો પણ દેશની સુરક્ષા માટે કંઈ પણ કરવાનો ભારતને અધિકાર જરુર છે , પણ…

કવર સ્ટોરી -વિજય વ્યાસ

અમેરિકાએ ભારત પર ખાલિસ્તાનવાદ આતંકવાદી ગુરવતપંતસિંહ પન્નુનની હત્યાનું કાવતરું રચવાનો આક્ષેપ કર્યો એ મુદ્દો ગાજી રહ્યો છે. આ કહેવાતા કાવતરાને લઈને અમેરિકાએ આકરું વલણ અપનાવતાં પન્નુનની હત્યાના કાવતરાની તપાસ માટે ભારતે સમિતી બનાવવી
પડી છે.

યુનાઇટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે’ સત્તાવાર રીતે કરલી જાહેરાત પ્રમાણે ન્યુયોર્ક સિટીના સધર્ન ડિસ્ટ્રિક્ટમાં૫૨ વર્ષી ભારતીય નાગરિક નિખિલ ગુપ્તા ઉર્ફે નિક સામે ન્યૂયોર્કમાં એક અમેરિકન નાગરિકની હત્યાના નિષ્ફળ ષડયંત્રમાં સંડોવણી બદલ કેસ શરૂ થયો છે. એક ભારતીય અધિકારીના કહેવાથી નિખિલે પન્નુનની હત્યા કરવાની સોપારી આપી હતી એવો ગુપ્તા સામેની ચાર્જશીટમાં ઉલ્લેખ છે.

અમેરિકા પહેલાં કેનેડાએ પણ ભારત પરકેનેડિયન નાગરિક ખાલિસ્તાનવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યાનો આરોપ મૂક્યો હતો. એ વખતે ભારતે હાથ ખંખેરી નાંખીને નિજ્જરની હત્યામાં ભારતની કોઈ પણ પ્રકારની સંડોવણીનો સાફ ઈન્કાર કરેલો. અકળાયેલા કેનેડાએ ભારતીય રાજદ્વારીની હકાલપટ્ટી કરી તો ભારતે પણ જેવા સાથે તેવા થઈને કેનેડાના રાજદ્વીરીની હકાલપટ્ટી સાથે એના એલચી સ્ટાફના ૪૦ જેટલાને દેશ છોડી જવા ફરમાન સુદ્ધાં કર્યું હતું એટલું જ નહીં, ભારતે એક ડગલું આગળ વધીને કેનેડિયન્સને વિઝા આપવાનું બંધ કરેલું.

અમેરિકા અને કેનેડાના કેસ લગભગ સરખા છે. બલ્કે કેનેડામાં તો નિજ્જરની હત્યા થયેલી જ્યારે અમેરિકામાં તો પન્નુનની હત્યાનું કાવતરું ઘડાયું હોવાની જ વાત છે. આમ છતાં, કેનેડા સામે ફૂંફાડો મારનારું ભારત અમેરિકા સામે સાવ ઢીલુંઢસ થઈ ગયું છે. એ સ્વાભાવિક પણ છે કેમ કે અમેરિકા અને કેનેડામાં બહુ ફરક છે. જીયોપોલિટિક્સમાં કેનેડા નાનુ ગુલડિયું છે જ્યારે અમેરિકા એવો ડાયનાસોર છે કે જેની એક ઝાપટ ગમે તેના નટ-બોલ્ટ ઢીલા કરી નાંખે. આપણે પણ તેમાં આવી ગયા.

પન્નુનની હત્યાનો મામલો ચગી ગયો છે. બાકી આમેય, છેલ્લા કેટલાક સમયથી ભારત સામે આતંકવાદ ફેલાવનારા એક પછી એક ઢીમ ઢળી રહ્યા છે. ફરક એટલો છે કે, પન્નુન અમેરિકાનો નાગરિક છે ,જ્યારે અત્યાર લગી જે માર્યા ગયા તેમાં નિજ્જરને બાદ કરતાં બાકીના પાકિસ્તાન, કેનેડા કે યુકેમાં મર્યા છે.છેલ્લા એક વર્ષમાં જ ભારત સામે પડેલા એક ડઝનથી વધારે આતંકી ઉપર પહોંચી ગયા છે. દાઉદ મલિક, શાહિદ લતીફ,મુફતી કૈસર ફારૂક, બશીર અહમદ ઉર્ફે પીર ઈમ્તિયાઝ, એજાજ અહમદ અહંગર, સૈયદ ખાલિદ રઝા, સૈયદ નૂર શાલોબર, મોહમ્મદ રિયાઝ જેવા ટોચના મુસ્લિમ આતંકવાદીઓને પાકિસ્તાનમાં ઢાળી દેવામાં આવ્યા છે.

જિહાદના નામે ભારતમાં આતંકવાદ ફેલાવનારા આતંકવાદીઓની સાથે સાથે ખાલિસ્તાનની ચળવળને સક્રિય કરવા મથનારાઆતંકીઓ પણ એક પછી એક પતી રહ્યા છે. છેલ્લાએક વર્ષમાં છ ખાલિસ્તાનવાદીઓનાં મોત થયાં છે

ને તેમાંથી પાંચની સીધી હત્યા જ કરવામાં આવી છે. હરદીપસિંહ નિજ્જર અનેસુખદુલ સિંહ ગિલ ઉર્ફેસુખા દુન્નાકે કેનેડામાં મરાયા, જ્યારે પરમજીતસિંહ પંજવાર પાકિસ્તાનમાં મરાયો. અવતાર સિંહ ખાંડાની ઈંગ્લેન્ડના બર્મિંગહામમાં કેન્સરની સારવાર ચાલી રહી હતી ને તે સાજો થઈ રહ્યો હતો. પછી અચાનક એ ગુજરી જતાં ખાંડાને ઝેર આપીને મારી નંખાયો હોવાનું કહેવાય છે.એ પહેલાંખાલિસ્તાની આતંકવાદી અને ગેંગસ્ટર હરપ્રિતસિંહ ઉર્ફે હેપ્પી સાંઘેરા તથા હરવિંદરસિંહ રિન્ડાની ૨૦૨૨ના નવેમ્બરમાં પાકિસ્તાનમાં ગોળી મારીને હત્યા કરાઈ હતી.

ભારત ખરેખર ભારત વિરોધી આતંકી પ્રવૃત્તિઓમાં સામેલ લોકોની આડકતરી હત્યા કરાવી રહ્યું છે કે નહીં એના કોઈ સચોટ પુરાવા જાહેરમાં આવ્યા નથી ખબર નથી ,પણ અમેરિકા સહિતના દેશોના મનમાં ઠસી ગયું છે કે, આ હત્યાઓ પાછળ ભારનો હાથ છે. પાકિસ્તાન કે યુકેમાં ભારત કંઈ પણ કરે તેની સામે અમેરિકાને વાંધો નથી, પણ અમેરિકામાં કશું ના થવું જોઈએ એવો એમનો આડકતરો આગ્રહ છે. ભારતે પન્નુનની હત્યા અમેરિકામાં કરવાનું કાવતરું ઘડ્યું એમાં અમેરિકા ભડકી ગયું.

આમ તો બીજા દેશમાં ઘૂસીને દુશ્મનોની હત્યા કરાવવી એ ડેન્જરસ ગેમ છે. ઈઝરાયલ કે બીજા દેશોના જાસૂસો દેશના દુશ્મનોને ઠેકાણે પાડી દે એવી વાત થ્રીલિંગ-ઉત્તેજક જરુર છે અને આ રમતમાં ભારત પણ એવો મર્દાનમિજાજ બતાવી રહ્યું છે એ સાંભળીને આપણું શેર લોહી પણ ચડે, પણ તેનાં પરિણામો બહુ ખતરનાક આવી શકે.

ભારતના એજન્ટ પાકિસ્તાન કે બાંગ્લાદેશમાં ઘૂસીને કોઈને મારે ને અમેરિકા-કેનેડા કે પશ્ચિમના દેશોમાં આવાં ઓપરેશન કરે તેમાં બહુ ફરક છે. પાકિસ્તાન- બાંગ્લાદેશ સહિતના દેશોમાં આપણા જેવી જ હાલત છે ને ત્યાં માણસના જીવની કોઈ કિંમત નથી. બીજી તરફ, અમેરિકા સહિતના પશ્ચિમના દેશો આ મુદ્દે અત્યંત સંવેદનશીલ છે. પોતાના એક નાગરિકનું પણ મોત થાય તો એ વાત ગંભીરતાથી લે છે.

પન્નુનને તો આપણે પતાવ્યો નથી, છતાં અમેરિકા આટલું ભડકી ગયું હોય તો કોઈ અમેરિકન નાગરિકની હત્યા કરાવી દઈએ તો અમેરિકા શુંનું શું કરે એ વિચારવાની જરૂર તો ખરી…
અમેરિકાને ડોશી મરી જાય તેનો ભો નથી પણ જમ ઘર ભાળી જાય તેનો ડર છે. અમેરિકામાં ઘૂસીને બીજો દેશ એક હત્યા પણકરાવે તો એવું લાગવા માંડે કે, અમેરિકામાં હવે દમ રહ્યો નથી. આમ એની છબી ખરડાય એ અમેરિકાને પાલવે એમ નથી માટે પોતાની પ્રતિષ્ઠા જાળવવા અમેરિકા ગમે તે હદે જઈ શકે.

અમેરિકા રાજદ્વારી સ્તરે પગલાં લેવાની સાથે ભારતમાં અશાંતિ- અરાજકતા અને આતંકવાદ પણ પેદા કરાવી શકે. અમેરિકાની સીઆઈએ’ સહિતની એજન્સીઓ ખતરનાક છે. અમેરિકાને પડકારનારા દેશમાં ઘૂસીને હુમલા કરાવવાથી માંડીને નેતાઓની હત્યાઓ કરાવવા સુધીનાં તેમનાં કરતૂત અજાણ્યાં નથી. અમેરિકા પાસે પૈસો છે- પાવર છે.

-તો ભારતે દેશના દુશ્મનોનેને વિદેશની ધરતી પણ પતાવી દેવાનાં જોખમ લેવામ જોઈએ?

પહેલી નજરે બિલકુલ નહીં.

આ વાત કાયરતાપૂર્ણ લાગશે ,પણ સાચી છે કેમ કે વાઘ સામે લડવાનું હોય ત્યારે ખાલી બળ ના ચાલે. બળની સાથે કળથી પણ કામ લેવું પડે. દુનિયામાં બધે પકડાય એ જ ચોર હોય છે એ જોતાં ભારતે પકડાયા વિના આવાં ઓપરેશન્સ પાર પાડવામાં મહારત હાંસલ કરવી જોઈએ. અમેરિકા પાસે જબરદસ્ત જાસૂસી નેટવર્ક છે તેથી તેને જરા સરખી પણ ગંધ ના આવે એવી સાવચેતી રાખીને ભારતે આવાં ઓપરેશન કરવાં જ જોઈએ કેમ કે દેશની સુરક્ષા માટે કંઈ પણ કરવાનો ભારતને અધિકાર જરુર છે , પણ નિખિલ ગુપ્તા જેવા બે બદામના અપરાધીઓને બદલે આવાં કામના માહિર લોકોનો ખૂબીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ….

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button