ઉત્સવ

આદિ-કથા ઉર્ફે એ જ જૂના આદિવાસી

શરદ જોશી સ્પીકિંગ -ભાવાનુવાદ: સંજય છેલ

આ દેશમાં આદિવાસી ત્યાંના ત્યાં જ છે, જ્યાં એ પહેલાં હતા. દરેક ભાષણમાં એમનો ઉલ્લેખ કરવામાં આવે, દરેક કમિશને એના પર વિચાર કર્યો હોય, દરેક ઘોષણાપત્રમાં એમની પરિસ્થિતિ પર ચિંતા કરવામાં આવી હોય, દરેક યોજના અને દરેક બજેટમાં એમના માટે જોગવાઈ કરવામાં આવે, પરંતુ આટલા વર્ષો પછી પણ જ્યારે ભારતના નેતાઓ એમના દરવાજે પહોંચે છે ત્યારે આદીવાસી એવી જ રીતે રડતો, વિલાપ કરતો જોવા મળે છે. જેમ એ વર્ષો પહેલાં હતો, જ્યારે ભારતના પહેલા પ્રધાનમંત્રી એને મળવા માટે પહેલી વખત એના જિલ્લામાં ગયા હતા.

આજે પણ એ હજી અર્ધ-નગ્ન છે, માથું નમાવીને ઊભેલો છે અને એની સંખ્યા કે શક્તિનો ઉપયોગ તહેવારો કે પ્રસંગો પર મોરપંખ માથામાં લગાડીને મંત્રીઓના સ્વાગતમાં નાચ-ગાન કરવા પૂરતો જ હોય છે. આજે પણ એ નિર્જન થઈ રહેલા જંગલમાં એનું માથું ફોડે છે અને રાહત કામગીરીના ભાગ રૂપે પથ્થર તોડે છે!

શહેર ઝાડ કાપીને જંગલમાં ઘૂસી રહ્યું છે, પણ આદિવાસી એટલો જ આદિવાસી છે જેટલો એ પ્રાચીન સમયમાં હતો. આજે પણ એ કેમેરાથી ફોટો ખેંચવાલાયક વસ્તુ છે. એની બનાવેલી જ્વેલરીમાંથી મોર્ડન ડિઝાઈનરોને નવી કલ્પના મળે છે, એની સંગીતની ધૂન સાંભળવા લાયક હોય છે, એનું સંગીત રેકોર્ડ કરવા જેવું યોગ્ય હોય છે, એની કલા-કૃતિઓ સજાવટ માટે ઉત્તમ હોય છે. આટલું બધું હોવા છતાં આજે પણ એમની દીકરીઓને જિલ્લા, તહેસીલ અને રાજ્યના અધિકારીઓ, પોલીસવાળાઓ દ્વારા એ જ પ્રકારના ઉપયોગ માટે લાવવામાં આવે છે.

ક્યાં ઘૂસી ગયા એ રૂપિયા જે વર્ષે દર વર્ષે આદિવાસીઓની પ્રગતિ અને વિકાસ માટે બજેટમાં રાખવામાં આવતા હતા? ત્યાં રસ્તાઓ બન્યા, એના પર સરકારી જીપોનું આવન-જાવન થતું, પણ આદિવાસીઓનું નહીં. ત્યાં સરકારી આરામગૃહ બન્યા જે અધિકારીઓ માટે આરામ અને મોજ મસ્તી માટેનું સ્થળ બની ગયાં. આદિવાસીઓની સ્કૂલ, હોસ્ટેલ, હોસ્પિટલ બધું એ જ હાલતમાં છે. શું આદિવાસી છોકરાઓ તો ક્યારેય મેરિટ લિસ્ટમાં આવતા જ નહીં હોય? સંસ્કૃતિનું ગૌરવ ધરાવતા આ રાજ્યોમાં રૂપિયા ખર્ચાયા તો ક્યાં? જંગલ કાપવામાં કે ઓફિસ બનાવવામાં? ત્યાં તો એક વરસ વરસાદ ન થાય તો આખો જિલ્લો આફ્રિકાના ઈથોપિયા જેવો બની જાય છે.

આદિવાસીઓનું મન દૂર દૂરથી આવેલી વિદેશી મશીનો જીતી લે છે. રાજ્યના બજેટ કરતાં વિદેશથી આવેલું ધાર્મિક દાન ત્યાં વધારે સારો કમાલ કરી દેખાડે છે. આપણી સરકાર જેમને ભારતીય જીવનના મુખ્ય પ્રવાહ સાથે જોડી નથી શકતી એમને એ અજાણ્યા વિદેશી પોતાના ધર્મમાં પરિવર્તિત કરવામાં સફળ થઈ જાય છે.

વરર્સો વરસ આદિવાસીઓ માટે ફાળવવામાં આવતા લાખો રૂપિયા જાય છે ક્યાં? સરકારી ખજાનાથી લઇને આદિવાસીની ઝૂંપડી વચ્ચે કેટલાં ખિસ્સાંઓ, કેટલા પાકીટો, કેટલીય ભ્રષ્ટ કડીઓ છે? આ એક અજીબ તિલસ્મી તકલીફ
વાત છે.

આજે વરસો પછી જ્યારે દેશના મંત્રીઓ આદિવાસીની ઝૂંપડીની બહાર ઊભા રહીને હાલચાલ પૂછે છે, ત્યારે પણ પરિસ્થિતિ ત્યાંની ત્યાં જ છે જે પહેલાં હતી. બન્ને વચ્ચે, એક સતત જવાબ વગરનું પ્રશ્નાર્થ ચિન્હ છે. મંત્રીજીનો હસતો ચહેરો અને આદિવાસીઓના પરેશાન ચહેરાઓની વચ્ચે જે ખાલીપણું છે, એને જોવું એટલે દેશની વાસ્તવિકતા જોવા જેવી વાત છે!
કોણ જાણે બેઉ વચ્ચે કેટકેટલું છે ખાલીપણું છે? ને ક્યાં સુધી રહેશે?

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો?