વાદળોનું નિવાસસ્થાન – મેઘાલય
ટ્રાવેલ સ્ટોરી -કૌશિક ઘેલાણી
એ જો તો ઓલું વાદળું ઘોડા જેવું લાગે છે.. અરે ના ઇ તો ભાલું જેવું લાગે છે.. આમ જો અધ્ધર.. વાદળાં કેવાં દોડી જાય છે. ધોળા ધોળા રૂ ના ઢગલા જેવાં આ વાદળો ક્યાં જતાં હશે ક્યાંથી આવતાં હશે આવા બધા સવાલો દરેકને નાનપણમાં થયા જ હશે. આજે પણ આપણી આસપાસ બાળકોમાં આવી કુતૂહલતા જોઈ શકીએ છીએ. મનમાં એવો સવાલ થતો ક્યાં હશે આ વાદળોના ઘર ? એ આમ સતત ઊડતા જ રહેતાં હશે ? શુ સાંજે એમના ઘરે નહીં જતાં હોય ? દરેકના શૈશવમાં બાળ સહજ મનમાં ઊઠેલા એ સવાલોના જવાબો આજે આપણે શોધીએ. ચાલો જઈએ વાદળોના દેશમાં. હા સાચું જ સાંભળ્યું આજે આપણે વાદળોના ઘરે મહેમાનગતિ માણવાની છે. કુદરતે ભારતને છુટા હાથે અપાર વિવિધતા બક્ષી છે. ઉત્તરમાં પર્વત રાજ હિમાલય એની અનન્ય છટામાં બિરાજમાન છે તો દક્ષિણે હિન્દ મહાસાગરના નાદ ગુંજે છે, પશ્ર્ચિમમાં જયાં વેરાન રણની રેતીની લહેરખીઓ ઊડે છે
તો પૂર્વમાં ગાઢ જંગલોને વરસાદની રેલમછેલ છે. આજે આપણે એ જ ગાઢ લીલાં જંગલો અને વાદળો સાથે મુસાફરી કરવાની છે.
ઉત્તર પૂર્વની સેવન સિસ્ટર્સમાંથી આજે આપણે મેઘાલયનાં વાદળો પર અલાદ્દીનનો કાલીન તેને ઘુમાવે એમ અહીંનાં વાદળોની સવારી કરવાની છે. મેઘાલય શબ્દનો અર્થ જ વાદળોનું નિવાસસ્થાન એવો થાય. આ રાજ્ય તેના નામની જેમ જ નિરાલું છે. બ્રિટિશ કાલીન સમયગાળા દરમિયાન તે બ્રિટિશ હુકૂમત હેઠળ હતું તે સમયે બ્રિટિશરો તેને જભજ્ઞહિંફક્ષમ જ્ઞર યફતિં કહેતાં. એ તો તેમનો નજરીયો હતો આપણા માટે તો એ મેઘાલય જ છે. દુનિયાનો સૌથી વધુ વરસાદ અહીં જ ચેરાપૂંજીના મૌસિનરમમાં જ નોંધાય છે એ હકીકત તો દરેકની જાણીતી છે. એથી વિશેષ આપણે તો મેઘાલયની સુંદરતા ત્યાંના લોકોની સંસ્કૃતિ , તેમના રીતરિવાજોથી પરિચિત થવાનું છે જે ખરેખર ખૂબ જ નિરાળા છે. અહીં ભટકતા ભટકતા શું ખબર ક્યાંય હવામાં કાલીદાસના મેઘદૂત સાથે મુલાકાત થઈ જાય. મેઘાલયમાં મુખ્ય ત્રણ હિલ્સ આવેલા છે . જે ગારો , ખાસી અને જેન્તીયા છે. જેના નામ તેના પર વસવાટ કરતી ટ્રાઈબ્સના નામ પરથી રાખવામાં આવ્યા છે. ભૌગોલિક દ્રષ્ટિએ જોઈએ તો મેઘાલયની હિલ્સ એ હિમાલયનો ભાગ નથી પણ છોટા નાગપુરના ઉચ્ચ પ્રદેશનો ભાગ છે.
મેઘાલયનાં ગાઢ જંગલો અને વાદળોમાં ખોવાય જતા પહેલા તેના મુખ્ય મથક શિલોંગની લટાર લગાવીએ. શિલોંગ એ ખૂબ જ મોર્ડન અને વેસ્ટર્ન કલચરથી પ્રભાવિત જોવા મળે. અહીં ખૂબજ યુનિક કેફે આવેલા છે. જ્યાં બેસી આરામથી સુંદર વ્યુ જોતા જોતા કોફીની લુફત માણી શકાય. અહીં લોકોમાં નોનવેજ વધુ પ્રમાણમાં જોવા મળે છતાં પણ સારા એવા પ્રમાણમાં સ્વાદિષ્ટ વેજ ફૂડ મળી રહે.
ખાસ કરીને પુલીસ બજાર માર્કેટમાં ગરમાગરમ મોમોઝ ખાવા ન ભૂલવા જોઈએ. શિલોંગમાં સૌથી ઊંચા ભાગ કે જેને શિલોંગ પોઇન્ટ તરીકે ઓળખવામાં આવે છે ત્યાંથી પૂરા શહેરના વ્યૂ જોઈ શકાય અહીં ઇન્ડિયન નેવીનું રડાર સ્ટેશન પણ છે. મેઘાલયમાં એશિયાની સૌથી સ્વચ્છ નદી ડાવકી નદી જેન્તીયા અને ખાસી હિલ્સ વચ્ચે વહીને બાંગ્લાદેશમાં દાખલ થાય છે. જે ઉમનગોટ રિવર તરીકે પણ ઓળખાય છે.આજ કાલ સોશિયલ મીડિયા પર આ નદી ખૂબ જ લોકપ્રિય બની છે. કહીનું ક્રિષ્ટલ ક્લિયર વોટર તેની સુંદરતામાં વધારો કરે છે. એકદમ ચોખ્ખું અને વાદળી રંગનું પાણી જેમાં તળિયા સુધી જોઈ શકાય એટલી પારદર્શકતા. અહીં બ્રિટિશ સમય દરમિયાન બાંધવામાં આવેલ સસ્પેંશન બ્રિજ આવેલો છે. સ્થાનિકો દ્વારા અહીં બોટ રાઈડિંગ કરાવવામાં આવે છે. નદીમાં તરતી બોટનો પડછાયો પણ પાણીમાં જોઈ શકાય તેવી નિર્મળતા. અહીં નદીમાં સ્થાનિકો દ્વારા ફીશિંગની પ્રવૃત્તિ થાય છે. મોટા ભાગે ટુરિસ્ટ અને માછીમારી જેવાં કામોમાં જ તેમનો સમય પસાર થાય છે.
મહિલાઓ અને પુરુષો માથાં પર વાસમાંથી બનાવેલી ટોપી જેવી મોટી બાસ્કેટ ઓઢેલી જોવા મળશે.તેમનું જીવન ખૂબ જ સાદું પણ એટલો જ આનંદ અને સંતોષ તેમના ચહેરા પર જોઈ શકાય.
અહીંના ખાસી કલચરમાં એક ખૂબ જ અનોખી અને નિરાળી વાત જોવા મળે છે. ખાસી ટ્રાઈબ્સમાં મહિલાઓની સ્થિતિ ખૂબ જ સશક્ત જોવા મળે છે. અહીંની મહિલાઓ ઘરના આર્થિક નિર્ણયો લે છે, ઘરમાં નાની દીકરીના નામે બધી મિલકત કરવામાં આવે છે. અહીં લગ્નબાદ છોકરી સાસરે નથી જતી પણ છોકરો પોતાની સાસરીમાં આવી ને રહે છે. તેમજ સૌથી સુંદર વાત કે અહીં બાળકના નામ પાછળ તેની માતાનું નામ લાગે છે. ખાસી ટ્રાઇબ્સનાં ઘરો પણ યુનિક છે. ખૂબ જ વરસાદને કારણે તેઓ પોતાનાં ઘરો વાસના સહારે ઊંચાઈ પર બાંધે છે. મેઘાલયનાં ગામડાઓ ખૂબ સ્વચ્છ અને સાદગીવાળા જોવા મળશે. અહીંનું એક ગામ એવું છે જેને વિસલિંગ વિલેજ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે અહીં દરેકના નામ મ્યુઝિક ટ્યુન જેવા છે લોકો એક બીજાના નામ ગાઈને બોલાવે છે. આવી યુનિક બાબતો મેઘાલયને વધુ ખાસ બનાવે છે. લોકો ખૂબ જ મહેનતુ અને કુદરત સાથે જોડાયેલા છે. વાસમાંથી વિવિધ બાસ્કેટ બનાવવામાં તેમની ખૂબ જ આવડત છે. અહીંનાં બાળકો ફૂટબોલના બહુ જ શોખીન છે. આસપાસ ગ્રાઉન્ડમાં
ક્યાંકને ક્યાંય ફૂટબોલની રમત ચાલતી જોવા મળે જ.
મેઘાલયમાં એટલા વોટરફોલ છે કે તેને લેન્ડ ઓફ વોટર ફોલ લોકો કહેવા લાગ્યા છે. મન મુકીને વરસતાં વાદળો અને વહેતી નદીઓ જ્યારે પહાડીઓ પરથી પસાર થાય છે ત્યારે માનવજાતને ઘણું શીખવી જાય છે. નદી પહાડોને ચીરીને આગળ નીકળશે કાં તો ધોધ બની વહી જશે ગમે તે મુશ્કેલીઓ આવે તે પોતાનું વહેવાનું છોડતી નથી. શિલોંગથી ખૂબ જ નજીક એલીફન્ટ વોટર ફોલ આવેલો છે, જે નામ અંગ્રેજોએ આપેલું છે. અહીં ખૂબ જ સુંદર દ્રશ્ય સર્જાય છે. મેઘાલયમાં વિશ્ર્વમાં સૌથી વધુ વરસાદ નોંધાયો હોય તેવું સ્થળ એટલે મૌસીનરમ. ખાસી હિલમાં આવેલું આ રમણીય ગામનો વરસાદ જીવનમાં એકવાર જરૂરથી માણવો જોઈએ. અહીંના લોકોનું ચોમાસા દરમિયાન જીવન ખૂબ જ અગવડતા ભર્યું હોય છે ખાસ કરી મેં ,જૂન ,જુલાઈ મહિના માટે અહીંના લોકો અગાઉથી જ તૈયારીઓ કરી દે છે. ખોરાક વગેરેનો સંગ્રહ કરી દે છે અને મકાન ખાસ પ્રકારના બામ્બુ અને ઘાસથી સાઉન્ડ પ્રૂફ બનાવે છે. ચોમાસું જ્યારે ચરમસીમા એ હોય ત્યારે આ ખૂબ જ સુંદર દેખાતી જગ્યા પણ અહીંના લોકો માટે ખૂબ જ અગવડો ઊભી કરે છે પણ અહીંના લોકો કુદરત સાથે કદમ મેળવીને જીવતા શીખી જાય છે. મેઘાલય વિશે આવી જ બીજી રસપ્રદ વાતો અને વિશેષતાઓ આવતાં અંકે જોઈશું. કેટલાક યુનિક વોટરફોલ , લિવિંગ રૂટ બ્રીજ અને રહસ્યમયી ગુફાઓ માટે આવતા અંકમાં જોઈશું.