આકાશ મારી પાંખમાં : વિદેશી ટૅક્સીડ્રાઇવર

-કલ્પના દવે
હંસાબેન મહેતા અને રમણિકભાઈએ પ્રથમ વાર વિમાનમાં પ્રવાસ કર્યો, અને પહેલી જ વાર 12 દિવસની યુ.એસ.એ. ટૂર માણી. રમણિકભાઈ એક પ્રાયવેટ કંપનીમાં મેનેજર તરીકે કામ કરતા હતા અને હંસાબેને એક શાળામાં શિક્ષિકા તરીકે 33 વર્ષ કામ કરીને આ ઓક્ટોબરમાં રિટાયર થશે.
મોટો દીકરો કેતન ડેન્ટિસ્ટ હતો, જયારે નાનો દીકરો રાજીવ યુ.એસ.ની એક આઇ.ટી કંપનીમાં હતો. રમણિકભાઈનું કુટુંબ વેલસેટલ અને એજ્યુકેટેડ છે.
મમ્મીને રીટાયર થવાના ત્રણ મહિના બાકી હતા ત્યારે કેતને નાનાભાઈ રાજીવને ફોન પર કહ્યું- રાજીવ, મોમ હવે રિટાયર થશે, લેટ અસ ગીવ ગુડ સરપ્રાઈઝ ટુ મોમ એન્ડ ડેડ.
હા, સ્યોર. આજે આપણે જે કાંઈ કરી શકીએ છીએ એ તેમના જ આશિષ વડે. આપણને ભણાવ્યા- તું ડોકટર થયો અને મને ઠેઠ અમેરિકા ભણવા મોકલ્યો.- રાજીવે ભાવવિભોર થતાં કહ્યું.
મને યાદ નથી કે મોમ-ડેડ પોતે કોઈ વાર લોંગ ટૂર પર ગયા હોય. તે દિવસે મોમ એમની બેનપણીને કહેતા હતા કે આફ્રિકા કે સિંગાપુર અમે કેવી રીતે જઈએ. હું તો એકે વાર પ્લેનમાં પણ ગઈ નથી. એવા મોટા ખર્ચા આપણને પોષાય નહીં. કેતને કહ્યું.
ભાઈ, મોમ-ડેડના વિઝા તો તેં કરાવ્યા જ છે. તો મોમ-ડેડને યુ.એસ. ટૂરની જ સરપ્રાઈઝ આપીએ. હું પ્લાન કરીને તને મોકલાવું છું. તું ત્યાંના ટ્રાવેલર્સને પણ પૂછી જો. જો પહેલાં મારે ઘરે ન્યૂજર્સી આવશે.પછી 12 દિવસની ટૂર ગોઠવીશું. આમ પણ મોમ-ડેડ પહેલી વાર આવે છે, વળી નવરાત્રિ પણ છે તો અંબા માતાની પૂજા પણ કરીશું. રાજીવે કહ્યું.
રાજુ આ સરપ્રાઈઝ ગિફટ છે. હમણાં કહેવાનું નથી. કેતને કહ્યું.
ભાઈ, પપ્પા ટૂરમાં બધું મેનેજ કરી શકશે ને? રાજીવે પૂછ્યું.
અફકોર્સ વાય નોટ. અને ટ્રાવેલર એજન્ટને પણ હું ખાસ સૂચના આપીશ જેથી ડેડીને કોઈ તકલીફ ન પડે. આપણે બંને પણ કોન્ટેકટમાં હોઈશું.
જે દિવસે હંસાબેન રિટાયર્ડ થયા ત્યારે શાળાનો વિદાય સમારંભ પતાવી ભારે હૈયે ઘરે આવ્યા, ત્યારે સાંજે કેતન અને પ્રિયા તેમની નાની દીકરી મીતાલીને લઈને આવ્યાં. જમ્યા પછી મીતાલીએ કહ્યું- દાદી, ધીસ ઈસ યોર સરપ્રાઈઝ ગિફટ કહેતાં અમેરિકાની એરટિકિટ આપી.
રમણિકભાઈ અને હંસાબેનની આંખો હર્ષથી છલકાઈ ગઈ.
મોમ, અમને બધાને બેસ્ટ લાઈફ મળે એ માટે તમે અને પપ્પાજીએ ખૂબ મહેનત કરી છે. નાવ યુ એન્જોય. પ્રિયાએ કહ્યું.
બેટા, આટલો બધો ખરચો ન પોષાય. રમણિકભાઈએ કહ્યું.
ડેડી, અમારા બધા તરફથી તમને અને મોમને આ સરપ્રાઈઝ ગિફટ છે.
મુંબઈના ઈંટરનેશનલ એરટર્મિનસ પર કેતને વિશેષ વ્યવસ્થા કરી હતી કે જેથી ચેકિંગમાં કે એ ટુ ટર્મિનસ શોધવામાં મોમ-ડેડને કોઈ તકલીફ ન પડે.
ન્યૂયોર્ક ટર્મિનસ પર પણ રાજીવનો મિત્ર ઓનડ્યૂટી હતો.
આ વર્ષે મોમ-ડેડ સાથે રાજીવ અને માધુરીએ તેમના ઘરે નવરાત્રિનો ઉત્સવ બમણા આનંદથી માણ્યો, અઢી વર્ષનો મયંક તો દાદા-દાદીની આંગળી જ ન છોડે.
નવરાત્રિ પૂરી થતાં જ કેતને એક વીડિયો કોલ કર્યો અને બંને ભાઈઓએ મોમ-ડેડને એક નવી સરપ્રાઈઝ આપતાં કહ્યું- મોમ-ડેડ 14દિવસની લોંગ યુ.એસ.ટૂર એન્જોય કરો.
રાજીવે ટૂરની આખી ફાઇલ આપી જેમાં કયા દિવસે કયાં જવાનું છે. કેવી રીતે જવાનું છે. કઈ હોટલમાં રહેવાનું, સાઈટસીનની ચોક્કસ માહિતી આપી હતી. બધું જ એડવાન્સ બુકિંગ થઈ ગયું હતું.
રમણિકભાઈ અને હંસાબેનને નવી દુનિયા જોવાનો આનંદ તો હતો. પણ વિદેશની યાત્રાનો આ પ્રથમ પ્રવાસ જેટલો રોમાંચક એટલો જ પડકાર રૂપ.
નવો દેશ, અજાણ્યા લોકો, અજાણી ભાષા અને વિદેશમાં શું ભારતમાં પણ કયારે ય લાંબા પ્રવાસનો અનુભવ નહીં. રમણિકભાઈને થયું કે આ તો મારી ખરી કસોટી છે.
પહેલા જ પડાવમાં કસોટી થઈ. લાસ વેગાસ જવા ડોમેસ્ટીક એરપોર્ટ પર પહોંચ્યા તો મશીનમાં એમની ટિકિટ ઓ.કે. થતી ન હતી. રમણિકભાઈ મૂંઝાયા. ત્યાં ડ્યૂટી પરના એક વિદેશીએ કહ્યું- તમારે ટર્મિનલ- 3 પર જવાનું છે. અને તમે ટર્મિનલ એક પર આવ્યા છો. પણ ચિંતા ન કરો અમે મેસેજ મોકલીએ છીએ, અમે તમને ત્યાં પહોંચાડી દઈશું.
જો, પેલા વિદેશીએ મદદ ન કરી હોત તો એ લોકો પ્લેન મીસ કરત. પ્રવાસનું શેડયૂલ ચૂકી જાત. હંસાબેને કહ્યું- ભગવાન તારું ભલું કરે.
પેલો મૂંઝાઈ ગયો. હાથના ઈશારાથી કહેવા લાગ્યો-વોટ હેપન?
રમણિકભાઈએ કહ્યું- શી સેઝ ગોડ બ્લેસ યુ.
લાસ વેગાસ એરપોર્ટ પર ઊતર્યા ત્યારે મિ.રમણિક મહેતાનું પાટિયું લઈને હોટલના બે માણસો રાહ જોતા ઊભા હતા. હોટલની કારમાં સામાન ગોઠવીને રમણિકભાઈ અને હંસાબેન પાછલી સીટમાં ગોઠવાયા, અને આ અજાયબ દુનિયા જોઈને રોમાંચ અનુભવતા હતા.
એમ.જી. ગ્રાન્ડ હોટલ પાસે આવીને કાર ઊભી રહી. મુંબઈની તાજમહાલ હોટેલ કરતાં પણ ભવ્ય અને શાનદાર હોટેલ જોઈને હંસાબેન બોલ્યા- આપણે આ હોટેલમાં રહેવાનું છે ?- આ તો બહુ મોંઘી હશે. સામાન પણ ઊંચકવાનો નહીં-ને પાછા બધા આપણને સલામ ભરે.
હોટલના મેનેજરે રમણિકભાઈને કહ્યું- કાલે સવારે તમારે આઠ વાગે આવી જવાનું છે. તમારે ડોમેસ્ટિક એરપોર્ટ પર સવારે 11 વાગે પહોંચવાનું છે. હેલિકોપ્ટર તમને ગ્રાન્ડકેનીયન વેલી લઈ જશે. ઈટ્સ વંડર્સ ઓફ વર્લ્ડ.
રમણિકભાઈએ જરૂરી માહિતી મેળવી લીધી.
એમ.જી. ગ્રાન્ડ હોટલના 28મા માળેથી લાસવેગાસ શહેરનું રમણીય રૂપ જોવાનો આનંદ લેતા હંસાબેન અને રમણિકભાઈ સૂઈ તો ગયા, પણ રમણિકભાઈએ તો ગંભીરતાથી પેલી ફાઈલને ફરીથી વાંચી, જેથી કયાંય કોઈ ગરબડ ન થઈ જાય, આ દેશ પણ અજાણ્યો- લોકો પણ અજાણ્યા. બોલે તો અંગ્રેજી પણ ઉચ્ચાર એવા કે તરત ન સમજાય.
મેનેજરે કહ્યું હતું તે પ્રમાણે બરાબર આઠ વાગે હોટલના મેઈનગેટ પાસે રમણિકભાઈ અને હંસાબેન ઊભા રહી ગયા. સાડા આઠ વાગી ગયા પણ બસ આવી નહીં.
સાડા આઠ વાગી ગયા, હજુ સુધી બસ કેમ નથી આવી? રમણિકભાઈએ મેનેજરને પૂછ્યું.
ઓહ, યોર બસ ફોર ગ્રાન્ડકેનીયન હેઝ ઓલરેડી લેફ્ટ- આય એમ સોરી યુ મીસ્ડ ધ બસ.
બટ વી આર વેઈટિંગ હીયર ફ્રોમ કવોટર ટુ એઈટ. ધે ડીડ નોટ કોલ અવર નેમ એન્ડ લેફટ અસ લાઈક ધીસ!
રાઈટ સર, યુ વેર વેઇટિંગ, બટ યુ શુડ નોટ વેઈટ હીયર, બટ યુ શુડ વેઈટ એટ પીક અપ પોઈંટ.
સો નાવ પ્લીઝ હેલ્પ અસ. વોટ શુડ બી ડન. જો અમે ત્યાં સમયસર ન પહોંચીએ તો વી વીલ મીસ અવર ગ્રાન્ડકેનીયન વેલી પોઈંટ.
સર. વી કેન એરેન્જ સ્પેશિયલ કેબ ફોર યુ. બટ યુ હેવ ટુ પે ફોર ઈટ.
ઓ.કે. નો પ્રોબ્લેમ, બટ વી શુડ રીચ ટુ ડોમેસ્ટિક એરપોર્ટ ઈનટાઈમ.
પાંચ મિનિટમાં જ પ્રાયવેટ ટેક્ષી આવી ગઈ. મેનેજરે કહ્યું- એન્જોય યોર ટૂર, સર.
હંસાબેન અને રમણિકભાઈ ટૅક્સીમાં બેઠા પણ ભારે ટેન્શનમાં હતા. આ ટૅક્સીવાળો જો સમયસર એરપોર્ટ પર નહીં પહોંચાડે તો? ફલાઈટ ચૂકી જઈશું. રમણિકભાઈએ ચિંતાતુર થતા કહ્યું.
અરે,રાજીવે કહ્યું હતું કે એણે ખાસ આપણા માટે નાનું ચાર્ટર પ્લેન કર્યું છે. હવે આપણે પહોંચી ન શકીએ તો એના કેટલા બધા પૈસા ફોગટ ગયા. હંસાબેન અકળાઈ ગયા.
ટૅક્સીડ્રાઇવર આ વૃધ્ધદંપતીની વ્યગ્રતા કળી ગયો. ઇન્ડિયન સરદારજીએ હસતા હસતા વાત શરૂ કરી.
સર, યુ આર ફ્રોમ ઇન્ડિયા?
યસ.
ફ્રોમ ગુજરાત ? નો, ફ્રોમ મુંબઈ.
સર, મૈં ઇન્ડિયન હૂં ઔર અભી બીસ સાલ સે ટેક્ષી ચલા રહા હૂં. આપકો દેખકે મુઝે પંજાબ કે ગાંવમેં રહેતે મેરે બૂઢે મા-બાપ કી યાદ આ ગઈ.
હાં, હાં, લેકીન ભાઈસાબ ટૅક્સી જરા જલદી ચલાઓ નહીં તો હમારા પ્લેન છૂટ જાયેગા. અકળાઈને હંસાબેને કહ્યું.
રમણિકભાઈએ કહ્યું- ઔર કીતના દૂર હૈ?
સર. આપ ચિંતા મત કરો, હમ સમય પર પહોંચ જાયેંગે.
એક વિદેશી ટૅક્સીચાલક આ પ્રવાસીમાં પોતાના માતા-પિતાને જોતો હતો, એમની ચિંતા દૂર કરવા માંગતો હતો. જયારે વિદેશની આ ધરતી પર આ આશ્રિતદંપતીને આ યુવાટૅક્સી ચાલકના હાસ્યમાં પોતાના દીકરા કેતન અને રાજીવ જ દેખાતા હતા. અડધા કલાકમાં જ એરપોર્ટ પર ટૅક્સી પહોંચી ગઈ. ટૅક્સી ડ્રાઇવરે કહ્યું- આન્ટી યુ રીચ્ડ ટુ યોર ડેસ્ટિનેશન. દેખો પ્લેન ટેકઓફ હોને મેં બીસ મિનિટ બાકી હૈ.
હંસાબેને ટૅક્સીડ્રાઇવરના માથે હાથ મૂકતાં કહ્યું- ભગવાન તુઝે ખુશ રખે.
માજી અમરિકા મેં સબ મિલતા હૈ, મગર મા જૈસી દુવા નહીં મિલતી.
હેલિકોપ્ટરમાં બેસીને હંસાબેન અને રમણિકભાઈએ ગ્રાન્ડ કેનીયન વેલીનો તથા અન્ય રમણીય સ્થળોનો અદ્ભુત આનંદ માણ્યો પણ એ વિદેશી ટૅક્સીડ્રાઇવરની ઉષ્મા એમના હૈયે જડાઈ ગઈ.