આજે આટલું જઃ આજે પણ કેમ રપા…

-શોભિત દેસાઈ
આજે પણ રપા એટલા માટે કે મને, શોભિત દેસાઇને ઉર્દૂના સરસ શાયર ઝદીદ એટલે કે નવસંસ્કરિત શાયર મહમ્મદ અલ્વીનો એક શેર એટલો ગમી ગયો હતો આજથી 46 વરસ પહેલાં દિલ્હી દૂરદર્શનનો એક બ્લેક એન્ડ વ્હાઇટ મુશાયરો જોતા/સાંભળતા.
કી હૈ ખૈરાત ઇસી દર સે કભી
આજ ઇસી દર પે સદા દેતે હૈં
કે મને આ આખો વિચાર બીજી રીતે ગુજરાતીમાં મુકવાનું મન થઇ આવ્યું. અને મેં એને આમ મુકયો.
અહીં જ રહેતો હતો દાન આપવાનો સમય
મને અહીં જ લઇ આવ્યો માગવાનો સમય.
એ વખતના અમારા એક વડીલ મિત્રની આવી હાલત પણ થઇ ગયેલી. પોતાના સમયમાં કૈં કેટલાયને પાળનાર/પોષનારને પોતાને પોષણ માટે ટહેલ નાખવી પડે એવી હાલત… પણ આ વિચાર મહંમ્મદ અલ્વીનો છે અને હું જે કરું એને તફડંચી (પ્રજ્ઞાચોરી મોરારિબાપુ)નું લેબલ ન લાગે એ બીકે આ ગઝલ આગળ વધારી જ નહીં. એક જ શેર એમનો એમ રાખી મુકયો છે. ઇમાનદારી વિશે એટલું જ જાણું છું કે રુશ્વત પાંચ રૂપિયાની હોય કે 5 લાખની બન્નેને કાદવ સમજીને કમળવત રહેવું એ ઇમાનદારી.
આ પણ વાંચો: આજે આટલું જ : અતિ માહિતીનું અદોદળાપણું અત્યંત ઘાતક…2
તો રપા એટલે કે ગુજરાતીના મહાકવિ રમેશ પારેખે તો આલા ખાચરનું એક પાત્ર સર્જીને માગવાના સમયને આપવાનો સમય સમજીને જીવતા ખખડધજ રાજવંશીઓનું અભૂતપૂર્વ નિરુપણ કર્યું છે…
એમાંની એક કવિતા આજે તમારા માટે ખાસ…
બાપુનું હાં રે અમે ગ્યાતા..
નવરાતરી આવી છ્.
બાપુ કહે ભગલા,
રામગર બાવો તો આરડે છ્.
ગરબી તો અમે ગવરાવતા.
ઈ ય એવી કે
જોગણિયું વાદાકોદ કરે
હું રમું ને તું નહીં; હું રમું ને તું નહીં.
ભગલે ઈ વાતનો ઢંઢેરો પીટ્યો
એટલે જુવાનિયાઉએ હઠ લીધી
બાપુ ગરબી ગવરાવે તો હા, નીકર ના.
આવા માતાજીના કામમાં
બાપુથી ના નો પડાણી ક્યે
ભલે ત્યારે, ગવરાવશું,
એક એકનું માથું ભાંગ એવી ગરબી.
હડૂડૂડૂ કરતા સૌ થ્યાં ભેળાં.
રોશનિયું-બોશનિયું થઈ ગઈ છ્
હૈયેહૈયું દળાય છ્.
જુવાનિયા અમથાઅમથા
ડાંદિયા ઉલાળે છ્
સૌના પગમાં હરખ આંટો વાઢી ગ્યો છ્
વ્રેમાંડ લગી ઉતાવળ્યું આંબી ગૈ છ્
ઓહોહોહો, બાપ આજ તો ઘણી ગરબી ગવારે છ!
બાપુ મૂછ ઝાટકી
ખોંખારો ખાઈ ઉપાડે છ્ ગરબી
હાં રે મને ગ્યાતાં
ને શિવો ગોર ઓટલેથી બરાડ્યો
એલા અહૂરું ઘંટી કોણ ફેરવે છ્?
કિકિયારામાં કોઈને સંભળાણું નહીં.
ભગલો ક્યે
કોઈ સાંભળતું નથી, બાપુ,
સાવઝ જેવો અસલી અવાજ કાઢોને!
લે ત્યારે, એમ બોલી
બાપુએ મ્યાનમાંથી તલવાર્ય કાઢતા હોયએમ
ગળામાંથી આંતરડાતોડ હાંક કાઢી
હાં રે અમે ગ્યાતા
ને સરરર કરતું કાંક ફાટ્યું.
એકબે ધાવણાં બી ગ્યાં.
બાયું ભેરાંટી રહી.
જુવાનિયા ડાંડિયા ફેંકીને દોડ્યા શું થિયું, શું થિયું?
ભગલો ક્યે
થાય શું? ઈ તો બાપુએ ગરબી ગવરાવી.
ભગલાએ ફોડ પાડ્યો ને બાપુને પોરસાવ્યા
થાવા દ્યો બાપ, થાવા દ્યો.
બાપુએ છાતી ફુલાવી પોઝિશન લીધી.
એક હાથ લાંબો કર્યો.
બીજા હાથને કાન પર મૂક્યો.
પછી હોઠ હલ્યા.
જડબાં ઊઘડ્યાં.
છાતી ઊંચીનીચી થઈ.
આંખ્યું તગતગી.
મૂછો થથરી.
પરસેવા હાલ્યા.
ત્યારે ઊંદરડી મૂતરે એટલોક અવાજ નીસર્યો
હાં રે અમે ગ્યાતા
ભગલો બોલ્યો
અરેરે, તમારો અવાજ તો
સાવ બેસી ગ્યો, બાપુ
બાપુ મૂછે તાવ દઈને બોલ્યા
બેસે જ ને?
એક હાંકે દુશ્મનની છાતીયું
બેસાડી દઈએ તો અવાજ તે શી વિસાતમાં?
-રમેશ પારેખ
આજે આટલું જ…