આજે આટલું જ : એક કરોડ રૂપિયાની શોભિતકુલની રીત -તમારા ચહેરાનું સ્મિત

-શોભિત દેસાઈ
થોડા સમયથી મામલો વધુ પડતો સિરિયસ થઈ ગયો છે, એટલે આજે તમને પેટ ‘સાફ’ થઇ જાય એટલા હસાવવા છે.
તૈયાર થૈ જજો (2)
નાત ભાત જાત તારી કોઈ પણ હજો.
કેવળ હસવાનું ભજો
ઓરિજિનલ શૌર્યગીતની કેવી બેન્ડ બજાવી દીધી, મજા પડી ને! હાહાહાહાહા
બહુ જ રમૂજી વોટ્સએપ મળ્યું છે મને, જેમાં એક કોમિક છોકરી હિન્દીમાં બોલે છે :
*તમને ખબર છે ગુજરાતી લોકો નોકરીને બદલે પોતાનો ધંધો કેમ કરે છે ? એમને સંબંધો બહુ સાચવવાના હોય છે. વહેવાઆઆઆર… એક કપલ લગન કરે તો એયને 6-7 દિ ની રજા. ગોળધાણાનો વહેવાર, બેઠકનો વહેવાર, જમાઈને આવકારવાનો વહેવાર, જ્યાં લગી લગન ન થાય ત્યાં લગી વેવાઈને ત્યાં રોજ સાંજે બેસવા ઉઠવાનો વહેવાર. ‘નહીં જઇએ તો ખોટું લાગે-પછી આપણામાં કોણ આવે ?!’ હમણાં અંબાણીઓએ રિહાનાથી લઇ ને જ્હોનસીના સુધી બધાને બોલાવ્યા… કારણ?! ગુજરાતી વહેવાર. મોદીજી હેલિકૉપ્ટરમાં બેસીને કેમ જાય છે અલગ અલગ દેશમાં નેતાઓને મળવા? કારણ? ગુજરાતી વહેવાર… એ પણ પાછા જતા હશે કવર લઇને 501નું, પછી અમિત શાહ કહેતા હશે કે નહીં ભાઈ, આપણે કૈં જરૂર નથી એટલા બધાની, એમણે 101નો વહેવાર જ કરેલો. હવે જીત્યો જ છે તો ભલે થોડા ફ્રૂટ્સ, એથી વધારે કંઈ નહીં. પછી મોદીજી કહેતા હશે: નહીં નહીં હું બહુ બિઝી છું. પછી અમિત શાહ કહેતા હશે : અરે જઈ આવોને ?! મોઢું દેખાડી ને હાજરી પુરઈ (અમદાવાદી)આવો. પછી આપણામાં કોણ આવશે? આ તો કંઈ નથી – કોઈ વિદેશ જતું હોય તો એના ઘરે જઈ ‘આવજો’ કહેવાનો વહેવાર, એક્ઝામ હોય તો ‘ઓલ ધ બેસ્ટ’ કહેવાનો વહેવાર, કોઇને ડેંગ્યુ થયો હોય તો એને ઘેર જઈને ખબરઅંતર પૂછવાનો વહેવાર, તે ત્યાં સુધી કે ડેંગ્યુનો દર્દી સાજો થઈને રસોડામાં મુલાકાતીઓ માટે ચા બનાવતો હોય. તો એક નોર્મલ માણસની તો બધી રજાઓ આમાં જ વપરાઈ જાય. હવે એવી તો કઈ નોકરી છે કે જે જમાઈ જમણ માટે કે કોઈનો ખોળો ભરવા કે કોઈનું બેસણું ઉઠાવવા માટે આટલી બધી રજા આપે ?! એટલે જ ગુજરાતીઓ પોતાની દુકાન કે પોતાનો ધંધો જ શરૂ કરી દે છે. આ પેશન નથી, ભાઈ આ કંપલશન છે…
આ પણ વાંચો: આજે આટલું જઃ આજે પણ કેમ રપા…
વિદેશમાં, ભણેલી અને સુધરેલી ગણાતી વાઈફ જ્યારે પણ*
એવરી વીક એન્ડ આવે ત્યારે પોતાના હસબન્ડ ને પૂછે કે:
‘બોલો આજે જમવામાં શું બનાવું ?’
અને જ્યારે ઓલવેઝ પતિ પ્રેમથી પૂછે:
‘બોલ તું શું જમાડવા માગે છે ?’
ત્યારે પત્નીની ઉભરાતી લાગણીઓ ઉપરથી આ એક સરસ કવિતાની રચના કરવામાં આવી છે, જે તમને ચોક્કસ ગમશે જ..
મારા ભરથાર ! વીક એન્ડમાં તમને શું જમાડું ? …(2)
સાત પકવાન ફ્રીઝમાં સૂતા છે, કહો તો તેને જગાડું…
મારા ભરથાર વીક એન્ડમાં
તમને શું જમાડું ?
એકમાત્ર છે સત્ય એ અને બાકી બધા છે જુઠિયા
સોમવારની સબ્જી પડી છે,
ને મંગળવારના મૂઠિયાં !
કહો તો તેને બહાર કાઢીને,
માઇક્રોઓવનમાં ગરમાડું.
મારા ભરથાર ! વીક એન્ડમાં
તમને શું જમાડું ?
તાજી રસોઈની બાબતમાં તમે પડવાના ખોટા
બુધવારની બિરયાની પડી છે, ને ગુરુવારના ગોટા !
કહો તો બહાર કાઢીને,
ફરી નવા તેલમાં એમને ડુબાડું?
હે મારા નાથ! તમે ના દેખતા આડું
મારા ભરથાર !વીક એન્ડમાં તમને શું જમાડું ?
એ કેટલા ગોળમટોળ સ્વાદિષ્ટ અને છે ભલા
શુક્રવારના શિરા સાથે શનિવારના થેપલા !
કહો તો તેને બહાર કાઢીને,
ફરી નવા ઘીએ કામે લગાડું
મારા ભરથાર વીક એન્ડમાં
તમને શું કરી જમાડું?
રવિવારે સવારે તો મંદિરમાં પેટ ભરેલું
અને સાંજ માટે ત્યાંથી જ લાવ્યા’તા ખીચડી ઘરેલુ!
તમે તો જાણો જ છો , બસ આમ જ હાલ્યું છે આપણું વર્ષોથી ગાડું
મારા ભરથાર વીક એન્ડમાં
તમને બીજું તો શું જમાડું ?
આ કવિતા વાંચ્યા બાદ તમને લાગતું હોય કે તમારા જેવા નસીબદાર ભારતવાસી ને ગરમાગરમ જમાડવાવાળી ગુણવાન પત્ની મળી છે તો તેની કદર કરજો.
મૂળ કવિ : અણજાણ
મોકલનાર : રમેશ વોરા
સંપૂર્ણ ર્જીણોદ્ધાર: શોભિત દેસાઇ
આજે આટલું જ