સુખનો પાસવર્ડ -આશુ પટેલ
૧૮૯૨ના જૂન મહિનાની ૨૬ તારીખે અમેરિકાના પશ્ર્ચિમ વર્જિનિયાના હિલ્સબરોમાં એક છોકરીનો જન્મ થયો. એ છોકરીનું નામ માતા-પિતાએ પર્લ પાડ્યું. પૂરું નામ હતું પર્લ
કમ્ફર્ટ સાયડેનસ્ટ્રીકર. તેનાં માતા-પિતા અમેરિકન હતાં, પણ એ ચીનમાં મિશનરી તરીકે કામ
કરતાં હતાં.
ચાઈનીઝ લોકોને ખ્રિસ્તી ધર્મ તરફ વાળવા માટે (સીધી અને સરળ ભાષામાં કહીએ
તો, ધર્મ પરિવર્તન કરાવવા માટે) એમની વચ્ચે રહેતાં હતાં.
પર્લનાં માતા-પિતા ચાઈનીઝ પોશાક પહેરતા અને એમની રહેણીકરણી ચાઈનીઝ લોકો જેવી જ હતી.
પર્લનો જન્મ થયો ત્યારે માતા અમેરિકા હતી, કારણ કે પર્લનાં માતા-પિતાએ નક્કી કર્યું હતું કે આપણે આપણાં સંતાનને અમેરિકામાં જ જન્મ આપીશું. પર્લ પાંચ મહિનાની થઈ પછી જ માતા-પિતા એને ચીન લઈ ગયાં. એ વખતે ઝેનજીયાનમાં રહેતાં હતાં. પર્લનો ઉછેર ચીનમાં જ થયો એટલે એ માતૃભાષા અંગ્રેજી શીખતાં પહેલાં જ ચીની ભાષા બોલતી થઈ ગઈ હતી.
પર્લ આઠ વર્ષની હતી ત્યારે ૧૯૦૦ના વર્ષમાં ચાઇનીઝ લોકો દ્વારા વિદેશી લોકો વિરુદ્ધ આક્રોશ ઠાલવતો બળવો (જે ‘બોક્સર બળવા’ તરીકે દુનિયાભરમાં જાણીતો થયો હતો) થયો. એટલે માતા-પિતાએ ઝેનજીયાનથી જીવ બચાવીને શાંઘાઈ નાસી જવું પડ્યું. પર્લનાં માતા-
પિતાએ પર્લને ભણવા માટે અમેરિકા મોકલી
દીધી. પર્લે અમેરિકામાં ગ્રેજ્યુએશન કર્યું અને ૧૯૧૪માં તે ફરી ચીન પરત આવી. એણે પણ માતા-પિતાની જેમ જ મિશનરી બનવાનું પસંદ કર્યું.
૧૯૧૭માં અમેરિકન મિશનરી જોહન લોસિંગ બક્સ સાથે પર્લનાં લગ્ન થયાં. એ સમયમાં પર્લ ફરી નાનજિંગ રહેવા ચાલી ગઈ હતી. પર્લનું લગ્નજીવન બહુ જ અશાંત હતું લગ્નજીવનમાં પારાવાર મુશ્કેલીઓ સહન કરવી પડી હતી. ૧૯૨૭નાં વર્ષમાં ચીની ક્રાંતિકારીઓએ નાનજિંગ પર હુમલો કરીને વિદેશીઓને લૂંટીને મારી નાખવાનું શરૂ કર્યું.
પર્લ અને એનાં સંતાનો પર પણ જોખમ તોળાઈ રહ્યું હતું. એ વખતે પર્લની એક ચાઈનીઝ બહેનપણી મદદે આવી. પર્લને અને બાળકોને પોતાના ઘરમાં છુપાવી લીધાં. એ વખતે ખૂબ જોખમો ઉઠાવીને પર્લ પોતાનાં બાળકો સાથે એક અમેરિકન જહાજ પર પહોંચી અને ચીનથી નાસીને એણે જાપાનમાં આશ્રય મેળવ્યો.
પર્લની એક દીકરી કેરોલ સ્પેશિયલ ચાઈલ્ડ હતી એટલે કે એનો વિકાસ અન્ય બાળકોની
જેમ થયો નહોતો. એ માનસિક – શારીરિક
અક્ષમ હતી. કેરોલની સંભાળ માટે અને પોતાનું ગુજરાન ચલાવવા માટે પર્લને પૈસાની જરૂર હતી. પર્લે કલમ ઉઠાવી અને નવલકથા લખવાનું
શરૂ કર્યું.
જો કે કોઈ લેખક લખવાનું શરૂ કરે એ સાથે કંઈ તરત જ તેને પ્રકાશક મળી ન જાય. પર્લે પણ પ્રકાશક શોધવા માટે મથવું પડ્યું. ખૂબ કોશિશ પછી એક પ્રકાશન સંસ્થાએ એની સાથે કરાર કર્યો. એ પ્રકાશન સંસ્થા માટે પર્લે એક પુસ્તક લખ્યું.
એ પુસ્તક બહુ ચાલ્યું નહીં, પરંતુ એ પછી તેણે બીજું પુસ્તક લખ્યું ‘ધ ગુડ અર્થ’. એ પુસ્તક બેસ્ટ સેલર બન્યું. અને પર્લની આર્થિક તકલીફ દૂર થઈ. એ પછી તો એ પુસ્તકનાં અનેક ભાષામાં અનુવાદ થયાં. ત્યાર બાદ ૧૯૩૨માં પર્લને અમેરિકાનું પ્રતિષ્ઠિત ‘પુલિઝર પ્રાઈઝ’ મળ્યું એટલે દુનિયાભરના લોકો તેને પર્લ બક તરીકે ઓળખતા થઈ ગયા.
યસ, આ વાત છે જગમશહૂર લેખિકા પર્લ બકની. જે ૧૯૩૮ના વર્ષમાં સાહિત્યકાર તરીકે નોબલ પારિતોષિક વિજેતા બન્યાં હતાં.
એમણે નવલકથાઓ ઉપરાંત નવલિકાઓ, નિબંધો, જીવનચરિત્રો સહિત સાહિત્યનાં કેટલાય પ્રકારોમાં ખેડાણ કર્યું. નવલકથાકાર તરીકે દુનિયાભરમાં નામના મળી. પર્લે એંસી પુસ્તકો લખ્યાં એમાંનાં કેટલાંક પુસ્તકો જહોન સેજિસ’ના ઉપનામે લખ્યાં. લેખન એમના માટે જીવન બની ગયું હતું.
પર્લે ૧૯૩૫ના વર્ષમાં પ્રથમ પતિ જોન બકથી છૂટાછેડા લઈ લીધા અને એ જ દિવસે રિચાર્ડ જોન વોલ્શ
સાથે લગ્ન કરી લીધાં. બીજાં લગ્ન પછી એમનું જીવન સરળ બન્યું અને એમણે નવીનવી પ્રવૃત્તિઓ શરૂ કરી.
પર્લ બકનો દ્રષ્ટિકોણ ઉદાર માનવતાવાદી હતો. એ માનતા હતા કે વંશભેદ, વર્ણ ભેદ, નાતિ ભેદ એવા બધા ભેદોને વટાવીને માણસોએ વિશાળ વિશ્ર્વ કુટુંબના અંશ તરીકે જીવવું
જોઈએ.
એમને લાગ્યું કે પૂર્વ અને પશ્ર્ચિમ વચ્ચે કોઈ સેતુ બનાવવો જોઈએ એટલે એમણે ‘ઈસ્ટ એન્ડ વેસ્ટ એસોસિએશન’ નામની એક સંસ્થા શરૂ કરી, પરંતુ એ સમયમાં અમેરિકા બીજા વિશ્ર્વ યુદ્ધમાં જોડાયું એટલે એ સંસ્થા પડી ભાંગી. જો કે પર્લ એનાથી નિરાશ ન થયાં.
એમણે અમેરિકન સૈનિકોની એશિયન પત્નીઓનાં બાળકોને અમેરિકન કુટુંબમાં દત્તક લઈને અમેરિકામાં વસાવવા માટે એક બીજી સંસ્થાની સ્થાપના કરી , જેનું નામ તેમણે વેલકમ હાઉસ’ રાખ્યું. એમણે પોતે પણ નવ બાળકોને દત્તક લીધાં. આવાં બાળકોને એમના પોતાના જ દેશમાં સહારો અને આશ્રય મળી રહે તેવા હેતુથી તેમણે ‘પર્લ એસ બક ફાઉન્ડેશન’ નામની એક સંસ્થાની પણ સ્થાપના કરી.
પર્લ બકને જીવન દરમિયાન અકલ્પ્ય સફળતા મળી. જો કે, એમની બે ઇચ્છા અધૂરી રહી
ગઈ હતી. એ મૃત્યુપર્યંત ચીન પ્રત્યે લાગણી ધરાવતાં હતાં. એ ફરી એક વાર ચીનની મુલાકાત લેવા ઇચ્છતાં હતાં, પરંતુ ચાઈનીઝ સરકારે ચીનની મુલાકાત માટે મંજૂરી આપી ન હતી. એ સિવાય એમની અન્ય એક ઇચ્છા પણ અધૂરી રહી ગઈ. જીવનના અંતિમ દિવસોમાં ‘ધ ગુડ અર્થ’નાં પાત્રોના વંશજોની કથા ‘ધ રેડ અર્થ’ લખી રહ્યાં હતાં, પરંતુ તે પૂરી ન થઈ શકી. ૧૯૭૩ના માર્ચ મહિનાની છઠ્ઠી તારીખે વરમોન્ટમાં એંસી વર્ષની ઉંમરે છેલ્લો શ્ર્વાસ લઈ લીધો.
પર્લ બકનું નામ ન સાંભળ્યું હોય એવા વાચકો માટે એક રસપ્રદ.
૧૯૬૫માં દેવ આનંદે વિખ્યાત ભારતીય લેખક આર.કે. નારાયણની નવલકથા પરથી ‘ગાઈડ’ ફિલ્મ બનાવી હતી. એ ફિલ્મનું દિગ્દર્શન દેવ આનંદના ભાઈ વિજય આનંદે કર્યું હતું. અને એ ફિલ્મમાં દેવ આનંદની સાથે નાયિકા
તરીકે ઉત્કૃષ્ટ અભિનેત્રી વહિદા રહેમાને
અભિનય કર્યો હતો. એ ફિલ્મ ભારતમાં સુપરહિટ સાબિત થઈ હતી. એ ફિલ્મ અંગ્રેજીમાં પણ બની હતી. એ ફિલ્મ અંગ્રેજીમાં પર્લ બકે લખી હતી (પર્લ બકે ભારતને કેન્દ્રમાં રાખીને પણ એક નવલકથા લખી હતી, જેનું નામ હતું, ‘કમ માય બિલવેડ’).
જો કે અંગ્રેજીમાં બનેલી એ ફિલ્મ અમેરિકામાં બોક્સ ઓફિસ પર બહુ ખરાબ રીતે પિટાઈ ગઈ હતી. અંગ્રેજી ભાષામાં બનેલી ‘ગાઈડ’માં પણ હિરોઈન તરીકે વહિદા રહેમાનને તક આપવાનો આગ્રહ દેવ આનંદે રાખ્યો હતો, પરંતુ
અંગ્રેજી ફિલ્મના નિર્માતા-દિગ્દર્શક ટેડ ડેનિયલેવ્સકીએ એમની એ વાત માની ન હતી. ‘ગાઈડ’ ફિલ્મનાં તમામ ગીતો ખૂબ લોકપ્રિય સાબિત થયાં એમાંના એક ગીતને તો અપ્રતિમ સફળતા મળી હતી. એ ગીત એટલે ‘આજ ફિર જીને કી તમન્ના હૈ…’
પર્લ બકે જીવન દરમિયાન ઘણી તકલીફો વેઠી એમ છતાં એમનાં જીવનને એ ગીત બરાબર બંધબેસતું છે!