ઉત્સવ

એક ઘઉંની કણક, જેમ રાંધો તેમ ખરી

ઝબાન સંભાલ કે -હેન્રી શાસ્ત્રી

આવતી કાલે પહેલી જુલાઈ. ગુજરાતીમાં પ્રગટ થયેલું સૌપ્રથમ અખબાર ‘મુંબઈ સમાચાર’ ૨૦૨ વર્ષ પૂરાં કરશે. ગુજરાતી અખબારોની યાદીમાં એક નંબરના સ્થાને બિરાજવાની અનન્ય સિદ્ધિ કાયમ ‘મુંબઈ સમાચાર’ના નામે રહેશે. પહેલાથી પહેલ કરનાર ‘મુંબઈ સમાચાર’નું નામ ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાઈ ગયું છે. એક પ્રથમ આંક છે અને અહીંથી જ શરૂ થાય છે આંકડાની માયાજાળ. એક જીવ જ્યારે બીજા જીવના સહવાસમાં આવે એ પછી સંસારની રચના થાય છે. શબ્દ એકના અર્થ છે અનેક. ભાષામાં સરસ રીતે વણાઈ ગયેલા એકના અનેક સ્વરૂપની ઝલક જોઈએ. સંત કબીરનો જાણીતો દુહો છે: એક કબીરા જલ બસે, એક જલ કે તીર, મૈં તને પૂછું પંડિતા! ઉનમેં કોણ કબીર? સાચો કબીર કોણ એવો સવાલ કરવામાં આવ્યો છે. કદ પરથી શક્તિનું માપ કાઢીએ તો ક્યારેક ખોટા પડવાની શક્યતા રહેલી છે. આ વાત એક ઘઉંની કણક, જેમ રાંધો તેમ ખરી સુપેરે સમજાવે છે. ઘઉંના લોટમાંથી કણક તૈયાર થાય ત્યારે દેખાવમાં નાની લાગે, પણ એમાંથી ઘણા લોકોને પીરસી શકાય એટલી રોટલી બનાવી શકાય. એક કાને સાંભળી બીજા કાને કાઢી નાખવું કહેવતનો અર્થ છે સાંભળ્યું ન સાંભળ્યું કરવું, અત્યંત બેદરકારી દેખાડવી. શાસ્ત્રમાં કહ્યું છે કે ષટકર્ણો ભિદ્યતે મંત્ર: મતલબ કે છ કાન સુધી પહોંચેલી વાત છાની નથી રહેતી, જાહેર થઈ જાય છે. એક અનન્ય હોય તો ક્યારેક એક ખુવારી કરનાર પણ હોય. એક સડેલી કેરી ટોપલામાં રહેલી બાકીની બધી સારી કેરી બગાડી નાખે. આ ભાવાર્થની કહેવત છે કે એક જારના છોડમાં અંગારિયો આવે તો આખું ખેતર બાળે. અંગારિયો એટલે અગ્નિ – દેવતા કે દેવતાનો તણખો. માત્ર એક તણખો પડવાથી જુવારનું સમગ્ર ખેતર બળીને ખાખ થઈ જાય. અમુક વસાહત એવી હોય જ્યાં રહેતા લગભગ બધા લોકો કાયમ કજિયા – કંકાસ કરતા હોય. એ દર્શાવતી કહેવત છે કે એક ગામમાં બે નકટા વસે. ખાસડાં પડે ને ખડખડ હસે, આણીગમ લડે ને પેલીગમ હસે.
અનેક શબ્દો માટે એક શબ્દ
ગુજરાતી સહિત અનેક ભાષાઓનો વૈભવ અનન્ય હોય છે. કોઈ વાત સમજાવવા માટે પાંચ છ કે સાત શબ્દના વાક્યની જરૂર પડે એ જ વાત માટે એક શબ્દ પણ હોય છે. આજે આપણે એવા એકલવીર શબ્દો જાણીએ જે ઓછા જાણીતા છે, પણ જાણવાથી આપણા ભાષા જ્ઞાનનો વિસ્તાર થાય છે. કોઈના હસ્તાક્ષર સુંદર (મોતીના દાણા જેવા) હોય એવી વ્યક્તિ માટે શબ્દ છે ખુશનવીસી. આ શબ્દની વ્યુત્પત્તિ સમજવા જેવી છે. નવીસી એટલે લખવાની ક્રિયા અથવા લખાઈ. નવીસીદો કે નવીસંદો એટલે સારા અક્ષરે લખનાર લહિયો. ખુશ એટલે આનંદ અથવા સરસ ભાવ જગાડનાર વસ્તુ કે અવસ્થા. એના પરથી તૈયાર થયો શબ્દ ખુશનવીસી. કેવી સુંદર અને જ્ઞાનવર્ધક વાત છે. અખોવની જાણવા જેવો બીજો શબ્દ છે.
આ શબ્દ સંસ્કૃતમાંથી ઊતરી આવ્યો છે જેમાં અક્ષય એટલે અખંડ અને સવન એટલે પ્રસવ એ બે શબ્દ અને અર્થ યુગ્મનો સમાવેશ છે. જે સ્ત્રીનું એક પણ સંતાન ગુજરી ન ગયું હોય એવી સૌભાગ્યવતી સ્ત્રી અખોવની તરીકે ઓળખાય છે. મહાભારતની ગાંધારી યુદ્ધ પૂર્વે અનન્ય અખોવન તરીકે જાણીતી હોવી જોઈએ, કારણ કે તેના ૧૦૦ સંતાન જીવંત હતાં. વસ્ત્ર અનેક પ્રકારે બનતા હોય છે, પણ આદિ માનવ ઝાડની છાલમાંથી બનાવેલાં વસ્ત્રો પહેરતો જેને માટે એક શબ્દ છે વલ્કલ.

BREAK WORDS 

ટેલિવિઝન ન્યૂઝ ચેનલો પર સમાચાર જોવાની આદત ધરાવતા લોકો એક શબ્દ યુગ્મથી વારંવાર અને ખાસ્સા પરિચિત થતા હોય છે – BREAKING NEWS. કોઈ ઘટના કે પ્રસંગ અબી હાલ બન્યો હોય કે એની શરૂઆત થઈ હોય, ટૂંકમાં તાજી ઘટના માટે એ વપરાય છે. જોકે, ક્યારેક એવા એવા બ્રેકીંગ ન્યૂઝનું પ્રસારણ થતું હોય છે કે Take a Break – વિશ્રાંતિની જરૂર છે એમ કહેવાનું જરૂર મન થાય. બ્રેક સંબંધિત કહેવતો – રૂઢિપ્રયોગથી પરિચિત થઈએ. Break a Leg વાંચી કોઈનો ટાંટિયો તોડી નાખવાની વાત હશે એવો જો વિચાર આવ્યો હોય તો તરત કાઢી નાખજો. નસીબ તમને સાથ આપે એ એનો ભાવાર્થ છે. You have an exam tomorrow? Break a leg! કાલે પરીક્ષા છે ને? અઢળક શુભેચ્છાઓ. હવે જે પ્રયોગની વાત કરવાના છીએ એને વ્યવસાય અને નફા – નુકસાન સાથે સંબંધ છે. Break Even એટલે વ્યવસાયિક સાહસમાં નહીં નફો નહીં નુકસાનની અવસ્થા. આવક એટલી જ જાવક. પુરાંત શૂન્ય. Our company was able to break even after only six months of operation. કાર્યરત થયાના છ મહિનામાં જ અમારી કંપની આવક જાવકનો મેળ બેસાડી દેવામાં સફળ રહી. Break – in એટલે કોઈ ઈમારતમાં કે ઘરમાં જબરદસ્તી ઘૂસી જવું. The burglars broke in through the kitchen window. રસોડાની બારી વાટે ચોરટાઓ ઘરમાં ઘૂસ્યા. કોઈના કામમાં વિઘ્ન બનવું એવો પણ અર્થ છે. Reporters break in quite frequently during ministerial press conferences. પ્રધાનશ્રીની અખબારી પરિષદ દરમિયાન સંવાદદાતાઓને વાત અટકાવી સવાલ પૂછવાની આદત હોય છે. Break off/Break something up એટલે કોઈ કારણ વિના અચાનક જ વાતચીત અટકાવી દેવી, બોલવાનું સદંતર બંધ કરવું. India resumed talks with Pakistan after a long break off. લાંબા સમય પછી પાકિસ્તાન સાથે બંધ કરી દીધેલો વાતચીતનો વ્યવહાર ભારતે ફરી શરૂ કર્યો. Break out એટલે ભાગી જવું, નાસી છૂટવું. The convicts plotted to break out of prison. યોજના બનાવી ગુનેગારો જેલમાંથી પલાયન થઈ ગયા.

गुजराती प्रयोग हिंदी में

કોઈ ચોક્કસ પરિસ્થિતિ કે વાતાવરણને કારણે બનેલી ઘટના ઘણી વાર કહેવત કે રૂઢિપ્રયોગ સ્વરૂપમાં ઢળી જતી હોય છે. ઘણી વાર જરૂરિયાત ન હોવા છતાં કોઈ વસ્તુ સસ્તા દામમાં અથવા વિના મૂલ્યે મળી જતી હોય છે. એના માટે પાણીના ભાવે એવો પ્રયોગ માતૃભાષામાં વપરાય છે. પાણી તો પ્રકૃતિની દેન છે અને આભમાંથી જળ વરસે એ મૂલ્યવાન ખરું પણ એ વાપરવા કોઈ મૂલ્ય નથી ખરચવું પડતું. આ જ વાત હિન્દીમાં आंधी के आम होना સ્વરૂપે નજરે પડે છે. આ પ્રયોગ કેમ અસ્તિત્વમાં આવ્યો એ સમજવા જેવું છે. આંધી એટલે કે હવાનું તોફાન આવે ત્યારે કેરીના ઝાડ પરથી ફળ ટપોટપ નીચે પડવા લાગે છે. એમ કહી શકાય કે જરૂર ન હોવા છતાં કેરી વિપુલ માત્રામાં મળી જાય છે. कोई वस्तु का आसानी से मिल जाने पर हम कह कहते हैं कि ये तो आंधी के आम हो गए हैं जो इतनी सारी मात्रा में और आसानी व सस्ते में ही सुलभ हो जा रही है । ક્યારેક શબ્દનો અર્થ કહેવત કે રૂઢિપ્રયોગને જન્મ આપવામાં નિમિત્ત બને છે. कूपमंडूक શબ્દનો અર્થ છે કૂવામાં રહેતો દેડકો. કૂવો એ જ દેડકાની દુનિયા હોય છે એનાથી વિશેષ કોઈ વસ્તુની જાણકારી કે જ્ઞાન એને નથી હોતા. અજ્ઞાની કે અલ્પજ્ઞાની વ્યક્તિ માટે આ શબ્દ વપરાય છે. कूपमंडूक होना यह एक हिंदी मुहावरा है. કોઈ કામની આવડત કે એમાં નિપુણતા ન હોવા છતાં એ કામ પૂરું કરવું, એમાં સફળતા મેળવવી એ એનો ભાવાર્થ છે.

॥ नव्या म्हणी ॥

ટેક્નોલોજીએ માણસને આધુનિક બનાવી દીધો છે. હવે એની ભાષા પણ મોડર્ન બનતી જાય છે. આ કોલમમાં મરાઠી કહેવતો અને રૂઢિપ્રયોગના આધુનિક અવતાર આપણે જાણ્યા અને માણ્યા. આ કહેવતો ફેરફાર દેખાડી સૂક્ષ્મ કટાક્ષ પણ કરે છે. ભારતીય સમાજની એક પરંપરા રહી છે કે સ્ત્રીનાં લગ્ન થાય એટલે એ ચાંદલો કરે, સેંથીમાં સિંદૂર પૂરે અને ગળામાં મંગળસૂત્ર પહેરે. આ પ્રથા યોગ્ય – અયોગ્યની ચર્ચા અહીં અસ્થાને છે. વાત એટલી જ છે કે આધુનિક થવાના કે પછી દેખાવાના નાદમાં અનેક પરિણીત સ્ત્રીઓ હવે ચાંદલો કરવો કે મંગળસૂત્ર પહેરવાને જૂનવાણી ગણે છે. આ વાત નવી મરાઠી કહેવત  टिकली भिंतीला, मंगळसूत्र खुंटीला ! દ્વારા સુપેરે વ્યક્ત થાય છે. ચાંદલો કપાળે નહીં ભીંત પર અને મંગળસૂત્ર ગળામાં નહીં ખીંટીએ લટકે એવી પરિસ્થિતિ આવી છે. બદલાયેલા સમયની બીજી માર્મિક કહેવત છે जुने दिवस गेले, आता डे आले ! આપણી સંસ્કૃતિમાં તહેવારોના દિવસનું અનેરું મહત્ત્વ રહ્યું છે. દિવાળી પછી બેસતા વર્ષનો દિવસ અને એવા બીજા અનેક ઉત્સવના પ્રતીક English Day ઉજવણીમાં ભુલાઈ રહ્યા છે. જનનીની જોડ સખી નહીં જડે રે લોલ કવિતાથી માના સ્વરૂપની ઓળખાણ મળતી હતી. હવે Mothers Day – Fathers Day મનાવી રહ્યા છે. દિવસો ઘર બહાર થયા અને ડે ઘર કરી ગયા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ