ઉત્સવ

ભર ચોમાસે મહાલતા ભારતનાં રંગબેરંગી પક્ષીઓ અને તેમની ચોક્કસ દુનિયાનું અનોખું વિશ્ર્વ

ટ્રાવેલ સ્ટોરી -કૌશિક ઘેલાણી

સારસ અને સાંજ આ બંને મારા ખૂબ જ પ્રિય અને એમાં ઉપરથી ગમતું સ્થળ એટલે રાજસ્થાનમાં આવેલ કેઓંલાદેવ નેશનલ પાર્ક. એક સાંજે ભરતપુર નેશનલ પાર્કમાં કૅમેરા લઈને સાઈકલને પેન્ડલ માર્યા ત્યારથી મનમાં નક્કી કર્યું હતું કે સારસ સાથે સાંજને માણવી છે. લગભગ દોઢેક કલાક સુધી શોધ્યા પછી સારસ ન જડ્યા એટલે નિરાશ થઈને એ ટ્રેલ છોડી દેવાનું નક્કી કરીને પરત ફરવા લાગ્યો. લગભગ એકાદ કિલોમીટર ચાલ્યો હોઈશ કે સારસનો મનમોહક અવાજ ગૂંજ્યો અને ફરી જ્યાથી આવ્યો ત્યાં જ પરત જવા પગ ઉપાડ્યા. સારસ બેલડી બોલે એટલે જાણે એવું લાગે કે આપણને જ બોલાવે છે. ફરી અર્ધો કિલોમીટર ચાલ્યો કે દૂર એક ઝાડ નીચે સારસની જોડી દેખાઈ. એ સારસ સુધી પહોંચવા હજુ એકાદ કિ.મિ. જેટલું વગડામાં ચાલવું પડે તેમ હતું. ચાલવાનું શરૂ કર્યું અને સારસ જાણે મારી જ રાહ જોઈને ઊભા હોય એમ જ, હું પહોંચ્યો કે મન મૂકીને નાચવાનું શરૂ કર્યું અને સૂર્ય ક્ષિતિજ પર ડૂબું ડૂબું થતો હતો. સોનેરી લાઈટ, આછેરાં પ્રકાશમાં કોઈ ચિત્રની માફક દીસતા વૃક્ષોનું બેકડ્રોપ અને સારસ બેલડીનું દિલધડક પરફોર્મન્સ. આ બધું જ જાણે મારા જ માટે સર્જાયું હોય એવું અનુભવ્યું. સારસ અને સારસીનો ઉલ્લેખ સાહિત્યમાં ખાસ્સો થયો છે. સારસ અને સારસી જીવનપર્યંત એક જ જોડી બનાવે છે અને એકમેકને વફાદાર રહે છે. કોઈ એક પણ પક્ષીનું મૃત્યુ થાય તો બીજું ઝૂરી ઝૂરીને પોતાનો દેહ ત્યાગ કરે છે.

ભરતપુરની સાંજ આજે ભરપૂર જીવી અને માણી. કેટલીક ક્ષણો મેળવવા કુદરત પાસે દોડીને જવું પડે અને આજીજી કરવી પડે દોસ્ત, ખરેખર આવી ક્ષણોને દિલથી જીવવાની ઈચ્છા હશે તો પ્રકૃતિ એનું બધું જ તમારી સમક્ષ ખુલ્લું મૂકી દેશે. આવી જ સાંજ ફરીથી અમદાવાદનાં થોળ પક્ષી અભયારણ્યમાં અનુભવાઈ. એ જ રીતે સારસ અને સારસીનું એકમેકમાં ઓતપ્રોત હોય એવું દૃશ્ય અને એને કંપની આપવા માટે આવેલા હજારોની સંખ્યામાં ગ્રેટર ફ્લેમિંગોઝ એટલે આનાથી વિશેષ તો કુદરત પાસે શું માગી શકાય?

જંગલ દરેક ક્ષણે બદલતું રહે છે જેમ માણસની પ્રકૃતિ, રંગો અને સ્વભાવ બદલે છે એમ જ’ પણ જંગલનો અનુભવ હંમેશાં તરોતાજા અને હકારત્મક જ હોય છે. જંગલમાં કેટલીક વિરલ ઘટનાઓ ઘટતી હોય છે અને નસીબથી ક્યારેક આપણે એવી ઘટનાઓનાં ક્ષણભર માટે સાક્ષી બની જતા હોઈએ છીએ. કુદરત જાણે-અજાણે આપણી સમક્ષ તેનો સાક્ષાત્કાર કરતું જ હોય છે, આપણે ભૌતિક આનંદમાં ધ્યાન ન ભટકાવીએ તો. નાના બાળકોમાં એક ગજબ સ્ફૂર્તિ અને નિર્દોષતા છલકાય છે. એ પછી ભલે બાળક હોય, ગલૂડિયું હોય કે પછી કોઈ પક્ષીનું નાનકડું બચ્ચું હોય. એને જોતા જ વ્હાલનો સાગર ઊમટી પડે. ધીરે ધીરે એ બાળક એની પ્રકૃતિમાં ઢળે અને એનાં મૂળભૂત ગુનો પ્રકૃતિ જ એને પ્રદાન કરે જે એને જીવનનાં સંઘર્ષમાં મદદરૂપ નીવડે. એ દરેક જીવમાં સતત ઘટતી રહેતી કુદરતી પ્રક્રિયા છે. વડોદરા નજીક આવેલા જાબુંઘોડા પક્ષી અભયારણ્યમાં બ્લેક નેપ્ડ મોનાર્ક નામનાં પક્ષીને ચોમાસાની લિજ્જત માણતું જોયું અને વરસાદની બૂંદો સાથે સાથે હું પણ ગોઠવાયો એને એકીટશે જોવા માટે. આ ખૂબસૂરત અને નાનકડાં એવા પક્ષીની ત્વરા જોઈને હું ઘડીભર અચંબિત થઇ ગયો. મા માળો છોડે કે ફરી એ, માળામાં લપાઈ જાય, એની નિર્દોષતાને જોઈને કોણ કહી શકે કે આ જ નાજુક પંખી એક દિવસ આસમાનની ઊંચાઈએ પાંખો ફેલાવશે અને જે આજે એની મા પાસેથી મેળવે છે એ સઘળું એના બાળકોને વણકહ્યે આપશે, આ જ નિર્દોષ ચહેરો એક નવી જ દુનિયા બનાવશે…

માનવ સ્વભાવમાં પણ કંઈક એવું જ હોય છે. પ્રકૃતિ સઘળાં ગુણો અને અવગુણો એક સાથે પ્રદાન કરે છે, આપણે ક્યા ગુણોને મહત્ત્વ આપીને કોનું સિંચન વધારે કરવું એ આપણે જ નક્કી કરવાનું હોય છે. છતાં પણ વન્ય સૃષ્ટિ માનવ કરતા ઘણા દરજ્જે આગળ છે એવું હું મારા જંગલનાં અનુભવો પરથી સ્પષ્ટપણે કહી શકું. લગભગ બધા જ પંખીઓમાં આ ગુણો કુદરતી રીતે જ સિંચાયા છે જેને આપણે સ્પષ્ટપણે જોઈ અને અનુભવી શકીયે.

ધરતી અને આકાશની વચ્ચે એક સરસ મજાની જગ્યા છે. પૂર્વ સિક્કિમમાં ઓલ્ડ સિલ્ક રૂટ પર લુથૂંગ ગામ પહેલા જ આવતી જગ્યા મને બહુ જ ગમે. ગમે તેટલા વર્ષ પછી પણ જાઉં એક પથ્થર મૂકેલો છે એ ત્યાંનો ત્યાં જ હોય જ્યાંથી મને કાંચનજંઘા દેખાય
અને એક તરફ ભૂતાનના કોઈ ગામડામાં વહેતી નદીનું વહેણ અને નીચેની તરફ નાનું સરખું ઝૂલુક ગામ. હિમાલયન મોનાલ પાછળ ભાગતા ભાગતા આ જગ્યા મળી હતી. વરસાદ રોકાયો જ હતો કે સાઈકલ થોભાવીને ત્યાં પડેલા પથ્થર પર બેસીને કુદરતને મેં કહ્યું, ચાલને બે ઘડી વાતો કરીએ. જાણે કુદરત મારી વાતનો પ્રત્યક્ષ જવાબ આપતો હોય એમ વાદળો રમતા રમતા મારી આસપાસ આવી ગયા, કાંચનજંઘા વાદળોમાં સંતાઈ ગયો અને સૂરજના કિરણો પણ જાણે વાદળોને છેતરીને ધરતીને મળવા દોડી ગયા. પહાડોમાં બધાથી અલિપ્ત અને હિમાલયની ગોદમાં માના ખોળામાં સૂતા હોઈએ એટલી શાંતિથી સૂવું હોય તો આ જગ્યાથી સારી બીજી કોઈ જગ્યા ન હોય શકે. એકદમ નિર્જન છતા તમારી જાતને એકલું ન લાગે એટલા રંગબેરંગી અને સંગીતમય પંખીઓ, પ્રકૃતિનું મધુર ગાન અને ઈશ્ર્વરની હાજરીનો અનુભવ – આ સઘળું અહીં હાજર છે. અહીં હિમાલયન મોનાલ એનાં બચ્ચાઓ સાથે ગમ્મત કરતું અચૂકપણે હાજર હોય ને હોય જ.

કરોડો વર્ષોથી જમીન, આકાશ અને સમુદ્ર પર રાજ કરતા પક્ષીઓનો હું ખૂબ જ મોટો ચાહક છું. ઘર પાછળનો વાડો હોય કે ગામનું તળાવ હું પંખીઓને જોયા વિના ન રહું. કોઈને ડેટ પર પણ લઇ જવાનું થાય તો મારી પહેલી પ્રાયોરિટી કોઈ સરસ અને શાંત તળાવ જ હોઈ શકે જ્યાં પક્ષીઓનો કલરવ હોય. પંખીડાઓને આનંદ કિલ્લોલ કરતા જોવા, એમની સોશિયલ લાઈફમાંથી ઘણું બધું શીખવા મળે છે મને સતત. વર્ષોથી મનમાં એક ઈચ્છા સેવી હતી કે હિમાલયન મોનાલને હું તાજા જ બરફમાં મહાલતા જોઉં, લીલોતરી, પહાડી માર્ગો જેવી જગ્યાએ એમને હંમેશાં જોયા છે, પણ આમ બરફમાં મહાલતા જોવા માટે આ વર્ષે ચોપતાના પહાડોમાં અજાણ્યા રસ્તાઓ પર રખડ્યો અને આ મનોરમ્ય પક્ષીને ખૂબ જ નજીકથી જોઈ શક્યો. હિમાલયન મોનાલને જોઈને આંખ ભીની થયા વિના ન રહે. હિમાલયનાં ઉત્તરાખંડમાં ચોપતા વેલીની પહાડીઓમાં તાજો જ છંટકાવ થયેલો બરફ હોય અને અહીં મોનાલની જોડી અને ક્યારેક બચ્ચાંઓ કૂમળાં સૂર્યપ્રકાશમાં આંટો મારવા નીકળી પડે કે એમને એકીટશે જોવાનું મન થાય.

કુદરત, આટલા સુંદર વિહંગના વિશ્ર્વને આપ્યા પછી હવે તારી પાસે બીજી શું આશા રાખું દોસ્ત? બસ આ જ ક્ષણને જીવવા માટે હિમાલયની આકરી મુસાફરી કરું છું અને લોકોને કહેવા માટેની વાર્તાઓ માટે જીવું છું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ ઑન સ્ક્રીન ભાઈ-બહેનની જોડી ન ગમી દર્શકોને આટલા કલાકની ઊંઘ લે છે સેલેબ્સ, ચોથા નંબરના સેલેબ્સ વિશે જાણીને તો ચોંકી ઉઠશો લીલા મરચાને વરસાદમાં સ્ટોર કરવાની ટીપ્સ જાણો ઘરમાં પૈસા નથી ટકવા દેતી આ ભૂલો, તમે પણ તો નથી કરતાં ને?