સિનેમાની સફ્રર

સાહબ બાથરૂમ મેં હૈ -આશકરણ અટલ
(ભાગ બીજો)
સિનેમામાં વપરાતાં વાહનો
ભારતીય ફિલ્મોમાં અલગ અલગ સમય તેમ જ વિભિન્ન સ્થાનો પર અલગ અલગ કારણોસર ઉપયોગમાં લેવામાં આવેલાં વાહનોનો મહિમા નીચે પ્રમાણે છે-
રેલવે
રેલવે બે પ્રકારની હોય છે. એક રેલવે જે આપણા દેશમાં દોડે છે, બીજી જે ભારતીય ફિલ્મોના પડદા પર દોડતી હોય છે. બંનેના ચરિત્રમાં રાત દિવસ જેટલો ફરક હોય છે. પહેલા પ્રકારની રેલવે સમય પર ક્યારેક જ ચાલતી હોય છે, જ્યારે બીજા પ્રકારની રેલવે ક્યારેક જ મોડી પડતી હોય છે. પહેલા પ્રકારની રેલવે ગમે ત્યારે પાટા પરથી ઉતરી જતી હોય છે, પરંતુ બીજા પ્રકારની રેલવે કથાની માગણી હોય તો જ પાટા પરથી ઉતરી જાય છે.
પહેલા પ્રકારની રેલવેમાં પ્રવાસ કરવો હોય તો એને માટે એક મહિના પહેલાં રિઝર્વેશન કરાવવું પડે છે. જ્યારે બીજા પ્રકારની રેલવેમાં એટલે કે પડદા પરની રેલવેમાં નાયિકા ઘરમાંથી નારાજ થઈને તેમ જ એક ચિઠ્ઠી લખીને નીકળી જાય અને બીજી જ મિનિટે રેલવેમાં બેઠેલી જોવા મળે છે અને તે પણ બારીની જ સીટ પર.
વાસ્તવિક રેલવેમાં ભિખારી ગીતો ગાઈને ભીખ માંગે છે, જ્યારે બીજી તરફ પડદા પરની રેલવેમાં નાયક ગીતો ગાઈને નાયિકાનું દિલ માંગતો હોય છે.
રથ
રથ શુદ્ધ પૌરાણિક ફિલ્મોનું વાહન છે. આ વાહનમાં ફક્ત દેવતા સવારી કરે છે અથવા તો રાક્ષસો સવારી કરે છે. રથમાં એકથી વધુ ઘોડા જોડવામાં આવેલા હોય છે. એક ઘોડો જોડવામાં આવે તો રથમાં અને ટાંગામાં શું ફરક રહી જાય. એક ઘોડો જોડેલા રથમાં મોટામાં મોટા દેવતા કે મોટામાં મોટા દાનવને બેસાડીને જુઓ, બધા મુગટ-વુગટ બેકાર બની જશે. સીધો ટાંગાવાળો જ નજરે ચડશે.
એક પૌરાણિક ફિલ્મમાં મેં જોયું હતું કે એક દેવતાની પાસે ઉડનારો રથ હતો અને તેમાં ઘોડા પણ જોડવામાં આવ્યા હતા. જ્યારે રથ ઉડતો હતો ત્યારે ઘોડા પણ ઉડતા હતા. ત્યારે સમજાતું નહોતું કે ઘોડા ઊડી રહ્યા છે કે પછી રથ ઊડી રહ્યો છે. રથ અને ઘોડાનો સાથ ચોળી-દામન જેવો છે. ઘોડા વગર રથ તો રથ લાગે જ નહીં. નહીં તો ઉડનારા રથમાં ઘોડાની શું જરૂર? આપણા દેશમાં ખોટા ખર્ચા પહેલેથી જ થઈ રહ્યા છે. તે પછી દેવતાઓનો જમાનો રહ્યો હોય કે પછી નેતાઓનો જમાનો હોય.