આવી ગયો છે સખત ટૅલિકૉમ કાયદો બનાવટી સિમ લેવા પર અધધધ દંડ અને સજા
વિશેષ -નિધિ ભટ્ટ
ટેલિકૉમ સૅક્ટરમાં ઘણું જ પરિવર્તન આવી રહ્યું છે. છેલ્લાં કેટલાક વર્ષોમાં ડિજિટલ કૉમ્યુનિકેશનમાં ગજબનો વધારો થયો છે. નાનામાં નાની ઝૂંપડપટ્ટીમાં રહેતા અદના આદમી પાસે પણ વાઇ-ફાઇની સગવડ ધરાવતાં ફોન પહોંચી ગયા છે. નવી નવી શોધખોળો થાય, નવા નવા ઉપકરણો શોધાય ત્યારે તેના ફાયદા તો દુનિયાને થતાં હોય છે, પરંતુ ગેરલાભ ઉઠાવનારા પણ વધી જતા હોય છે. અણુશક્તિની ભાળ મળી તો તેમાંથી વીજળી ઉત્પન્ન કરવાનું સરળ બન્યું તો બીજી બાજુ એ જ અણુશક્તિનો ઉપયોગ વિનાશક અણુબૉમ્બ બનાવવામાં પણ થયો.
આ જ રીતે ડિજિટલ ક્રાંતિ થઇ તો તેનો લાભ પૂરા વિશ્ર્વને મળ્યો. સંદેશ વ્યવહાર સરળ થઇ ગયો. ફોટાઓ અને વીડિયોની આપલે પણ શક્ય બની. હવે આ જ શોધખોળનો માફિયાઓ, ભ્રષ્ટાચારીઓ અને ત્રાસવાદીઓ પણ ફાયદો પણ ઉઠાવવા લાગ્યા હતા. નકલી સિમકાર્ડ પર નકલી ધંધા થતા હતા, સાઇબર ફ્રોડે માઝા મૂકી હતી. રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ ફૂલી ફાલી હતી. ફૅક વીડિયો બનવા લાગ્યા હતા. વીડિયો મોર્ફ કરીને અનેક જાણીતી-અજાણી વ્યકિતિને બદનામ કરાતી હતી. બ્લેકમેલ કરાતી હતી. આવા સંજોગોમાં દૂરસંચાર ક્ષેત્રે વર્ષો જૂના કાયદા હતા એમાં અનેક સુધારા વધારાની જરૂર હતી. મોદી સરકારે તમામ હકીકતોને ધ્યાનમાં રાખી આખરે ડિસેમ્બર ,૨૦૨૩માં પાસ કરાવ્યો. હવે દેશભરમાં આ નવો ટેલિકૉમ્યુનિકેશન ઍક્ટ ૨૦૨૩, ૨૬ જૂનથી લાગુ થઇ ગયો છે ત્યારે આ કાયદા કેવા હશે તેની ઝલક મેળવીએ.
આ કાયદામાં ટૅક્નોલોજીના વિકાસ પર ખૂબ ભાર આપવામાં આવ્યો છે. આ કાનૂન અંતર્ગત હવે દેશનો કોઇ પણ નાગરિક પૂરા લાઇફટાઇમમાં ૯ થી વધુ સિમ કાર્ડ નહીં લઇ શકે.જમ્મુ-કાશ્મીર અને ઉત્તર-પૂર્વના રાજ્યોમાં તો ૬ સિમ કાર્ડથી વધુ કાર્ડ નહીં લઇ શકાય. સિમ વેચવા માટે બાયોમેટ્રિક ડેટા લેવામાં આવશે. અગર કોઇ વ્યક્તિ આથી વધુ સિમ વાપરતા પકડાઇ ગઇ તો ૫૦,૦૦૦થી ૨,૦૦,૦૦૦ લાખ સુધીનો દંડ ભરવો પડી શકે છે. એટલું જ નહીં કોઇ બીજાની આઇડી પરથી બનાવટ કરીને સિમ લીધા હશે તો ત્રણ વર્ષની સજા ભોગવવી પડશે. ૫ચાસ લાખ રૂપિયા સુધીનો દંડ પણ ભરવો પડી શકે. ટેલિકૉમ કંપનીઓએ પણ સરકાર દ્વારા ઓળખવામાં આવેલ વિશ્ર્વાસપાત્ર સ્રોતો પાસેથી જ તેમના ઉપકરણો ખરીદવા પડશે નવા ટેલિકૉમ કાયદામાં એટલી સખતાઇ વરતવામાં આવી છે કે સરકાર જરૂર પડે તો નેટવર્ક પણ સસ્પેન્ડ કરી શકે અને તમારા મેસેજ પણ આંતરી શકે. જોકે, રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા માન્ય પત્રકારો દ્વારા મોકલવામાં આવેલ સંદેશાઓને દેખરેખથી દૂર રાખવામાં આવ્યા છે. હા, પણ કોઇ એવા અહેવાલને કારણે દેશની સુરક્ષાને કોઇ ખતરો હોય તો પત્રકારના કૉલ અને મેસેજ પર નજર રાખી શકાય છે. આ ઉપરાંત જૂના કાયદામાં ઘણા પરિવર્તન આવ્યા છે.
સરકારે ઘણા પાવર પોતાની પાસે રાખ્યા છે. જેમ કે, કટોકટીના સમયમાં સરકાર કોઇપણ ટેલિકૉમ્યુનિકેશન સર્વિસ કે નેટવર્કને પોાતાના તાબામાં લઇ શકે છે. સરકારની મંજૂરી મળ્યા પછી ખાનગી મિલકતો પર પણ ટાવર લગાડવામાં આવશે. આ કાયદો ૧૩૮ વર્ષ જૂના ‘ભારતીય ટેલિગ્રાફ અધિનિયમ’ અને ‘ધ ઇન્ડિયન વાયરલેસ ટેલિગ્રાફ ઍક્ટ ૧૯૩૩’નું સ્થાન લેશે.
માત્ર કટોકટી જ નહિ, કોઇ યુદ્ધ જેવી પરિસ્થિતિ ઊભી થાય તો પણ કોઇ પણ ટેલિકૉમ સર્વિસ, નેટવર્ક કે મેનેજમેન્ટને પોતાના નિયંત્રણમાં લઇ શકશે. દેશના લોકોની સુરક્ષાને નજરમાં રાખી કોઇ પણ સંદેશ વ્યવહારને રોકી શકશે.
નવા ટેલિકૉમ્યુનિકેશન ઍક્ટમાં સરકારે સ્પામ (કૉમર્શિયલ)કૉલ્સની સમસ્યાને પણ ગંભીરતાથી લીધી છે. આમ પ્રજાને છેતરપિંડીથી બચાવવા હવે ટેલિકૉમ કંપનીઓએ પણ સખત પગલા લેવા પડશે. હવે કોઇ પણ ટેલિકૉમ કંપનીઓએ કોઇ પણ પ્રકારના વ્યવસાયિક પ્રમોશનલ મેસેજ મોકલતા પહેલાં યૂઝર્સને પણ વિશ્ર્વાસમાં લેવા પડશે. તેમની પરવાનગી લેવી પડશે. વપરાશકર્તાઓને ડીએનડી( ડુ નોટ ડિસ્ટર્બ)નો વિકલ્પ આપવો પડશે. તેઓ જે તે ટેલિકૉમ્યુનિકેશનને વારંવાર ખલેલ પહોંચાડતા કૉલ્સ વિશે પણ ફરિયાદ કરી શકશેે. એ ઉપરાંત ટેલિકૉમ કંપનીએ એવું ઓનલાઇન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું પડશે જ્યાં યૂઝર્સ પોતાની ફરિયાદો ઑનલાઇન રજૂ કરી શકે.
આ નવીન કાયદાથી દેશની સુરક્ષા અને લોકોની સલામતી વધે તેમ જ ભ્રષ્ટાચાર અને ડિજિટલ છેતરપિંડીનું પ્રમાણ ઘટે એવી આશા રાખવી અસ્થાને નહીં ગણાય.